Nisha Patel

Tragedy

4.7  

Nisha Patel

Tragedy

લાઇબ્રેરી મારી દુનિયા

લાઇબ્રેરી મારી દુનિયા

6 mins
325


નાની હતી ત્યારથી પુસ્તકો મને ખૂબ જ આકર્ષિત કરતાં. મને જ કેમ, મારાં પૂરાં પરિવારને પુસ્તકો સૌથી વધુ આકર્ષતાં. સવારનાં સમાચારપત્રમાં આવતી પૂર્તિઓ હોય, સ્કૂલ કોલેજની લાઇબ્રેરીમાંથી કે સીટી લાઇબ્રેરીમાંથી કે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાંથી લાવેલ પુસ્તક હોય કે પછી પપ્પા ખરીદીને લાવેલ પુસ્તક હોય, અમારે બધાં ભાઈબહેનોને ‘કોણ પહેલું વાંચે ?’ તેનો ઝઘડો હોય. પુસ્તકનાં ઘરમાં આવતાં પહેલાં અમે કોણ કયાં નંબરે વાંચશે તે નક્કી કરી લેતાં. ઘરનાં વડીલોએ તો મોટાભાગનાં પુસ્તકો વાંચેલાં જ હોય ! પણ જો નવું જ બહાર પડ્યું હોય તો તેમનો નંબર સાવ છેલ્લે આવતો. અમે પાડોશી કે મિત્રો પાસેથી પણ પુસ્તક લઈ આવી વાંચતાં. વેકેશન પડતાં જ સૌથી વધારે પુસ્તકોની માંગ રહેતી. એકનું એક પુસ્તક અમે વારંવાર વાંચ્યાં જ કરતાં. પુસ્તક મેળવવાની તે સમયે બીજી કોઈ વ્યવસ્થા હતી નહીં. 

શરદબાબુ, હરકિસન મહેતા, કનૈયાલાલ મુનશી, કુંદનિકા કીપડીયા, વર્ષા અડાલજા, અશ્વિની ભટ્ટ, ફાધર વાલેસ, ઈશ્વર પેટલીકર, વિનોદિની નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી… નર્મદ, મીંરાબાઈ, નરસિંહ મહેતા… કેટકેટલાં નામ લઉં ? ! નગીનદાસ પારેખ, મૈત્રેયીદેવી, અમૃતા પ્રીતમ… યાદી ખૂટે તેમ નથી કે નથી તેમણે લખેલ પુસ્તકોની યાદી ખૂટે તેમ ! આ બધાંની વચ્ચે હું જેમ જેમ મોટી થતી ગઈ મારી એક ઈચ્છા દ્રઢ થતી ગઈઃ “મારી પોતાની એક લાઇબ્રેરી હોય !” અને એક મોટું સ્વપ્ન કે એ લાઇબ્રેરીની બારી ખુલ્લી હોય, બહાર ધોધમાર વરસાદ વરસતો હોય ને ત્યાં બેસી એ વરસાદનો એકધારો સુરીલો અવાજ સાંભળતી હું પુસ્તક વાંચતી હોઉં ! 

મને યાદ છે એ સમયે ટેકનીકલ નોલેજ સિવાયનાં જેટલાં પણ પુસ્તકો લાઇબ્રેરીમાં હોય મેં એ બધાં વાંચી લીધેલાં ! ટૂંકી વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ, આધ્યાત્મિક પુસ્તકો, રામાયણ, મહાભારત, બીજાં ધર્મનાં પુસ્તકો, ઐતિહાસિક, પૌરાણિક, કવિ કાલીદાસની રચનાઓ, બીજી ભાષામાંથી ગુજરાતીમાં ભાષાંતરિત કરેલ હોય, જેન આગાથા, શેક્સપીઅર, શેરલોક હોમ્સ વિગેરેને તેમની મૂળ ભાષામાં મેં વાંચી નાંખ્યાં હતાં. હવે સાંઈઠ વર્ષે તો નામ પણ ભૂલી જવાયાં છે. છતાં પણ કોઈ કોઈ પુસ્તકો બરાબર યાદ છે. કોઈ કોઈ નામો યાદ છે. કેટલાંકનાં પ્રસંગો યાદ છે. આધ્યાત્મિક કે તત્ત્વજ્ઞાનને લગતી હોય કે દર્શનશાસ્ત્ર, માનસિક સ્વસ્થતા કે તપ, આત્મસંયમ, ફિલસુફી કે મનોવૈજ્ઞાનિક વાતો… મને ઘણું ઘણું યાદ છે. પુસ્તક એટલે જ્ઞાન. અથવા જ્ઞાન સુધી પહોંચાડતાં પગથિયાં. 

બીકોમ પતાવી મેં જર્નાલીઝમ, પબ્લીક રીલેશન્સ અને એડવર્ટાઈઝીંગનો અભ્યાસ ચાલુ કર્યો. મને લાગ્યું કે એક દુનિયાનાં એક સૌથી વધુ આકર્ષક, રોજેરોજ બદલાતાં જગતમાં મેં પ્રવેશ કર્યોં છે. અને પુસ્તકો પ્રત્યેનો મારો પ્રેમ વધુ ને વધુ ગાઢ થતો ગયો. મેં પોતે કાવ્યો, લેખો અને વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું. મારી પોતાની લાઇબ્રેરીની ઈચ્છા વધુ ને વધુ દ્રઢ થતી ગઈ. ને મેં નક્કી કર્યું કે હું મારી વ્યાવસાયિક કારકિર્દી આ  પુસ્તકોને લગતી જ રાખીશ ! 

પણ, એવું છે કે તમે વિચારો છો કાંઈ, નક્કી કરો છો કાંઈ અને જીવનનો રસ્તો કાંઈક બીજી દિશા તરફ જ વળી જાય ! તદ્દન વિરુદ્ધ દિશામાં. મેં લગ્ન કર્યાં, એક તદ્દન અસાહિત્યિક પુરુષ સાથે. જેને દૂર દૂર સુધી પુસ્તક સાથે કોઈ સંબંધ જ નહોતો. તેણે સ્કૂલમાં ભણતી વખતે પણ પુસ્તકનો ઉપયોગ કર્યો હશે કે કેમ, તે અંગે મને શંકા છે. કોલેજ તો તેણે કરી જ નહોતી. હા, મને ખબર છે કે તેણે રસ્તા પર મળતી સાવ રદ્દી સસ્તાં સાહિત્યવાળી પુસ્તકો વાંચેલી અને તે પણ તેના માતાપિતાથી છાની. માતાપિતા કે પરિવારમાં બીજું કોઈ પણ ખાસ ભણેલું હતું નહીં. કે નહોતું તે કોઈને ભણતર કે જ્ઞાનનું મહત્વ. 

લગ્ન પછી ઘણી ઘણી વસ્તુઓ પરથી પડદો ખસ્યો. ખાસ તો મારા વધુ પડતા આત્મવિશ્વાસ પરથી, મારાં યુવાવસ્થાની સ્વપ્નીય દુનિયા પરથી, માણસોની માનસિકતા પરથી, તેમનાં ચરિત્ર પરથી, તેમની સચ્ચાઈ પરથી… ઘણી ઘણી વસ્તુઓ પરથી. મને થોડાં જ દિવસમાં સમજાઈ ગયું કે હું એક સોનાનાં પીંજરામાં પૂરાઈ ગઈ છું. સમસ્ત દુનિયા સાથેનો મારો સંબંધ તૂટી ગયો છે. મારી આખી દુનિયા હતી એક રુમ અને એક રસોડું. રસોડામાં પણ પ્રવેશ મર્યાદિત હતો. એક જ રુમમાં મારાં તમામ પરિવાર, મિત્રો, સગાંસંબંધી, મારી ઈચ્છાઓ, વ્યાવસાયિક કારકિર્દી… તમામથી દૂર. સૂવું, ઉઠવું, ખાવું, પીવું… એક જ રુમ. ન કોઈને મળવાનું ન કોઈ સાથે બોલવાનું. આખો દિવસ ચૂપચાપ બેસી રહેવાનું. લગ્ન કરી હું એક જેલમાં પ્રવેશી ગઈ ! મારી પાસેથી મારી તમામ વસ્તુઓ, વ્યક્તિઓ છીનવાઈ ગયાં હતાં, અને તેમાં હતાં પુસ્તકો પણ ! 

એવું તો નહોતું કે એ ક્રૂર માણસ હતાં. મને પ્રેમ નહોતાં કરતાં. પરંતુ તેમની સમજશક્તિ મર્યાદિત હતી. જે ઉછેર તેમને મળ્યો હતો તે તેમનાં વર્તન માટે સૌથી વધારે જવાબદાર હતો. હ્રદયથી તદ્દન કોમળ માણસ જ્યારે રાક્ષસ જેવું વર્તે ત્યારે તમને સમજ જ ના પડે કે એ માણસને પ્રેમ કરવો કે છોડી દેવો ? તેની રાક્ષસીય વૃત્તિઓને કઈરીતે બદલવી. એ વ્યક્તિમાં રહેલ સારાં ગુણો, સારી ક્ષમતાઓ કઈરીતે બહાર લાવવી ? એ હતાં વિકૃત ઉછેર પામેલ, ખરાબ ટેવોથી ટેવાયેલ, સૌથી સ્વચ્છ અને કોમળ હ્રદય ધરાવતાં માનસિક રોગી. મને સમજ નહોતી પડતી કે પરિસ્થિતિ કેવીરીતે બદલવી ? આનો ઉપાય શું કરવો ? એમને માણસ જેવું વર્તન કરવાં કેવીરીતે મનાવવાં ? 

