Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shashikant Naik

Drama


4  

Shashikant Naik

Drama


કૃતિની કવિતા

કૃતિની કવિતા

8 mins 202 8 mins 202

 મારો કૃતિ સાથે પરિચય એક માસિક દ્વારા થયો હતો. એના એના પ્રસિદ્ધ થયેલા એક લેખ ની મેં ટીકા કરી હતી નિમિત્તે. કૃતિ નારી સ્વાતંત્ર્યની ઉગ્ર પ્રચારક. ભારતની નારી પીડિત છે, દુઃખી છે, ગુલામ છે એવી એની જલદ માન્યતા. એમાંથી છૂટવા માટે નારીએ પુરુષોના આધિપત્યમાંથી છૂટવું જોઈએ, જરૂર પડે લગ્નના બંધનો પણ દૂર કરવા જોઈએ એવી એની દલીલો. લેખો, ભાષણો, મોરચાઓ જેવા માધ્યમોનો અને મળી શક્તિ સંસ્થાઓનો ઉપયોગ તે તેના પ્રચાર માટે કરે. એના પ્રકાશિત વિચારો વાંચવાનો અને અભિપ્રાય જણાવવાનો આગ્રહ મને કરવાનું એ ભાગ્યે જ ચૂકે !

લાંબો સમય પત્રમૈત્રી રહ્યા પછી અમદાવાદ જવાનું થયું ત્યારે એને રૂબરૂ મળ્યો. દેખાવે થોડી શ્યામ, કદમાં નીચી અને ચશ્મા હોવાથી બહુ દેખાવડી નહિ, પણ એના વિચારોમાં ખૂબ સ્પષ્ટ , વર્તનમાં નિખાલસ અને ભોળી. સુખી માબાપ ની એકની એક દીકરી હોવાથી લાડકી પણ ખરી. એના મમ્મી પપ્પાએ ક્યારેય એની પ્રવૃત્તિનો વિરોધ નહોતો કર્યો. એમ. એ. કર્યા પછી એક કોલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ હતી. કમાવાની સહેજે જરૂર નહોતી પણ આર્થિક સ્વતંત્રતાની પ્રચારક હોવાને નાતે અને એના વિચારોને મેદાન મળે એવી સંસ્થાની નોકરી (ગર્લ્સ કાઁલેજ) મળી જવાથી કામ કરવામાં એને આનંદ આવે. એક વિચિત્રતા એ હતી કે એના મિત્રવર્ગ માં પુરૂષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતા મોટું હતું.

પછી તો જયારે તક મળે ત્યારે અમે મળતા. હું એમના કુટુંબનો પરિચિત બની ગયો હતો અને એ મારા કુટુંબની મિત્ર બની હતી. સુરત આવે ત્યારે અમારે ત્યાં જ રોકાય. રાત્રે મોડા સુધી વાતો ચાલે. તેમાં સુધા - મારી પત્ની પણ એની તરફેણમાં જ દલીલ કરે.

કૃતિ જે ધગશ અને ઉત્સાહથી નારી સ્વાતંત્ર્યનો પ્રચાર કરતી હતી તેનાથી મારામાં એક કુતુહલ પેદા થયું હતું. એના આવા પ્રબળ વિચારો પાછળ કયું બળ કામ કરતુ હશે તે જાણવા મને ઉત્કંઠા હતી. એક ખુલાસો એણે એવો કરેલો કે આ વિચારો એને વારસામાં મળ્યા છે. એના મમ્મી એના વિચારોની મક્કમ ટેકેદાર. એના ઘડતરમાં એના મમ્મીનો ફાળો બહુ મોટો કારણકે પિતાનો વ્યવસાય જ એવો હતો કે તેમના વિચારોની છાપ એના ઉપર ખાસ ન પડે. મમ્મીના પુરુષવિરોધી વિચારો કેટલાક પ્રસંગોમાંથી ઘડાયેલા જેની વાતો તે કૃતિને કરતા. કૃતિ વિષે સુધા સાથે અમે ઘણી વાર ચર્ચા કરતા. સુધા એની મિત્ર થઈ ગઈ હતી અને મિત્રદાવે સુધાએ એના અંતરને જાણવાનો અને એની પુરુષવિરોધી લાગણીઓ નરમ પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કૃતિ એના વિચારોમાં ખુબ મક્કમ હતી. લગ્ન કરવાનું તો એ નાં જ કહેતી હતી. લગ્ન વિનાનાં - બંધન વિનાના સહજીવનની એ પ્રચારક નહોતી, છતાં જરૂર પડે તો તે માટે એની તૈયારી ખરી. લગ્ન કરી સામાજિક જવાબદારી ઊભી કરવા કરતા તે એને વધુ પસંદ કરે એમ એ કહેતી. એના વિચારોની આવી પ્રબળતા મારા મનમાં ધીરે ધીરે મોટું રહસ્ય બનતી ગઈ. 

એક વાર મેં પૂછ્યું હતું, "કૃતિ, કોઈ સારો છોકરો તને કદાચ પસંદ ન કરે એવા તારા મનમાં છુપાયેલા ભયમાંથી તો તારા આ વિચારો નથી જન્મ્યા ને ?"

એ હસી પડી હતી. "લગ્નનો વિચાર જ કર્યો નથી, ત્યાં એવા વિચારને તો અવકાશ જ ક્યાંથી હોય ?"

નોકરી અંગે અમદાવાદ રહેવા આવી ગયા હતા એટલે હવે અમે વારંવાર મળતા. એની પ્રવૃત્તિઓ પાછળની એની ધગશ અને નિખાલસતા જોઈ અમને માન થયું. એને પુરુષો સાથે છૂટથી મળતી-ફરતી જોઈ ક્યારેક એના આશયો વિષે શંકા ઊભી થતી. ત્યારે એનો બંડખોર સ્વભાવ જ એની ઢાલ બનશે એવું આશ્વાસન પણ મળતું. એ જે કાંઈ કરતી તેની પાછળ બુદ્ધિ અને વ્યવહારિકતા કરતા ધગશ અને લાગણીશીલતાનો પ્રભાવ વધારે હતો.

અમને હંમેશા એક જ શંકા રહ્યા કરતી કે આ વિચારધારા, આ ધગશ પાછળ કોઈ નકારાત્મક બળ, કોઈ મોટી હતાશા તો કામ નથી કરતી ને ? એ હતાશા એને સતત પ્રવૃતિશીલ રાખી શકે. પણ એ અંગે અમે એની સાથે કોઈ વાત કરી નહોતી.

આમ ને આમ એ મોટી થઈ ગઈ - ૩૦ વર્ષની. એક બંડખોર, એકલી નારી તરીકે એની છાપ સમાજમાં ઊભી થઈ ગઈ હતી. દરેક જણ એનો ઉપયોગ અને ઉપભોગ કરવા ઈચ્છતો. એના ખર્ચે એના વિચારોના પ્રચારક બની ઘણા એની નજીક આવવા મથતા પણ ખરા. એનામાં વિશ્વાસ મુકવાનો પ્રયત્ન કોઈ ભાગ્યેજ કરતુ. એની સાથે સ્વતંત્રતાનો ઝંડો ઝાલનારી અનેક સ્ત્રીઓ પરણીને સંસારમાં ગોઠવાઈ ગઈ હતી અને પોતાનું કૌટુંબિક વર્તુળ જમાવી દીધું હતું. કેટલીક પરણીને પસ્તાઈ પણ હતી અને અન્યને ન પરણવા માટે આગ્રહ કરતી હતી. એના આશયો વિષે કોઈને વિશ્વાસ નહોતો એ અમે જોઈ શકતા.

એના પુરુષમિત્રો અનેક હતા. એમની વાતો પણ એ અમને કરતી. આ મિત્રોને કારણે એની સમાજમાં થતી ટીકાઓનો ઉલ્લેખ કરી એ વાતો નારીને અન્યાય કરે છે એવી દલીલ પણ એ કરતી. પુરુષમિત્રો સાથેના સંબંધો વિષે વાતો ઊંડે તે બદલ એ ક્યારેક ગૌરવ લેતી હોય તેવો અણસાર અમને આવતો. ક્યારેક એની આ બધી પ્રવૃત્તિઓનું પ્રેરક બળ મુક્ત સહચારની ઈચ્છા તો નહિ હોય ? એના ઉપરની શ્રદ્ધા અને પ્રેમને કારણે એ ડર ટકી શકતો નહિ.

એક વખત કૃતિને મેં અમારા સાહિત્ય વર્તુળમાં આમંત્રી હતી અને એને એના વિચારો રજૂ કરવા કહ્યું હતું. "મારા ઉદ્દણ્ડ વિચારોના કારણે કોઈ તમારા માટે ખરાબ અભિપ્રાય ના બાંધે એ મને ના ગમે" કહી તેને એ વાત ટાળી હતી.

કૃતિના આર્થિક દરજ્જાને કારણે સામાજિક પ્રસંગોએ એની હાજરીને ગમા -અણગમાને બાજુએ રાખીને સ્મિતથી સ્વીકાર થતો. એના મિત્રવર્તુળમાં જે પુરુષો હતા તેમાં ઘણાખરા કુંવારા, ઘરભંગ, ઘરથી ત્રાસેલા કે પત્નીથી અજાણ રીતે કૃતિનો પરિચય રાખનારા હતા. એની સ્ત્રીમિત્રોમાં જે તે ક્લબ કે સંસ્થાની સભ્ય સ્ત્રીઓ કે કુટુંબજીવનમાં નિષ્ફળ કે નિરાશ થયેલી સ્ત્રીઓનું પ્રમાણ વધારે હતું. પરણીને સુખેથી રહેતા પુરુષો કે સ્ત્રીઓ એની સાથે ઘરોબો રાખવાનું ટાળતા.

જ્યાં એની કોઈ છાપ પહેલેથી ના હોય એવા મારા થોડા મિત્રોમાં મેં તેને પરિચિત કરી. સ્ત્રીઓ એને લગ્ન માટે પૂછતી. એ હસીને ઉત્તર આપતી, "કોઈ સારો છોકરો મને પસંદ કરતો નથી અને જેને હું પસંદ કરું છું તેને હું સારી લગતી નથી." તેમને આ સાંભળીને દુઃખ થતું તે જોઈને એ મલકી જતી. ક્યારેક તેમને કોઈ સારો છોકરો શોધી આપવાનું આમંત્રણ પણ આપી દેતી. ક્યારેક બાળકો માટે મીઠાઈ કે રમકડાં પણ લઈ જતી તો ક્યારેક બાળકોને લઈને ફરવા પણ ઊપડી જતી. એક સારી, નિખાલસ અને લગ્ન ના થઈ શક્વાને કારણે દુઃખી છોકરી તરીકેની તેની છાપ આ મિત્રોમાં પડી હતી.

લગભગ ત્રણેક મહિના સુધી ના મળ્યા પછી તે અચાનક આવી. તેની તબિયત ઉતરી હતી અને ચહેરો નિસ્તેજ દેખાતો હતો.

"તને શું થયું છે ?" સુધાએ જોતાંની સ્સાથે જ પૂછ્યું.

"કાંઈ ખાસ નથી, તબિયત બરાબર નથી." તેણે ઉત્તર આપ્યો. તેમાં સચ્ચાઈનો રણકો નહોતો.

"બહારગામ ગઈ હતી ?" મેં પૂછ્યું.

"હા. મસૂરી ગઈ હતી, દિનેશ સાથે." દિનેશ એના નજીકના મિત્રોમાંનો એક હતો.

"તબિયત ક્યારે બગડી ? દવા લીધી કે નહિ ?"

"થોડા દિવસથી." એવો ટૂંકો ઉત્તર આપી તે ચૂપ રહી.

"શું થયું છે ખરેખર ?" થોડી વારની ચૂપકીદી પછી મેં પૂછ્યું. તે ચૂપ જ રહી.

"મને પણ નહિ કહે ?" મેં એની નજીક જઈ હડપચી ઊંચી કરી તેની આંખોમાં આંખ પરોવવાનો પ્રયત્ન કરતા પૂછ્યું. એણે મારા તરફ જોયું. એની આંખોમાંથી ઊભરાવા મથતા સાગરને તે ખાળી ના શકી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. મેં તેને રડવા દીધી. તેના હીબકા શાંત થયા ત્યારે પણ મેં એને કશું પૂછ્યું નહિ.

"ચાલ આપણે જમી લઈએ. " કહી મેં તેને ડાઈનિંગ ટેબલે તરફ દોરી. રડી લીધા પછી તે સહેજ હળવી થઈ હતી. જમી લીધા પછી મેં તેને હળવાશથી પૂછ્યું, "હવે કહે, તને કોને સંતાપી છે ?"

તે હસી પડી અને તરત જ ગંભીર થઈ ગઈ. "દિનેશે." ટૂંકો ઉત્તર આપી તે ચૂપ થઈ ગઈ. મને નવાઈ ના લાગી. કૃતિએ દિનેશનો જે પરિચય આપ્યો હતો તે પરથી મેં તેને વિષે સારો અભિપ્રાય બાંધ્યો નહોતો.

"શું કર્યું એણે ?" 

"મારા પૈસા ઘરેણાં લઈ ગયો." કૃતિએ ધીરેથી કહ્યું. મને ખાતરી હતી કે એને માટે પૈસા-ઘરેણાંનો આઘાત મોટો ના હોઈ શકે.

"બસ, આટલું જ ?"

"હું પ્રેગ્નન્ટ છું.." થોડી વારે તેણે કહ્યું અને નીચું જોઈ ગઈ. એની બાબતમાં આ સાંભળીને મને દુઃખ થયું. આવો દિવસ આવશે એવી કલ્પના અમે ક્યારેય કરી નહોતી. હવે સુધા પણ વાતમાં જોડાઈ હતી. બધી વાત જાણીને તે ગભરાઈ ગઈ.

"કૃતિ, તું શું ઈચ્છે છે ? દિનેશને શોધી કાઢીએ તો તેની સાથે લગ્ન કરવાની તારી તૈયારી ખરી ?" થોડી વારે મેં પૂછ્યું.

"જરાય નહિ. હું તેનું મોં પણ જોવા માંગતી નથી." એને દૃઢતાથી ઉત્તર આપ્યો.

"એની સામે ફરિયાદ કરવાની તૈયારી ખરી ?" મેં પૂછ્યું.

"એનાથી શું મળશે ? બદનામી ?" તેણે પૂછ્યું. તેની વાત સાચી હતી.

"પણ તારી પ્રેગ્નનસીનુ શું ?" સુધાએ અધીરાઈથી પૂછ્યું.

"એ અંગે નિરાંતે વિચારીશું." મેં કહ્યું અને કૃતિને થોડું સાંત્વન મળતું હોય તેમ લાગ્યું.

"કૃતિ, દિનેશના વર્તનથી પુરુષ જાતિ પ્રત્યેના તારા ધિક્કારમાં વધારો જ થયો હશે. પૈસા ઘરેણાં ગયા તે તારે માટે મોટી વાત નથી. તું માં બનવાની છે તે પણ આજના જમાનામાં મોટો પ્રશ્ન નથી. પણ એણે તારું અપમાન કર્યું છે, મહિલા જાતિનું અપમાન કર્યું છે. છતાં તારી અંગત પ્રતિષ્ઠાની બીકે તારે એને જતો કરવો છે ?" મેં કહ્યું.

"તમે શું ઈચ્છો છો ?"

"હું તો ઈચ્છું છું કે તું પગલાં લે. તારા મિશનને અનુરૂપ એ હશે. અમે તારી સાથે છીએ. પણ હિમ્મત તારે રાખવી પડશે, કારણ કે બદનામી તારી થશે."

તે ચૂપ થઈ ગઈ.

"આજે હું અહીં જ ઊંઘી જઈશ." એના પપ્પાને એણે ફોન કરી દીધો. તે રાત્રે કૃતિ સુધાની સોડમાં ભરાઈને બાળકની માફક ઊંઘી.

પોલીસ તપાસઃ દરમ્યાન અને કોર્ટમાં કૃતિએ એક જવાબદાર સામાજિક કાર્યકરને છાજે એવી હિમ્મત બતાવી. તે આખા શહેરમાં ચર્ચાનું પાત્ર બની. છાપાઓએ તેની વાતને ખૂબ ચગાવી. દિનેશ બદલો લેશે એવો ભય પણ કેટલાક લોકોએ બતાવ્યો. પણ તે ડરી નહોતી. દિનેશ ચોરી અને ઠગાઈના આરોપસર ગિરફ્તાર થયો. માતૃત્વની વાત કૃતિએ છૂપાવી હતી.

"હવે શું કરવું છે તારે ?" થોડા દિવસ પછી મેં પૂછ્યું.

"મારે મા બનવું છે." તેણે રણકતો ઉત્તર આપ્યો.

"કુંવારી માતા ?"

"સુનિલ, મારે હવે ક્યારેય લગ્ન કરવાનો તો પ્રશ્ન નથી. આટલી બદનામી પછી પણ કોઈ તૈયાર થાય તો પણ મારે તેના ઉપકાર નીચે આવવું નથી. બાળક હશે તો જીવવાનું બહાનું મળશે."

"પણ.. એ બાળક દિનેશનું છે એમ સમાજ માનશે. દિનેશ પણ માનશે. ક્યારેક હક્ક પણ કરે. તારા પપ્પા તો એ સહન જ નહિ કરી શકે."

"તો શું કરવું ?"

"તારે કુંવારી માતાના આદર્શ તરીકે સમાજમાં ઊભા રહેવું છે ?"

"એમ કરી શકું તો મને ગમે. પણ પપ્પાને નહિ ગમે અને દિનેશનું નામ લોકો જાણે છે તે પણ મુશ્કેલી છે." તેણે વાસ્તવિકતા સ્વીકારી હતી.

પછી કૃતિ માનસિક શાંતિને બહાને બહારગામ ચાલી ગઈ. પ્રસુતિ પછી દીકરીને એક અનાથાશ્રમમાં દાખલ કરી અને એક વર્ષ પછી કૃતિએ તેને પપ્પાની સંમતિથી દત્તક લઈ લીધી. નાનકડી કવિતાને લઈને તે અમારે ત્યાં આવી ત્યારે ખૂબ ખુશ હતી. થોડી વાર પછી તેણે સુધાને કહ્યું, "સુધાબેન, કવિતાને તમારે સાચવવી પડશે. હું જાઉં છું."

"ક્યાં ?" સુધાએ કુતુહલથી પૂછ્યું.

"બળાત્કાર વિરોધી મોરચાની આગેવાની લેવા..!" તેણે કહ્યું અને તે જોરથી હસી પડી.

એ હાસ્ય નિરાશાનું હતું કે સંતોષનું તે અમને ના સમજાયું. 


Rate this content
Log in

More gujarati story from Shashikant Naik

Similar gujarati story from Drama