Mariyam Dhupli

Inspirational Others

4  

Mariyam Dhupli

Inspirational Others

લગ્ન વિનાનો બાપ

લગ્ન વિનાનો બાપ

5 mins
6.5K


લગ્નના વિશાળ મંડપમાં સંગીતની ધૂમ ચારે ખૂણાઓમાં મચી હતી. વૈભવશાળી જાજરમાન મહેમાનો રાજાશાહી મહેમાનગતિ માણી રહ્યા હતા. શહેરના જાણીતા ઉદ્યોગપતિના એકના એક દીકરાના લગ્ન હતા એ વાતનો પુરાવો મંડપથી લઇ જમણ સુધી, સંગીતથી લઇ મીડિયા કેમેરા સુધી દરેક પાસાઓમાં સહેલાઈથી મળી રહ્યો હતો.

આ વૈભવશાળી લગ્નસમારંભ વચ્ચે અભિષેકનું પરિવાર અને એના સગાસંબંધીઓ એના લગ્ન માટે યોગ્ય કન્યા શોધવામાં આનંદસભર વ્યસ્ત હતા. પરિવારની વચ્ચે ગોઠવાયેલા યુવાન અભિષેકની નજર ક્યારેક શરમથી ઢળી રહી હતી તો ક્યારેક ચોરીછૂપે યાદીમાં સમાવેશ પામી રહેલી કન્યાઓને આડકતરી રીતે નિહાળી રહી હતી.

"અરે, આ જાંબલી સાડીમાં સામે ઊભી છે એ કેટલી સુંદર લાગે છે ને?"

"ભાભી એ તો માધવભાઈની દીકરી છે. બે મહિના પહેલા જ એની સગાઈ થઇ ગઈ. "

"અરે!" અભિષેકની માતાના મોઢેથી હળવો નિસાસો સરી આવ્યો.

"પણ આપ જીવ શેનું બાળો છો? આપણા અભિષેક માટે તો યુવતીઓની લાંબી કતાર લાગશે...જોજોને ..." અભિષેકની ફોઈ ગર્વથી આશ્વાસન આપી રહ્યા.

"હા, તદ્દન સાચું. આપણો અભિષેક દિલ્હી સ્થાયી છે. આટલા ઊંચા આંકડાવાળી નોકરી. દિલ્હી જેવા શહેરમાં પોતાનું ફ્લેટ. આટલો દેખાવડો અને સંસ્કારી! એને મેળવવા તો છોકરીઓ જાતે પડાપડી કરશે ..." અભિષેકની કાકીએ પણ પોતાની હામી હસતા ચેહરે પુરાવી.

અભિષેકના ગાલ ઉપર શરમની લાલિમા છવાઈ ગઈ. વડીલોની વાતોથી મનમાં લગ્ન અંગેની જીજ્ઞાશા સ્વપ્નોના રોમાંચક મેઘધનુષ રચી રહી.

"પણ યામિનીબેન અને દિનેશભાઈની મહેનત પણ કાંઈ ઓછી હતી. અભિષેકના શાળાથી લઇ યુનિવર્સીટી અભ્યાસ સુધી બન્નેએ ઓછો પરસેવો વહાવ્યો? ગુજરાતથી દિલ્હીમાં ઉચ્ચ અભ્યાસ અને પછી સ્થાયી નોકરી અને ફ્લેટ. આ બધા પાછળ એમણે પુત્રના ચરિત્ર ઉછેર અને વ્યવસાયિક કારકિર્દી પાછળ પોતાનું લોહીજ વહાવ્યું છે." મિત્રની પ્રશંસાયુક્ત ટિપ્પણીથી અભિષેકના માતાપિતાના ચ્હેરાઓ ગર્વથી ચમકી રહ્યા.

"આ દુલ્હનની ડાબી પડખે ક્રીમ ગાઉનમાં કોણ છે ?"

"એ તો આપણા હંસલભાઈ ખરાને એમની પૌત્રી છે. પણ અહીં વાત જામે એમ નથી. યુવતીના માતાપિતા કોઈ એન આર આઈ મુરતિયો શોધી રહ્યા છે."

"અને કામિની જેના જોડે વાત કરી રહી છે એ ?"

"એ પ્રવીણ શાસ્ત્રીના દૂરના સંબંધીની દીકરી છે. પણ એ પરિવાર જરા ગામડે તરફનું. આપણને બહુ ફાવટ ન આવે."

ચર્ચાવિચારણા, મંતવ્યોની આપ - લે, પ્રશ્નો - ઉત્તરો, નિરીક્ષણ યથાવત હતા. અચાનક અભિષેકની દ્રષ્ટિ વિહ્વળ થઇ ઉઠ. એકજ દિશામાં વિસ્મયથી તકાયેલી એની આંખો કશું ઊંડું સંશોધન કરી રહી. એનો ચ્હેરો ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ ફરતા દ્રશ્યની સ્પષ્ટતા ઝંખી રહ્યો. અંતરના અવરોધથી સંશોધનને પણ પ્રત્યક્ષ અવરોધ નડી રહ્યો. એ અવરોધને હડસેલવા પોતાની બેઠક ત્યજી એ સંશોધનની દિશામાં ધીમે પગલે આગળ વધી રહ્યો. વડીલો અને પરિવારના સભ્યો અભિષેકની ધૂની આંખોની ઝીણવટથી નોંધ લઇ રહ્યા. આમ અચાનક ઉભો થઇ એક પણ શબ્દ કહ્યા વિના એ ત્વરાથી કઈ દિશામાં આગળ વધી રહ્યો હતો, બધાની નજર એકીસાથે એજ દિશામાં જડાઈ ચુકી.

