ખુશહાલી
ખુશહાલી
"પપ્પા આજે તો મને નવી જ વાર્તા સાંભળવી છે. બહુ મજા આવે એવી ..." નાનો મિતુ પપ્પાની બાજુમાં પલંગમાં આળોટતા કહેતો હતો.આતો એની રોજની ટેવ હતી. પપ્પા પાસે વાર્તા સાંભળતા સાંભળતા એમના ગળામાં હાથ નાંખી સૂઈ જાય. ને એના પપ્પા મનોજને પણ એજ તો ગમતું હતું ! મિતુની હૂંફમાં એના જીવને પણ જંપ વળતો. આમ પણ પત્ની નેહાના ગયા પછી એક મિતુ માટે જ તો એ જીવી રહ્યો હતો. મમ્મી ગુજરી ગઈ ત્યારે એકાદ વર્ષના મિતુને મન તો પપ્પા જ એનું સર્વસ્વ હતાં.
પોતાને હલબલાવી રહેલાં મિતુની દિવસની છેલ્લી ફરમાયશ પૂરી કરતાં મનોજે વાર્તા શરુ કરી.
" છે ને તે, એક ગામ હતું. એનું નામ સોનપુર. સોના જેવું જ ચમકતું એ ગામ હતું. તંદુરસ્તીથી ચમકતાં ચહેરાં, પીળા-પાકેલાં અનાજનાં ડૂંડાથી લહેરાતા લીલાં -લીલાં ખેતરો, શાક-ફળના બગીચાઓથી ઉભરાતી સીમ, નદીઓમાં ખળખળ કરી વહેતાં સ્વચ્છ પાણી. નદીઓને કાંઠે ઉગેલા લીલાછમ્મ ઘાંસને ચરતી ગાયોનાં ધણ. એ ગાયોનાં દૂધ-ઘી ખાઈને ઉછરતા તારા જેવાં નાનાં -નાનાં છોકરાં પણ તંદુરસ્ત અને ખુશખુશાલ. પોતાના બાળકોને ખુશખુશાલ જોઈ બધી મમ્મીઓ તો ગાયને ' થેંક્યુ ' કહેતાં એની પૂજા કરે. ગાયના ગૌ-મૂત્ર છાણને ખેતરોમાં ખાતર તરીકે વાપરી ખૂબ બધું અનાજ મેળવી વેંચે તે પૈસાની તો રેલમછેલ. આમ તો કોઈ માંદા જ ન પડે પણ ક્યારેક આંખ-માથું દુ:ખે તો ગાયનાં જ છાણ-મૂત્રમાંથી દવા બનાવી એના ઉપયોગથી તાજા-માજા થઈ જાય. આ ગામની બાજુનાં ગામો પણ એમને જોઈ એવી રીતે જ જીવવા માંડ્યા ને પૃથ્વી પર તો સ્વર્ગ જેવું વાતાવરણ થઈ ગયું.
હવે પેલાં દૂર દૂર આકાશમાં ગ્રહો દેખાય છે ને ? એમાં રહેતાં માણસો ...." ઉત્તેજનાથી અર્ધા બેઠા થઈ મિતુ બોલ્યો " તે હેં પપ્પા! એ બધા ગ્રહ પર માણસો હોય ? એ આપણા સુધી કેવી રીતે પહોંચે ?" બધું કહું છું તું શાંતિથી સૂઈ જા " કહી પુત્રને પંપાળતાં મનોજે વાર્તા આગળ વધારી.... " હા તો એ પરગ્રહવાસી માણસોને તો આ પૃથ્વી પર રહેતાં માણસોની ખુશી જોઈ બહું ઈર્ષ્યા થતી. એમણે વિચાર્યું શું કરીએ તો પૃથ્વીવાસીઓની ખુશહાલી ઓછી થાય ! હવે આ ગ્રહવાસીઓ જેને આપણે એલીયન્સ કહીએ છીએ એમાં એક મેજીક નામનો એલીયન બહુજ હોંશિયાર. એણે બધાને કહ્યું "આ પૃથ્વીવાસીઓની ખુશહાલી ફક્ત ને ફક્ત એમની પેલી ગાયમાતા ને કારણે છે ! આપણે એમની બને એટલી ગાયોને આપણા વિમાન યુએફઓમાં ભરી અહીં લઈ આવીએ....અને આ આપણો જપ્પી એનાં જાદુઈ ગેસનો સ્પ્રે પૃથ્વી પર કરશે તે બધાં બાકી ત્યાં બચેલી ગાયોને પણ ભૂલી પોતાની વિચારશક્તિ ગુમાવી આડે રસ્તે જ ચડી જશે. પછી જોજો મજ્જા."
