મમતાની મહેક
મમતાની મહેક
આજે સુરતની એક શાળાનો વાર્ષિકોત્સવ હતો. નાના નાના ભૂલકાઓ તૈયાર થઈને પતંગિયાની જેમ ઉડી રહ્યાં હતાં. એવું લાગેકે જાણે ઉપવનમાં રંગબેરંગી પતંગિયા ઉડી રહ્યાં છે. આ બધામાં આજે ચોથા ધોરણમાં ભણતો જય શાહ ખુબ જ ગંભીર હતો. આજે એણે મંચ પરથી “મા“ વિષે બોલવાનું હતું. એની મમ્મીએ સરસ સ્પીચ તૈયાર કરીને આપી હતી.
સાત વાગ્યા સુધીમાં તો શાળાનો હોલ વાલીઓ અને નાના મોટા ભૂલકાઓથી ઉભરાઈ ગયો. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. જુ.કે.જી. અને સી.કે.જી. નાના ભૂલકાઓ સ્ટેજ પર પતંગિયાની જેમ ઉડવા લાગ્યા. રંગ બેરંગી લાઈટથી મંચ શોભવા લાગ્યું. વેલકમ ડાન્સ પૂરો થયો અને તાળીઓથી હોલ ભરાઈ ગયો. અને પછી નામ બોલાયું “હવે ચોથા ધોરણમાં ભણતો હોનહાર વિદ્યાર્થી માસ્ટર જય શાહ મા વિષે વક્તવ્ય આપશે. પ્લીઝ વેલકમ જય શાહ..” અને હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો.
જય મંચ પર આવ્યો ઓડીયન્સનું અભિવાદન કર્યું અને પછી એકજ શબ્દ બોલ્યો : “મા“ અને એની નજર મમ્મી પર પડી જોયું તો મમ્મી અમીની આંખમાંથી આંસુ સરી પડ્યું....અને જયએ આગળ બોલવાનું શરુ કર્યું “મા તું જ મારી ઈશ મા જન્મથી લઈને આજ દિન હું તને જ ઓળખું છું. જન્મ આપ્યો આજે હું ચોથા ધોરણમાં આવ્યો મને આંગળી પકડી ચાલતા શીખવાડ્યું બોલતા શીખવાડ્યું મારી મમ્મી અમી શાહ હું આજે જેટલું જાણું છું ને શીખ્યો છું તે તને આભારી છે."
"મમ્મીએ ટ્યુશન કરી મને મોટો કરે છે. મારા દરેક લાડકોડ પુરા કરે છે. હું તો એટલું જાણું છું કે મારી મા મારા માટે મહેનત કરે છે. મા હું મોટો થઈશને ત્યારે તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા હું તારું ઋણ ક્યારેય ન ચૂકવી શકું."
આટલું બોલી જય સ્ટેજ પર બેસી ગયો. એની આંખમાં આંસુ આવી ગયા. અને આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો. જયના ક્લાસ ટીચર એને બેક સ્ટેજમાં ગઈ ગયા.
આ બાજુ પ્રેક્ષકોમાં બેઠેલી અમી અવાચક હતી. કારણકે જય જે પણ કઈ બોલ્યો તે સ્પષ્ટ ગુજરાતીમાં હતું. જયારે અમીએ જયને અંગ્રેજીમાં સ્પીચ લખી આપી હતી. જય જે પણ બોલ્યો એ એણે લખી નહોતું આપ્યું.
અને જયારે ઈનામ વિતરણ થયું ત્યારે માસ્ટર જય શાહ પ્રથમ વિનર બન્યો. પ્રિન્સિપાલે જયને બોલાવ્યો ને ઈનામ આપવા લાગ્યા તો નાનકડો જય બોલી ઉઠ્યો “સર આ ઈનામ હું મારી મમ્મીને હાથે લેવા માંગું છું. શું હું અહીં મારી મમ્મીને બોલાવી શકું ?"
ને આચાર્યશ્રી એ અમી શાહને મંચ પર આવવા આમંત્રણ આપ્યું. અમી મંચ પર આવી પોતાના વહાલસોયા દીકરાને ભેટી પડી. આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉભા થઈ ને મા દીકરાનું અભિવાદન કર્યું. અને હોલ જયના જયજયકારથી ગાજી ઉઠ્યો.
