જામવંતજી
જામવંતજી
માતા સિતાની શોધમાં નિકળેલી વાનરસેના સમુદ્ર આવતા જ હતાશ થઈને બેસી ગઈ. આગળ શું કરવું અને કેવી રીતે આ વિશાળ સમુદ્ર પાર કરવો એની કોઈ જ સમજ પડતી નહોતી. આવા સમયે જો કોઈ ઉપાય ન સૂઝે તો કોઈ પણ હોય સંયમ ગુમાવી બેસે છે અને હતાશ થઈ જતાં હોય છે. પણ આ બધામાં કોઈ એક પણ પ્રેરક હોય તો ગુમાવી ચૂકેલ ઉત્સાહને પુન:સ્થાપિત કરી ગાડી પાટે લાવી શકાય છે.
માતા સિતાની શોધમાં નીકળેલા વાનરસેનાના સૌ કોઈ વિશાળ સમુદ્ર કેવી રીતે પાર કરીશું એની ચિંતામાં ઉત્સાહ અને સમજ ગુમાવી ચૂકેલા હતા. સેના ગમે તેટલી વિશાળ સંખ્યા ધરાવતી હોય પણ જો એમાં જોમનો અભાવ હોય તો ભલેને તેમની પાસે આધુનિક શસ્ત્રો હોય છતાં એ હારી જાય એવું બને કેમ કે સામનો કરવા માટે ફકત શસ્ત્રો જ નહીં પણ બુદ્ધિયુક્તિની પણ જરૂર પડે છે. જેનો અભાવ હતો. જ્યારે જામવંતજીને ખબર પડે છે કે વાનરસેના વિશાળ સમુદ્ર તટ પર હતાશ થઈને બેઠી છે અને સમુદ્ર કેવી રીતે પાર કરવો એની કોઈ સૂઝ પડતી નથી. આથી જામવંતજી એ સેના સમક્ષ ઉપસ્થિત થાય છે અને હનુમાનજી સમક્ષ વાત પ્રસ્તુત કરે છે.
જામવંતજી શ્રી હનુમાનજીની અંદરની શક્તિ અને વિશાળતા જાણતા હતા પણ શ્રાપના કારણે હનુમાનજી સ્મૃતિલુપ્ત બની ગયા હતા. તેઓ એ વિસરી ગયા હતા કે તેઓ ખુદ એક વિશાળ શક્તિની ભંડાર છે. અને પવનવેગે ઘડીભરમાં સમુદ્રને પાર કરવાની અલૌકિક શક્તિ ધરાવે છે. શ્રાપ હોય તો એના નિવારણનો ઉપાય પણ હોય જ છે. બાળપણમાં કરેલી નટખટ વૃત્તિને કારણે તેઓને શ્રાપ મળ્યો હતો કે તેમનામાં જે શક્તિ છે તે તેઓ ભૂલી જશે. એ ભુલાયેલી શક્તિ ત્યારે જ પાછી આવશે જ્યારે કોઈ બીજી વ્યકતી તે શક્તિની યાદ અપાવશે. જામવંતજીએ શ્રી હનુમાનજીને ફક્ત એમની શક્તિ વિષે જ યાદ નહોતું અપાવ્યું પણ એક પ્રેરક બની તેઓએ સમસ્ત વાનરસેનામાં પણ ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કર્યો હતો. હતાશ વાનરસેનામાં એક જોમ ભર્યું અને કશું જ અશક્ય નથી એવી હાંકલ કરી વાનરસેનાને સેતુ નિર્માણ માટે પ્રેરિત કરી હતી.
તેઓએ હનુમાનજીને તેમનું ખરું અસ્તિત્વ અને તેમના હોવાપણાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સાથે એ પણ કહ્યું કે “સૌ કોઈ પાસે એક અનોખી ઉર્જા હોય છે. જો તેનો લોકકલ્યાણ માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ કારગર સાબિત થઈ શકે એમ છે.
આજે ભગવાન શ્રી રામના ભકત પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિ છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અષ્ટસિદ્ધિઑ અને નવ નિધિઓ પ્રાપ્ત થાય છે. આ વરદાન માતા જાનકીએ શ્રી હનુમાનજીને આપેલું. ભગવાન શ્રી રામના દુતને જો પ્રેરકની જરૂર પડી શકે છે તો આપણને કેમ નહીં ! આપણાં જીવનમાં પણ માતા –પિતા અને ગુરૂજનો એક પ્રેરક બની આપનું માર્ગદશન કરી શકે છે.
