કોની પાસે વધુ પૈસા હતા?
કોની પાસે વધુ પૈસા હતા?


ચિંતન દાદાજી સાથે ઘરના આંગણામાં રમી રહ્યો હતો, અને ઘર પાસે ઉભેલા સ્ટ્રોબેરી વેચવાવાળા કાકાએ આપેલી સ્ટ્રોબેરી ચિંતન અને તેના દાદાજી ખાઈ રહ્યા હતા.
થોડી વાર બાદ એક કાકા લાલ રંગની મારુતિ કારમાં આવ્યા અને સ્ટ્રોબેરીવાળા પાસે 1 કિલો સ્ટ્રોબેરી લીધી, અને તેને 2000 રૂપિયાની કડકડતી નોટ આપી, સ્ટ્રોબેરીવાળા કાકા સંકોચ અનુભવવા માંડયા, કારણ કે સવારના 11 વાગ્યા હતા, હજી 10 વાગ્યે તો તેમને લારી માંડી હતી, તેમની પાસે 2000 રૂપિયાનાં છુટ્ટા પૈસા ન હતા, ચિંતનના દાદાજીએ છુટ્ટા પૈસા આપ્યા. પરંતુ આ સમગ્ર ઘટના દરમ્યાન આ મારુતિવાળા કાકા એવી સ્ટાઈલ મારી રહ્યા હતા કે જાણે તે જ અંબાણી છે, ચિંતન આ જોઈ અંજાય ગયો.
થોડી વાર બાદ એક બીજા કાકા આવ્યા હોન્ડા બાઈક પર. 500 ગ્રામ સ્ટ્રોબેરી લીઘી, 90 રૂપિયા થયા, કાકા પાસે 100 રૂપિયાની નોટ હતી, તે આપી સ્ટ્રોબેરીવાળા કાક
ા 10 રૂપિયા આપવા ગયા પરંતુ તે બાઈકવાળા કાકાએ તે રૂપિયા પાંચ સ્ટ્રોબેરીવાળા કાકાને આપી દીધાં, આ જોઈ ચિંતનને ખુશી તો થઈ પરંતુ મૂંઝવણ પણ થઇ.
"દાદા, આ બે કાકામાંથી વધુ પૈસા કોની પાસે હતા ?"
"ચિંતન, હંમેશા વધુ પૈસા હોવાથી માણસ પૈસાદાર કે ઉદાર નથી થતો તમે જરૂરિયાતમંદ લોકોને પૈસા આપી શકો તો તમે સાચા પૈસાદાર, 2000 રૂપિયાની નોટ આપી, જો છુટ્ટા લેવા માટે તમારે ઉભા રહેવું પડે અને 5 રૂપિયા પણ તમે જવા ન દઈ શકો તો પછી તમારી પાસે જરૂરિયાત પૂરતા જ પૈસા છે એમ કહી શકાય તો તમે પૈસાદાર કેવી રીતે કહેવાવ ? જયારે તમે 90 રૂપિયાની વસ્તુ લઇ સામે 10 રૂપિયા એમ જ આપી દો, તો તમારી પાસે પૈસા વધુ છે."
"દાદા, એટલે આપણે બધાને પૈસા આપવા જોઈએ ?"
"હા, જયારે તમારી પાસે તમારી જરૂરિયાત કરતા વધુ પૈસા હોય તો જરૂરિયાતમંદને પૈસા આપી શકાય. અમીરી દિલથી હોવી જોઈએ."