Pramod Mevada

Horror Others


4  

Pramod Mevada

Horror Others


જીવતું સ્વપ્ન-૭

જીવતું સ્વપ્ન-૭

4 mins 14.4K 4 mins 14.4K

વિક્રમ જેવો સ્વીચ ચાલુ કરી નિસરણી પર ચડવા ગયો કે તેને હળવો ઘુરકાટ સંભળાયો. તે હળવેથી પાછો ઉતરી ગયો અને અસિતને દૂર જવાનું કહેતા તે ખૂણામાં પડેલી ડાંગ ઉઠાવી ફરી આગળ વધ્યો. અસિત પાછો ફળિયામાં આવ્યો જોઈ વિક્રમના માંડીએ પૂછતા અસિતે ટૂંકમાં જે બન્યું એ કહ્યું. જવાબમાં માડીએ જે કહ્યું તે સાંભળી અસિત પળવાર તો શું કરવું એ જ વિચારમાં રહ્યો. માડીએ કહ્યું હતું કે 'ઓલો કાનકટો આઇવો હશે. વાંહેની વંડી ઠેકી બારી ખુલી હશે એટલે એને લાગ મળી ગયો હશે.' અસિત વિચારતો હતો કે આ કાનકટો કોણ હશે ? ત્યાં જ એણે વિક્રમને પાછો આવેલો જોયો. વિક્રમે પાછા આવી માડી સામે જોતા કહ્યું 'હા માડી એ જ હતો કાનકટો. હાંકી કાઢ્યો એને.' માડીએ કહ્યું 'ભલા માણહ હવે ખડકી બંધ કરવાની ભૂલતો નય. કેટલી વાર કહ્યું તને પણ..' વિક્રમે કહ્યું 'હા માડી હવે ધ્યાન રાખીશ.' અને તે અસિતને લઈ ઉપર સુવા માટે ઓરડામાં આવ્યો.

અસિતનું કુતુહલ હજુ શમ્યુ ન હતું એ જોઈ એણે ખુલાસીને કહ્યું. 'અરે સર કાનકટો એ બીજો કોઈ નહિ પણ એક દીપડો છે જેનો એક કાન કપાયેલો છે. અટકે અમે એને કાનકટો કહીએ છીએ. એ ઘણી વખત વંડી ઠેકી ત્યાં નિસરણીની બાજુમાં હોય છે પણ કોઈ નુકશાન નથી કરતો.' અસિતને વિચારતા જ એક પળ તો ભયનું લખલખું પસાર થઈ ગયું. એ દીપડો આટલી સહજતાથી આ લોકોના ઘરમાં આવી જાય અને આ લોકો એને માણસની જેમ ઓલો કહે છે ! કુદરત સાથે આટલો બધો તાલમેલ જળવાઈ શકે ખરા ! સાચે જ દુનિયા ઘણા રહસ્યોથી ભરી પડી છે. એણે વિક્રમને પૂછ્યું "ભાઈ તમને ડર નથી લાગતો ? એ તમારા પર હુમલો કરી બેસત તો ?" વિક્રમે કહ્યું. 'ના સર આ હિંસક પશુ ખરા પણ એને છંછેડીએ નહિ ત્યાં સુધી એ કઈ ન કરે. એની એક મર્યાદા જાળવીએ એટલે એ કોઈ નુકશાન ન કરે.' અસિતને એણે વાંચેલ ધ્રુવ ભટ્ટની અકુપાર યાદ આવી ગઈ. એમાં નાયિકા સાંસાઈ પણ આવું જ કંઈક કહે છે સિંહ માટે.  

ખાટલામાં આંખ મીંચી વિચારોમાં ક્યારે આંખ મળી ગઈને ક્યારે સવાર પડ્યું એનો ખ્યાલ પણ ન આવ્યો. વહેલી સવારે મોરનો કેકારવ સાંભળી અસિત જાગ્યો. એણે ઘડિયાળમાં જોયું તો સવારના છ વાગતા હતા. આસપાસ હજુ ઠંડક પ્રસરેલી હતી. એણે રૂમની સામે જે સીડી હતી ત્યાં થઈ ધાબા પર જઈ ટહેલવાનું વિચાર્યું. અચાનક જ ગઈકાલ રાતનો બનાવ યાદ આવતા જ એણે વિક્રમને જગાડવું ઉચિત સમજી એને લઈ ઉપર ધાબે જવાનું નક્કી કર્યું. વિક્રમ પણ તરત જાગી જતા અસિતે એને ઉપર જવા કહેતા એ અસિતને લઈ ધાબે આવ્યો. સામે જ ગિરનાર દેખાતો હતો. જાણે કોઈ જોગંદર એની મસ્તીમાં ગુલતાન થઈ પોઢયો હોય એમ આખા પર્વતનો દેખાવ લાગી રહ્યો હતો. વાદળોની સાથે કોઈ આલેખ જગાવવી હોય એમ વાદળ એનામાં તલ્લીન થતા ને અલિપ્ત બની બહાર વિખેરાતાં દેખાતા હતા.

નીચે ગીચ વનરાજી અને ઉપર રાખોડી કલરના પથ્થર.. અદભુત દ્રશ્ય દેખાતું હતું. અસિત જાણે કે ગિરનાર પર્વતના દર્શનમાં ખોવાઈ જ ગયો. ક્યારેક સંભળાઈ જતા વન્ય પ્રાણીઓના ચિત્કાર કૈક બનવાની દહેશતનો અંદાજો આપતા. વળી પાછી છવાઈ જતી શાંતિ...મોરના ટહુકા... બીજા પક્ષીઓના કલરવ... એક અલગ જ દુનિયા જોઈ સાંભળી... અનુભવી રહ્યો અસિત. વિક્રમ એને બોલાવવા આવ્યો ત્યારે જાણે કે ભાવસમાધિમાંથી જાગ્રત થયો. એણે ઘડિયાળમાં અમસ્તું જોયું. અરે કલાકથી એ અહીં આમ જ ઉભો હતો ! વિક્રમે એની સામે જોતા એની આંખના ભાવ વાંચી હોંકાર આપતા કહ્યું 'હા સર, ગિરનાર છે જ એવો કે તમે જુઓ એટલે એના પ્રેમમાં પડી જ જાઓ. હજુતો તમે ગિરનાર ઉપર જઈ એની આસપાસ દૂર દૂર સુધી ફેલાયેલી વનરાજી... એનું સ્વરૂપ નિહાળજો તમે દંગ થઈ એના પ્રેમમાં પડી જશો.' 

બન્ને નીચે આવ્યા ત્યાં ચા નાસ્તો કરી વિક્રમ સાથે અસિત એની હોટલ પર આવ્યો. ગઈકાલ કરતા આજે ભીડ વધુ દેખાતી હતી. વિક્રમ અસિતની સામે જોઈ બોલ્યો 'સર હજુ આજ કરતા આવતી કાલે તમને ભીડ વધુ જોવા મળશે. કાલે સવારના અગિયાર વાગ્યાથી અહીં જનમેદની ધીમે ધીમે રસ્તા પર પોતાની જગ્યા રોકી બેસી જશે.' અસિતે પૂછ્યું "કેમ ?" વિક્રમે ટૂંકમાં શિવરાત્રી પર નીકળતી સવારી જેને ત્યાંની લોકબોલીમાં સાઈ કહે છે તે વિશે કહ્યું. અસિતને લાગ્યું કે તે પાંચ દિવસ કરતા વધુ સમય રોકાય તો જ તેને તેના જવાબો મળશે.

આજે નજીકમાં કોઈ જગ્યા હોય તો ત્યાં જવા વિચે વિક્રમને પૂછતાં તેણે પાસે આવેલ દાતારના ડુંગર વિશે અને તેની દંતકથા વિશે જણાવ્યું. 'એવું કહેવાય છે કે દત્ત અને દાતાર બન્ને સામ સામે ચલમ ફેરવતા. દત્ત ગિરનાર પર અને દાતાર એ નાના ડુંગર પર બેસતા અને ચલમના એક પછી એક ક્સ લઈ સામ સામે ચલમ આપતા.' પછી વિક્રમે એને ઝીણા બાવા કરી સંત થઈ ગયા એમના વિશે પણ કહેતા અસિત અચરજ પામી ગયો. વિક્રમે કહ્યું કે 'ઝીણા બાવા એવી મહાન વિભૂતિ હતા કે એમના વિશે કહેવાય છે કે જયારે દત્ત અને દાતાર ચલમ ફેરવતા ત્યારે ઝીણા બાવા એ ચલમમાંથી પસાર થઈ જતા.' અસિત આંખ બંધ કરી એ દ્રશ્ય વિશે અનુમાન લગાવી રહ્યો. એક માણસ નાની અમથી ચલમમાંથી કેવી રીતે પસાર થઈ શકે ! વિક્રમે તેના એક દોસ્ત રમેશને બોલાવ્યો અને અસિત સાથે દાતાર જવા કહ્યું. રમેશ અસિતને લઈ દાતાર તરફ જવા નીકળ્યો અને વિક્રમ એની હોટલ પર કામમાં પરોવાયો. 

અસિત રમેશ સાથે વાતો કરતા કરતા દાતારના ડુંગર તરફ ચાલતો હતો કે અચાનક જ...(ક્રમશઃ)


Rate this content
Log in

More gujarati story from Pramod Mevada

Similar gujarati story from Horror