purvi patel pk

Inspirational Children

4  

purvi patel pk

Inspirational Children

ખુદ્દારી

ખુદ્દારી

4 mins
319


એકવાર મારે, અમદાવાદ જવાનું થયું. વહેલી સવારે સુરતથી હું ક્વીનમાં નીકળી. ઘરેથી એકલી જ નીકળી હતી, પણ રેલગાડીની સફરમાં ઘણા મુસાફરો આપણી સાથે જોડાય જાય છે, એવો મારો અનુભવ છે. મને વિમાનની મુસાફરી કરતા રેલગાડીની મુસાફરી ઘણી આરામદાયક લાગે. સ્ટેશન પર મિલન-વિયોગના વિરોધાભાસી દ્રશ્યો, સમોસા-વડાંપાઉંની મોમાં પાણી લાવી દેતી સુગંધ, સ્ટોલ પર વેચવા મુકેલા, લલચાવતા, રંગબેરંગી વેફર્સના પેકેટ્સ, કુલીઓની અવરજવર, થોડી થોડીવારે થતું એનાઉન્સમેન્ટ વગેરે વગેરે...વાતાવરણને જીવંત બનાવે. વળી, બેઠા પછી પગ છૂટો કરવા આંટાફેરા, ખુલ્લી બારીમાંથી આવતી પવનની લહેરખીઓ અનુભવી શકાય. વિમાનનું ટિકિટ ભાડું વધારે, છતાં રેલગાડી જેવી મજા ન આવે. આજે મારે એક ગરીબ, પરંતુ ખુદ્દાર છોકરાની વાત કરવી છે. 

રેલગાડીમાં બેઠા પછી, સવારે વહેલી ઉઠી હોવાથી, હું લગભગ તરત જ સુઈ ગઈ. બારી પાસેની સીટ એટલે કોઈ પણ જાતની કનડગત નહોતી. અડધો-પોણો કલાકની ઊંઘ પસાર કરી, પછી મારી આંખ ખુલી ગઈ. એક સરસ મજાની ઊંઘ મળી ગઈ હતી. હું હાથ ધોવા વોશબેઝીન તરફ ગઈ. કંપાર્ટમેન્ટમાં અંદરની બાજુએ જ એક દસ-બાર વર્ષના છોકરાને મેં બેઠેલો જોયો. અછડતી નજર નાંખી, હાથ ધોઈ, હું મારી સીટ પર આવી. બે ઘડી મનમાં ચીડ ઉપજી. મને આવા ભીખ માંગતા લોકો પર ગુસ્સો આવે કે, કંઈ કામ કરીને પૈસા મેળવોને ! આમ શું જ્યાં ને ત્યાં ભીખ માંગતા ફરે. મારી બાજુની કોર્નરની સીટ હજી ખાલી જ હતી. હું આમ જ એ સીટ પર બેસી ગઈ હતી. બેગમાંથી એક પુસ્તક કાઢી, મેં વાંચવાનું શરૂ કર્યું. વાંચવામાં ધ્યાન ન લાગ્યું. સીટ પરથી પેલો બાળક મને સામે જ દેખાતો હતો. ધ્યાનથી જોતાં જણાયું કે, એ બાળકનો ડાબો હાથ ન હતો અને એક પગે પોલિયો હતો.

સ્ત્રી સ્વભાવ, મારા મોંમાંથી 'બિચ્ચારો' શબ્દ નીકળી ગયો. મારી દયા ભરેલી નજર એની નજર સાથે મળી, પણ ત્યાં તો એ હસીને નીચું જોઈ ગયો. મને એનું હસવું ન સમજાયું. મારા ટિફિનમાં સેન્ડવીચ હતી. મેં તે કાઢીને, તેના તરફ ધરી, તેને લઈ જવા ઈશારો કર્યો. પણ, તેણે મોઢું ફેરવી લીધું. મેં વિચાર્યું કે, કદાચ એને ભૂખ નહીં હોય. થોડીવાર પછી તેને આગળના એક સીટવાળા ભાઈએ રૂપિયાનો સિક્કો આપ્યો. આશ્ચર્ય ! તેણે તેની પણ સાફ ના પાડી દીધી. હું નવાઈ પામી. આગળના સ્ટેશન પરથી લગભગ એની જ ઉંમરનો છોકરો ચડ્યો. તેની પાસે એક બેગ અને એક હેંગર પર ઘણી બધી ચીજ વસ્તુઓ લટકાવેલી હતી. હવે પેલો અપંગ છોકરો ખુશ થયો. બંનેએ સાથે મળીને વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું.

