ઝંઝાવાત
ઝંઝાવાત
"હેમાબેન! લ્યો મો મીઠું કરો ! હરખભેર મંજરી એ પેંડાનું બોક્સ ધર્યું. તેના ચહેરા પર પરસેવાના બિંદુ મોતી જેવા અને ચમક તો જાણે ચાંદની જેવી લાગતી હતી. કેમ ના હોય ? આજે જીવનનો મોટો પડકાર ઝીલીને બહાર આવી હતી.
મંજરી, હેમાબેનની વર્ષો જૂની કામવાળી. જોકે હેમાબેને તેને દીકરી જેવું હેત આપેલું. અનાથ મંજરી તેના દારૂડિયા કાકા જોડે નજીકની વસાહતમાં જ રહેતી. હેમાબેન ગામની મ્યુનિસીપલ શાળાના પ્રિન્સિપાલ. તેમણે મંજરીના કાકા પાસેથી મહામહેનતે તેને શાળામાં ભણવાની મંજૂરી મેળવેલી. શાળા પૂરી થયા પછી મંજરી હેમાબેનના ઘેર જ રહે. ઘરના કામની સાથે કાકાની દાદાગીરીની હૈયાવરાળ ઠાલવી ટાઢી થઈ સાંજે ઘેર જતી. બપોર આખી હેમાબેનની છત્રછાયામાં.
આમ જ તે કૂંપળમાંથી નમણી વેલ બની ગઈ હતી. હવે તેના રૂપમાં યુવાનીનો ચમકારો જણાતો.ક્યાંરેક - ક્યારેક ગામના ઠાકોરને ત્યાં કામ કરતા રઘલાની વાતો પણ કાઢતી. હેમાબેનની અનુભવી આંખો મંજરીના મનોભાવને વાંચી શકતા. જોકે મંજરીને તે અભ્યાસ પર જ વધુ ધ્યાન આપે તેવી સલાહ આપતા. મંજરીએ પણ હેમાબેનની આશાને અજવાળી. બારમા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ. થોડા જ દિવસોમાં કાકાનું ગંભીર બીમારીમાં અવસાન થયું. મંજરીને આઘાત કરતા છુટકારાનો અહેસાસ વધુ થયો.
હવે તે એકલવાયું જીવન જીવતા અને નિવૃત્તિના આરે ઉભેલ હેમાબેનનો સહારો બની ગઈ. તેમની સેવા-ચાકરી, રસોઈ અને ઘરકામની જવાબદારી હરખભેર સ્વીકારી લીધી. પણ યુવાન ઉંમરના ઊછળતાં દરિયામાં તે રાઘવ સાથે ક્યારે તણાઈ ગઈ તેનાથી હેમાબેન પણ અજાણ હતાં.એક દિવસ સવારે હેમાબેનના પલંગ પાસે ટેબલ પર ચિઠ્ઠી મૂકીને ચાલી ગઈ. ચિઠ્ઠીમાં સંમતિ વગર આમ ભાગી જવાનો અફસોસ હતો પણ રાઘવને પસંદ કર્યાનો હરખ પણ હતો તેવું સ્પષ્ટ લાગતું હતું. તેમણે મનોમન નિસાસા સાથે મંજરીના સુખી ભવિષ્યની પ્રાર્થના કરી લીધી.
ત્રણ વર્ષ પછી આજે અચાનક દરવાજે એક દૂબળો - પાતળો આકાર, બે નાના - નાના નિર્દોષ આકાર સાથે પ્રગટ થયો. હેમાબેન ચશ્મા ચઢાવી નજીક ગયા. "અરે ! મંજરી ! આટલા વર્ષો પછી આમ અચાનક ? " હેમાબેનના ચહેરા ની રેખા તંગ થઈ. તે આકાર આંસુભીનો થઇ ઢગલો થઈ ગયો.
હેમાબેન ત્રણેયને અંદર લઈ ગયા. મંજરીને જીવનસાથીના રૂપમાં તેના કાકા જેવો જ શેતાન મળ્યો હતો, તે તેની આપવીતીનો સાર હતો. ત્રણ વર્ષના લગ્નજીવનમાં પુરુષના આધિપત્યની નિશાની રૂપ બે ભૂલકા. મંજરીને હિંમત સાથે છત, પૈસો, સહારો એમ ઘણી જરૂરિયાતો પૂરી કરવાની હતી. જોકે હેમાબેને પણ ભૂતકાળના કડવા અનુભવો પછી થોડી કડકાઈ સાથે બંધ પડેલો ગાદલાં - ગોદડાંનો રૂમ રહેવા માટે ખોલી આપ્યો. પણ તેમની કડવાશ બહુ દિવસના ચાલી, બે દીકરાની મા બની ગયેલ મંજરી એ જ્યારે આગળ અભ્યાસ કરવાની રજૂઆત કરી. તેના લોખંડી આત્મવિશ્વાસ પર હેમાબેને આશીર્વાદ રૂપી સોનાનો ઢોળ ચઢાવ્યો. ઘરકામની અને માતાની જવાબદારી સાથે મંજરીએ કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો.
બાલમંદિર માં શિક્ષકની નોકરીનો આજે પહેલો દિવસ હતો. મંજરી માટે તો જાણે સોનાનો સૂરજ ઊગ્યો. પણ 'રઘલા' નામનાં શેતાનનો ઓછાયો હજુ તેના પર માંડરાય છે તેનાથી તે અજાણ હતી. એક દિવસ શાળાથી ઘેર આવતાં સૂની ઓસરી જોતાં જ તેને ફાળ પડી. રઘલો તેના બાળકોને લઈને ભાગી ગયો હતો. મંજરીના કાળજામાં ઘા પડ્યો. હવે તે વહેતા ઝરણાંને બદલે ઘૂઘવતો દરિયો બની ગઈ હતી. પહેલાં તો દાતરડું લઈ રઘલાનું માથું વાઢી નાખું તેવો અંગારા જેવો સળગતો વિચાર તેને ઘેરી વળ્યો. પણ ભણતરના સંસ્કારથી પ્રગટેલ સમજદારીની જ્યોતે તેને પાછી વાળી, અને હેમાબેનની સલાહ અને સથવારાથી તેણે કાયદાના દ્વાર ખટખટાવ્યા, પણ શેતાનને કાયદાનો ડર ક્યાંથી ?
રઘલાં એ ઠાકુરના દરવાજા ખટખટાવ્યા. કાળો કોટ અને કાળા દિલના માનવીની વચ્ચે કેટલાય ખેલ ખેલાયા. ઠાકુરના માણસો હેમાબેનના ઘરની આસપાસ સમડીની જેમ મંડરાવા લાગ્યા, પણ તેમને ખબર ન હતી કે અંદર રહેલ બે નારી પારેવાની જેમ ફફડતી ન હતી પણ વાઘણની જેમ ત્રાટકે તેવું જોશ ભરીને જંગે ચઢી હતી.
અંતે, ઠાકુર અને રઘલાની રાજરમત સામે એક માતાની મર્દાનગી જીતી ગઈ. આજે કોર્ટમાં છેલ્લી સુનાવણી હતી. ચૂકાદામાં માસૂમ બચ્ચાને તેમના માળામાં પરત ફરવાની પરવાનગી હતી અને સમડી માટે જેલના સળીયા પણ તૈયાર હતા. પોતાની જાતે કરેલ ભૂલથી જ રચાયેલા ઝંઝાવાતને શાંત કરી પાછી ફરેલી મંજરીની આંખોમાંથી સ્ત્રીની વિરાટ શક્તિનું તેજ નીતરતું હતું.