ખોટી ઓળખ. ~“અંતિમ સ્ક્રિપ્ટ”
ખોટી ઓળખ. ~“અંતિમ સ્ક્રિપ્ટ”
ખોટી ઓળખ. ~“અંતિમ સ્ક્રિપ્ટ”
“તે લખતી રહી… અને કોઈ બીજું તેને જીવી ગયું.”
એક હતી મેરેલીન.
સેન મેટીઓની એક શાંત ગલીમાં રહેતી હતી.
દિવસે સામાન્ય… રાતે અસામાન્ય.
દિવસે તે વેલ્સ ફર્ગો બેન્કમાં નોકરી કરતી.કોફી, મેઈલ્સ અને ક્લાયન્ટ સાથે રિકવરી માટે રોજની મીટિંગ્સ.
પણ રાત્રે…
તે કલમ પકડીને બીજી દુનિયા બનાવતી.
બ્રોડવે માટે તે નાટકો લખતી.
બ્રોડવે — રંગમંચનું ધબકતું હૃદય
Broadway માત્ર એક રસ્તો નથી—તે સપનાઓનો મંચ છે. અહીં વાર્તાઓ લખાતી નથી, જીવાતી છે.
હર એક થિયેટરના પડદા પાછળ કલાકારોની મહેનત, લેખકોની કલ્પના અને દર્શકોની અપેક્ષા એક સાથે ધબકે છે.
અહીં સફળ થવું એટલે—
ફક્ત લખવું નહીં, પણ લોકોના મનમાં ઉતરી જવું.
મેરેલીન માટે, બ્રોડવે માત્ર પ્લેટફોર્મ નહોતું…તે તેની ઓળખ હતું.
મેરેલીન આ મંચ માટે એવા નાટકો, જેમાં પાત્રો જીવંત શ્વાસ લેતા લાગે.
તેના લિવિંગ રૂમના ટેબલ પર હંમેશા એક જ વસ્તુ કેન્દ્રમાં રહેતી.
યોજનાઓ, નકશા, વિગતો…
અને એક વિચાર.
આજકાલ નો વિચાર હતો,
ખોટી ઓળખ.
આ વખતે તે એક નવી સ્ક્રિપ્ટ લખી રહી હતી,
“The Perfect Heist.”
તેમાં બધું સચોટ હતું.
બેન્કમાં પ્રવેશનો સમય, ગાર્ડની પોઝિશન, કેમેરાના બ્લાઈન્ડ સ્પોટ…
અને એક ટ્વિસ્ટ.
સાચો લૂંટારો છટકી જાય,
અને એક નિર્દોષ વ્યક્તિને ગુનેગાર બનાવી દેવામાં આવે.
આખરે સ્ક્રીપટ પુરી આલેખી..
અને મેરેલીને સ્ટારબક્સની કોફીની ચુસ્કી લીધી…
અને સ્મિત કરીને બોલી.
“Perfect.”
બે દિવસ પછી.
સાન મેટીઓ શહેર હચમચી ઉઠ્યું.
બેન્ક ઓફ અમેરિકાની બ્રાન્ચમાં દિનદહાડે લૂંટ.
લૂંટનાર ફરાર.
સમાચાર ચેનલો પર એક જ ચર્ચા.
“આટલો સચોટ પ્લાન… જાણે કોઈએ પહેલેથી લખી દીધો હોય.”
મેરેલીનનો ચહેરો ફિક્કો પડી ગયો.
તેના હાથમાં પકડેલી સ્ક્રિપ્ટ જોઈ તે ધ્રુજી ઉઠી.આખો દિવસ તે ઘરમાં જ પુરાયેલી રહી.
સાંજ પડતા જ,
દરવાજા પર જોરદાર ઠોકર પડી.
“Marilyn, you’re under arrest.”
“અરે મેં તો ફક્ત લખ્યું છે… આ ફક્ત નાટક માટે છે… હું નિર્દોષ છું…”
તે સમજાવતી રહી.
પણ CCTV ફૂટેજ અને સ્ક્રિપ્ટ વચ્ચેનો મેળ—
તેને બચાવી શક્યો નહીં. કોર્ટે તેને જેલમાં ધકેલી દીધી.
જેલની અંદર, તેનો સમય ધીમો પડી ગયો.
દિવસો લાંબા… પૂછપરછ, લૂંટ નાં માલ અંગે ટોર્ચર, વચ્ચે ઊંઘ વીના ની રાતો વધુ લાંબી…
પણ એક વસ્તુ તેણે બંધ ન કરી.
તેની કલમ.તે, જીવવા માટે ફરી લખવા લાગી.
એક નવી સ્ક્રિપ્ટ:
“The Gold Vault Heist.”
સરકારી સોનાના સ્ટોરેજ પર આધારિત એક કલ્પિત હાઈસ્ટ.
તે પોતાને સમજાવતી.
“ક્રાઇમ સ્ટોરી લખવી એ ફક્ત કલા છે… ગુનો નથી…”
પણ હવે તે વધુ સાવચેત હતી—
દરેક વિગતો “રિસર્ચ” તરીકે નોંધતી.
એક સવારે—
જેલના કોમન રૂમમાં ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ બ્લીન્ક ઘયા.
“સરકારી ગોલ્ડ સ્ટોરેજ પર સુનિયોજિત લૂંટ!”

મેરેલીનના હાથમાંથી કોફીનો કપ નીચે પડી ગયો.સ્ક્રીન પર દેખાતી વિગતો.
એજ રસ્તો… એજ સુરક્ષા ખામી…
એજ પ્લાન—જે તેણે ગઇકાલે જ લખ્યો હતો.
તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.
આ વખતે ડર નહોતો.
સમજ હતી.
“કોઈ મારી લખેલી સ્ક્રિપ્ટ જીવી રહ્યું છે…”
અને તરત જ,
એક ચહેરો મનમાં ઊભો થયો—
મારિયા.
તેની જુડવા બહેન.
ડ્રગ્સના રવાડે ચડી વર્ષો પહેલા ગાયબ થઈ ગયેલી.
એકમાત્ર વ્યક્તિ,
જે તેની જેમ જ દેખાતી…
અને તેની દરેક આદત જાણતી. તે હોઈ શકે...
~~~~~
જેલની બહાર—લોસ એન્જલસ શહેરના છેવાડે,
ઝગમગાટની પાછળનો અંધકાર પણ ચમકતો હતો.
Los Angeles—લાઇટ્સ, કેમેરા, ગ્લેમર… અને અણગણિત સપનાઓ.
પણ આ ચમકતી લાઇટ્સ પાછળ એક એવી દુનિયા પણ છે, જ્યાં ઓળખ બદલવી સરળ છે, અને સત્ય છુપાવવું સહેલું છે .
હોલીવૂડના ઝગમગાટ વચ્ચે,
કોઈ પણ વ્યક્તિ પોતાની નવી કહાની બનાવી શકે—
કે પછી… કોઈ બીજાની કહાની ચોરી પણ શકે.
મેરેલીનની જુડવા મારિયા માટે, લોસ એન્જલસ ફક્ત શહેર નહોતું.તે એક લૂંટ નો માલ છુપાવા અને ઉડાવા માટેનું સલામત મંચ હતું.
તે એક સામાન્ય એપાર્ટમેન્ટમાં એક સ્ત્રી બની રહેતી હતી.
મારિયા, આજે અરીસાની સામે ઊભી હતી.એજ ચહેરો… એજ આંખો…બહારથી—મેરેલીન.
અંદરથી—મારિયા.તેના ટેબલ પર, મેરેલીને લખેલી સ્ક્રિપ્ટના પાનાં હતા.
દરેક પાનાં પર તેની નોંધ—
“Execute this.”
“Change timing.”
“Real risk here.”
મારિયા ફક્ત ઓળખ ચોરી રહી નહોતી.તે એક લેખકની કલ્પનાઓને હકીકતમાં ફેરવી રહી હતી.
પોલીસ ગૂંચવાઈ ગઈ.
એક મેરેલીન જેલમાં…
અને એક બહાર,લૂંટને અંજામ આપતી.
જેલમાં રહેલી મેરેલીનને હકીકત સ્પષ્ટ થઈ ગઈ.તેણે પોલીસને કહ્યું.“મારી એક જુડવા બહેન છે… મારિયા. આ બધું તે જ કરી રહી છે.”
શરૂઆતમાં કોઈ માનતું નહોતું.
પણ રેકોર્ડ ખંગાળતાં સત્ય બહાર આવ્યું.
પોલીસ લોસ એન્જલસ પહોંચી.
દરવાજો ખૂલે છે.સામે મેરેલીન.
“શું કામ આવ્યા છો?”
તે શાંતિથી પૂછે છે.પણ એક નાની ભૂલ,મેરેલીન ડાબોડી હતી.
અને આ “મેરેલીન”… જમણા હાથથી કામ કરતી હતી.પોલીસ ની થર્ડ ડિગ્રી અને સત્ય સામે મારિયા તૂટી પડી.
તે પકડાઈ ગઈ.
હસીને બોલી.
“તે લખતી રહી… અને હું તેને જીવી ગઈ.
અમે મળીને પરફેક્ટ સ્ટોરી બનાવી.”
પોલીસ તરત જ મેસેજ મોકલે છે.સાચી મેરેલીનને મુક્ત કરવા.
પણ…
સમય આગળ નીકળી ગયો હતો.
સેન મેટીઓની સિવિલ હોસ્પિટલના મોર્ગમાં,
એક ટેબલ પર સફેદ ચાદર હેઠળ,મેરેલીન અનંત નિંદ્રા એ સુઈ ચુકી હતી.
પુછપરછની તાણ અને દબાણ વચ્ચે,તેનું હૃદય અકાળે શાંત થઈ ગયું હતું.
આજે કોર્ટમાં શાંતિ હતી.
જજનો અવાજ ભારે થયો.
“સત્યનો વિજય થયો છે…
પણ ન્યાય મોડો થયો.”
“અહીં આજે કોઈ જીતતું નથી.”
આજે પણ શુક્રવારની રાત્રે શો પછી
બ્રોડવેનાં મંચ. પર મેરેલીનની
સ્ક્રિપ્ટ ભજવાય છે.
“The Gold Vault Heist.” અને અંતમાં અંતિમ લાઈન વાંચાય છે.
“ક્યારેક લેખક ફક્ત નાટક નથી લખતો…
પણ પોતાને જ કિરદાર બનાવી દે છે.
અને પોતાની કિસ્મતનું બ્લુપ્રિન્ટ બનાવી જાય છે.
જેને કોઈ બીજું અંજામ આપે છે.”
અંત.
