ખૂની ખંજર
ખૂની ખંજર
રોનકને ડિટેકટિવ બનવું હતું. એક ડિટેકટિવ એજન્સી તેણે જોઈન કરી હતી. તેને પ્રથમ તબક્કામાં કામ આપ્યું હતું. શહેરની ચારે તરફની અવાવરું જગ્યામાં ઘુમવાનું અને કોઈ સંદિગ્ધ વાત લાગે તો તેમાં પોતાની રીતે તથ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો બને ત્યાં સુધી ગણત્રી પૂર્વકનું ઝોખમ લેવાનું પછી આગળના કામ માટે બોસની સલાહ લેવાની.
રોનક એક અવાવરું લાગતા રસ્તા ઉપર પોતાની બાઇક ઉપર જતો હતો. થોડે સુધી રસ્તો ઉજ્જડ અને અવાવરું હતો પણ ઠીક હતો. આગળ જતાં રોનકે જોયું કે રસ્તો ઝાડી, ઝાંખરા, બાવળીયા વાળો હતો. તેને આશ્ચર્યએ વાતનું થયું કે ઝાડી, ઝાંખરામાં એક કેડી જતી હતી તેની ઉપર ટુ વિલરનો ચીલો પડેલો હતો. તેનું ડિટેકટિવ મન સળવળવા લાગ્યું કે કંઈક તો આ ચીલો બતાવે છે. તેણે બાઇક કોઈની નજરે ન ચડે તેમ ઝાડીમાં છૂપાવી દીધું.
રોનક ધીમે ધીમે ચાલતો ચાલતો કેડી ઉપર આગળ વધતો ગયો પણ ચારે તરફ ગીચ ઝાડી સિવાય કાઈ નહોતું છતાં ધીરજ રાખી ચાલતો ગયો. તેની નવાઈ વચ્ચે આગળ જતાં કેડી બે વિરુદ્ધ દિશામાં ફંટાતી હતી અને ગીચ ઝાડીમાં થોડે દૂર અવાવરું ઘણા સમયથી ન વપરાતું હોય તેવું ફાર્મ હાઉસ દેખાતું હતું. દિવસનાં ઉજાશમાં ફાર્મ હાઉસમાં આછેરો પ્રકાશ દેખાતો હતો છતાં કઈ ચહલ પહલ નહોતી ત્યાં જવાની કોઈ કેડી કે રસ્તો પણ નહોતો. રોનકનું જાસૂસી મગજ કામે લાગી ગયું બીજે દિવસે ફરી આવવાનું નક્કી કરી પાછો ફરી ગયો.
બીજે દિવસે રોનક જ્યાંથી પાછો ફર્યો હતો ત્યાં જઈને ઊભો રહ્યો આજુબાજુનું નિરીક્ષણ કરવા લાગ્યો ત્યાં અચાનક એક ખંજર તેના કાન પાસેથી પસાર થઈ ઝાડના થડમાં ખુંપી ગયું. રોનક એકદમ સતર્ક થઈ ગયો ને આવ્યો હતો તે કેડીનાં બદલે ભૂલથી બીજી કેડી ઉપર દોડવા લાગ્યો એ કેડી પણ ગીચ ઝાડી પાસે અટકી ગઈ. હવે રોનકને ખ્યાલ આવ્યો કે ઉતાવળે ભાગવામાં બીજી કેડી ઉપર ચડી ગયો છે.
રોનક નીચે બેસી વિચારવા લાગ્યો કે અહીથી જ બહાર નીકળવાની રસ્તો શોધવો પડશે પાછા જવામાં ઝોખમ છે.
રોનક આજે પુરી રીતે તૈયાર થઈને આવ્યો હતો. મોટો છરો કાઢી ઝાડીમાં રસ્તો કરતો કરતો આગળ વધવા લાગ્યો. થોડેક આગળ જતાં તેના પગ સાથે કઈક અથડાયું ગ્લોઝ પહેરી નીચેથી ઉપાડીને રોનકે જોયું તો તેના હોશ ઊડી ગયા. તેના ઉપર જે ખંજરથી હમણાં થોડા સમય પહેલા હુમલો થયો હતો એવું જ એ ખંજર હતું ફરક એટલો હતો ખંજર સૂકાયેલા લોહીવાળુ હતું.
