લાગણીઓની ગેરહાજરી
લાગણીઓની ગેરહાજરી
વિણા અને વિમલ બંને પતિ-પત્ની. તેઓ ખૂબ મોટા પરિવારમાં રહે. સુખ સમૃદ્ધિની કોઈ ખામી ન મળે. પરંતુ ઘરનું વાતાવરણ જોતા લાગે લાગણીઓના નામે તાળા લાગી ગયા છે. એની ચાવી ક્યાંય મળવી મુશ્કેલ લાગતી હતી.
"લાગણીઓના સંબંધોમાં લાગ્યા છે તાળાં
નથી મળતા આજે યાદોના ક્યાંય સંભારણા."
વિણા અને વિમલ તેને લાગણીની ચાવીથી ખોલવા માંગતા હતા. સૌને સ્નેહના તાંતણે બાંધવા માંગતા હતા. પણ સફળતા મળતી ન હતી. મોટો પરિવાર. ચાર ભાઈઓ અને તેનો પરિવાર કહેવા પૂરતા સાથે. બાકી સૌને સંપતિ ભેગી કરવામાં જ રસ. સામે મળે તો હસવા બોલવાનો પણ વહેવાર ન મળે.
વિણા અને વિમલે સૌને લાગણીથી જોડવા સંકલ્પ કર્યા. પણ એ પૂર્ણ કરવા કઈ રીતે ? સંપતિ સિવાય કોઈને કશું દેખાતું જ ન હતું. કોઈને સમજાવે કશું થાય તેમ ન હતું. એક દિવસ અચાનક તે ચારેય ભાઈના પિતાનો અકસ્માત થયો. તેઓ ખાટલામાં પડયા. દવાખાને દાખલ કર્યા.
સંપતિ બધી તેમના નામે. ડોક્ટર પાસે બધા ભેગા થયા. તેને બચાવવા દોડવા લાગ્યા. ગમે તેટલો ખર્ચ થાય તેટલો કરવા તૈયાર છીએ. ડોક્ટરે કહ્યું, હવે તો ભગવાન અને તમારી દુઆ જ બચાવી શકે તેમ છે. રૂપિયાના તોલે કંઈ થાય તેમ નથી. એટલી સંપતિ હોવા છતાં કોઈ કંઈ કરી ન શક્યા. બધા નિરાશ થઈ ગયા.
ત્યારે વિમલ અને વિણાએ સમજાવ્યું કે આ દુનિયામાં પૈસા જ સર્વસ્વ નથી. તમે કમાયેલી લાગણી, સંબંધો મહત્વના છે. બધાની આંખ પર લાગેલા સંપતિના તાળાં તોડી પ્રેમ લાગણીનું મહત્વ સમજાવ્યું.
"લાગણીથી નિભાવજો સૌ સંબંધ
રૂપિયાથી ન તોળજો કોઈ સંબંધ."