સામેની દિશામાં ઘણી બધી યુવતીઓ વચ્ચે ઉભી ગુલાબી સાડીમાં સજ્જ યુવતીની પાછળ એ જઈ ગોઠવાયો. ખુબજ હળવા સ્વરે શબ્દો બહાર નીકળ્યા.

"અવંતિકા?"

યુવતી પાછળ ફરી અને થોડી ક્ષણો માટે બે જુના પરિચિત ચ્હેરાઓ એકબીજામાં ડૂબી રહ્યા. અભિષેકની નજર યુવતીની નજરમાં ઊંડી ઉતરી. એજ સુંદર ચ્હેરો, એજ આકર્ષક વ્યક્તિત્વ, એજ સુંવાળું શરીર, એજ આંખોની મદિરા. યુવતીની આંખોમાં પ્રતિબિંબિત અભિષેકનો ચ્હેરો એને ઘણા વર્ષો પાછળ ભૂતકાળની ક્ષણ ઉપર ખેંચી લાવ્યો.

"દિલ્હી આમ અચાનક?"

"હા, પપ્પાએ નિર્ણય લીધો છે. એડમિશનની પ્રક્રિયા પણ એમણે જાતેજ કરાવી છે."

"ફરી ક્યારે આવીશ?"

"સાચું કહું તો હું પણ નથી જાણતો. ઇટ્સ રીઅલી અનપ્રિડિક્ટેબલ."

"તો હવે ....."

"લાગે છે આપણો સાથ અહીં સુધીજ હતો. આમ રિયલી સોરી અવંતિકા ..."

"ઓહ બ્રેકઅપ. ધેટઝ વોટ યુ મીન, રાઈટ?"

"અવંતિકા આ'મ જસ્ટ બીઇંગ પ્રેક્ટિકલ. આપણા રસ્તા જુદા છે ને હજી આપણે ફાઇનાન્સિયલી ઈન્ડિપેન્ડન્ટ પણ નથી. આ'મ રિયલી સોરી."

"ડોન્ટ બી અભિષેક. સંબંધ હૃદયથી હોવો જોઈએ. પ્રેમને ભાર જેમ ઊંચકી ન ફરાય. હું મારા જીવનમાં જે પણ સંબંધને જગ્યા આપીશ એ સંપૂર્ણ ગર્વથી આપીશ."

"અવંતિકા સાંભળ તો. ક્યાં જાય છે? થોભ તો જરા. તને કોઈ જરૂરી વાત કરવી હતી ને?"

"લેટ ઈટ બી અભિષેક. ગુડ બાય એન્ડ ઓલ ઘી બેસ્ટ."

"મમ્મી, મમ્મી અહીં તો આવ ...." અચાનક નાનકડા હાથ અવંતિકાને વર્તમાનમાં પરત કરી અભિષેકથી દૂર લઇ ગયા.

'મમ્મી' શબ્દ સાંભળતાજ અભિષેક પણ વર્તમાનની વાસ્તવિકતાથી ભાનમાં આવ્યો. એક મીઠા પસ્તાવાથી દોરાતું હાસ્ય ચ્હેરા પર ફરી વળ્યું.

થોડાજ સમયમાં એ ફરીથી પોતાના પરિવાર અને સગાસંબંધીઓ વચ્ચે આવી ગોઠવાયો."

"સુંદર, અતિ સુંદર. કોણ છે?" અભિષેકની માતાનું હ્નદય દૂરથી નિહાળેલ દ્રશ્યથી ઉત્સાહિત થઇ ઉઠ્યું.

"ઓલ્ડ ફ્રેન્ડ. બટ ઇટ્સ ટુ લેટ મોમ. શી ઇઝ મેરિડ." અભિષેકના ઉત્તરથી માતૃહૃદય ઉદાસ થઇ ઉઠ્યું.

"નહીં, એના લગ્ન નથી થયા. "

પોતાની ફોઈને થયેલી ગેરસમજણ દૂર કરવા અભિષેકે પ્રયત્ન કર્યો.

"પણ ફોઈ એને એક દીકરો ...."

ફોઈના ચ્હેરા ઉપરના હાવભાવોમાં તિરસ્કાર અને ઘૃણા છલકાઇ ઉઠ્યા.

"સોરી અભિષેક. પણ તારી આ મિત્રનું ચરિત્ર ...."

ફોઈના અધૂરા છૂટેલા વાક્યથી પરિવારની દરેક નજર આશ્ચર્યથી સ્તબ્ધ બની.

"લગ્ન વિનાની મા ....."

ફક્ત આટલાંજ શબ્દો પૂરતા હતા. થોડાજ સમય પહેલા પ્રેમ અને હેતથી ભરેલી દરેક નજર ચીઢ અને અણગમો દર્શાવી રહી. અભિષેકની માતાનો હાથ ચ્હેરા ઉપર વિસ્મયથી આવી પડ્યો. પિતાની આંખો શરમનો નિસાસો નાખી રહી.

વાતનો વિષય શીઘ્ર બદલાયો. સુશીલ અને સંસ્કારી યુવતીની ખોજ સહ હર્ષ આગળ વધી.

પરિવાર અને સમાજ વચ્ચે ઉચ્ચ ચરિત્રનું પ્રમાણપત્ર થામી બેઠેલા અભિષેકની ભયભીત આંખો દૂરથીજ અવંતિકાના બાળકમાં પોતાના ચહેરાનો આકાર શોધી રહી પરંતુ મનમાં એક મોટા હાશકારા જોડે,

'હાશ, સમાજમાં લગ્ન વિનાનો બાપ એવો શબ્દ પ્રયોજાતોજ નથી.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational