લીલીછમ ડાળીની લટાર
લીલીછમ ડાળીની લટાર


નાનકડી પ્રિશાના લગ્ન બહુ નાની ઉંમરમાં જ થઈ ગયા. બાવીસ વર્ષની ઉંમરે તો તે બે બાળકોની માતા બની ગઈ. પ્રીશાની જિંદગી ચાંદ જેવી સુંદર હતી. સમીર તેને ખૂબ જ પ્રેમ કરતો. તેના ઘરમાં પણ બધા જ સુધરેલા હતા. કોઈ બાબતની રોકટોક નહોતી. પ્રિશા હજી પણ એક નાનકડી પરી જેવી જ લાગતી. કોઈ નાં કહે તે બે બાળકોની માતા હશે. તેની જિંદગી સપ્તરંગી દુનિયાથી સજ્જ હતી.
પ્રિશાનો મોટો દિકરો હજી પાંચ વર્ષનો જ હતો. ત્યારે સમીરને કમળો થઈ ગયો. તેની બેદરકારીના કારણે તેને કમળામાંથી કમળી થઇ ગઈ. સમીરનું પુરુ શરીર હળદર જેવું પીળું થઈ ગયું. ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા કે સમીર હવે નહીં બચી શકે.
પ્રિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પ્રિશાને હજી ત્રીસ વર્ષ પણ પુરા થયા નહોતા. આટલી નાની ઉંમરમાં પ્રિશા સમીર વગર કઈ રીતે જીવી શકે!
સમીર વેન્ટિલેટર ઉપર હતો. લગભગ એક અઠવાડીયું તેનો શ્વાસ ચાલ્યો. ને સમીર બચી ન શક્યો. તેના બંને દિકરાઓ હજી એ સમજવા માટે પણ સક્ષમ નહોતા કે તેના પપ્પા તેની સાથે હવે આ દુનિયામાં નથી. બસ તેઓ બંને પપ્પાને મળવાની જીદ કરતા.
રડી રડીને પ્રિશાની આંખના આંસુ હવે થીજી ગયા. તેને જિંદગીમાં હવે કોઈ રસ નહોતો રહ્યો. બસ તેની જિંદગીમાં એક જ રંગ હતો જેના સહારે તેને પૂરી જિંદગી કાઢવાની હતી. તે રંગ હતો સફેદીનો.
વેદનાથી નીકળતા આંસુ ઓ હવે સૂકા વેરાન રણ જેવા ભાસતા હતા. કે જ્યાં એક નાનકડી એવી પણ લીલીછમ ડાળી જોવા નહોતી મળતી. બસ જ્યાં નજર કરો ત્યાં ચારે બાજુ વેરાન રણ હતું. ઉનાળાના આકરા તાપમાં બપોરે એ વેરાન રણમાં પ્રિશા વેદનાથી સળગતી રહેતી. તેની પાસે એક ઝાકળનું બૂંદ પણ નહોતું, જે તેને ઠંડક આપી શકે.
સમીરનું મૃત્યુ થયા પછી તેના સાસરિયાએ પોતાનો રંગ બદલ્યો. પ્રિશા ઉપર જોહુકમી કરવા લાગ્યા. પ્રિશાની બધી જ આઝાદી છીનવી લીધી. પ્રિશાના નામે બેન્કમાં જે કંઈ પણ પૈસા હતા તે પણ બધા જ ઝડપી લીધા. ઘર પ્રોપર્ટી બધું જ હડપ કરી લીધું. અને પ્રિશાને બંને છોકરાઓ સાથે રસ્તા ઉપર લાવી ને ઊભી કરી દીધી.
પ્રિશાના મમ્મી પપ્પાએ પ્રિશાને બીજા લગ્ન કરવાનો ખૂબ જ આગ્રહ કર્યો.
"પ્રિશા બેટા આટલી નાની ઉંમરમાં તું કોઈના સાથ વગર કઈ રીતે જિંદગી કાઢીશ! અમારી વાત માની જા દિકરા. તું બીજા લગ્ન કરી લે. આ બંને છોકરાઓને તું કઈ રીતે મોટા કરીશ! બેટા તારા દિકરાને મા અને બાપ બંનેનો પ્રેમ મળવો જરૂરી છે. આવી રીતે જિંદગી નહીં નીકળે બેટા!" પ્રિશાના મમ્મી ખૂબ જ રડે છે.
"ના મમ્મી મારી જિંદગી હવે એક વેરાન રણ જેવી બની ગઈ છે. જ્યાં એક આશાનું કિરણ પણ મને દેખાતું નથી. અને તમે કહો છો કે રણમાં બગીચાનું સર્જન કરું! ના મમ્મી હવે શક્ય નથી. મારા બંને બાળકો ને હું મા અને બાપ બંનેનો પ્રેમ આપીશ. ભલે મારી જિંદગી રંગવિહીન ઉજ્જડ વેરાન રણ જેવી બની ગઈ હોય પરંતુ મારા બાળકોને તેની કમી ક્યારેય મહેસૂસ નહીં થાય." પ્રિશા પોતાના નિર્ણય પર મક્કમ છે.
નાનકડી ઢીંગલી જેવી પ્રિશાનું હાસ્ય તો જાણે વેદનાના વાદળની વચ્ચે ક્યાંક છૂપાઈ ગયું હતું! એ વેદનાનું વાદળ વરસવાનું પણ ભૂલી ગયું અને વિખેરાવા નું પણ ભૂલી ગયું. બસ એ વેદનાનું વાદળ એક જ જગ્યાએ થંભી ગયું હતું.
પ્રિશા હવે તેના મમ્મી-પપ્પા સાથે જ રહેતી. પોતાના બાળકોના ઉછેર માટે તેણે એક સારી નોકરી શોધી. લગભગ પ્રિશા પોતાના માટે તો જીવવાનું ભૂલી જ ગઈ હતી.
પ્રિશાની ઓફિસમાં આકાશ નામનો એક છોકરો કામ કરતો. ખબર નહીં પણ પ્રિશાને જ્યારથી તેણે જોઈ હતી તે પ્રિશા વિષે બધું જાણવાની કોશિષ કરતો.
આકાશ દેખાવડો અને સુશીલ છોકરો હતો. તેણે પ્રિશા વિશે બધી જ માહિતી મેળવી લીધી. આકાશ પ્રિશાને મનોમન પ્રેમ કરવા લાગ્યો. તે પ્રિશાને બધી જ બાબતે મદદ કરતો.
આકાશે મનોમન નક્કી કરી લીધું કે તે પ્રિશાની વેરાન રણ જેવી જિંદગીમાં એક ગુલાબનું ફૂલ તો ખીલવશે જ.
આકાશનો પ્રિશા માટેનો પ્રેમ જીતી ગયો. કેટલાય વર્ષો પછી પ્રિશાના ચહેરા ઉપર આજે એક નાનકડું એવું સ્મિત હતું. તેની સૂકી વેરાન રણ જેવી જિંદગીમાં એકાદી લીલીછમ ડાળીએ લટાર તો મારી લીધી. આકાશે પ્રિશાની જિંદગીમાં પ્રેમ નામના શબ્દથી હજારો રંગ પૂરી દીધા. રંગી વિહીન થઈ ગયેલી પ્રીશાની જિંદગી આજ સપ્તરંગી દુનિયાથી ચમકી ઉઠી.
સૂકી વેરાન રણ જેવી બળબળતી પ્રિશાની જિંદગીમાં આજ સપ્તરંગી દુનિયાના રંગો પુરી આકાશે લીલીછમ ડાળીઓથી સજ્જ વનરાજી રચી દીધી.