ક્રોધ
ક્રોધ
હું ઑટોમાંથી નીચે ઉતર્યો. આગળ પાંચ મિનિટ જેટલો રસ્તો પગપાળાજ કાપવાનો હતો. મીટીંગનો સમય થવા આવ્યો હતો. સમયની કટોકટી નિવારવા ઝડપથી પાછળ તરફના ખિસ્સામાંથી પર્સ ખેંચી કાઢ્યો. ૭૦ રૂપિયા ચૂકવવાના હતા. પર્સ ખોલી ક્રમમાં ગોઠવી રાખેલી પાંચસોની ત્રણ નોટ થકી એક નોટ ઉતાવળે બહાર ખેંચી. બરાબર એજ સમયે મારા મોબાઈલની રિંગ જોરશોર ગુંજી ઉઠી. સ્ક્રીન ઉપર ઉપસી આવેલું નામ વાંચી હું ચિંતામાં મુકાયો. મારો પહેલો પ્રભાવ જ સમયસૂચકતા વિનાનો ન બની રહે એ માટે મનોમન હું મૂંઝાયો.
હાથમાં થામેલી નોટ ઑટો ડ્રાઈવર તરફ લંબાવી હું કોલમાં વ્યસ્ત થયો.
‘યસ, આમ જસ્ટ રિચિંગ. ઓન માય વે.”
સામે છેડેથી મિટિંગ થોડાજ સમયમાં શરૂ થવાની ચેતવણી મીઠા શબ્દોના આવરણમાં મારા સુધી પહોંચી રહી.
‘નો પ્રોબ્લમ. વીલ બી ધેર ઈન ફ્યુ મિનિટ્સ.”
જેવો કોલ કપાયો મારા પગ જાણે ઉડવા માટે તત્પર થઇ ઉઠ્યા.
‘જરા ઉતાવળ કરજો. ‘ઑટો ડરાઇવરને મારી કટોકટીભરી પરિસ્થિતિથી હું અવગત કરાવી રહ્યો.
‘૭૦ રૂપિયા સાહેબ. ‘
મારુ મોઢું વિશ્વાસથી નિહાળી રહેલ ઑટો ડ્રાઈવરને હું અચરજથી તાકી રહ્યો. થોડી ક્ષણ પહેલા
રણકી ઉઠેલ મોબાઈલને લીધે જરૂર કંઈક ગડબડ થઇ હતી. મારા હાથમાંનો પર્સ ફરીથી હું ચકાસી રહ્યો. ઘરમાંથી નીકળવા પહેલા પાંચસોની ત્રણ નોટ ક્રમ બદ્ધ ગોઠવી હતી. એ પાક્કું યાદ હતું. પર્સમાં હવે ફક્ત બેજ નોટ હતી. મારી નજર ઉપર નીચે દરેક સ્થળે ફરી ઉઠી. કોલ આવવા પહેલા શું થયું હતું, એ યાદ કરવાનો પ્રયાસ કર્યો. હા, પર્સ ખોલી એક નોટ બહાર કાઢી હતી અને હાથ ડરાઇવર તરફ લંબાવ્યો તો હતો. કોલ કપાયો પછી
હાથમાં નોટ ન હતી.
‘મેં પાંચસો રૂપિયાની નોટ આપી હતી ને...’ હું ડ્રાઈવર તરફ મક્કમપણે તાકી રહ્યો.
‘કેવી નોટ સાહેબ ? આપ તો ફોન પર વાત કરતા હતા.”
‘અરે પણ વાત કરતા કરતા મેં પાંચસો રૂપિયાની નોટ આપી તો ખરી.”
‘ના સાહેબ, જરા જલ્દી પૈસા આપજો. મોડું થાય છે.”
‘આમ ધોળે દિવસે લૂંટમાર શરૂ કરી દીધી. ‘મારો પારો તદ્દન છટક્યો.
ઑટો માંથી નીચે ઉતરી એ મારી આગળ ધસી આવ્યો. એનું કદાવર શરીર મારા શરીરના લગોલગ પહોંચ્યું.
‘ઓ સાહેબ, જરા સંભાળીને વાત કરજો. પૈસા ન આપવા પડે એ માટે બધા નાટક તમાશા ઘણા જોયા છે. ચાલો હવે સીધેસીધા મારા પૈસા ચૂકવો નહીંતર..."
‘નહીંતર શું ? ‘મારો ચ્હેરો ક્રોધમાં લાલપીળો થઇ ઉઠ્યો.
આજુબાજુથી કેટલાક રીક્ષા ચાલકોનું સમૂહ ડરાઇવરના સહકારમાં આવી ઉભું રહી ગયું.
‘શું થયું ભાઈ ?"
‘અરે એક તો ભાડું ચૂકવવું નથી ઉપરથી ખોટી દાદાગીરી બતાવે છે."
મારો ક્રોધ પરાકાષ્ઠાએ પહોંચે એ પહેલા ફરી મારા મોબાઈલની રિંગ ગુંજી ઉઠી. મારા સમયની કટોકટીથી હું હાર્યો. આમ પણ મારા હાથમાંથી ચતુરતાથી નોટ ખેંચી લીધેલ ડ્રાઈવર સામે મારી પાસે કોઈ પુરાવો ન હતો. પર્સમાંથી અન્ય પાંચસોની નોટ કાઢી મેં ભાડું ચૂકવી દીધું. ભીંસાયેલા દાંત જોડે ઑટો ડ્રાઈવરપાસેથી છુટ્ટા પરત મેળવી પર્સમાં નાખી દીધા. વેડફવા માટે સમય જ ક્યાં હતો ? હજી પાંચ મિનિટ પગપાળા રસ્તો કાપવાનો હતો. મારા પાંચસો રૂપિયા લૂંટી એ ઑટો ડ્રાઈવર ચાલાકીથી છટકી ગયો. ગુસ્સાથી ધ્રુજી રહેલ હાથ દ્વારા પર્સ ફરીથી પાછળના ખિસ્સામાં સરકાવી હું મારી મંઝિલની દિશામાં આગળ વધ્યો.
દરેક કદમ તિરસ્કારથી ઠસોઠસ હતા. મારા અતિ વિશ્વાસુ સ્વભાવ ઉપર મને ઘૃણા છૂટી રહી હતી. કઈ પણ થઇ જાય હવે કોઈ પણ માનવીનો વિશ્વાસ નજ કરાય. એ પાંચ મિનિટમાં બધુજ સમાપ્ત થઇ ચૂક્યું હતું. દરેક ડગલાં જોડે જાતને વચન અપાતું ગયું કે આ ક્ષણ પછી હું માનવતા ઉપર વિશ્વાસ નજ કરીશ.અહીં દરેક જાત સ્વાર્થી અને લોભી છે. માનવતા સાચેજ મરી પરવારી છે. લોભ, લાલચ એજ માનવતાનો સાચો ચ્હેરો છે. સંવેદના, ભાવનાઓ,લાગણીઓ સાથે કોઈને કઈ લેવાદેવા નથી. પોતાના ફાયદા માટે માનવી દરેક હદ વટાવી શકે છે.
ગુસ્સાથી હાંફતો હું આખરે બહુમાળી ઈમારતની નજીક પહોંચી ગયો. ઇમારતની અંદર દાખલ થતા પહેલાજ હું અટક્યો. પાછળ તરફથી આવી રહેલો અવાજ કદાચ મારા માટેજ હતો, એવી મનની ભ્રાંતિ સાચી પડી. બીજીજ ક્ષણે દોડતો
ભાગતો એક મજુર જેવો દેખાતો પુરુષ મારી સામે આવી ઉભો રહ્યો. એનો હાથ આગળ ધર્યો અને હું ચોંકી ઉઠ્યો.
અનાયાસે મારો હાથ પાછળ તરફના ખિસ્સા ઉપર પહોંચ્યો. પર્સ ત્યાં ન હતો. એ તો એ અજાણ્યા પુરુષના હાથમાં થમાયો હતો.
‘સાહેબ, આપનોજ છે ને ?”
ધ્રુજતા હાથે ધોકો આપ્યો હતો. પર્સ ખિસ્સાની જગ્યાએ રસ્તા ઉપર સરી પડ્યો હતો. તરતજ પર્સ હાથમાં થામી હું ચકાસી રહ્યો. બધીજ રકમ વ્યવસ્થિતહતી. સામે ઉભા રહી હાંફી રહેલ પુરુષને હું ક્રોધથી નિહાળી રહ્યો. એના ચ્હેરા ઉપરનું ગર્વ ભર્યું સ્મિત મારી ક્રોધાગ્નિથી અદ્રશ્ય થઇ ગયું. પોતે આચરેલ સદ્કર્મ સામે મારો ક્રોધથી વિફરેલો ચ્હેરો નિહાળી એ આશ્ચર્ય અને વિસ્મયના હાવભાવ જોડે પરત થઇ રહ્યો. બહુમાળી ઇમારતમાં પૂરઝડપે દાખલ થતા હું મનમાં બબડી પડ્યો.
'સાલું આના લીધે હવે ફરીથી માનવતા ઉપર....'