Khushbu Shah

Inspirational Others

5.0  

Khushbu Shah

Inspirational Others

ખુશીના છાંટણા

ખુશીના છાંટણા

2 mins
570


"અલ્યા, પિનિયા ક્યાં જાય છે તું આ ચોક-કલરનો ડબ્બો અને સીડી લઈને ?" પિનિયાની મા દોડતા-દોડતા પિનિયા પાછળ ભાગી રહી હતી. ધીરે-ધીરે આખો મહોલ્લો આ કોલાહલથી ભેગો થઇ ગયો. 

પિનિયાએ મોહલ્લામાં પડતા ચાર રસ્તા પર સીડી ગોઠવી અને તેના પર સાવચેતીપૂર્વક ચડવા લાગ્યો, સીડી બે બાજુ આધારવાળી હતી એટલે સરળતાથી દીવાલના ટેકા વગર ગોઠવાઈ, હકીકતે પિનિયાના પપ્પા રંગારાનું કામ કરતા તેથી આ સીડી તેના ઘરે જ રહેતી. મહોલ્લાના તમામ લોકોની નજર પિનિયાના આ કરતૂત પાર મંડાય, બધા વિચારી રહ્યા હતા કે આજે ૫ વર્ષનો પિનિયો આ શું નવી ધાંધલ-ધમાલ કરી રહ્યો છે ? પિનિયો તો ચોક કલર લઇ આકાશમાં રંગો પૂરવાની કોશિષ કરવા લાગ્યો.

"મમ્મી, આ ખુશીનો કલર કેવો હોય ? અને આકાશના આ વાદળમાં કલર કેવી રીતે કરું ?" પિનિયો તેની મમ્મીને ઉદ્દેશીને બોલ્યો, ત્યાં સુધીમાં તો પિનિયાના પ્રિય તેના બા પણ ત્યાં આવી ચુક્યા હતા.

"ખુશીનો કલર ? ગાંડા, આ શું બકવાસ કરે છે ? ચાલ તો નીચે ઉતર તો તું." પિનિયાની મમ્મી ગુસ્સાથી બોલી.

"ના, મમ્મી કાલે બા કેહતા હતા ભગવાનને - હે ભગવાન ! હવે ઉપાડી લે મને હવે જીવનમાં ખુશીના કોઈ છાંટણા રહ્યા નથી. અને મેં હમણાં ટીવી પર જોયું કે આજે વરસાદ પાડવાનો છે તેથી હું આ વાદળને ખુશીના રંગથી રંગી રહ્યો છું એટલે જયારે એમાંથી છાંટણા પડે તો આપણા બધા પર ખુશીના છાંટણા પડે."હજી પિનિયો આટલું બોલ્યો ત્યાં તો તે વાદળમાંથી છાંટણા પડયા અને સીડી સહેજ ભીની થવાને કારણે પિનિયાનો પગ લપસ્યો, બધાના શ્વાસ અધ્ધર થઇ ગયાં.  પિનીયાના મમ્મી અને બા બન્ને દોડયા અને પિનિયાને ઝાલી લીધો અને બન્ને તેને વ્હાલ કરવા લાગ્યા, પિનિયાએ જોયું તો તેની બા અને મમ્મી હસી રહ્યા હતા અને તેમની આંખોમાં પિનિયો પડતા બચી ગયો તેની ખુશી હતી. સાથે મોહલ્લામાં પણ લોકો તાલી પાડવા લાગ્યા. પિનિયાએ જોયું તો બધા પર ખુશીના છાંટણા સાચે જ પડયા હતા. બધા લોકો પિનિયાની ભાવનાને બિરદાવતા પોતાના કામે લાગી ગયા.

"જોયું બા, તમને નાહક જ લાગે છે કે આ ઘરમાં તમને કોઈ પ્રેમ નથી કરતુ." પિનિયાની મમ્મી બોલી.

"હા બેટા, હું કાલે આપણી જિંદગીમાં આવેલા આ ખુશીના અમીછાંટણાંને તો ભૂલી જ ગઈ હતી." પિનિયા અને તેની મમ્મીને માથે હાથ ફેરવતા પિનિયાના બા બોલી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational