ખોટી દોડધામ
ખોટી દોડધામ
એક શહેરમાં મોટો વેપારી રહેતો હતો. તેને એક સરસ મજાનો કૂતરો પાડ્યો હતો. શેઠ તે કૂતરાને હંમેશા છુટ્ટો રાખતા હતા. જેના કારણે તે કૂતરો દરવાજાની બહાર બેસી રહેતો હતો. પરંતુ તે કૂતરાને એક વિચિત્ર ટેવ હતી. તે ઘરના આગળથી કોઈપણ ગાડી નીકળે. તો તેના પાછળ પડતો હતો. જેના કારણે ગાડીના ડ્રાઈવર તેને જોઈને ગભરામણમાં ગાડીને ઝડપથી ચલાવતા હતા. પરંતુ તે ગાડી પાછળ દોડતો અને જો ગાડી ન પકડાય તો તે પાછો આવીને દરવાજા આગળ બેસી જતો હતો.
કુતરાની આ ટેવ વેપારીની બાજુમાં રહેતો એક વ્યક્તિ દરરોજ જોતો હતો. તેને વેપારીને કહ્યુ કે 'તમારો આ કૂતરો દરરોજ તમારા ઘર આગળથી પસાર થતા વાહનોને પકડવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ તે પકડી શકતો નથી. શું તમને લાગે છે કે તમારા કૂતરો વાહન પકડી શકશે ?'
વેપારી કહ્યું કે 'ભાઈ તમે તો વાહન પકડવાની વાત કરો છો. હું તો વિચારું છું કે કદાચ તે વાહન પકડી પણ લે. તો તે વાહનને કરશે પણ શું ?'
આમ, આપણું જીવન પણ શું આ કૂતરા જેવું છે ? સતત દોડાદોડી કરીએ છીએ. પણ શા માટે ? તેની ખબર નથી.જીવનમાં પણ આપણે એવા કાર્યો પાછળ ખોટી દોડ મૂકીએ છીએ. જેનું પરિણામ આપણને ખબર જ ન હોય.