Prashant Subhashchandra Salunke

Inspirational Children

4.7  

Prashant Subhashchandra Salunke

Inspirational Children

ખાધું પીધું અને રાજ કર્યું

ખાધું પીધું અને રાજ કર્યું

6 mins
455


પ્રાચીન સમયમાં સહુસ્મૃત કરીને એક નગરી હતી. તેના રાજાનું નામ હતું જયદીપસેન. જયદીપસેનને બે પુત્રીઓ હતી. મોટી દીકરી ભાનુપ્રિયા અને નાની સુપ્રિયા. સુપ્રિયા કરતા ભાનુપ્રિયા દેખાવે ખૂબ સુંદર હતી. ભાનુપ્રિયાને તેના રૂપ ઊપર ખૂબ ઘમંડ હતો. તે વાણીએ તોછડી અને સ્વભાવે ઉદ્ધત હતી. સામી બાજુ સુપ્રિયા ગુણમાં ભાનુપ્રિયા કરતા ખૂબ ચઢિયાતી હતી. શાંત અને સૌમ્ય સ્વભાવ સાથે તેની બુદ્ધિ તેજ હતી. સુપ્રિયા સહુ સાથે હળીમળીને રહેતી. આ કારણે સુપ્રિયા સહુની માનીતી હતી. ભાનુપ્રિયાને આ વાત કણાની જેમ ખૂંચતી. તે કોઈકને કોઈક બહાને સુપ્રિયાને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતી.

એકદિવસ બન્યું એવું કે ભાનુપ્રિયા મહલની અંબારીએ ઊભા રહી પોતાના વાળ ઓળી રહી હતી. ઠીક તે જ સમયે પડોશના રાજ્યનો રાજકુમાર વૈભવ ત્યાંથી પસાર થયો. રાજકુમાર વૈભવ છુપાવેશે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. પરંતુ માર્ગ ભટકતા તે આ નગરીમાં આવી પહોંચ્યો હતો. અનાયાસે તેની નજર અંબારીમાં ઊભેલી રૂપ રૂપના અંબાર સમી રાજકુમારી ભાનુપ્રિયા પર પડી. ભાનુપ્રિયાના સોનેરી વાળ અને ગોરો વાન જોઈ તે તેના પર મોહિત થઇ ગયો. તેણે મનોમન ભાનુપ્રિયા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.

રાજકુમારે વૈભવે વિચાર્યું કે, “આજે જ મહેલમાં જઈ મારા પિતા સાથે સહુ પહેલા આ કન્યા સાથે લગ્ન કરવાની વાત કરીશ. મારા પિતા મારી વાત જરૂર માનશે. હવે પરણીશ તો આ કન્યાને જ નહીં તો આજીવન કુંવારો રહીશ.” બીજી જ ક્ષણે તેના મનમાં વિચાર આવ્યો કે, “પરંતુ હું પાછો આ જગ્યાએ કેવી રીતે આવીશ ? મારા માટે તો આ જગ્યા અજાણી છે. જો આ જગ્યા વિષે માહિતી મળે તો ખૂબ સારું.” આમ વિચારી તેણે રાજકુમારી ભાનુપ્રિયાને પૂછ્યું. “હે સુંદરી, આ જગ્યા કઈ છે ?”

ભાનુપ્રિયાએ સમાન્ય વેશમાં રહેલા રાજકુમાર વૈભવને જોઈ મોં મચકોડ્યું અને ફરી વાળ ઓળવા લાગી.

રાજકુમાર વૈભવને તેનું આવું વર્તન ગમ્યું નહીં. તેણે ફરી પૂછ્યું, “હું આપને પૂછી રહ્યો છું કે આ જગ્યા કઈ છે ?”

ભાનુપ્રિયાએ ઉદ્ધતાઈથી જવાબ વાળ્યો, “હું શું અહીં તને જગ્યા કહેવા ઊભી છું ? જોઈ નથી રહ્યો કે હું મારા વાળ ઓળી રહી છું. ચાલ જા અહીંથી અને માર્ગ પર આવી રહેલા લોકોમાંથી કોઈકને પૂછ.”

રાજકુમાર વૈભવ તેનો જવાબ સાંભળી સમસમી ગયો, “તમને માર્ગ પૂછ્યો તેમાં આટલા અકળાવો છો શું ? કોઈકની મદદ કરવી એ મનુષ્યનો ધર્મ હોય છે.”

હવે ભાનુપ્રિયાનો ગુસ્સો સાતમાં આસમાને ગયો, “અરે મૂરખ. તું જાણે છે હું કોણ છું ? હું આ સહુસ્મૃત નગરીની રાજકુમારી ભાનુપ્રિયા છું. તારી હિંમત કેવી રીતે થઇ મારી સાથે આમ વાત કરવાની. અબઘડી અહીંથી ચાલતો થા નહીંતર સૈનિકોને બોલાવી સો કોડાની સજા અપાવીશ.”

રાજકુમાર વૈભવ આ સાંભળી સમસમી ગયો. તેને આ અપમાન સહન થયું નહીં. તેણે મનોમન વિચાર્યું કે, “અચ્છા તો આ નગરી સહુસ્મૃત છે અને આ કન્યા અહીંના રાજાની દીકરી છે. હવે આને સબક શીખવાડ્યો નહીં તો મારું નામ પણ રાજકુમાર વૈભવ નહીં.”

ગુસ્સાથી રાજકુમાર વૈભવ પોતાની નગરી વિરહતમાં ગયો અને પોતાના પિતા વિષ્ણુદત્તને માંડીને વાત કરી. રાજકુમારના અપમાનને જાણી વિષ્ણુદત્ત ખૂબ રોષે ભરાયા, “પડોશી નગરીના રાજકુમારીની આ હિંમત કે તેણે મારા દીકરાનું અપમાન કર્યું ? હું તેની સજા આપીને જ રહીશ. સૈનિકો, અબઘડી તૈયાર થઇ જાઓ. આપણે પાડોશી નગરી સહુસ્મૃત પર આક્રમણ કરવાનું છે. બેટા, ત્યાંના રાજાને બંદી બનાવી હું તેને તારી પાસેથી માફી મંગાવીશ.”

અહીં જયારે જયદીપસેને લડાઈની વાત સાંભળી ત્યારે તેઓ ખૂબ ડરી ગયા. કારણ વિષ્ણુદત્ત એક શક્તિશાળી રાજા હતો. તેની સામે યુદ્ધ કરવાનું ગજું જયદીપસેનનું નહોતું. વળી તાત્કાલિક યુદ્ધ માટે તેની સેના પણ તૈયાર નહોતી. તેઓએ મનમાં વિચાર્યું કે, “જરૂર કંઈક બન્યું હશે તેથી જ વિષ્ણુદત્ત આક્રમણ કરવા મારી નગરી પર આવી રહ્યો છે.”

તાત્કાલિક તેમણે દૂતને બોલાવ્યા અને આ બાબતની તપાસ લગાવવા કહ્યું. થોડીવારમાં એક દૂતે આવીને જયદીપસેનને સવારની બનેલી ઘટના કહી સંભળાવી, “મહારાજ, આપણી રાજકુમારી ભાનુપ્રિયાના ઉદ્ધતાઈપૂર્ણ વર્તનથી પડોશી નગરીના રાજકુમાર વૈભવ ખૂબ વિચલિત થયા છે. અને તેથી જ પોતાના અપમાનનો બદલો લેવા તેઓએ આપણી નગરી પર આક્રમણ કરવાનું વિચાર્યું છે.”

જયદીપસેન હવે ચિંતામાં પડી ગયા. તેઓ મૂંઝવણમાં મહલમાં આંટાફેરા લગાવી જ રહ્યા હતા ત્યાં રાજકુમારી સુપ્રિયાએ આવીને રાજા જયદીપસેનને તેમની મૂંઝવણનું કારણ પૂછ્યું. રાજા જયદીપસેને જયારે માંડીને વાત કરી ત્યારે સુપ્રિયાએ કહ્યું, “પિતાજી, તમે જરાયે ચિંતા કરશો નહીં. આપણે આજે જ તે રાજ્યના રાજા સાથે મુલાકાત કરીશું.”

“પરંતુ બેટા,”

“પિતાજી, મારા પર વિશ્વાસ રાખો. હું બધું ઠીક કરી દઈશ.”

રાજા જયદીપસેને દૂત દ્વારા શાંતિ બેઠકનો સંદેશો રાજા વિષ્ણુદત્તને મોકલ્યો.

રાજા વિષ્ણુદત શાંતિ બેઠક માટે રાજી થયા.

બીજા દિવસની સવારે રાજા જયદીપ અને રાજકુમારી સુપ્રિયા પડોશની નગરી વિરહતની શુભેચ્છા ભેટ માટે પહોંચ્યા. અહીં તેમનું પુરા માનસન્માન સાથે આદર સત્કાર થયો.

રાજા વિષ્ણુદત્તે કહ્યું, “આવો આવો. અમારી નગરીમાં આપનું સ્વાગત છે. અમારી નગરીમાં આવેલા મહેમાનનું અમે સ્વાગત કરીએ છીએ તેમનું અપમાન નહીં.”

રાજા વિષ્ણુદત્તે કરેલા કટાક્ષને સમજી ગયેલા રાજા જયદીપસેન બોલ્યા, “મારી દીકરીના વર્તન બદલ હું દિલગીર છું.”

“રાજા જયદીપ, બોલો તમે શું કામ અમને મળવા માંગતા હતા ?”

રાજા વિષ્ણુદત્તે પુછેલા પ્રશ્નનો જવાબ આપતા સુપ્રિયા બોલી, “મહારાજ, હું રાજકુમાર વૈભવને ભેટ આપવા માંગું છું. કદાચ મારી ભેટથી તેમના મનમાં નિર્માણ થયેલી ખટાશ ઓછી થઇ જાય.”

રાજા વિષ્ણુદત્તે સહમતિ આપી.

રાજકુમારી સુપ્રિયા ભેટ આપવા આગળ વધી. તેને આવતી જોઈ રાજકુમાર વૈભવ પોતાના આસન પરથી ઊભો થયો. સુપ્રિયાએ ખૂબ જ કાળજીપૂર્વક પોતાના થેલામાંથી છાણનો ગોળો કાઢી રાજકુમાર વૈભવના હાથમાં મુક્યો. આ જોઈ રાજકુમાર વૈભવે ઘીન્નથી એ છાણનો ગોળો દુર ફેંક્યો.

આ જોઈ વિષ્ણુદત્તે રોષથી કહ્યું, “રાજકુમારી સુપ્રિયા, આ શું તમાશો છે ?”

સુપ્રિયાએ શાંતિથી કહ્યું, “મહારાજ મેં તો રાજકુમારને ભેટ આપી છે.”

રાજકુમાર વૈભવ બોલ્યો, “ભેટમાં કોઈ છાણનો ગોળો આપે છે ?”

રાજકુમારી સુપ્રિયા બોલી, “રાજકુમાર મેં તો તમને ભેટમાં હીરો આપ્યો છે.”

રાજકુમાર વૈભવે છાણના ગોળા તરફ જોયું તો તેમાં એક હીરો હતો.

રાજા વિષ્ણુદત્ત તાર્કિક બુદ્ધિના ધની હતા. તેમને સુપ્રિયાના વ્યવહારમાં ભેદ જણાયો. “રાજકુમારી, છાણના ગોળામાં હીરાને છુપાવી ભેટ આપવાનું કારણ ?”

સુપ્રિયાએ હાથ જોડીને કહ્યું, “ક્ષમા મહારાજ, પરંતુ હું બસ એ જ દેખાડવા માંગતી હતી કે જેમ છાણના ગોળામાં છુપાયેલા હીરાને રાજકુમાર ઓળખી ન શક્યા. તે જ રીતે એ દિવસે મારી મોટી બહેન રાજકુમાર વૈભવને છુપા વેશમાં ઓળખી ન શક્યા. જો મારી બહેનને ખબર હોત કે માર્ગ પૂછનાર વ્યક્તિ પડોશી દેશનો રાજકુમાર છે તો તેઓએ તેમનું અપમાન ક્યારેય કર્યું ન હોત.”

રાજકુમાર વૈભવે ગુસ્સાથી કહ્યું, “ઠીક છે તેમને એ ખબર નહોતી કે હું રાજકુમાર છું. પરંતુ તેઓ એટલું તો જાણતા હતા કે હું પરદેશી છું ? શું રાહ ભટકેલા માણસને રસ્તો દેખાડવાનો મનુષ્ય ધર્મ નથી ?”

“છે. બિલકુલ છે. અને એટલે જ મારી બહેને તમને સાચો માર્ગ દેખાડ્યો.”

“એ કેવી રીતે ?”

“મહારાજ, એક રાજકુમાર કોઈ રાજકુમારીને પૂછે એ યોગ્ય છે. પરંતુ એક સામાન્ય યુવક કોઈ રાજકુમારી સાથે કેવી રીતે વાત કરી શકે ? રાજકુમાર સાદા વેશમાં હતા. હવે તમે જ કહો કે ત્યાં આટલા લોકોની હાજરી હોવા છતાંયે તેમનું મારી બહેનને માર્ગ પૂછવું કેટલું ઉચિત છે ? શું તે દિવસનો એમનો વ્યવહાર ઉચિત હતો ? તેમને આમ મારી બહેન સાથે વાતચીત કરતા જોઈ ત્યાં ઊભેલા લોકોએ શું વિચાર્યું હોત! અને તેથી જ મારી બહેને રાજકુમાર વૈભવને કોઈ બીજાને માર્ગ પૂછવાની સાચી સલાહ આપી હતી. મહારાજ ભૂલ મારા બહેનની છે તો એટલી જ ભૂલ રાજકુમાર વૈભવની પણ છે. તેઓ જયારે છુપાવેશમાં હતા ત્યારે તેઓએ એ વેશની મર્યાદાને સમજવી જોઈતી હતી.”

આ સાંભળી રાજા વિષ્ણુદત્ત “વાહ, વાહ,” પોકારી ઉઠ્યા.

રાજકુમાર વૈભવ પણ નીચું જોઈ ગયો.

રાજા વિષ્ણુદત્તે કહ્યું, “રાજા જયદીપસેન, તમારી દીકરીએ આજે અમારી આંખો ખોલી દીધી. તમારી નગરી પર આક્રમણ કરવાનો અમારો નિર્ણય ખરેખર અયોગ્ય હતો.”

રાજા જયદીપસેને આદરપૂર્વક કહ્યું, “જે થાય એ સારા માટે જ થાય છે. ચાલો, આપણે બધું ભૂલીને દોસ્તીને હાથ લંબાવીએ.”

“રાજા જયદીપ, આપણા વચ્ચે દોસ્તીને બદલે રિશ્તેદારી બંધાય તો ?”

“હું કંઈ સમજ્યો નહીં.”

“વાત એમ છે કે, અમારા સુપુત્ર વૈભવને તમારી કન્યા ભાનુપ્રિયાને ખૂબ પસંદ છે. અને તે એની સાથે લગ્ન કરવા માંગે છે. તો શું તમે લગ્નની સહમતિ આપશો ?”

“આ તો અમારું અહોભાગ્ય છે. જરૂર મેં કોઈ પુણ્ય કર્યું હશે કે મારી દીકરીના લગ્ન આટલી મોટી નગરીના રાજકુમાર સાથે થવા જઈ રહ્યા છે. હું લગ્ન માટે સહમત છું.”

“પિતાજી, હું તમને કંઇક કહેવા માંગું છું ?” વચ્ચે જ રાજકુમાર વૈભવ બોલ્યો.

“શું ?”

“પિતાજી, હું રાજકુમારી ભાનુપ્રિયા સાથે નહીં પરંતુ રાજકુમારી સુપ્રિયા સાથે લગ્ન કરવા માંગું છું.”

“વાહ બેટા, મારા મનમાં પણ આ જ હતું. કારણ દેખાવ કરતા ગુણનું મહત્વ વધારે હોય છે. હું તારા નિર્ણયથી ખૂબ ખુશ છું.”

અઠવાડિયા બાદ રાજકુમારી સુપ્રિયાના લગ્ન રાજકુમાર વૈભવ સાથે થઇ ગયા. અને પછી તેઓએ ખાધું પીધું અને રાજ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational