Rita Mecwan

Crime Action Abstract

2.3  

Rita Mecwan

Crime Action Abstract

ઝરુખે દીપ ઝળહળે...

ઝરુખે દીપ ઝળહળે...

5 mins
7.5K


મંછીના એક વરસની જેલ પછી આજે અદાલતમાં એના કેસની સુનાવણી હતી. અદાલત દસ વાગ્યા સુધીમાં ગામડિયા માણસોથી ભરાઈ ગઈ. આજે કેસનો ચુકાદો હતો. જજ સાહેબ આવ્યા એટલે અદાલતની કાર્યવાહી શરુ થઈ. કઠેડામાં ઉભેલી મંછી ગામડિયણ અભણ અને ગરીબ. એને વળી કેસ શું અને વકીલ શું ? ક્યાંથી ખબર હોય ? સરકારી વકીલ મંછીની તરફેણમાં હતા. ગીતા પર હાથ મૂકી સાચું કહેવા જણાવ્યું .

મંછી બોલી,“સાબ મું અભણ આ બધું ની જાણતી પણ જે બોલું ઈ હાવ હાચેહાચું જ બોલું. જો ખોટું બોલું તો મને મેલડી માના હમ..” કહીને મંછીએ એક વરસ પહેલાની વાત શરુ કરી. અદાલતમાં બધા એક ધ્યાન થઈ ગયા. 

“સાબ ગ્યા વરહે દિવાળીના દીની વાત છે. મારા બાપુ લાંબે ગામતરે ગ્યા પછી મુંએ માને અને મારી નાનકીને હાચવી લીધા. સવારમાં મો સુઝણ થતા ઉઠી જતી. ઘરનું પાણી વાસીદું ઝટપટ પતાવી ભાતું તીયાર કરતી. માને નાનકી હારું છીબામાં ઢાંકતીને મારું ભાતું લઈ નવ વાગે દડીએ જાવા હાલી નીકળતી. 

સાબ મું ગરીબ ઘરની છોડી તેમાંય પાછી ફરેલી. મુંને રૂપ તો ભગવાને ખોબલે ભર દીધું તું. તંગ પોલકું ઘાઘરો ને ઘાટડી માથે નાખી દાડીએ જાવા નીકળતી તો ગામના જુવાનીયા મારા પીટ્યા આંખ્યું ફાડી જોઈ રેતા. પણ કોઈની મજાલ ની કે મુંને આંતરે. કે નામ પણ લે. મું આમતો હંધાયની હારે હસીને બોલતી પણ જો કોઈ મારી હામે આંખ્યુંનો ઉલાળો બી કરી બેહે તો ઈનું આવી બનતું.. પણ સાબ થોડા દીથી મારી હારે કામ કરતા કરસન હારે મારું મન લાગી ગ્યું તું. એક દી મુંએ મારી માને આ વાત કરી. મા કરસન હારો માણસ છે. મારું મન ઈની હારે લાગી ગ્યું છે અને મારી મા તાડૂકી,”અલી છોડી તારે એક ભવમાં બે ભવ કરવા છે? ઈ નો બને.” ને મુને બે ઢોલ મારી ચુપ કરી દીધી. બીજે દી મુંએ કરસન ભેગો થતા ઈને હંધીય વાત કીધી. :“કરસન, મારી માને મારો ફ્દીયો વાલો છે. ઈ મુંને તારી હારે લગનની હા ની પાડતી તો હું કરીહું? કરસને કીધું,“મંછી તું ચંત્યા કર મા. મારા ગામના મુખી બહુ હારા માણહ છે. મી ઈની હારે હંધીય વાત કરી છે. મુખીએ કીધું તું મંછીને લઈને હું કહું ત્યારે આવી રેજે. હું હંધીએ તીયારી કરી લઈશ. ને કોરટમાં લગન હો ઈ જ કરાવહે. થોડા દી પછી દિવાળીના દી આવહે. તે દી તું તીયાર રેજે. ભેળા બે જોડી લૂગડાં બી લેતી આવજે. થોડા દી મુખીના ખેતરે કુવા પાહેની ઝુંપડી માં રેહું. પંદર દી પછી દિવાળી ના આવી રેહે.” મુંએ તીયારી કરવા માંડી. દસ દીની વાર હતી. તીયાં કરસને કીધું,“મંછી કાલે આપણે નાહી જહું.. મુખી એ કીધું છે." 

ને મારી માની મના છતાં મું કરસન હારે બીજું ઘર માંડવા હાલી નીકળી. ઈના ગામમાં પોચી મુખીના ખેતરે ઝુંપડીમાં બેઠી. કરસન મુખીને બુલાવા ગ્યો. થોડીવારમાં મુખી આયવો ને

મુંને ઘુરકી ઘુરકી જોવા લાયગો. મુંને થીયું કે આ હારો આ મુખીડો આમ કેમ જોતો છે ? ઈની નજરમાં મુંને ખોટ વર્તાઈ. તીયાંતો મુખી બોયલો.”ચંત્યા કરતી મા અલી મંછી, મું છુંને હંધુય ઠીક કરા. એ ય તું તારે લેરથી રે.. ને ઈ ગયો.. કમાડ પાંહે જઈ પાછો વળી મુંને ઘૂરકવા લાયગો મુંને એની દાનત ઠીક નો લાગી. પછી તો એણે કરસનને કામે વળગાડ્યો. કરસન રોજ શેરમાં જતો ને રાતે આવતો. કરશનના જતાં મુખી મારી પાહે આવીને બેહી રેતો.

બે દી પછી દિવાળી હતી. કરસન શે'રમાં જવા વેલો નીકળી ગીયો. “નવા વરહે તારી હાટુ લૂગડાં લેતો આવું“ કહી વાલ કરતો ગીયો. દિવાળીના દી હતા. સમી સાંજે ઠંડીના દાડા નાના છોકરાઓ ફટાકડા ફોડવા માંડે. અંધારું થયું કે મુઓ મુખી આયવો ને જોડાજોડ બેહી ગયો. હું થોડી છેટી બેહવા ઉભી થઈને તો મુંનો હાથ ઝાલી લીધો. ને પાહે બેહાડી કેવા લાયગો, “મંછી આજ તું મને રાજી કરી દે. તારું આ રૂપ મુંને ઊંઘવા ની દેતું.” કહીને મુંને બાથ ભરવા જાય છે ત્યાંતો મું એ એને હડસેલો દીધો ને ભાગવા ગઈ. ઈ મુઆએ મારી ઘાટડી ખેંચી કાઢી. ઈ હવે ભુરાયો થઈને બેઠો થઈ ગીયો મુંને પકડી. મી ઈને કીધું “મું ને જવા ધ્યે તમ તો માવતર ને કઈ કેટલી કરગરી તો મુઓ રાખસ બની હસવા લાઈગો ને મુંને પછાડીને બોયલો,“આજ તો તુંને ની છોડું મંછી “ મેં ચીહો પાડી પણ ફટાકડાના અવાજમાં મારી હંધી ય ચીહો દબાઈ ગઈ. મુંએ હતું એટલું જોર કરી ઈને ધક્કો દીધોને કમાડ તરફ દોડી. મારા પગમાં દાતરડું ભેરવાયું ને મી એ ઉપાડી લીધું. મુખીની હામે દાતરડું ધરીને કીધું,“મુખી છેટો રેજે. નહી તો આજ દાતરડાથી આ મંછી તુંને વાઢી નાખહે. તો ય મુખી મુંને પકડવા આઈવો.સાબ ને મુંએ મારું શિયળ બચાવવા દાતરડાથી ઈનું ગળું વાઢી નાયખું. પછી એ જ લોહી નીગળતું દાતરડું લઈ પોલીસ પાંહે આવીને હંધુંય કઈ દીધું સાબ“ ને પછી મંછી શાંત થઈ ગઈ. વાત કરતી વખતે એની હાંફતી છાતી લાલ થયેલી આંસુ સભર આંખો એની સચ્ચ્ચાઈની ચાડી ખાતી હતી. 

ને પછી જજે ચુકાદો આપ્યો કે મંછી એ પોતાની ઈજ્જત બચાવવા જતાં એક પાપીનો નાશ કર્યો છે. તે કઈ ખોટું નથી. અને બીજું એણે જાતે ગુનો કબુલ કરી લીધો છે. અને એક વરસની જેલ પણ ભોગવી છે. તો આજે આ અદાલત મંછીને બાઈજ્જત બરી કરે છે. મને ફેસલો સુણાવતા ખુશી છે કે આજે એક સચ્ચાઈનો દીવડો ઝરુખે પ્રકાશિત થઈ રહ્યો છે. કોર્ટની બહાર નીકળતા કરસન ને મંછી જજને પગે પડ્યા. જજે કહ્યું,‘મંછી આ દુનિયા તને ગુનેગાર માનીને હવે જીવવા નહિ દે. જો તમે ઈચ્છો તો મારે ત્યાં આવી મારી પત્નીને ઘરકામમાં મદદ કરજો. કરસન તું બાગકામ કરજે અને હા હવે તારી મા તો છે નહિ તો નાનકીને પણ લેતી આવજે. બંગલાના કમ્પાઉન્ડમાં એક ખોલી છે ત્યાં તમે બધા રહેજો. મંછી ચોધાર આંસુ એ રડી પડી. આજે એક વરસ પછી દિવાળીના દિવસે એક અંધકારનો લીસોટો દુર થઈ ખુશીનો દીપ ઝળહળી ઉઠ્યો ઝરુખે.


Rate this content
Log in

Similar gujarati story from Crime