કૂતરાભાઈની બસ
કૂતરાભાઈની બસ
એક હતા કૂતરાભાઈ. કાળો કાળો રંગ. વચ્ચે સફેદ લીટા. નામ એનું પપ્પુ. બિલાડીબેન તો કૂતરાને જોઈ ભાગે ઝટપટ. કૂતરાભાઈ તો જાણે મોટા મોટા પંડિત થઈને ફરે.
એકવખત રસ્તામાં પસાર થતી બસ જોઈ. તેને પણ થયું કે આપણે પણ જો આવી એક પ્રાઈવેટ બસ ખરીદી લઈએ તો કમાણી સારી થાય. બસ ચલાવવા ડ્રાઈવર રાખી લેશું. આપણે મોજથી આરામ ફરમાવશુ.
પણ બસ ખરીદવા રૂપિયા જોઈએ. એ લાવવા ક્યાંથી. તેણે સાંભળ્યું બેંકમાં લોન માટે રૂપિયા મળી શકે. કૂતરાભાઈ ચાલ્યા બેન્કમાં. સીધા મેનેજરની ઓફિસમાં પહોંચી ગયા.
મારે લેવી છે પ્રાઈવેટ બસ
કરવી છે કમાણી ઝાઝી
એ માટે જોઈએ છે લોન
તે તમે આજે જ આપો.
બેંક મેનેજર ગભરાયા. કરવું શું ? કૂતરાભાઈને લોન કંઈ રીતે આપવી. એ માટે તો ગિરવે મૂકવા કાગળ જોઈએ. જમીનના કે મકાનના. એ તો કૂતરાભાઈ પાસે હોય નહિ. ના પાડીએ તો કૂતરાભાઈ કરડી જાય તો સીધા દવાખાને પહોંચવું પડે.
મેનેજરે કૂતરાભાઈને કહ્યું તમે કાલે આવીને લઈ જશો. બેંક મેનેજર વિચાર્યું કે ત્યાં સુધીમાં કૂતરાભાઈની કંઈક વ્યવસ્થા કરી રાખીએ. બેંક મેનેજર સાહેબ સીધા પહોંચી ગયા પોલીસ સ્ટેશન. મેનેજરે બધી વાત કરી.
બીજે દિવસે કૂતરાભાઈ પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસને જોઈ નાઠા. ભૂલી ગયા પ્રાઈવેટ બસનું સ્વપ્ન. આને લાગી ગયા ખોરાકની શોધમાં.
