STORYMIRROR

Hina dasa

Abstract Inspirational

4  

Hina dasa

Abstract Inspirational

ખરી ખાનદાની

ખરી ખાનદાની

4 mins
164

"આપણા ભદ્ર સમાજની ખાસિયત કેવી નહીં ! આર્થિક અને સામાજિક રીતે પછાત સમાજ ને આપણે આપણો ચર્ચાનો કે લેખનનો વિષય બનાવવામાં નાનપ અનુભવીએ."

શિવમની આ વાતથી ત્યાં હાજર બધા સહમત હતા પણ વ્યવહારમાં આ વાત ઉતારવા કોઈ મનથી તૈયાર ન હતું. 

બધા છૂટા પડયા એટલે કૈરવી શિવમ પાસે આવીને ઊભી રહી. શિવમ કહે કે શું કહેવા માંગે છે બોલને. શિવમની સમજદારી પર કૈરવીને માન થઈ આવ્યું. એણે વાત ચાલુ કરી. શિવમ તે જે પછાત વર્ગનો વિષય છેડ્યો એ સાંભળીને બસ કંઈક કહેવાનું મન થયું. 

કૈરવી સમૃદ્ધ પરિવારની છોકરી. ભણીને આગળ વધી ને સરકારની દીકરી બનીને જ જંપી. શિવમ તેનો સહકર્મી એટલે બંનેને સામાન્ય વાતચીતના વ્યવહાર ખરા. હવે કૈરવીએ વાત ચાલુ કરી. 

હું સુખી પરિવારની સાધન સંપન્ન પિતાના ત્રણ સંતાનોમાંની એક. એક ભાઈ ને બે બહેનો. ગામડાનો પરિવાર એટલે પિતાજી મુખ્ય કમાણી સંબંધોને ગણે. પિતાજીને ગામના સામાન્ય માણસ જોડે પણ મલકવાનો વહેવાર ખરો. 

અમારા ઘરે એક શાકભાજીવાળા ભાઈ આવે. હું નાનપણથી તેને ઓળખું. બંને પતિપત્ની રોજ સાથે આવે. પત્નીની આધુનિકતા જુઓ હમેશા પતિને નામથી જ બોલાવે. બંને અભણ પૈસા ગણતા પણ આવડે નહીં. પત્ની થોડી વધુ હોશિયાર પણ પતિ કરતા જ. એની હોશિયારી આ સમયના પ્રમાણમાં બહુ જ નિમ્ન ગણાય. વર્ષોથી આવતા એટલે બધાથી પરિચિત. મમ્મી કાંઈ લેવા મોકલે એટલે કહે મમ્મીને કહેજે કે મામાએ એક સફરજન કે શાકભાજી હોય તો તે પણ વધુ આપ્યું. ભાણકી માટે. મને થાય કે વાહ આવા મામા તો સૌને ગમે. મમ્મી કહે સાવ જૂઠું બોલે છે, એટલું જ છે જેટલું તોળ્યું. જરાય વધુ નથી. મને સ્પેશ્યલની ફિલિંગ થઈ હોય તેના પર પાણી ફરી વળે. હરખાતી ગઈ હોય કે મારા માટે વધુ આપ્યું તેમાં નિરાશા સાંપડે.

કાંઈ લેવા જઈએ એટલે બેન બોલે વાલજી બટાને એક કિલો જોખી દે તો. એટલે વાલજીભાઈ પોતાની આગવી અદાથી થોડું નમતું જોખીને ઉપરથી એક વધુ આપી દે. પૈસા તો પાછા બેનનેજ આપવાના. સભ્ય સમાજના પુરુષો કરતા કેટલા નિઃસ્પૃહ વાલજીભાઈ ! ઘરે છ સંતાનો તેમાં મોટા થતા ગયા એ બધા કામે લાગતા ગયા પણ આ સારસ બેલડી તો પોતાનું કામ રોજ મુજબ જ ચાલુ રાખે. વાલજીભાઈ પાછા એટલા નિઃસ્પૃહી કે ખિસ્સામાં હોય એટલાનો સાંજે નશો કરી જાય. 

પછી તો હું અભ્યાસ માટે હોસ્ટેલમાં જતી રહી. રજાઓમાં આવું ત્યારે વાલજીભાઈ ને તેના પત્ની પોતાના ક્રમાનુસાર આવતા જ હોય, પણ હું આધુનિકતાની દોટમા થોડી પોતાની જાતને ઊંચી સમજવા લાગી હતી એટલે આવા લોકો પ્રત્યે જાણી જોઈને દુર્લક્ષ સેવવું એ મારી આદત બની ગઈ. બંધ બારણે વિદેશી સોમરસની મોજ માનતા લોકો ને જાણી જોઈને આપણે મોટા માણસો માની ચગાવી દઈએ છીએ, પછી તો હું મારી નોકરીએ લાગી ગઈ ને મારી આધુનિક દુનિયાની ઝાકમઝોળમા ખોવાઈ ગઈ.