રોનકે ખંજરને લઈ પોલીથીન બેગમાં મૂકીને થેલામાં મૂકી દીધું. રોનકે વિચાર્યું કે લાશ પણ અહીં ક્યાંક હોવી જોઈએ. લાશ તો ન મળી પણ ગોપુસિંહ...લાલભાઈ સિક્યુરિટીઝ લખેલ ફાટેલ કાપડનો ટુકડો મળ્યો. રોનકે વિચાર્યું કે હવે બોસની સલાહ, સુચન લેવું પડશે, કેસ અઘરો લાગે છે.
રોનકે, બોસ હેમેન્દ્ર રાઠોડને બધી વાત કરી સૂકાઈ ગયેલા લોહીવાળુ ખંજર પણ બતાવ્યું. હેમેન્દ્ર રાઠોડ વિચારમાં પડી ગયા. સાવ અવાવરું જગ્યામાં રોનક ઉપર ખૂની હુમલો થવો એ ત્યાં કઈક અનૈતિક ધંધો ચાલે છે એવું બતાવે છે અને કોઈ ભેદ જાણી જાય કે જાણવાનો પ્રયત્ન કરે તો મારી નાખે છે. રોનક નસીબદાર કે ખૂની હુમલામાં બચી ગયો. હવે એ લોકો સતર્ક થઈ ગયા હશે એટલે બહુ સાચવીને ચાલ ચાલવી પડશે. ખંજર ઉપરનાં લોહીનો રિપોર્ટ લેવો પડશે કે લોહી કોનું છે ? માનવ કે પશુનું પછી ડીએસ્પી જાડેજા સાહેબ સાથે ચર્ચા કરવી પડે કારણ કે આમાં કોઈ મોટું માથું પણ સંડોવાયેલું હોઈ શકે.
હેમેન્દ્ર રાઠોડનાં ટેબલ પર ખંજર ઉપરનાં લોહીનો રિપોર્ટ હતો. જે માનવનું લોહી છે એવું રિપોર્ટમાં બતાવ્યું હતું અને આશરે દસેક દિવસ પહેલા માનવ હત્યા થઈ હશે એવું રિપોર્ટ ઉપરથી તારણ હતું.
હેમેન્દ્ર રાઠોડે રોનક અને મયુરને બોલાવ્યા.
"રોનક હવે તારી સાથે મયુર રહેશે. તું અને મયુર સાથે મળીને આ કેસમાં આગળ વધો કારણ કે કેસ પેચીદો અને કદાચ હાઈપ્રોફાઈલ હોય. પહેલા તમે લાલભાઈ સિક્યુરિટીઝમાં જાવ અને ગોપુસિંહ વિશે માહિતી મેળવો પછી આગળની યોજના વિચારીએ."
રોનકે માહિતી મેળવી તે પ્રમાણે ગોપુસિંહ લાલભાઈ સિક્યુરિટીઝનો માણસ હતો. તે ઘણા સમયથી નુતનભાઈની દેવ પેપર મિલ ઉપર સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતો હતો. છેલ્લા એક મહિનાથી ગોપુસિંહને પેપર મિલમાં નાઈટ ડ્યૂટી આપી હતી. થોડા દિવસથી કઈક મૂંઝવણમાં રહેતો હતો. છેલ્લા દસ દિવસથી તો મિલમાં ફરજ ઉપર જ નથી ગયો.
"વાહ, રોનક તું કામની માહિતી એકઠી કરી લાવ્યો. હવે એનો અર્થ એ થયો કે પેપર મિલ અને અવાવરું ફાર્મ હાઉસ વચ્ચે કઈક સંબંધ છે જેના વિશે ગોપુસિંહને શંકા પડી હોય અને તે જાણવા પાછળ પાછળ ગયો હોય અને દૂરથી ખંજર ફેંકી ખૂન કરી નાખ્યું હોય. હવે સવાલ એ રહ્યો કે અવાવરું ફાર્મ હાઉસમાં શું પ્રવૃત્તિ ચાલે છે તે જાણવું પડે." "રોનક, તું અને મયુર દૂરથી આજે રાત્રે ફાર્મ હાઉસનું નિરીક્ષણ અને પ્રવૃત્તિ વિશેનો રિપોર્ટ મેળવો પછી જાડેજા સાહેબને મળીએ."
રોનક અને મયુર જ્યાં કેડી વિરુદ્ધ દિશામાં ફંટાતી હતી ત્યાં ઝાડીમાં છૂપાઈને બેસી ગયા. દૂર દેખાતા ફાર્મ હાઉસમાં રાત્રીનાં અંધકારમાં પ્રકાશ દેખાતો હતો. થોડા સમય વિત્યો હશે ત્યાં એક મોટર સાયકલનો અવાજ સંભળાણો જે નજીક ને નજીક આવી રહ્યો હત. બે મોટર સાયકલ હતી તે કેડીનાં ત્રિભેટે આવીને ઉભી રહીને અદ્રશ્ય થઈ ગઈ મોટર સાયકલનો અવાજ આવતો બંધ થઈ ગયો. રોનક અને મયુરે બહાર આવીને જોયું તો મોટર સાયકલ નહોતી એ બે વિરુદ્ધ દિશામાં ફંટાતી કેડી ઉપર પણ નહોતી ગઈ તો ગઈ ક્યાં ? એ સવાલ સાથે બંને બીજે દિવસે આવીને વધુ તપાસ કરવાનાં ઈરાદા સાથે પાછા ફરી ગયા.
રોનક અને મયુર કેડીને ત્રિભેટે ઊભા રહી વિચાર કરતા હતા કે મોટર સાયકલ વિરુદ્ધ દિશામાં જતી કેડી માંથી કોઈ કેડી ઉપર ગઈ નથી કે નથી પાછી ગઈ તો ગઈ ક્યાં ? તેનું રહસ્ય ક્યાંક આટલામાં જ છે. એમ વિચારી ઝાડીમાં થોડેક આગળ વધ્યા ત્યાં ઝાડીમાંથી સરકીને લાંબી ટનલમાં પડ્યા જે ઊંચી, પહોળી ને લાંબી હતી. હવે બંનેને મોટર સાયકલ અદશ્ય થવાનું રહસ્ય સમજાયું.
બંને એ નક્કી કર્યું કે અહીં સુધી આવી ગયા છીએ તો ફાર્મ હાઉસની પણ મુલાકાત લઈ જાણી લઈએ કે આખરે ત્યાં શું ગતિવિધિ ચાલે છે. બંને સાવધાનીથી છુપાતા છુપાતા ફાર્મ સુધી પહોંચી ગયા અને દંગ રહી ગયા. ત્યાં દારૂ બનાવવાની ફેકટરી ચાલતી હતી જે અંડર ગ્રાઉન્ડ હતી. ફાર્મનો ઉપરનો ભાગ અવાવરું અને ઝાડી, ઝાંખરાવાળો થવા દીધો હતો. જેથી કોઈને ખબર ન પડે વળી ફેકટરી સાઉન્ડ પ્રુફ હતી અવાજ જરા પણ બહાર આવતો નહોતો.
રોનક અને મયુરે મોટા ભાગની ફાર્મમાં ચાલતી ગેર કાયદેસરની પ્રવૃત્તિ વિષેની માહિતી મેળવી લીધી હતી. હવે અહીંથી બહાર નીકળવું કેમ, વિચારતા સંતાઈને બેઠા હતા. ત્યાં એક કાર આવી ને તેમાંથી નુતનભાઈ ઉતર્યા. માણસોને સૂચના આપી અઠવાડિયામાં માલ તૈયાર કરી નાખો કાલે તમને ખોખા પેકિંગ માટે મળી જશે.
મયુર, તો આમ વાત છે. નુતનભાઈની દેવ પેપર મિલનો બિઝનેસ ખાલી દેખાવનો છે સાચો બિઝનેસ તો દારૂ બનાવી ગુજરાતની બહાર મોકલવાનો છે. હેમેન્દ્ર રાઠોડ, બોસને વાત કરવી પડશે પણ પહેલા તો અહીંથી નીકળવાનો રસ્તો શોધવો પડશે.
અડધા કલાક પછી નુતનભાઈ ચાલ્યા ગયા. માણસો કામમાં વ્યસ્ત થઈ ગયા...તેને ક્યાં ખબર હતી કે આપણી પોલ પકડાઈ ગઈ છે.
"રોનક, નૂતન ભાઈની કાર આવી, માલ લેવા દેવા ટ્રક આવે છે એટલે બીજો રસ્તો હોવો જોઈએ. આપણે કાર ગઈ એ રસ્તા ઉપર આગળ જઈએ પછી જે થાય તે." "તારો શું વિચાર છે ?" " બરોબર છે અહીંથી નીકળવું તો પડશે જ."
થોડે આગળ જતાં રસ્તો ટનલમાં ઉતરતો હતો. "ખરું પ્લાનિંગ છે, લે રસ્તો તો અહીં અટકી ગયો,"
"ના એવું ન બને નાની ટોર્ચથી તપાસ કરીએ ટનલનો રસ્તો ખોલતી કોઈ સ્વીચ હોવી જોઈએ. રસ્તો બે રીતે ઓપરેટ થતો હશે રિમોટ અને સ્વીચથી." અચાનક રોનકનો હાથ એક દીવાલમાં લગાડેલી સ્વીચ ઉપર દબાણો ને ટનલનું મુખ ખુલી ગયું જે વિરુદ્ધ દિશામાં ફાર્મથી બે કિલોમીટર દૂર પણ ઝાડીમાં ખુલતું હતું. તુરતજ ઓટોમેટિક બંધ પણ થઈ ગયું, ઉપર ઝાડીનું જ આવરણ આવી ગયું. કોઈને ખબર પણ ન પડે કે અહીં નીચે લાંબી પહોળી ટનલ છે જે અવાવરું લાગતા ફાર્મ હાઉસમાં ખુલે છે.
રોનક અને મયુર વિચારમાં પડી ગયા કે નુતનભાઈ જેવા મોટા માથાને આપણે પકડી શકીશું....
રોનક, મયુરે હેમેન્દ્ર રાઠોડને સંપૂર્ણ વિગતથી રિપોર્ટ આપ્યો. હેમેન્દ્ર રાઠોડ વિચારમાં પડી ગયા કે નુંતનભાઈ બહુ રાજકીય વગવાળું, સામાજિક રીતે પણ મોટું માથું છે. ભલે તે ફાર્મ હાઉસમાં તેનોજ બિઝનેસ હશે પણ તે તેમાં સીધી રીતે જોડાયેલ નહીં જ હોય એટલે તેની ઉપર સીધી રીતે હાથ નહીં નાખી શકાય. ગોપુસિંહનું ખૂન પણ એ ભેદ જાણી ગયો, ભાગવા ગયો ને ખંજર વાગવાથી માર્યો ગયો. ગોપુસિંહનું ખૂન નુતનભાઈનાં માણસોએજ કર્યું છે. પાણી ઊંડું છે. જાડેજા સાહેબને મળીને યોજના બનાવવી પડશે.
"નમસ્તે, જાડેજા સાહેબ."
"આવો, આ હેમેન્દ્ર રાઠોડ મારે ત્યાં ક્યાંથી ભૂલા પડ્યા ?"
"સાહેબ અમારે તો આપને યાદ કરવા પડે અમારો બિઝનેસ જ એવો છે કે આપના સહકારની જરૂર પડે, આખરે કેસ તો આપને ત્યાંજ આવે."
"સારું, સારું બોલો શું કામ છે?"
હેમેન્દ્ર રાઠોડે અવાવરું ફાર્મ હાઉસમાં ચાલતી પ્રવૃત્તિની વાત કરી.
મને પણ થોડા થોડા ઊડતા સમાચાર મળ્યા છે. લાલભાઈ સુક્યુરિટીઝ વાળાએ ગોપુસિંહ ગુમ થયાની ફરિયાદ પણ લખાવી છે. હવે તો તેનું હાડપિંજર મળે. નુતનભાઈ એમ હાથમાં આવે તેવો નથી. આપણે એક કામ કરીએ ફાર્મ હાઉસ ઉપર અચાનક દરોડો પાડી બધાંને પકડી લઈએ અને એમાંથી કોઈ ફૂટી જાય તો નુતનભાઈ હાથમાં આવે અને ગોપુસિંહનાં ખંજર વડે ખૂનનું રહસ્ય ખુલે. તો કરી નાખીએ પ્લાનિંગ.
પ્લાનિંગ પ્રમાણે મોટર સાયકલ કેડી વાળા રસ્તે બહાર પોલીસનો જાપતો ગોઠવી દીધો. પોલીસને સાદા ડ્રેસમાં રોનકે અંદર ટનલમાં ઉતારી આગળ દોરતો ફાર્મ હાઉસ સુધી લઈ ગયો. અચાનક અજાણ્યા માણસોને જોઈને અતડાતફડી મચી ગઈ, ભાગાભાગી થઈ, ટ્રક પડ્યો હતો તેમાં બેસીને ટનલનાં બીજા રસ્તે નીકળ્યા તો ત્યાં પણ પોલીસ સાથે ખુદ જાડેજા સાહેબ અને હેમેન્દ્ર રાઠીડ હતા. દારૂનો કાચો, પાકો માલ અને માણસોને પકડી લેવામાં આવ્યા. જાડેજા સાહેબ અને હેમેન્દ્ર રાઠોડ ખુશ હતા કે આ વખતે તો નુતનભાઈ મુશ્કેલીમાં મુકાશે જ.
