જીવાદોરી
જીવાદોરી
સમીર અને સુમી શહેરમાં રહેતાં હતાં. અમે શિક્ષિત થઈને ગામડે થોડા રહીએ !
અમારા બાળકોને શિક્ષણ શહેરમાં જ સરસ રીતે મળે એવી માન્યતા ધરાવતા બંને શહેરમાં દિવસો પસાર કરતાં હતાં. બહુમાળી ઈમારતના પાયામાં ન તો પ્રેમ હતો કે ન તો લાગણી.
સમીર અને સુમી બાળકો સાથે વેકેશનમાં શહેરથી દૂર હવા ખાવા પહાડી વિસ્તારમાં કે હરિયાળી હોય ત્યાં જતાં. કેરળ, માથેરાન વગેરે સ્થળોની મુલાકાત લેવાઈ ચુકી હતી.
અચાનક કોરોનાની લહેર ચાલુ થઈ ગઈ. આ કુંટુંબ સિમેન્ટની દિવાલોમાં જકડાઈ ગયું, ઘરમાં ને ઘરમાં મૂંઝાઈ ગયું. આ ઈમારતમાં ઘણાં માણસોનું આશ્રયસ્થાન હતું, પણ લાગણી કે હૂંફથી કોઈને જોડતું ન હતું.
સમીરને પોતાનું ગામ યાદ આવ્યું. સમીર પોતાના પરિવાર સાથે ગામડે આવ્યો. ગામનો રસ્તો ચાલુ થતા જ લીલા ઘેઘુર વડલા દેખાયા. સમીરે ગાડી ઊભી રાખીને બાળકોને વડવાઈએ હિંચકા ખવડાવ્યાં. સુમી હજી ઉદાસ હતી કે ઘરે ન તો કામવાળી બાઈ હશે,ન તો અંગત સમય.
સમીર ઘરે પહોંચીને માતા-પિતાને પગે લાગે છે. બાળકો પણ અનુકરણ કરે છે. સુમી પણ પગે લાગે છે. બાળકોને તો ઘરનાં નળિયા પર પોપટ જોઈને મજા પડી જાય છે. સાંજે બાળકો બા-દાદા જોડે મંદિરે જાય છે, તો ત્યાં મોર જોવા મળે છે.
બીજે દિવસે સવારે બાળકો સમીર જોડે નદીએ જાય છે, તો બાળકો બોલી ઊઠે છે કે " પપ્પા, આવડો મોટો સ્વીમીંગપુલ ! "
આમ, સિમેન્ટ-રેતીની ઊંચી ઈમારત જે સુખ ન આપી શક્યું, એ સુખ લીલુંછમ ગામડું આપી ગયું.
ઘરે બેઠાં નોકરી અને બાળકોના વર્ગો પણ ચાલે છે. બધા સાથે મળીને કામ પુરુ કરી લેતા હોવાથી સુમી પણ ખુશ છે.
બાળકો સવાર સાંજ બા દાદા જોડે રહેતા હોવાથી બંનેને અંગત સમય પણ મળી રહે છે.
બા બાળકોને વાર્તા કરે છે. દાદા ગુલ્ફી લઈ આવે છે. સુમી વિચારે છે કે જેવું શહેરમાં કોરોના......કોરોના .... કરે છે, એવું અહીં કંઈ જ નથી. મોટું ઘર હોવાથી એકબીજાથી અંતર જાળવી રાખવા તથા ઘરઆંગણે વૃક્ષો હોવાથી તાજી હવા મેળવવા સક્ષમ છીએ.
સમીરે કહ્યું કે સુમી, હજી વાડીએ જવાનું તો બાકી છે. સુમી હસી પડી કે સમીરે એના મનની વાત જાણી લીધી.
સમીરે સુમીને પૂછ્યું કે "ગામડું સંકટ સમયની સાંકળ છે ને ?" સુમીએ હસીને કહ્યું કે "સાંકળ નહીં જીવાદોરી છે, ગામડું છે તો આપણે છીએ."
