જરાક માટે બચી ગયો
જરાક માટે બચી ગયો


આજે પણ એ પ્રસંગ યાદ આવતા હું કંપી ઉઠુ છું, મારા રુવાટા ઉભા થઇ જાય છે.
મારી બહેનના લગ્ન હતા. બધા પ્રસંગો બહુ સરસ રીતે, રંગેચેંગે ઉજવાઇ રહ્યા હતા. વેવાઈનો ફોન આવી ગયો કે અમે જાન લઇને મંદિરથી રવાના થયા છીએ અને પોણાએક કલાક માં પહોંચી આવશું. જાનના વધાવવાની અને સ્વાગતની તૈયારી થવા લાગી. પપ્પાએ મને પુછ્યું બેટા આપણે જે હાર ખાસ બનાવડાવ્યા છે તે ક્યાં રાખ્યા છે? અને મને યાદ આવી ગયું કે અરે, એ હાર તો હું ઘેર ફ્રીજમાં જ ભૂલી ગયો હતો.
મારા મુખના હાવભાવ જોઇને જ પપ્પા સમજી ગયા કે હું એ હાર ભૂલી આવ્યો છું. પપ્પા, જેમણે મને જિંદગીમાં ક્યારેય નોતા વઢ્યા, એમની આંખો જોઇને મને લાગ્યું કે આના કરતા મને વઢી લીધું હોત તો સારું. પોતાના માણસને જ્યારે કંઈ કહેવું હોય, વઢી લેવું હોય અને કાંઇ ના કહી શકે તો એ બધા ભાવ ચહેરા પર કુદરતી રીતે જ આવી જતા હોય છે.
પપ્પા, તમે ચિંતા ના કરો હું વીસ મિનિટમાં જ ઘેરથી હાર લઇ આવું છું એવું આશ્વાસન આપી અને કારની જગ્યાએ મેં મોટર સાઇકલ ઉપાડી ને ભાગ્યો જેથી ટ્ર્રાફીક માં મેનેજ કરી શકાય. પપ્પાનો ચહેરો યાદ આવતા જ મારી મોટર સાઇકલનું એક્સીલેટર ખુદ બ ખુદ વધતું જતું હતું. આગળ એક કારવાળો મને સાઇડ ન હતો આપતો અને મારો ગુસ્સો ખુબ વધતો જતો હતો. મેં ફુલ એક્સીલેટર આપ્યું અને એ કારને રોંગ સાઇડ થી ઓવરટેક કરવા નીકળ્યો. ચીં ….ઇ કરતી સામેથી આવતી ગાડી એ બ્રેક મારી અને હું ‘જરાક માટે બચી ગયો, સાંગોપાંગ નીક્ળી ગયો. એક પલ માટે તો મારા રુવાંટા ઉભા થઇ ગયા. જો સામેવાળી કારે સમયસરની બ્રેક ના મારી હોત તો મારો ખેલ ખતમ થઇ ગયો હોત અને પછી આગળ શું શું થયું હોત એ તો રામ જાણે.
ખબર નહીં, બહેનની રક્ષાએજ કદાચ મને બચાવી લીધો હતી. આપણી જિંદગીમાં જ્યારે જ્યારે આપણે ‘’ જરાક માટે ‘’ બચી જઈએ છીએ ત્યારે એ પ્રસંગ આપણી જિંદગીમાં એક જરૂરી સાવચેતી, સુરક્ષા માટેનું પ્રેરણા સ્ત્રોત બની રહે છે, જો એમાંથી આપણે જરૂરી બોધપાઠ ગ્રહણ કરીએ તો. સામેવાળા ભાઇએ સમયસર મારેલી બ્રેક મને કાયમી પ્રેરણા આપી ગઇ કે ગમે તેવા સંજોગો મા ખોટી ઉતાવળ કરી ને સુરક્ષાના નિયમોનો ભંગ ક્યારેય કરવો નહીં, ડ્રાઇવીંગ સમયે, ભાવનાઓ પર કાબુ રાખવો.
‘ જરાક માટે બચી ગયો’ એ પ્રસંગનું સમજી લ્યો તારણ
એવાજ અકસ્માત અટકાવવાનું એ બની રહે છે નિવારણ !