બીજે દિવસે પકડાયેલા માણસોને જાડેજા સાહેબે કહ્યું તમે જે જાણતા હો તે વાત કરો પણ કોઈ બોલ્યું નહીં. હજી હું તમને તક આપું છું કે કહો કે તમારા માલિક કોણ છે. કોઈ જવાબ નહીં. સારું તમારે માર ખાઈને વાત કરવી છે જેવી તમારી ઈચ્છા. જાડેજા સાહેબે સૂચના આપી આ લોકોની આગતાં સ્વાગતા માટેની તૈયારી કરો.
એક મુખ્ય માણસ હોય એવો માણસ ઊભો થયો સાહેબ હું તમને મારી પાસે જેટલી છે એ માહિતી આપું છું.
"ઝટ ઝટ બોલવા માંડ."
સાહેબ અમારા કોણ માલિક છે એ એમને ખબર નથી. તેનો મુખ્ય માણસ અમને કામ ઉપર શહેરમાંથી આંખે પાટા બાંધીને અહીં લઈ આવે છે અને પાછા એજ રીતે મૂકી જાય છે. અમારી અઠવાડીયાની એક ધારી ડ્યૂટી હોય છે. ખાવા, પીવાની અને રહેવાની વ્યવસ્થા અહીં જ કરી છે. પગાર સારો આપે છે એટલે અમે આ કામ કરીએ છીએ આથી વિશેષ મને કે અમને કાઈ ખબર નથી.
"તમારામાંથી કોણ નુતનભાઈને ઓળખે છે ?"
સાહેબ, કોણ નુતનભાઈ આ નામ અમે તમારી પાસેથી પહેલીવાર સાંભળ્યું અમે નુતનભાઈ નામની કોઈ વ્યક્તિને ઓળખાતા નથી.
"ગોપુસિંહનું ખૂન શું કામ કર્યું ? અને કોણે કર્યું ?"
સાહેબ, અમને સૂચના હતી કે ફાર્મની આજુબાજુ કોઈ વ્યક્તિ દેખાય તો ખંજર ફેંકી મારી નાખવાનાં. થોડા દિવસ પહેલા એક વ્યક્તિ તપાસ કરતી કરતી ફાર્મ સુધી પહોંચી ગઈ હતી મેં ખંજર માર્યું તેને વાગ્યું અને તે વ્યક્તિ ભાગવા માંડી અમે તપાસ કરી પણ લાશ ન મળી કદાચ કૂતરા કે જાનવર ઉપાડી ગયા હશે. એ વ્યક્તિ ગોપુસિંહ છે કે કોણ એ મને ખબર નથી.
"જાડેજા સાહેબ, નુતનભાઈ બહુ ચાલક છે. માણસોને પણ ખબર નથી પડવા દીધી પુરી સલામતી સાથે કામ કર્યું છે. આપણે માલ અને માણસોને પકડી લીધા પણ મગરમચ્છ છટકી ગયો."
"રાઠોડ સાહેબ થોડી ધીરજ રાખો, મગરમચ્છ પણ પકડાશે...."
"આવ લોકેશ, શું સમાચાર છે ?"
સાહેબ, મેં ઘણો પ્રયત્ન કર્યો હતો કે દેવ પેપર મિલમાંથી ખાલી ખોખા ક્યાં જાય છે અને ભરાઈને પાછા ક્યાંથી પાછા આવે છે. એ જાણવા માટે મેં ટ્રક, માણસોનો પીછો કર્યો પણ દરેક વખતે નિષ્ફળ ગયો. હેમેન્દ્ર રાઠોડનાં જાસૂસ રોનકે જો આ પ્રવૃત્તિ શોધી ન હોત તો ક્યારેય ખબર ન પડત કે અવાવરું ફાર્મ હાઉસમાં દારૂનું ઉત્પાદન થાય છે. માણસો ભલે ના પાડે પણ ફાર્મ હાઉસમાં પ્રવૃત્તિ સાથે નુતનભાઈ સંકળાયેલા છે.
લોકેશ, મને નુતનભાઈની ગેરકાયદેસરની પ્રવૃત્તિની આછી આછી જાણ હતી એટલે તો તને દેવ પેપર મિલમાં જાસૂસીના કામ માટે મોકલ્યો હતો. તારી અને રોનકની માહિતીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે નુતનભાઈનો જ આ બિઝનેસ છે. હવે મારે અને હેમેન્દ્ર રાઠોડે યોજના બનાવી નુતનભાઈને રંગે હાથ પકડવાના છે.
સાહેબ, મને શંકા છે કે દેવ પેપર મિલમાં પણ દારૂનો જથ્થો સ્ટોર થતો હશે. ત્યાં અમુક ભાગ એવો છે કે ત્યાં જવા માટે બધાંને માટે બંધી છે. અમુક ચોક્કસ માણસો સિવાય એ તરફ કોઈ કરતા કોઈને જવા દેવામાં આવતા નથી.
આ તો તે ઘણી જ અગત્યની માહિતી આપી અમારું કામ સરળ કરી દીધું. અત્યારે ફાર્મ હાઉસ બંધ છે તો ત્યાંનો દારૂનો બધો માલ દેવ પેપર મિલમાં આવ્યો છે કે નહીં એ માહિતી મેળવી લે એટલે નુતનભાઈનું કામ તમામ કરીએ.
જાડેજા સાહેબે તેના થોડા ચુંનદા માણસોને સાદા ડ્રેસમાં લીધા, સાથે હેમેન્દ્ર રાઠોડ, રોનક, મયુર અને લોકેશને લીધા. દેવ પેપર મિલ પહોંચી પોતાની ઓળખાણ આપીને કહ્યું કે રૂટિન ચેક અપ માટે આવ્યા છીએ. લોકેશ અને રોનકે થોડા માણસો ઓળખી બતાવ્યા કે જે ફાર્મ હાઉસમાં અને દેવ પેપર મિલ બંને જગ્યાએ જોવામાં આવ્યા હતા.
"આ વિભાગ કેમ બંધ છે ?" એક માણસને બોલાવી જાડેજા સાહેબે પૂછ્યું.
"મને ખબર નથી પણ વિભાગમાં જવા માટે બધાંને મનાઈ છે." અમુક ચોક્કસ માણસોને જ જવાની પરમિશન છે"
"તો ખોલો મારે એ વિભાગ જોવો છે."
આ સમય દરમ્યાન નુતનભાઈને ખબર પહોંચી ગઈ હતી કે જાડેજા સાહેબ આવ્યા છે.
"નુતનભાઈએ કહ્યું કે સાહેબ, ત્યાં કઈ નથી પુઠાનો રદ્દી સમાન છે."
"આવો, નુતનભાઈ, સારું થયું આપની પણ મુલાકાત થઈ ગઈ."
" હા, સાહેબ આપનું સ્વાગત છે."
"તો પછી આ રૂમ ખોલો."
"એમા કઈ નથી સાહેબ, આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ."
"ના એ પછી, પહેલા આ રૂમ ખોલો, નહીં ખોલો તો મારી પાસે સર્ચ વોરંટ છે. સારું એ તમારું." હવે નુતનભાઈને સમજાય ગયું કે રૂમ ખોલવો પડશે.
"સાહેબ, એ રૂમમાં મારા મિત્રનો સમાન છે."
"સામાનમાં શું છે ? દારૂની બોટલનાં કાર્ટૂન. તેનો જવાબ કોર્ટમાં આપજો." બધાં ને પકડી લ્યો, પેપર મિલને સીલ કરી દયો "નુતનભાઈ તમારી જેવા પ્રતિષ્ઠિત માણસ માટે આ સારું ન કહેવાય. ગેરકાનૂની ધંધો કરતા પહેલા તમારી પ્રતિષ્ઠાનો તો વિચાર કરવો હતો."
જાડેજા સાહેબ, લોકેશ, હેમેન્દ્ર રાઠોડ, રોનક અને મયુર ખુશ હતા. "રાઠોડ સાહેબ તમારા આ બાહોશ જાસૂસનો આભાર અને તે બંનેને પ્રોમોશન આપવાની હું તમને ભલામણ કરું છું".....રોનક અને મયુર ખુશ ખુશાલ થઈ ગયા.