હું તેમની દરેક વાત, વર્તન અને તેની પાછળનાં કારણો સમજી શકતી હતી. તેની સામે પ્રેમ અને ધીરજ બે જ વસ્તુથી કદાચ પ્રયત્ન કરવામાં આવે તો પરિસ્થિતિ સુધારી શકાત્ ! પરંતુ એક સ્વતંત્ર, શિક્ષિત, પ્રેમાળ, સ્વચ્છ વાતાવરણમાં ઉછરેલ હું જેણે સમાજની કડવી વાસ્તવિકતાઓ જોઈ જ નહોતી, જેણે સમાજનાં સારાં પાસાં જ જોયાં હતાં, જે દરેક નિર્ણય લેવાં ઘરનાં બીજાં તમામ સભ્યો જેટલી જ સ્વતંત્ર હતી, જેણે કોઈ અત્યાચાર, ગાળીગલોચ, મારઝૂડ, અન્યાય જોયાં નહોતાં, જે તેનાંથી તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિમાં આવી ગયેલ તેને માટે કઈકઈ વાતનું સમાધાન કરવું, તદ્દન વિરુદ્ધ વાતાવરણમાં અજાણ્યાં લોકો વચ્ચે કઈકઈ રીતે અને શું શું સમાધાન કરવું, તે પ્રશ્ન હતો તેને માટે આવી વ્યક્તિ સાથે અનુકૂળ થઈ સુધારવી, અને ના સુધરે ત્યાં સુધી સહન કરવું એ બહુ જ વધારે પડતું હતું. મેં ધીમેધીમે સહન કરી શકાય તેમ હતું ત્યાં સુધી કર્યું. પરંતુ જે રીતે એ પરિસ્થિતિમાં મારે વર્તવાની જરૂર હતી તે પ્રમાણે વર્તી ના શકી. 

સમય એમ જ પસાર થતો ગયો. જીવન ઊબડખાબડ રસ્તે ચાલવાં લાગ્યું. સ્વપ્નાંઓ વિના, ઈચ્છાઓ વિના, જરૂરીયાતો વિના, શોખ વિના, રસ વિના… અને ઈશ્વરે અચાનક જ મારી ચોપાસથી બધું ખસેડી લીધું. મારી જેલનાં દરેક દરવાજાં, ભીંતો, છત ખસેડી લીધી. એમને મારાં જીવનમાંથી હંમેશ માટે દૂર કરી દીધાં ! સમયનાં વહેણે અચાનક જ કોઈ જુદો જ રસ્તો પકડી લીધો. હું એકલી જ લગ્નજીવનથી ઊભી થયેલ જવાબદારીઓ સામે ઝઝૂમતી ડૂબતી, તરતી આગળ વહેવાં લાગી. 

આટલાં વર્ષની કેદમાંથી એકદમ જ છૂટી ગઈ. હવે હું તદ્દન સ્વતંત્ર બની ગઈ ! પણ કોણજાણે કેમ છૂટી ગયેલાં સંબંધો, છૂટી ગયેલું તમામ વિશ્વ કે છૂટી ગયેલ પુસ્તકો સાથે ફરી પાછો કોઈરીતે સંબંધ તાજો કરી શકી નહીં ! સમાચારપત્ર પણ વાંચવાં ઉઠાવતી તો માથામાં સખત દુખાવો થતો. શબ્દ આંખોની દુનિયાથી મગજ સુધી પહોંચતાં જ નહીં. કેટકેટલી વાર પુસ્તક ઉપાડીને પાછું મૂકી દેતી. એક અસહ્ય ગુંગળામણ થતી. ને ત્યારે જ બદલાવાં માંડ્યાં હતાં પુસ્તકના સ્વરૂપ. કાગળ અને પુંઠાંમાંથી આવવાં લાગ્યાં હતાં ઈલેક્ટ્રોનીક ઉપકરણો. નાના સરખાં મોબાઈલ, કમ્પ્યુટર, કીંડલમાં ઈન્ટરનેટની મદદથી આખા વિશ્વનું સાહિત્ય કે બીજી તમામ માહિતી ઉપલબ્ધ થઈ ગઈ. પણ, એ વાંચવું જાણે મારા માટે શક્ય નહોતુ,

છેવટે મનોચિકિત્સકોએ અથાગ પ્રયત્નો કરી કરી ફરી મારાં હાથમાં પુસ્તકો મૂકી આપ્યાં. ને હવે આ પુસ્તકો ધીરેધીરે વળી પાછી મારી સમગ્ર દુનિયા બનવાં માંડ્યાં. 

આજે મારો ફોન બની ગયો છે મારી સમગ્ર લાઇબ્રેરી ! ઈંટ સિમેન્ટથી બનેલ બારીવાળી, કાગળો, પુંઠાં, કલમથી સુસજ્જિત વિશાળ લાઇબ્રેરી સમાઈ ગઈ છે છ ઈંચની નાની ગ્લાસની સ્ક્રીન પર, સેંકડો માઈક્રો સરકીટ્સ અને નંબરોથી બનેલ, કદી ઝાંખાં ના બનનાર અસંખ્ય પુસ્તકોથી ભરપૂર ! હવે મારી લાઇબ્રેરી ને મારું પુસ્તક એટલે ચોવીસ કલાક મારાં હાથમાં રહેતો મારો ફોન ! 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy