કાચો હીરો
કાચો હીરો


આમ તો શિક્ષક એટલે શાળા કે કોલેજમાં નોકરી કરતી વ્યક્તિ. પરંતુ હું ખાનગી ટ્યુશન કરતી હતી.
અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, લગ્ન વડોદરા થતાં મારે નોકરી છોડવી પડી, પરંતુ નવી નોકરી મળે ત્યાં સુધી સમય પસાર કરવા મેં ટ્યુશન કરવાનું નક્કી કર્યુ. પરંતુ મેં નક્કી કરેલું કે એકદમ ડફોળ બાળકો ને જ ભણાવવા. જો કે એવા બાળકો મને મળી પણ રહ્યા.
એ બાળકોમાં ખોટું બોલવામાં પણ ગજબ આત્મવિશ્વાસ હતો. ૮ ગુણ્યા ૮ કેટલા થાય પૂછીએ તો તરત જવાબ આપે "૪૫," પછી એ સવાલ ગમે તેટલી વાર પુછો જવાબ ના બદલાય.
બીજો એનો ભાઈબંધ પણ એવો જ. ચેરાપુંજી માં છાપરા ઢળતાં કેમ રાખવામાં આવે છે ? તો એનો જવાબ હોય ,"સુંદર દેખાય એટલે" એ બંને તોફાની પણ એટલા જ તેથી જયારે આવે ત્યારે હું કહું પાણી પીને બેસો વોશરૂમ જઈ આવો પછી ભણાવવાનું ચાલુ કરીશ.
મારે તો સમય જ પસાર કરવાનો હતો તેથી હું ઘડિયાળ સામે જોતી જ નહીં.
પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે બંને જણ પહેલીવાર બધા વિષયોમાં પાસ થઈ ગયા હતા. પણ મારી ઈચ્છા એમનો પ્રથમ નંબર આવે એવી હતી. પહેલો બીજો નંબર વાર્ષિક પરિક્ષામાં આવ્યો ત્યારે મારી ખુશી નો પાર ન હતો.
ત્યારબાદ મને નોકરી મળી ગઈ અને મેં ટ્યુશન છોડી દીધા.
વર્ષો પછી મારે એક લગ્નમાં જવાનું થયું એ ભાઈ મારી સાથે જ કામ કરતાં હતાં. એમના દિકરાના લગ્ન હતા. સ્ટેજ પર એના બોસ આવ્યા મારી સાથે નજર મળતાં એ સ્ટેજ પરથી નીચે ઊતરી મને પગે લાગ્યા. હું કંઈ કહું એ પહેલાં એને દિવ્યાંગ કરીને બુમ પાડી. એ નામ સાંભળતાં જ જુની યાદો તાજી થઈ ગઈ.
મેડમ, હું ઈન્ટરનેશનલ કંપની માં વી. પી. છું. અને દિવ્યાંગના નામથી તો તમે અજાણ નહિ હોવ એ હવામાન વિષે વારંવાર ટીવી પર બોલે છે એનો વર્તારો સાચો જ પડે. " આજે ઘણા અઘરા દાખલાના પળના વિલંબ વગર જવાબ આપુ છું.
હા, મેં તમારા બંનેનો આત્મવિશ્વાસ જોયો હતો. મને ખબર હતી કે તમે કાચા હીરા છો જો પાસા પાડવામાં આવે તો તમારી કિંમત અનેકગણી વધી જાય. આજે હું તમારા સ્વરૂપે કિંમતી હીરા જોઈ રહી છું.
આજે મને ગર્વ થી કહેવાનું મન થાય છે કે હું એવી શિક્ષક છું કે કાચા હીરા ને કિંમતી હીરા બનાવ્યા. ગૌરવ થી કહું છું કે હું શિક્ષક છું.