જીવન
જીવન
એકવાર કોઈએ વ્યક્તિએ દાર્શનિક ટોલ્સટોયને એક પ્રશ્ન પૂછ્યો, "જીવન એટલે શું ?"
ટોલ્સટોય એ જવાબમાં એક વાર્તા સંભળાવી. જે આ મુજબ હતી.
***
એક વખત એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક એક ખૂંખાર વાઘ તેની સામે આવતો દેખાયો. વાઘની નજર પણ તે માણસ પર પડી. આ માણસ તો આવી પડેલા સંકટમાં જેટલા ભગવાનના નામ યાદ આવતા હતા બધા બોલવા માંડયો. ઝાડ પર ચડી શકાય તેવો સમય નહોતો. તેને લાગ્યું કે આજે જીવનનો છેલ્લો દિવસ છે. તેણે જીવ બચાવવા રીતસર દોટ મૂકી. વાઘ પણ ભૂખ્યો ડાંસ હતો. તે માણસ પાછળ પડયો. માણસે પણ શરીરમાં જેટલી તાકાત હતી તે બધી જ દોડવામાં લગાવી. વાઘ નજીક આવી ગયો.
દોડતા દોડતા તેને એક કૂવો દેખાયો. તેણે વગર વિચાર્યે કૂવામાં ઝંપલાવી દીધું. બીજો કોઈ માર્ગ નહોતો. કૂવામાં વડલાની મોટી વડવાઈઓ લટકતી હતી, કૂદતાની સાથે અચાનક તેના હાથમાં આ વડવાઈઓ આવી ગઈ. એ પકડીને તે કૂવામાં લટકી ગયો.
થોડી વાર પછી તેણે કૂવામાં ડોકિયું કર્યું તો એ પુરાણા કૂવાના પાણીમાં મગરો મોં ફાડીને પડયા હતા. એ આ માણસના નીચે પડવાની જ રાહ જોતા હતા. ક્યારે તે નીચે પડે અને ખાઈ જાઉં. ઉપર ખૂંખાર વાઘ આ માણસના બહાર આવવાની રાહ જોતો હતો, અને નીચે મગર !
હવે જે જગ્યાએ તે લટકતો હતો, એની ઉપરની બાજુએ એક મોટો મધપૂડો હતો અને તેમાંથી મધ ટપક્યા કરતું હતું. લાંબા સમયથી લટકી રહેલા માણસે મધના ટીપા મોઢામાં ઝીલવા માંડયાં. આ મધનાં ટીપાંએ તેને ટકાવી રાખ્યો. પણ આ શું ! જે વડવાઈને પકડીને તે લટકી રહ્યો હતો એને એક કાળો અને એક સફેદ ઉંદર નિરંતર કાપી રહ્યા હતા !
આટલું કહીને ટૉલ્સ્ટૉય અટક્યા. પ્રશ્ન પૂછનારો માણસ મૂંઝાયો, તેણે ફરીથી પ્રશ્ન દોહરાવ્યો, 'પણ જીવન એટલે શું ?'
ટોલ્સ્ટૉયે પોતાની વાત આગળ ચલાવી, 'પેલો ખૂંખાર વાઘ એટલે કાળ; મગર એટલે મૃત્યુ, મધ એટલે જીવવાની આશા-આનંદ-ઉમ્મીદ તથા કાળો અને સફેદ ઉંદર એટલે રાત-દિવસ. બસ આ બધું મળીને જે થાય એનું નામ જીવન !'
