કોના જેવી ?
કોના જેવી ?
રવિવારની સાંજ હતી. આખા અઠવાડિયાનો થાક ઉતારવાની એક માત્ર તક. નિયતક્રમ અનુસરતા હું કાર્તિકના ઘરે પહોંચ્યો. ટ્રેકસૂટમાં સજ્જ ટેનિસનું બેટ પકડી મેં ડોરબેલ વગાડી. કાર્તિક પણ તૈયાર જ હશે. સમયનો એ ખુબજ પાક્કો. કોલેજ સમયની દોસ્તી હજી પણ એટલીજ તાજી હતી. સાચું કહું તો બન્ને એ મળીને મિત્રતાનું જતન કર્યું હતું. સંબંધ હોય કે છોડ. વિકાસ માટે કાળજી તો લેવીજ પડે. રવિવારે ટેનિસ સાથે રમીએ એટલે એક તરફ સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બીજી તરફ મિત્રતાની હૂંફ. રમતા રમતા બધીજ ચર્ચાઓ પણ થઇ જાય. વ્યવસાય,સંબંધો, રાજનીતિ,ક્રિકેટ અને કેટલીક જૂની સુવર્ણ યાદો.
કાર્તિકના નોકરે દરવાજો ખોલ્યો. ભાભી બાળકો જોડે પિયર ગયા હતા. વેકેશનની ઉજાણી. કાર્તિક ન ગયો. એ અને એની વર્કોહોલિક ટેવો. એ જરાયે બદલાયો ન હતો. "સાહેબ થોડા વ્યસ્ત છે. આપ બેસો. ચા,કોફી...." "નો થેન્ક્સ." નોકરને કઈ પણ લાવવાની ઔપચારિકતામાંથી મેં ઉગારી લીધો. રમવા પણ જવાનું હતું. એટલે પેટ હળવુંજ સારું. હું બેઠક ખંડમાં પ્રવેશ્યો.
આગળથી એક યુગલ ત્યાં હાજર હતું. હું ચોંક્યો. આ સમયે ? કદાચ કોઈ સંબંધી હશે. મેં મનમાં ધારણા બાંધી. "ગુડ ઇવનિંગ" એક નમ્ર અભિવાદન જોડે મેં બેઠક લીધી. "ગુડ ઇવનિંગ" સ્ત્રી અને પુરુષે એકીસાથે અભિવાદનનો પ્રતિઉત્તર આપ્યો. બન્નેની આયુ ૩૦ વર્ષની આજુબાજુ હોવી જોઈએ. મનોમન અનુમાન સાધ્યું. સ્ત્રી મધ્યમ કદ, શ્યામ વર્ણ અને મજબૂત કાંઠાની હતી. પુરુષ અત્યંત શ્વેત વર્ણ, ઊંચા કદ અને મધ્યમ કાંઠાનો હતો. બન્ને વ્યક્તિત્વો મને અત્યંત વિરોધાભાસી લાગ્યા. 'મેડ ફોર ઈચ અધર ' વાળું ગણિત બહુ બંધ બેસતું ન લાગ્યું. બેઠક ખંડમાં અહીંથી ત્યાં નાના નાના ડગલે ભાગી રહેલી ઢીંગલી જેવી દીકરી ઉપર બન્નેની નજર જડાયેલી હતી. "નો આકાંશા. ડોન્ટ ટચ. હાથ ન લગાડાય બેટા. પડી જશે. તૂટી જશે ."કાચના ડેકોરેટિવ પીસને હાથ લગાવવા જઈ રહેલી ઢીંગલી હસી પડી. માતાના શબ્દોને માની અન્ય દિશામાં ડોટ મૂકી."આકાંશા. ડોન્ટ રન. પડી જશે. અહીં આવ જોઉં."દીકરીનો હાથ થામી પિતાએ પોતાની નાનકડી ઢીંગલીને પોતાની નજીક સાચવીને ગોઠવી દીધી.
પતિપત્ની એ દીકરીના વર્તનના પ્રત્યાઘાતમાં ઔપચારિક હાસ્ય વેર્યું. મારા વતી પણ ઔપચારિક હાસ્ય પરત થયું. હું વ્હાલથી બાળકીને નિહાળી રહ્યો. તદ્દન ઉજળો વર્ણ, વાંકડિયા વાળ,લગભગ બે વર્ષની આયુ, ગોળમટોળ ગાલ, સામાન્ય કદ.
કઈ કહું કે ન કહુંની અસમંજસમાં અનાયાસેજ મોઢામાંથી શબ્દો સરી પડ્યા."એકદમ પપ્પા જેવી લાગે છે. સેમ ફેસ. સેમ ફીચર્સ." સામે બેઠી શ્યામ વર્ણ સ્ત્રી હેરતથી મને તાકી રહી. આ શું બોલાઈ ગયું મારાથી ? પણ શબ્દોનું તિર કમાન છોડી ચૂક્યું હતું. પરત તો નજ થાય. શાળામાં આવતી 'વાક્ય સુધારો ' સૂચના મને યાદ આવી ગઈ. પણ અહીં ન રબર હતું. ન પેન્સિલ. સુધારો કરવાની મૂંઝવણમાં મેં અન્ય વાક્ય ઉતાવળે ઉમેરી દીધું. "પણ પર્સનાલિટી એકદમ મમ્મી જેવીજ છે. વેરી સ્માર્ટ." પતિ પત્નીની આંખો એક ક્ષણ માટે મળી. કોઈ મૌન વાર્તાલાપ થયો. એવું મને સ્પષ્ટ અનુભવાયું.
"એ ન મારા જેવી છે. ન મારા પત્ની જેવી. એ એના પોતાના જેવીજ છે." પતિના મધુર હાસ્ય અને અર્થસભર વાક્યોથી હું ઝંખવાળો પડ્યો."ને અમે તો ઇચ્છીએ કે એ અમારાથી વધુ સુંદર માનવી બને. એનું જીવન સમાજના લાભાર્થે ખર્ચે" ઉચ્ચ વિચારોની અભિવ્યક્તિ થકી મારી પરિસ્થતિ વધુ કફોળી થઇ. શરમથી ચહેરા ઉપર પરસેવાના ટીપા બાઝ્યાજ કે કાર્તિકે બેઠકખંડમાં પ્રવેશ કર્યો. જાણે કે મારુ રેસ્ક્યુ ઓપરેશન કરવાજ ન આવ્યો હોય એમ મનમાં મોટો હાશકારો થયો.
પોતાના હાથમાં સાથે લાવેલ ફાઈલ એણે યુગલ આગળ ધરી."હીઅર યુ આર."ફાઇલનીજ રાહ જોઈ રહ્યા હોય એ રીતે બન્ને પતિપત્ની શીઘ્ર ઉભા થયા. પત્નીએ ફાઈલ સંભાળીને હાથમાં લીધી. બન્નેની નજર દસ્તાવેજો ઉપર સંતોષ પૂર્વક ફરી વળી. "થેંક્યુ સર." "માઇ પ્લેઝર. ભૂલતા નહીં. શુક્રવારે શાર્પ અગિયાર વાગે ઓફિસ ઉપર આવી જશો." કાર્તિકનો હાથ પ્રેમ પૂર્વક હાસ્ય વેરી રહેલ ઢીંગલીના માથે ફર્યો. "સ્યોર સર." માતા-પિતાનો હાથ થામી, ઠેકડા ભરતી બહાર તરફ જઈ રહેલ એ ઢીંગલીને હું પાછળથી તાકી રહ્યો.
મને ટ્રેકસૂટમાં સજ્જ નિહાળતાંજ કાર્તિક ફરીથી દાદર તરફના રસ્તે દોરાયો. "સોરી યાર. તને રાહ જોવી પડી. અચાનક કામ નીકળી આવ્યું. ગીવ મી ફાઈવ મિનિટ્સ. હું કપડાં બદલી આવું છું એટલે નીકળીએ." મારી નજર હજી પણ એ ઢીંગલી પરજ હતી. "ક્લાયન્ટ ?" એકજ શબ્દમાં મારી પુછપરછ સંકેલાઇ ગઈ. દાદર ચઢતા ચઢતાજ મારા વ્યવસાયિક વકીલ મિત્રએ ટૂંકો ઉત્તર વાળ્યો. "યસ. અડોપશન ઓફ એન ઓરફન ચાઈલ્ડ." કાર્તિકના જવાબથી હું ચોંક્યો. શરમમાં ડૂબી ગયો.આંખો સામેથી ઓઝલ થવા તૈયાર એ નાનકડા કુટુંબ તરફ અંતિમ દ્રષ્ટિ પડી. મન સહજ બોલી પડ્યું. 'મેડ ફોર વન અનધર. '