લહેરાતી લાગણીઓ
લહેરાતી લાગણીઓ
"એ કહું છું સાંભળો છો ? આજે મોટાભાઈ આવવાનાં છે. યાદ છે ને કે ભૂલી ગયા ?"
"હા, તે યાદ હોય જ ને. તું પણ કેવી વાત કરે છે. પાંચ વરસે અમેરીકાથી આવે છે, મારા મોટાભાઈ."
"તે તમે હજુ છાપામાં જ મોઢું રાખીને કેમ બેઠાં છો ?"
"તું તારે કામ બોલ ને ?"
"એ લોકો આપણે ત્યાં પંદર દિવસ રહેશે. તમે એમને ખેતર અને વાડીએ લઈ જજો. આપણી ખેતીવાડીને બધું કેવી રીતે કરીએ છીએ તે પણ કહેજો. બહુ મૂંગા ના રહેતાં."
"હા, હા હવે. તું કહેશે તો જ કરીશ. મને તો જાણે કે કંઈ ગતાગમ જ નથી પડતી એમ ને ?"
"એમ નહિ હવે. તમે પાછા ઓલા રવજીની જેમ બધું ભૂલી જાવ ને એટલે કહું છું."
"અરેરેરે.. સવાર-સવારમાં તું કોની વાત લઈને બેઠી. એ કાંઈ ભૂલી નથી જતો. રવજી અને એનાં બધાં ભાઈઓ વચ્ચે વેર પેંઠું છે. એટલે એ એનાં ભાઈઓથી બધું છૂપાવે છે."
"એ જે હોય તે. છે તો તમારા ભાઈબંધને. તમે એ રવજીનાં રવાડે ચડતા નહિ. બીજી એક વાત આટલાં વરસમાં જે કંઈ કમાયા છીએ, એમાં મોટાભાઈનો ભાગ છે તે યાદ રાખીને આપી દેજો."
એટલામાં ગામનાં ટાબરીયાંઓનો ચીચીયારી પાડતો અવાજ નજીક આવતો હોય એમ લાગ્યું. કરસનભાઈએ રસ્તા પર નજર દોડાવી. એક ગાડી ધૂળની ડમરીઓ ફેલાવતી ઘર પાસે આવીને ઊભી રહી. જીન્સ પેન્ટ--ટીશર્ટમાં તેમનાં મોટાભાઈ, તેમની સાથે ભાભી પંજાબી સૂટમાં શોભતાં, હાથમાં સરસ મજાની હેન્ડબેગ લઈને ગાડીમાંથી ઉતર્યાં. બન્નેની આંખોને ઢાંકતાં બ્લેક ગોગલ્સની ભવ્યતા અને તેમની સૂટકેસો જોઈને ભારતની બહારથી આવેલાં હોય એમ સ્પષ્ટ દેખાતું હતું. મોટોભાઈનો દેખાવ જોઈને કરસનભાઈએ તેમનું ધોતિયું જરાક સંકેલ્યું.
બન્ને કુટુંબોમાં ઘણાં વરસે મળ્યાંનો આનંદ છલકાતો હતો. ભાઈ-ભાભીને મીઠો આવકાર આપીને ઘરમાં લઈ ગયાં. ખાટલાં ઢાળ્યાં ને જાત-જાતનું જમણ પીરસાયું. અમુક વસ્તુઓ તો ખાસ, મોટાભાઈને ભાવતી બનાવેલી. અલક-મલકની વાતો કરતાં-કરતાં બધાં જમીને ઊભાં થયાં.
બીજા દિવસે કરસનભાઈ મોટાભાઈને ટ્રેક્ટરમાં બેસાડી ખેતરે લઈ ગયાં. કરસનભાઈએ વાત-વાતમાં પાંચ વરસમાં કેટલી જાતની ખેતી કરીથી માંડીને કેટલાં પાકમાં કેટલું કમાયા સુધીનો હિસાબ આપી દીધો. આઠમાંથી ચાલીસ વીગા જમીન કેવી રીતે થઈ તેનો ચિતાર પણ આપી દીધો.