ને પછી એક રાત્રે જ્યારે આખી દુનિયા સુતી હતી ત્યારે પેલું વિમાન યુએફઓ બિલ્કુલ અવાજ વગર એક મોટાં બધા રણમાં ઉતર્યું ને મોટરની ડીકી જેવું એનું વિશાળ ભંડકીયું ખોલી એક મશીન ચાલુ કર્યું તો દરેક જગ્યાએથી ગાયો એમાં ખેંચાઈ આવી. જાણે બધી ગાય એસ્કેલેટર પર સરકતી હોય એમ ખેંચાઈ ભંડકીયામાં પૂરાઈ ગઈ. હવે આ પ્રદેશમાં એક ખૂબ જ શાણો માણસ રહેતો હતો એ રાત્રે ઊંઘ નહોતી આવતી એટલે ઘર બહાર નીકળ્યો અને આ આગનાં ગોળા જેવા વિમાનમાં બધી ગાયોને ખેંચાતા જોઈ બેભાન જેવો જ થઈ ગયો. એ ભાનમાં આવ્યો ત્યારે પેલું યુએફઓ તો જતું રહેલું. એણે તો બૂમાબૂમ કરી મૂકી ....અરે ! ગાયમાતા ને બચાવો....ગાયમાતાને બચાવો.....પણ જપ્પીના જાદુઈ ગેસની અસરથી બધાં જ વિચારશક્તિ જ ગુમાવી બેઠાં પેલા ડાહ્યા માણસને પણ ગાંડો ગણી બધા સાવ જુદી રીતથી જ જીવવા માંડ્યા. હવે બધાં ગાયને ભૂલી ખૂબ વધારે દૂધ આપતી ભેંસનું પણ શરીરને નુકશાન કરે એવું દૂધ પીવા માંડ્યા. એ દૂધમાં કંઈ કેટલાય રસાયણો નાંખી જુદી જુદી ખાવાની વસ્તુ બનાવવા માંડ્યા અને એ ખાઈ બિમાર થવા માંડ્યા. સૌથી ખરાબ તો એ થયું કે ખેતરોમાં અનાજ ઉગાડવા જે બચી હતી એ ગાયનાં છાણ-મૂત્રનું સોના જેવું ખાતર ભૂલી મોટા કારખાનામાં બનાવેલું ઝેર જેવું ખાતર નાંખવા માંડ્યા. પેલા કારખાનાનો કચરો નદીમાં ઠાલવવા માંડ્યા એટલે પાણી પણ ગંદુ અને અનાજ -ફળ-ફૂલ પણ અશુદ્ધ..ચારેબાજુ બીમારી-ગરીબી અને તંગદીલી વધી ગઈ. પૃથ્વીની ખુશહાલી ગાયબ...ને પેલાં એલીયન્સ ખુશ... કારણ હવે તો એમને ત્યાં આટલી બધી ગાયો ભેગી થઈ ગઈ હતી એમને ખુશહાલ રાખવા. "
"તે પપ્પા, પેલું ગામ ને બીજા બધાં ગામોના લોકો પાછા ખુશહાલ થયાં કે નહીં ? "
"હા બેટા, જરુર થશે....જલ્દી જ થશે.બધાને સત્ય સમજાઈ બદલાતા વાર લાગેને ? "
ને પછી મૌન બની મનમાંજ એમનો સંવાદ આગળ વધ્યો ' આપણે તો બહુ મોડું થઈ ગયું બેટા ! પ્રદૂષિત ખોરાક-પાણીથી જ તારી મમ્મીને કેન્સર થયું ને આપણે એને ગુમાવી ! એના બલિદાને મને તો પેલા ડાહ્યા માણસની વાત પૂરેપૂરી સમજાવી દીધી ને મેં જૈવિક ખેતી કરી ગાયમાતા અને કુદરતનાં રખોપાની પ્રતિજ્ઞા લીધી છે. આજે અન્ય લોકોને પણ જાગૃત કરી રહ્યો છું. બચપનથી જ તારામાં આ સમજ વિકસે એટલે તો તને આ વાર્તા સંભળાવી રહ્યો છું મારા દીકરા !'