એક દિવસ હું મારી ગાડી લઈને જતી હતી ને રસ્તામા પંચર પડ્યું, દૈવયોગે વાલજીભાઈ જ ત્યાંથી નીકળ્યા મને કહે,

'શુ થયું બેટા?'

'પંચર'

'ચાલો બેસી જાવ રિક્ષામાં ઘરે પહોંચાડી દવ.'

મને એમના પર વિશ્વાસ ન આવ્યો. એટલે થોડી ચીડ સાથે કહ્યું,

"ના,ના, તમે જતા રો હું વ્યવસ્થા કરી લઈશ."

એ સમજી ગયા કે હું તેમની મદદ લેવા માંગતી નથી એટલે જતા રહ્યાં.

મને થોડો પોતા પ્રત્યે વધુ વિશ્વાસ હતો ને પાછી આધુનિકતાના ઢોળે ખુદને બહુ હિંમતવાન સમજતી. થોડીક રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. હવે ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. આખો દિવસ મોબાઈલમાં જ વિતવ્યો હોય એટલે સ્વાભાવિક છે તેમ બેટરી હોય નહીં. ધીમે ધીમે મારી હિંમત તૂટવા લાગી. બધો ડોળ ઉતરી ગયો ને બસ હવે રડવાનું જ બાકી રહ્યું હતું.

થોડી હિંમત એકઠી કરી વિચાર્યું કે આગળ જઈ કોઈ મળે તો મદદ માંગુ એટલે મેં ચાલવાનું શરૂ કર્યું. એકાદ અડધો કિલોમીટર ચાલી હોઈશ ત્યાં મારી મતિ બહેર મારી ગઈ, આગળ જઈને જોઉં તો હું તો ડઘાઈ ગઈ. વાલજીભાઈ એક પોતાની રીક્ષા લઈને બેઠા છે. મને જોઈને તે આગળ આવ્યા. મારા મનમાં તો એક જ વિચાર કે સાંજ પડી એટલે પીધેલા જ હશે. નજીક ગઈ તો રિક્ષામાં દેશી દારૂની બે થેલીઓ પડેલી. ને મારો જીવ અધ્ધર થઈ ગયો. હું તેમને નજરઅંદાજ કરી આગળ ચાલવા લાગી. તેઓ મારી પાછળ આવ્યા. મને થયું કે એક પથ્થર ઉઠાવી મારી દવ. 

તે બોલ્યા,

"બેના ચાલો મૂકી જાવ કયા જવું છે. આ અવાવરું રસ્તો છે ને કોઈ નીકળશે પણ નહીં. અહીં બેસીને હું તમારી જ રાહ જોતો'તો."

મારા માટે તો કપરો સમય હતો કે શું નિર્ણય લેવો. હું કઈ બોલી નહીં એટલે ફરી પાછા કહે કયા જવાનું છે ?

મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહતો એટલે બધા ખરાબ વિચારોને ખખેરી મેં પિતાજીનું નામ કહ્યું. તો કહે 

'ઓહો તો તો બેના હવે ચાલો મૂકી જ જઉ. તમેં એક વખત ના પાડી એટલે અહીં દૂર જઈને બેઠો છું. કે કાંઈ નહીં મળે તો તમે શું કરશો.'

મેં પેલી થેલી પર નજર નાંખી તે ઓળખી ગયા, તો કહે,

"બેના આજે તમે અહીં મળી ગયા એટલે નથી પીધી. થયું કે તમને ઘરે પહોંચાડવાનું થાય તો ખોટું જોખમ લેવું ને એમનમ પડી છે જોઈ લો."

મને મારી જાત પર ઘૃણા છૂટી કે હું આ માણસ માટે કેવું ને કેવું વિચારતી હતી. હું તેમની સાથે જવા તૈયાર થઈ. પણ ગાડીનું શું એમણે કહ્યું કે મને મૂકીને ગાડી પણ મૂકી જશે. મને હવે થોડી ધરપત થઈ. હું તેમની સાથે જવા સહમત થઈ. રસ્તામાં હું મારી મૂર્ખામી ને આ માણસની ખાનદાની વિશે વિચારતી રહી. 

કૈરવીએ પોતાની વાત શિવમ સામે પુરી કરી ત્યારે તેની આંખોમાં એક અભણ વ્યક્તિ માટે કેટલો અહોભાવ દેખાતો હતો. કૈરવીએ કહ્યું,

"ખરી ખાનદાની ને સંસ્કારો તો આવા લોકોમાં જ છે તે મને ત્યારે ખબર પડી !"


Rate this content
Log in

Similar gujarati story from Abstract