Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

લાઇસેંસ

લાઇસેંસ

6 mins
14.4K


વાસણ ધોવામાં વ્યસ્ત જમનાએ એક નજર પાછળ કરી. સોફા ઉપર ગોઠવાયેલી વૃંદાની પીઠને તાકી ફરીથી વાસણ ધોવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સોફા ઉપર ગોઠવાયેલી વૃંદા પોતાના લેપટોપમાં ઓફિસની ફાઈલના ફોલ્ડર એક પછી એક ચકાસી રહી હતી. રવિવારના દિવસે જ તો જમનાને માલકીન જોડે વાતો કરવાનો અવસર મળતો . નહીંતર આખું અઠવાડિયું વૃંદા મેડમતો કામમાં ગળાડુબ વ્યસ્ત હોય. વાસણ માંજતા હાથ જોડે ગળું ખંખેરી જમનાએ દર રવિવાર જેમ પોતાનો રેડિયો શરૂ કર્યો.

"ગઈ કાલે ફરીથી કિટ્ટી પાર્ટી હતી શ્રીમતી દાસને ત્યાં ...."

પોતાનો અણગમો અને ધુત્કાર જમનાએ શબ્દોના કટાક્ષમાં ઉતાર્યો.

" જમના કેટલી વાર તને કહ્યું મને ન તો શ્રીમતી દાસમાં, ન તો એમની કિટ્ટી પાર્ટીમાં, ન તો એમની વાતોમાં કોઈ રસ છે. અન્યના ઘરની વાતો મારા ઘરમાં થાય એ મને સહેજે પસંદ નથી."

વૃંદા મેડમના કડક શબ્દો પીઠ પાછળથી જ જમનાના કાન પર ચેતવણી સ્વરૂપે પડ્યા. પણ આવી ચેતવણીઓ જમનાએ હજાર વાર વૃંદા મેડમના મોઢે સાંભળી હતી. એ ચેતવણીઓ જમના પર કોઈ અસર ઉપજાવી શકે એની કોઈ શક્યતા જ ન હતી, એતો વૃંદા મેડમ પણ સારી રીતે જાણતા હતા.

વાસણ ધોવાની પ્રવૃત્તિ યથાવત રાખતી જમનાએ પોતાનો રેડિયો વધુ ઊંચા અવાજ પર ગોઠવ્યો.

"તમને રસ નથી પણ શ્રીમતી દાસને તો જાણે તમારા જીવન સિવાય કશામાં જ રસ નથી. સોસાયટીની બધી સ્ત્રીઓ આગળ તમારી

નિંદા કરવામાં એમને અનેરો આનંદ મળે છે. ગઈ કાલે બધાને કહેતા હતા કે સ્ત્રી જાતને આમ એકલા રહેવું શોભતું હોય ? પોતાની બાને મુંબઈથી બોલાવી લેતી હોય તો ? પતિના મૃત્યુ પછી આમ અજાણ્યા શહેરમાં એકલા રહી નોકરી કરવાની જગ્યાએ ઘર-સંપત્તિ વેચીને પોતાના પરિવાર પાસે ન જતા રહેવાય ? એની બાએ પણતો એના બીજા લગ્ન અંગે વિચારવું જોઈએ કે નહીં ?લે વળી, તમારું જીવન અને નિર્ણય એમના, વાહ." તેને આગળ ચલાવ્યું.

"સાહેબને તમે લગ્ન પછી આ શહેરમાં આવી વસ્યા. કેટલી મહેનત અને ધગશથી તમે તમારી નોકરીમાં એક પછી એક સફળતાઓ મેળવી છે . સાહેબને તો તમારા પર કેટલો ગર્વ હતો. એતો માનવીજ જુદા હતા. તમને કેટલો પ્રેમ કરતા હતા,કેટલી કાળજી રાખતા હતા તમારી. એમના અકસ્માત પછી મને શું બધાને એમજ હતું કે તમારું જીવન વેરવિખેર થઇ જશે. તમે અંદરથી તૂટી પડશો. પણ નહીં ... તમેતો પહેલાથી પણ વધુ મજબુત બની ગયા. મારી મેડમ જેવી બહાદુર સ્ત્રી કોઈ વિશ્વમાં હશે ? સાહેબનો પ્રેમ તમારા જીવનની તાકાત છે, કમજોરી નહીં. સાહેબ સિવાય તમારા જીવનમાં અન્ય કોઈનું સ્થાન બની શકેજ ક્યાંથી ?

તમારી બા તો વારંવાર તમને બોલાવે છે નહીંતર તમારી જોડે આવી વસવાની વાત કરે છે. પણ તમે જ તો ના પાડો છો. તમારા ભાઈ, ભાભી અને એમના નવજાત શિશુને એમની વધારે જરૂર છે એટલા માટે. આ બધી વાતો શ્રીમતી વ્યાસ ક્યાંથી જાણતા હોય ? ને એમને કારણો જાણવાજ ક્યાં છે ? એમનેતો ફક્ત પોતાની કિટ્ટી પાર્ટી માટે રસપ્રદ વાતો જોઈતી હોય. પછી ભલેને એ વાતોથી અન્યની ભાવનાઓ ઘવાતી હોય કે લાગણીઓને ઠેસ પહોંચતી હોય . એમને શું ?

બધાને જાસુસની માફક અહેવાલ રજૂ કરવામાં એમને કેવો આનંદ મળે છે ! વૃંદાને ત્યાંતો કેટલા પુરુષોની અવરજવર. એકલી સ્ત્રીજાતને એ શોભે ?"

"કેમ ન શોભે ? સાહેબ જીવતા હતા ત્યારે તો બધુજ શોભતું હતું ! હવે સાહેબ નથી એટલે યોગ્ય અયોગ્ય બની ગયું ? ગેસનો બાટલો આપવા માટે, બગડેલા યંત્રો બનાવવા માટે, વિજળીના અને અન્ય બિલ આપવા માટે, કરિયાણું પહોંચાડવા માટે, દીવાલો રંગવા માટે પુરુષો આ ઘરમાં આવે તો એને આપના ચરિત્ર જોડે શી લેવા દેવા ? અને આ બધા કામકાજ જો સ્ત્રી એ શરૂ કર્યાને તો એમાં પણ એ લોકોજ સૌથી પહેલા ઓહાપો મચાવશે !

"આખી દુનિયા સામે 'મોડર્ન' બની આધુનિક હોવાનો ઢોંગ તો જોવા જેવો. પણ એતો ફક્ત શરીર પર લાદેલા વસ્ત્રોથીજ ને ! બાકી ૨૧મી સદીમાં પણ સીતાને અગ્નિપરીક્ષા માટે વિવશ કરે એ કેવા આધુનિક ?"

"શ્રીમતી દાસ ને તો તમે જ્યાં સુધી ઘરે ન પહોંચોને ત્યાં સુધી ઊંઘજ ન આવે . તમે કયા દિવસે, કેટલા વાગે, કોની જોડે ઘરે પહોંચ્યા હતા ? ગાડીમાં કોણ છોડવા આવ્યું હતું ? છોડવા આવનારે કયા રંગના વસ્ત્રો પહેર્યા હતા ? બધુજ એમને યાદ હોય. કદાચ પોતાના પતિએ આખું અઠવાડિયું શું પહેર્યું હતું એ યાદ પણ ન હશે. હા,પણ તમે શું પહેરો છો, શા માટે પહેરો છો એ અંગે કેટલા બધા પશ્નો !"

વૃંદા વિધવા થઇ લાલ બંગડીઓ પહેરે છે ? સેંથામાં સિંદૂર પુરે છે ?ગળામાં મંગળસૂત્ર લટકાવી ફરે છે ? સાહેબની દરેક ભેટને આપ આજે પણ કેટલી ચાહતથી સંભાળીને સાચવો છો. એમાં ખોટું શું ? સાહેબના જતા રહેવાથી એમની યાદો, એમની નિશાનીઓનો નાશ શા માટે ? સાહેબના અવસાન પછી આપે ન સુહાગની બંગડીઓ તોડવા દીધી ન તો ખુદને. એમના પ્રેમને આજે પણ તમે સેંથામાં સિંદૂર બનાવી શણગારો છો અને ગળામાં મંગળસૂત્ર જોડે એમને હૃદયની નજીક લઇ ચાલો છો. એમાં ધર્મનું અપમાન ક્યાંથી ? પ્રેમ જ તો સૌ ધર્મનો પાયો છે. સાહેબ આપને આજે પણ કશેથી નિહાળતા હશે તો એ ખુબજ ખુશ હશે. સફેદ વસ્ત્રોમાં,જીવનનો ત્યાગ કરી ઘરના એક ખૂણે હૃદયમાં મૃત પડી રહેવાની જગ્યાએ તમે સાહેબના પ્રેમની પવિત્રતામાં રંગાઈ ખુશી ખુશી જીવો છો."

પણ વૃંદા મેડમ કોઈએ સાચુજ કહ્યું છે,' જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.'

"શ્રીમતી દાસ જેવા માનવીઓ આ પ્રેમનું ઊંડાણ ક્યારેય ન સમજી શકે. એમના હૃદય જેટલા સંકુચિત છે એટલાજ એમના મગજ પણ"

વાસણ ધોવાય ગયા. સ્ટેન્ડ ઉપરથી નેપકીન લઇ હાથ લૂંછી જમના પાછળ ફરી. વૃંદા મેડમ પર નજર મંડાઈ અને એ ચોંકી. અંતિમ ત્રીસ મિનિટથી રેડિયો સમું ગાજેલું વક્તવ્ય વૃંદા મેડમના કાન પર પડ્યુંજ ન હતું. પોતાના માથા પર હેડફોન ગોઠવી સંગીતની મજા માણતા- માણતા વૃંદા પોતાના લેપટોપમાં ઓફિસના કાર્યની સગવડમાં ડૂબેલી હતી.

ગુસ્સામાં લાલ જમનાએ મેડમના માથા પરથી હેડફોન હળવેથી ઉતાર્યા. એનો રીસાયેલો સ્વર આખરે વૃંદાના કાન પર પડ્યો.

"હું જાઉં છું."

વૃંદાના ચ્હેરા ઉપર વ્યંગ યુક્ત હાસ્ય ઉભરાઈ ગયું.

આંખોના ઈશારે વૃંદાએ સામેની અલમારીના ડ્રોવર તરફ સંકેત કર્યો. દર રવિવારની જેમ મેડમ તરફથી મળેલા પોતાના ગમતા 'ડાર્ક ફેન્ટસી ' બિસ્કિટ ડ્રોવરમાંથી ઉઠાવી જમના આખરે ગઈ.

લેપટોપના કાર્યોમાંથી એક નાનકડો વિશ્રામ લઇ વૃંદાએ સ્વચ્છ રસોડામાં એક ગરમાગરમ કોફી તૈયાર કરી. ઘડિયાળમાં ૧૦:૩૦નો સમય થયો હતો. કોફીનો મગ હાથમાં થામીએ રસોડાની બારી પર આવી ઉભી. પરદો એક તરફથી ધીમેથી સરકાવ્યો.

સામેના આલીશાન મકાનની બાલ્કનીમાં ઉભા શ્રીમતી દાસ નિયમિત ક્રમ અનુસાર પોતાના લાંબા વાળને હાથ વડે પંપાળી રહ્યા હતા. ચ્હેરા પર લજ્જાની લાલી જમી ચુકી હતી. આંખો શરમથી ઢળી પડતી હતી અને ફરીથી ઉપર ઉઠતી વેળા એ આંખોમાં તીવ્ર ચમક વ્યાપી રહી હતી. એમના પતિ મકાનની વિરુદ્ધ દિશાની બાલ્કનીમાં પોતાના અતીમોંઘા નાઈટ ગાઉનમાં સમાચાર પત્ર વાંચવામાં હંમેશાની જેમ વ્યસ્ત હતા.

કોફીના મગમાંથી ગરમ કોફીની ચુસ્કી લઇ વૃંદા એ પરદો ફરીથી સરકાવી, અન્ય તરફથી સહેજ ઉઘાડ્યો. શ્રીમતી દાસના મકાનની સામેની દિશામાં ઉભા એપાર્ટમેન્ટના ત્રીજામાળના ફ્લેટ નંબર ૧૫ની બાલ્કની પરથી શ્રીમાન શાહ નિયત ક્રમ અનુસાર પોતાની નજર શ્રીમતી દાસ પર કેન્દ્રિત કરતા હાસ્યની મૌન અદલાબદલી કરી રહ્યા હતા. આ સમયે એમની પત્નીતો મંદિરે પૂજા-આરતી કરવા ગઈ હોય.

દર રવિવારનું એ નિયમિત દ્રશ્ય વૃંદાના ચ્હેરા પર રમૂજ હાસ્ય ઉપજાવી રહ્યું.

' જોજમના આ દ્રશ્ય જોઈ જાય તો ?'

કોફીની ગરમ ચુસ્કીથી વૃંદાના વિચારો એ તર્કનો સ્પર્શ કર્યો.

'તો શું થાય ? જમનાનાં વિચારવાથી કે કઈ કહેવાથી કોઈ ફેર પડવાનો ખરો ? શ્રીમતી દાસ પાસેતો પતિ નામનું 'લાઇસેંસ' ખરુંને....'

પરદો ફરીથી સરકાવી, પોતાની કોફીનો ખાલી મગ રસોડામાં મૂકી, વૃંદાએ પોતાના હેડફોન કાનપર ગોઠવ્યા અને સંગીતની મજા માણતા-માણતા લેપટોપમાં પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું..


Rate this content
Log in

Similar gujarati story from Inspirational