છેલ્લે કરસનભાઈ બોલ્યાં, "જુઓ મોટાભાઈ આ પાંચ વરસમાં આપણને જેટલો પણ નફો થયો એનાં અડધા રુપિયાની મેં એફ.ડી કરાવી દીધી છે. જેનાં પર ફક્ત તમારો હક્ક છે."
"ના, ના, નાનકા એ બધું તારી મહેનતનું ફળ છે ને ફક્ત તારું જ છે."
"મોટાભાઈ, આપણાં બાપુજીની આઠ વીગા જમીન હતી તે યાદ છે ને ? વળી, અમે રહીએ છીએ એ ઘર પણ આપણાં બાપુજીનું જ છે ને ? એટલે એમાં પણ તમારો ભાગ તો છે જ."
"એમ, તો પછી આમારે હજુ ઘણો બધો ભાગ લેવાનો બાકી છે. જે તમે અમારી ગેર હાજરીમાં વાપર્યો છે."
"ભાભી તમે ?"
"હા, કરસનભાઈ, આ ખુલ્લી હવા, આંખોને ઠંડક આપતાં આ લહેરાતા પાકનો લીલો અનુભવ, આપણાં ખેતરમાં ને વાડીમાં થતાં ઓર્ગેનીક શાકભાજી ને મીઠાં-મીઠાં ફળ, આ કૂવાનું મીઠું પાણી, એ સિવાયનું ઘણું બધું. જેનું લીસ્ટ તમને હું નિરાંતે આપીશ."
"મતલબ ભાભી, હું કાંઈ સમજ્યો નહિ."
"મતલબ એમ કરસન કે, હું અને તારા ભાભી અમેરીકા ગયાં એ તારા લીધે જ. બાપુજી મને ખેતી કરાવવા માંગતા હતા. તેથી તું મારા ભાગનું કામ કરી લેતો અને મને ભણવા દેતો. હું અહીં આ જ ઝાડ નીચે બેસીને ભણતો. તું ખેતરનાં શેઢે એક માણસ ઊભો રાખતો. બાપુજી આવે એટલે એ દોડતો આવીને તને કહી જતો, ને તું મને બૂમ પાડીને તારી સાથે લઈ જતો અને હું કામે વળગી જતો. ભાઈ, તે મારા માટે જે કર્યું છે એ બીજું કોઈ ના કરી શકે."
"બસ, બસ, મોટાભાઈ તમે મારા બહુ વખાણ કર્યાં. એમ તો તમે પણ મારું હોમવર્ક કરી લેતાં. કેમ કે, તમને ભણવું બહુ ગમતું. વળી, તમે તો ભણવામાં બહુ હોંશિયાર હતા."
"હું બહુ ખુશનસીબ છું નાનકા. એક મોટાભાઈએ જે કરવાનું હોય તે નાનાભાઈએ કર્યું. મારે તને કંઈક આપવું છે. એ તારો ભાગ નહિ પણ મારી ફરજ અને તારો હક જ સમજજે. મારે કોઈ દીકરી તો છે નહિ, હું કન્યાદાન તો નહિ કરી શકું. આ લે, પાંચ લાખનો ચેક. તારી દીકરીનાં નામે એફ.ડી કરી દેજે. તેનાં કરીયાવર માટે." ભાવુક બનેલાં મોટાભાઈ નાનાભાઈ કરસનને ભેટતાં બોલી ઊઠ્યાં.
"ચાલો, હવે તમારાં બધાનું એકબીજાનાં વખાણ કરવાનું પત્યું હોય તો આપણે જમી લઈએ." ભાભી સાથે આવેલી કરસનની પત્ની જે ક્યારની આ બધાંની વાતો સાંભળી રહી હતી તે બોલી.
"હા, હોં કરસન ભૂખ તો બહુ જ લાગી છે. ચાલો, જમી લઈએ." મોટાભાઈએ પેટ પર હાથ ફેરવતાં કરસનને કહ્યું.
આંબાનાં ઝાડ નીચે બેસીને એક પરિવારની લહેરાતી લાગણીઓનો મૂક સાક્ષી બની રહેલો ખેતરનો પાક ઠંડા પવનની લહેરખીથી લહેરાઈ રહ્યો.