Bhavna Bhatt

Others Inspirational

5.0  

Bhavna Bhatt

Others Inspirational

લાલ બુલેટ રાજા

લાલ બુલેટ રાજા

2 mins
542


ઓગણીસો એસીના દાયકાની આ વાત છે. પ્રવીણનો વટ જ કંઈક અલગ હતો. લાંબા વાળ રાખવાના અને કપાળે રૂમાલ બાંધી રાખે. બાપને ધંધો હતો, તો મોજ મજા કરવી અને મોજ શોખ કરવા એ જ કામ. ઘરમાં પ્રવીણ મોટો હતો પછી એક બેન અને ભાઈ હતો. પિતાજી ધંધો સંભાળવામાં વ્યસ્ત અને માતા પરિવાર સંભાળવામાં વ્યસ્ત એટલે પ્રવીણ મનમોજી અને જિદ્દી બની ગયો હતો. પરાણે નવ ચોપડી ભણ્યો. બસ આખો દિવસ લાલ બુલેટ લઈ ફરવું અને દાદાગીરી કરવી. ચોપાટા બજારમાં બેસી રહેવું અને પાન, પડીકી અને સિગરેટ ફુકવી અને લુખ્ખાગીરી કરવી.


ધીમે ધીમે સોપારી (રૂપિયાથી કામ કરવું એ) લેવાની ચાલુ કરી અને ચોપાટા બજારમાં પ્રવિણના નામની ધાક રહેવા લાગી. રોજ બુલેટ લઈ આવતો હોવાથી ચોપાટા બજારમાં રહેતી લીના પ્રવિણને પસંદ કરવા લાગી. જેવો બુલેટનો અવાજ આવે એટલે લીના દોડીને પ્રવિણને જોવા બહાર આવે. થોડા દિવસો પછી પ્રવિણને ખબર પડી કે લીના એને પસંદ કરે છે અને જોવા રોજ આવે છે. ઘરમાં મા-બાપ ને ખબર પડતાં લીનાને સમજાવી કે આવા માણસ સાથે જિંદગી કેમ વિતાવીશ અને એના દુશ્મનો પણ બહુ છે. તો એની જિંદગીનો શો ભરોસો. આમ રાતોરાત લીનાને એના મોસાળ મામાના ઘરે મોકલી દીધી જેથી પ્રવિણ કોઈ હોબાળો ના મચાવે. અને મામાના ઘરેથી જ લીનાને પરણાવી દીધી.


સમય જતા પ્રવિણને ખબર પડી કે લીનાના લગ્ન કરી દેવામાં આવ્યા છે. પ્રવિણ પછી તો દારૂ, જુગાર અને સટ્ટાબાજીમાં ઉતરી ગયો. પ્રવિણના માતા પિતાએ એને સુધારવા પરણાવી દેવો એવું નક્કી કર્યું અને છોકરીઓ જોવાની ચાલુ કરી અને એક નાના ગામડાંની નાતની છોકરી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની પહેલી રાતે જ પ્રવિણ દારૂ પીને આવ્યો અને અંજુને મારી. અંજુ ગામડાની હતી અને બીજા ભાઈ બહેન પરણાવાના હતા તો એ ચૂપ રહી ને સહન કરતી રહી. અંજુ રોજ પ્રવિણને સમજાવતી કે આ બધું છોડીને સારા માણસ બનો અને માતા પિતા અને પરિવારની જવાબદારી સંભાળો.


આમ સમય વિતતા પ્રવિણ બે સંતાનોનો બાપ બન્યો. બેનને પરણાવી સાસરે મોકલી અને નાના ભાઈની વહુ ઘરમાં આવી એટલે પણ પ્રવિણ થોડો સુધર્યો. ધીમે ધીમે પ્રવિણે દારૂ, જુગાર, અને વ્યસનો ત્યજયાં અને ધંધો સંભાળી લીધો. આમ અંજુના પ્રેમ અને સમજાવટથી વાલીયા લુટારામાંથી વાલ્મીકિ બની ગયો. એક સજજન માણસ બની જિંદગી જીવવા લાગ્યો. પોતાના પરિવારની ખુશી માટે પ્રવિણે લાલ બુલેટ વેચીને સ્કુટર વસાવ્યું અને આજે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છે.


Rate this content
Log in