પેલા અપંગ છોકરાએ, જાતે જ જોડી કાઢ્યું હોય, એવું જોડકણું ગાવાનું શરૂ કર્યું. તેના અવાજ અને ઢબ બંને ખુબ સરસ હતા. સાંભળવાનું બધાને ગમે એવું હતું. એ ગાતો હતો અને સાથે સાથે એનો મિત્ર લોકોને વસ્તુઓ બતાવીને લેવાનો આગ્રહ કરી રહ્યો હતો. બંને મિત્રોની આ જુગલબંધી મને ગમી ગઈ. હવે પેલો અપંગ છોકરો ઝડપથી મારી તરફ આવવા લાગ્યો અને તેણે આંખના ઇશારાથી, મને વસ્તુ ખરીદવાનો અગ્રહ કર્યો. મેં તેમની પાસેથી ત્રણ-ચાર નાની-નાની વસ્તુઓ ખરીદી. એ વસ્તુઓના રૂપિયા લેતી વખતે મેં છોકરાના અવાજમાં એક અજબ ખુમારી અને નજરમાં ખુદ્દારી જોઈ. એ બંને મિત્રો તો આગળ વધી ગયા, પણ હું વિચારતી રહી ગઈ. મારા વિચારો રેલગાડીની ઝડપે દોડવા લાગ્યા.

'એ છોકરો ઇચ્છતે તો, તેની અપંગતાને આગળ કરી બધા પાસે ભીખમાં રૂપિયા લઈ શક્યો હોત, પરંતુ તેણે ન તો પૈસા લીધા, ન ભીખમાં ખાવાનું લીધું. બસ, વસ્તુના બદલામાં પૈસા લીધા અને અમને ખરીદી લીધા'.

આગલું સ્ટેશન આવતા ગાડી પ્લેટફોર્મ પર અટકી. મારા વિચારો પર પણ બ્રેક લાગી. હાથમાં રહેલું પુસ્તક બેગમાં મૂકી દીધું, કેમકે હવે વાંચવામાં મન લાગે એમ નહોતું. સામાન્ય થવાનો પ્રયત્ન કરતી, હું બારી બહાર જોવા લાગી. ફરી એકવાર રેલગાડીની સાથોસાથ મારા વિચારોએ વેગ પકડ્યો. 

'આ છોકરો, કે જેની જિંદગી હજુ શરૂ જ થઈ છે, તેના પર કિસ્મતે કેવો કુહાડો ઝીંક્યો હશે ? સમજણની આવી પરિપક્વતા કેમ કરીને આવી હશે?, શું એનો કોઈ પરિવાર પણ હશે, કે તે અનાથ હશે'?

'ચાઈ... ગરમ, ચાઈ... ગરમ. મસા..લા.. ચાઈ..' 

ફરી એક વખત તંદ્રા તૂટી. વિચારોનું ટોળું વિખેરવાના આશયથી એક ચા લીધી. ચાવાળાને પંદર રૂપિયા આપવાના હતા. મેં વીસની નોટ આપી. બાકીના પાંચ તેને રાખી લેવા કહ્યું. સામાન્ય રીતે હું, આ રીતે એક પણ રૂપિયો કોઈને આપતી નથી. પણ, મને પોતાને જ ન સમજાયું કે, આવું કેમ કરતા થયું ! ખેર, એ વિચાર આમ જ ઉડી ગયો. કોશિશ કરી કોઈ બીજી વાત મગજમાં આવે પરંતુ, ચાની વરાળ સાથે ફરી વિચારોની વરાળ ઉઠી રહી હતી.

'ખરેખર! અપંગતા કે ગરીબી કોઈની ઓશિયાળી નથી હોતી. માણસ જો ધારી લે તો, તે ઇજ્જતથી કમાણી કરી જીવન વ્યાપન કરી જ શકે છે. બાકી જેને નથી કરવું એ હાથ-પગ હોવા છતાં ભીખ માંગીને જીવે છે. હું વિચારતી રહી. એક પછી એક સ્ટેશન આવતા ગયા. વચમાં ક્યાંક કોઈ સ્ટેશને પેલા બે છોકરાઓ ઉતરી ગયા અને મને રેલગાડીના ડબ્બામાં ત્યાં જ વિચાર કરતી મૂકી ગયા. વિચાર કરતા કરતા ક્યારેય અમદાવાદ આવી ગયું, મને ખબર ના પડી. હું સ્ટેશનેથી રીક્ષા કરી મારી સખીને ત્યાં પહોંચી. મેં તેને પણ પેલા છોકરાની ખુદ્દારીની વાત કરી. બપોર પછી અમે બંને સખીઓ કાંકરિયા ગયા. ત્યાં ફરીથી મેં રેલગાડીનો આનંદ માણ્યો. અમે બંને સહેલીઓએ કાંકરિયાની ફરતે ફરતી આ નાનકડી રેલગાડીમાં બેસી ખૂબ વાતો કરી. તે દિવસે તો રાત્રે મને સપનામાં પણ જાણે રેલગાડીની વ્હીસલો અને પેલા છોકરાના મોઢે સાંભળેલું જોડકણું સંભળાયા કર્યું, જે હું આજે પણ ગુણ ગુણાવું છું. 

"ઓ ચાચાજી, ઓ કાકીજી,

અરે! ઓ ભૈયાજી, ઓ ભાભીજી,

લાલી લે લો, બિંદી લે લો, લે લો કંગી યા કંગન.

તુમ લે લોગે કુછ, ઈનમેં સે તો,

ઘર મેં હમારે આયેગા, લૉકી ઓર બેંગન."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational