Dina Vachharajani

Inspirational Others

4.5  

Dina Vachharajani

Inspirational Others

ઝંખના

ઝંખના

4 mins
198


હિમાચલના આ નાનકડા ગામમાં આ અમારો બીજો દિવસ હતો. અમે એટલે કે હું રીચા અને મારો પતિ રોહન. અમારા જોબના બીઝી શેડ્યૂલથી ટાઈમ મળે કે આમ જ ફરવા નીકળી પડતા. અમને આજકાલની પ્રચલીત ઓર્ગેનાઈઝડ ટૂરમાં ફરવું ન ગમતું. એ ટૂરનાં શેડ્યૂલ જોતાં એવું જ લાગે કે એ લોકોનો ઈરાદો કેટલી જગ્યાએ ફર્યા એ ગણાવવા હરએક જગ્યાએ અલકચલાણું જ કરાવવાનો હોય. મતલબ સવારથી સાંજ બસમાં ફરી ત્યાંની પ્રચલિત જગ્યાઓ ફરી લેવાની ને બીજે દિવસે બીજે ગામ. આમ ગણતરી ટીક થતી જાય પણ એ જગ્યાનું ફીલ તો છૂટી જ જાય. કોઈ જગ્યાને ખરેખર માણવી હોય તો તમારે ત્યાં વધારે દિવસ ગાળવા પડે. જોવાલાયક સ્થળોની યાદી ઉપરાંત એ સ્થળને જીવવું પડે. થોડું પગે ચાલીને ફરવું પડે તો જ ત્યાંની સ્થાનિક જિંદગીને જાણી શકાય. ત્યાંની લોકલ વાનગીઓ ચાખી શકાય. બાકી રોમમાં જઈને પણ રસ-પૂરી જ ખાવાનાં હોય તો પછી રાધનપુર શું ખોટું ? ખેર ! આ અમારા વિચાર અને અમને થતું કે અમે ખરેખર આવી રીતે પહાડોમાં થોડા દિવસ ફરી ઘણું પામીએ છીએ ! પણ તોયે એક સ્થળે રહેવાના અમારા દિવસો આંગળીને વેઢે ગણાય એટલાં જ રહેતાં કારણ અમારી રજાઓ પણ વેઢાની ગણતરીમાં પૂરી થાય એટલી જ રહેતી.

ખેર ! આ જગ્યાનાં બીજા દિવસે અમે અમારી હોટલની પાછળ આવેલા જંગલને ખૂંદવા નીકળ્યાં હતાં. ચારે બાજુ ઊંચા દેવદારનાં વૃક્ષ. જંગલને વીંધી વહેતી નાની નદી. એનું ખળખળ વહેતું જળ સંગીતમય નાદથી એક આહલાદ્ક તરંગોની અનુભૂતિ જગાડતું હતું. ત્યાંજ કોઈકના ઓમકારનો અવાજ કાને પડ્યો. કોઈ સ્ત્રીનો અવાજ હોય એવું લાગ્યું. અમારા પગ આપોઆપ એ તરફ ખેંચાયા. પાસે જઈ જોયું તો લગભગ મારી જ ઉંમરની લાગતી એક શહેરી સ્ત્રી આંખો મીંચી પ્રાણાયમ કરી રહી હતી. એના ચહેરા પર અમે જે શોધવા હવાતિયાં મારતાં હતાં એવી અઢળક શાંતિ પથરાયેલી હતી. આ હોટલમાં જ ઉતરેલી કોઈ ટુરીસ્ટ હશે ?! એમ અટકળ કરતાં અમે આગળ વધ્યાં. અમારો અવાજ સાંભળી એણે આંખો ખોલી મીઠું સ્મિત આપ્યું. એની સાથેની વાતચીતથી સમજાયું કે એ મૂળ અમારા મુંબઈની જ છે. નામ જાન્હવી. છેલ્લા એક વર્ષથી આ પહાડોમાં જ રહે છે અને એ પણ સાવ એકલી ! અમારા જીજ્ઞાસાસભર સવાલોના જવાબમાં એણે અમને સાંજે એના ઘરે ચા પીવાનું આમંત્રણ આપી દીધું.

અસ્સલ પહાડી મકાનમાં ઉપરનો માળ આખો એનો જ હતો. નીચે મકાનમાલિક પોતાની ખેતપેદાશ ભરવાના ઉપયોગમાં લેતાં. સાવ બાજુનાં જ એવા જ અસલી પહાડી મકાનમાં મકાનમાલિકનું મોટું કુટુંબ હતું. નીચે એની બે-ત્રણ ગાય બાંધેલી હતી. આ મકાન નાના ટેકરા પર હતું. રસ્તાથી ઉપર ચડીએ એટલે બંને બાજુ સફરજન, નાની નારંગીના વૃક્ષો જોઈ અમે તો ગાંડા જ થઈ ગયાં. જાન્હવીના બેઠકખંડમાંથી બહાર નજર નાંખી કે અમારૂં હ્રદય એક ધબકારો ચૂકી ગયું. સામે શુભ્ર બરફથી ઢંકાયેલા પહાડો જાણે અમને 'હેલ્લો ' કહેતાં હસી રહ્યાં હતાં. આ હાસ્ય એવું ચુંબકીય હતું કે અમને થયું જાન્હવી શું અમે પણ અહીં કાયમ રહી જઈએ ! છતાં ય જાન્હવીની લાઈફ સ્ટોરી તો સાંભળવી તો હતી જ.

જાન્હવી મુંબઈમાં જ એક માર્કેટિંગ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરતી. કોલેજ સમયથી જ એને ટ્રેકીંગનો શોખ તે પહાડો સાથે નિયમિત મુલાકાત તો થતી જ રહેતી. જોબ માર્કેટિંગની પણ જીવ કલાક્ષેત્રનો. એને પેઈન્ટિંગ, કવિતા બધાનો ખૂબ શોખ. પણ જોબ ખૂબ જ સમય માંગી લેતો અને શહેરની ભાગદોડ શક્તિ નીચોવી નાંખતી. જોબના નવા-નવા ટારગેટ સાધવામાં અને આગલા રેકોર્ડ બ્રેક કરતાં -કરતાં પંદર વર્ષમાં તો જાણે એ પોતે જ બ્રેક થઈ ગઈ. આમ પણ એક પ્રેમસંબંધ તૂટ્યા પછી એ લગ્ન-સ્થાયી-સામાજીક બંધન વગેરે શબ્દોથી દૂર જ ભાગતી હતી. હવે એનું મન એક સૂકૂન એક શાંતિ ને ઝંખતું હતું. એને લાગ્યું સવારે ઉઠતાં વેંત હિમાલયના દર્શન થાય, દિવસ મનપસંદ પ્રવૃત્તિમાં વીતે અને આથમતા સૂરજના અજવાળામાં સોનેરી બનેલી સાંજ શાંતિ મઢી હોય ! બસ , આ કુદરતની વચ્ચે જીવવામાં જ જીવનની સાર્થકતા છે. પણ તો પછી આ અઢળક પૈસા-એવોર્ડ્સ -એશો-આરામ આપતી કેરિયરનું શું ?. . . . . . એ પહેલાં બે મહિનાની રજા લઈ આ પહાડોમાં એકલી રહી. એને ખાત્રી થઈ કે ઓછા પૈસે પણ સુખ-શાંતિ અને સ્વાસ્થ્યની લહાણી કુદરતની વચમાં આરામથી મેળવી શકાય છે.

બસ, ધીખતી કમાણી છોડી એણે અહીં વસવાનો નિર્ણય કરી લીધો. મમ્મીને શરુઆતમાં ચિંતા થતી. પણ એકવાર અહીં રહી ગયા પછી એમને ખાત્રી છે કે આ ભલા-ભોળા--સાદા પહાડી લોકોની વચમાં એમની દીકરી સલામત છે. પોતાના જીવનનો અર્થ પણ એને અહીંથી જ સાંપડશે. !

જાન્હવી અહીં ઓનલાઈન થોડું કામ કરી જીવનનિર્વાહ મેળવી લે છે. બાકી કુદરતને રંગોમાં અને શબ્દોમાં ઉતારતી રહે છે. એની કવિતાનું એક પુસ્તક છપાઈ ગયું. બીજું તૈયાર થઈ રહ્યું છે. . . . . . એ કહે છે મેં મારા જીવનપ્રવાહને સ્થગિત નથી કર્યો. ખરું પૂછો તો હવે જ એના સ્વાભાવિક વહેણ સાથે તાલ મેળવ્યો છે. આગળ જે મળશે એને હું હાથ ફેલાવી આવકારીશ.

ઉઠતાં -ઉઠતાં અમે એને પૂછ્યું તમે સુખી તો છો ને ?

એનો જવાબ હતો સુખ તો ત્રાજવાના પલ્લાં જેવું હોય છે. ઉપર નીચે થયા કરે. પણ હા ! હું ખૂબ જ સંતુષ્ટ છું !

એનાથી છૂટા પડતાં અમે એની હિંમત ને દાદ આપી. અમારા જેવા અનેક આવી જિંદગીને ચાહવા છતાં એ મેળવવા જે છોડવું પડે એ છોડવાની હિંમત ન કરી શકીયે. . . . . બાકી. . . . આપણું મન જ આપણી જિંદગી ઘડતું હોય છે. અને મન જ્યારે સંતુષ્ટ હોય ત્યારે આનંદ એક પડછાયાની જેમ સતત આપણો સાથ આપે છે. અને મનુષ્ય માત્રની મૂળભૂત ઝંખના આ આનંદ, આ શાંતિ ને પામવાની જ નથી હોતી ? 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational