*અંધાપો*
*અંધાપો*
રમાબેન ની ઉમર 62 વર્ષની હતી. દીકરા વહુ સાથે રહેતા હતા. બંને નોકરી કરતા હતા. રમાબેન શરીરે સશક્ત હતા પણ આંખે અંધ હતા. આમ તો વહુ દીકરો બધી રીતે સારા હતા. પણ વહુ જરા અવિવેકી હતી. ગુસ્સાવાળી હતી. કોઈ વાર ગુસ્સો કરતી તો રમાબેન મોટું મન રાખી માફ કરી દેતા હતા. દીકરા વહુ સિવાઈ એમનું હતું પણ કોણ? વહુ નોકરી કરતી હતી એટલે ગુમાની અને તુમાખી એના નાક પર જ હતા. અને એ મજબુરીવશ લાચારીપૂર્વક ચીન્ધેલું કામ કરી આપતા હતા. ઘણી વાર એ વિચારે ચડી જતા કે મારા અંધાપાને લીધે દીકરો વહુ ક્યાય પણ ફરવા નથી જઈ શકતા. લગ્ન ના ૨ વર્ષ થઈ ગયા હતા. વહુ એ એનો રંગ બદલવા માંડ્યો હતો. એક રાત્રે જમી ને સુતા હતા. દીકરાના રૂમની બહાર એમનો ખાટલો હતો. એક ભગવાનની પૂજાની નાની રૂમ ને રસોડું. ઘરની બહાર વરંડો હતો પણ વરસાદના લીધે તેઓ ઘરમાં સુતા હતા. બાકી એ બહાર કાયમ સુતા હતા.પણ એ રાત્રે એમણે દીકરા વહુ ને વાત કરતા સાંભળ્યા .દીકરા એ કહ્યું “ પણ મા ને મુકીએ ક્યાં? આપણા સિવાઈ કોઈ એમનું નથી. હું મારી મા ને મૂકી ને મોજ કરવા જાંઉ? “ એટલે વહુ બોલી “ આ આંધળી ડોશી મને બધે જ નડે છે. મારા ભાગ્ય જ ફૂટેલા છે. લગ્ન કરીને આવી ત્યારથી આ ડોશી ની જ સેવા લખાયેલી છે. મરતી પણ નથી કે શાંતિ થાય.” કહી રડવા લાગી. દીકરો વ્યથિત થઇ ને ગુસ્સે થયો અને કહ્યું , “ ખબરદાર જો મારી મા ને આંધળી કહી છે તો...વહુ એ કહ્યું “ છે તો છે...મેં શું ખોટું કહ્યું?...અને દીકરા નો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો...અને બે વચ્ચે નો ઝગડો સાંભળી રમા બેન ધ્રુજી ઉઠ્યા...અને ચોધાર આંસુ એ રડવા લાગ્યા.એમને થયું કે આ બધું મારે લીધે જ થાય છે. ઈશ્વરનું સ્મરણ કરતા કરતા રમાબેન સુવાની કોશિશ કરી પણ કેમે કરી ઊંઘ ન આવી. સવારે શું થશે એની ચિંતા સતાવવા લાગી. અને એમને પોતે ગુનાહિત ની લાગણી થઇ આવી..રમાબેન વિચારતા હતા કે હું તો ચક્ષુહીન છું પણ મારી વહુ તો વિચારહીન છે વિચાર્હીનતા પણ એક પ્રકારનો અંધાપો જ છે. આખી રાત તેમને ઊંઘ ના આવી. વહેલી સવારે સૂઝેલી આંખે ઉઠ્યા ત્યારે તેમણે રસોડામાંથી વાસણનો ખખડાટ અને વહુનો બબડાટ કાને સાંભળ્યો. હવે તો આ આંધળી ડોશી મરે પછી જ ઘરે આવીશ..હું ઘર છોડી જાવ છું. આ સાંભળીને દીકરાએ વહુ પર હાથ ઉપાડ્યો..ખબરદાર જો મારી મા ને આંધળી ડોશી કહી છે તો..એ તો આંખ થી અંધ છે તું તો વિચાર થી અંધ છે. નીકળી જા મારા ઘરમાંથી મારી મરતી મા નું મો જોવા પણ તને નહિ બોલાવીશ...અને વહુ તાડૂકી...હા હા મારે તારા ઘરમાં રેહવું પણ નથી..આંધળી નો દીકરો પણ આંધળો..માવડિયો....કહી ને બેગ ભરવા લાગી. અને જ્યાં ઘર છોડવા જાય છે ત્યાં જ રમા બેન પૂજાની રૂમમાંથી બહાર આવ્યા. અને કહ્યું ,” વહુ બેટા તારે ઘર અને અમને છોડવા જ છે ને? તો છોડી દે અમને પણ જતા જતા મારી એક વાત સાંભળશે? મારી વાત સાંભળીને તારે જવું હશે તો મારો દીકરો જ તને તારા ઘરે માનભેર મુકવા આવશે.” આટલું કહી એમનું હ્રદય ભરાઈ આવ્યું. એમના આંસુએ વહુને વાત સાંભળવા મજબુર કર્યા. મા એ એમની વાત માંડી , “ આજે હું એક વાત એવી કહેવા ની છે જે મેં આજદિન સુધી કોઈને કરી નથી . હું કેમ અંધ બની એ તારે જાણવું છે? બેટા ચલ આજે હું તને એ વાત જણાવું. વહુ બેટા તું મારી પાસે આવ...તું તારી અંધ સાસુમા ની કથની સાંભળ... રમાબેન અતીતમાં સરી પડ્યા..આ મારો દીકરો સોળ વર્ષનો હતો હતો ત્યરે તારા સસરા સ્વર્ગે સિધાવ્યા હતા. અને મેં મારું સમગ્ર જીવન દીકરા ને ઉછેર કરવામાં ખર્ચી કાઢ્યું. બીજા લગ્ન પણ ના કર્યા...જતીન મારો દીકરો મારી આંખનું અનમોલ રતન છે.મારી આશા મારા અરમાન બધું જ આ મારો જતીન છે.. મેં નાના મોટા ટ્યુશન કરી એને ભણાવ્યો..પણ એ દિવાળીની રાત હું ભૂલી નથી શક્તી . એ દિવસે આખું ઘર દીપમાળા થી સજાવ્યું હતું...અને એ મિત્રો સાથે ફટાકડા ફોડતો હતો..ફટાકડાની રોશની માં મને મારા દીકરાનું ભાવી વધુ ઉજાશ પૂર્ણ લાગ્યું..બસ એ જલ્દી થી મોટો થઇ જાય સારી નોકરી મળી જાય અને મારા ઘરને મારી વહુ આવી વધુ તેજોમય બનાવે..અને એ સ્વપ્નમાં સરી પડી...અને ત્યાં તો બાહર થી બુમો અને ચીસો થી એ જાગી ગઈ...” રમાકાકી તમારા દીકરા જતીન ની આંખમાં ફટાકડાના તણખા પડ્યા છે. એ સખ્ત રીતે દાઝી ગયો છે...આ સાંભળતા જ હું પાગલ બની દોડી...અને જાતિન ને જોઈ બેભાન થઇ ગઈ..આંખ હોસ્પીટલમાં ખોલી..જતીન દેખાતો નહોતો હું દોડી ડોક્ટર પાસે પૂછ્યું શું થયું છે મારા જતીન ને? અને ડોકટરે કહ્યું તમારા દીકરાની બન્ને આંખોના દીવડા બુઝાઈ ગયા છે. અને મેં ચીસ પાડીને કહ્યું કે ગમે તે થાય મને મારા દીકરાને દેખતો કરવો છે... જોઈએ તો મારી બે આંખો લઇ લો...પણ મારા દીકરા ને દ્રષ્ટિ આપો...મારા દીકરાની આંખોના દીવડામાં મારી આંખોના દીવડા રોપીદો ...ચોધાર આંસુ એ રડીને મેં ડોકટરના પગ પકડી લીધા. અને ડોક્ટર પણ મારી આજીજી સાંભળી મારી આંખોનું પ્રત્યારોપણ કરવા તૈયાર થઇ ગયા ને...કહ્યું ઈશ્વરે મા નું સર્જન કરી ને ધરતી પર સાક્ષાત ઈશ્વર જ મોકલ્યા છે. અને પછી મારી આંખોના દિવડાનું મારા દીકરાની આંખમાં આરોપણ કર્યું. એ વાત આજે સાચી ઠરી...બધું બની શકાય પણ...મા નહી બની શકાય. અને બસ તે દિવસથી જતીન મારી આંખોથી દુનિયા જોવા લાગ્યો...અને હું બની પ્રજ્ઞા ચક્ષુ....મારા દિવ્ય ચક્ષુ વડે જગત જોવા લાગી....વહુ બેટા હું આજે મારી આંખોનું રતન તને સોંપી દેવા માંગું છું .હું તમારો બોજ નથી બનવા માંગતી..મને કોઇપણ નારીકેતન માં મૂકી આવો..મારું શેષ જીવન ત્યાં જ હું વીતાવીશ..બીજા પ્રજ્ઞા ચક્ષુઓને હું બ્રેઇલ લીપી શીખવીશ..મને માફ કરી દે વહુ બેટા.. ને જતીન મા પાસે જઈ ને ભેટી પડ્યો..ને બોલી ઉઠ્યો , “ મા તે મને ના પાડી હતી , વચન માંગ્યું હતું કે મારા અંધાપાની વાત વહુને ન જણાવતો એટલે હું ચુપ હતો....મા આજે તે આ વાત જણાવી તે સારું જ કર્યું. “ પછી પત્ની તરફ ફરીને બોલ્યો , “ પ્રિયા તું જઈ શકે છે હું મારી મા નું આંખ નું રતન બનીને એમની સેવા કરીશ આજીવન..અને વહુએ પતિના મોઢે હાથ મૂકી દીધો અને રડી પડી. પછી સાસુ પાસે જઈ ને પગે પડી ને બોલી , “ મા મને માફ કરો હું તો છતી આંખે સ્વાર્થથી આંધળી બની ગઈ. મા હવે તો હું અને જતીન બંને તમારી આંખોના દીવડા બનીશું.કહી ને સાસુમાને ભેટી પડી. રમાબેને દીકરા વહુ ને હસતા રડતા બાહુમાં સમાવી લીધા ને બોલી ઉઠ્યા , “ જુગ જુગ જીવો મારી આંખોના રતન “
