STORYMIRROR

Jagruti Pandya

Comedy Tragedy

4  

Jagruti Pandya

Comedy Tragedy

જાગુ નહીં વઢે

જાગુ નહીં વઢે

3 mins
283

અમારાં બા. બા એટલે બા જ. ખૂબ જ ભલી ભોળી. સસલાં અને કબૂતર જેવી ગભરુ પણ. 

મારી દીકરીના લગ્ન હોઈ ઘણાં દિવસો અગાઉ આવી ગયા. એ પહેલાં નેપાળ જાત્રા કરવા ગયેલાં નહીતર એ હજુ પણ વહેલાં આવતાં. 

આખો દિવસ હાથમાં રુદ્રાક્ષની માળા અને મુખે ૐ નમ: શિવાયના જાપ. નિયમીત પેપર વાંચે, જનકલ્યાણ વાંચે, યુગશક્તિગાયત્રી વાંચે, તુલસી ક્યારે અને સૂર્યનારાયણને જળ ચઢાવે. કોઈ જ મગજમારી નહીં. મને તો દીકરીના જેમ રાખે. કદી મને મારા સાસુ છે ! એવો ભાવ થયો નથી, અમે ત્રણેય વહુ આગળ સાસુપણું કર્યુ નથી. અમે ક્યારેક તેમને ઊંચા અવાજે બોલી નાખીએ, પણ બા નહીં. ખૂબ જ ચિંતાતુર અને ભાવનાશીલ સ્વભાવ. સતત બાળકોની ચિંતા કર્યાં કરે. સૌનું સારુ દેખાય તેવાં તેમનાં પ્રયત્નો. 

 અહીં, અમારાં ઘરે આવ્યાં પછી એકવાર બા અને અમે સૌ ડાયનીંગ ટેબલ પર જમવા બેઠાં હતાં. બા ના મોમાં કઈક આવ્યું. બા એ ઉતાવળે ડાયરેક્ટ જ બાજુ પર મોં કરીને થુંક્યા જ્યાં દીવાલ હતી. હું તે જોઈ ગઈ. મને બા નું આ વર્તન ન ગમ્યું. મેં કહ્યું, 'બા શું આવ્યું મોંમાં ? બાએ ધાણાનો રેસો એમ કહ્યું. મેં કહ્યું, જુવો આપણી દીવાલ કેવી ગંદી થઈ ? અને જુવો એઠવાડ પણ દીવાલ પર કેવો લાગે છે ?' હું દીવાલ સાફ કરવા ઊભી થઈને દીવાલ સાફ કરું એ પહેલાં બા એ પોતાની સાડીથી દીવાલ સાફ કરી. મેં કહ્યું, ' અરે બા ! સાડીથી દીવાલ ના સાફ થાય ! જૂવો તમારી સાડી બગડી !' બા તો કંઇજ બોલ્યાં વિના જમવા લાગ્યાં. આજ દિન પછી બા સ્વચ્છતાની બાબતે ખૂબ જ કાળજી રાખતાં થયાં. બા ને એટલી તો ખબર જ છે કે મને બિલકુલ ગંદુ ગમતું નથી. બા મને ગમે તેવું જ બધું કરે અને તે જ રીતે રહે. બા દરેક જગ્યાએ સેટ થઈ જાય. બા એટલે બા. હું પણ કદી બા ને દુઃખ થાય તેવું બોલું નહીં. બા ને જે ભાવે તે રસોઈ બનાવું. બા ની તબિયતની ખાસ કાળજી અમે બંને રાખીએ. 

એકવાર અમારે બહાર જવાનું થયું. ઘરે પહોંચતાં બહુ જ લેટ થવાય અને જમવાનું પણ લેટ થાય. બા ને સમયસર જમાડવાં અને સમયસર દવા આપવી એ બાબતે અમે સૌ ખૂબ જ કાળજી રાખીએ.

અમે સૌ બા ને જમવાનું ફાવે તેવી હોટલમાં જમવા ગયાં. મસાલા પાપડ અને સલાડ આવ્યાં. અમે સૌ એ જમવાનું શરૂ કરી દીધેલું. થોડીવાર પછી બઘું જ જમવાનું આવી ગયું. અમે સૌ શાંતિથી જમતાં હતાં. બા ને ફક્ત જીરા રાઈસ અને દાલ ફ્રાય જ જમવું હતું. દાળ લેતી વખતે બાથી થોડી દાળ ઢોળાઈ. અમે સૌ એ જોયું. બા તો ગભરાઈ જ ગયાં. ફટાફટ પોતાનું જમવાનું પતાવી ને હાથ વડે જે દાળ ઢોળાઈ હતી તે સાફ કરવા લાગ્યા. 

અચાનક જ મારી નજર પડી. મેં કહ્યું, ' અરે બા શું કરો છો ? અહીં આ રીતે સાફ ન કરાય. પછી વેઇટર આવશે અને સાફ કરશે. 'અને મારા પતિ બા ને કહે, ' બા અહીં જાગુ નહીં વઢે ! ' બધાં જ ખડખડાટ હસી પડ્યા. વાતવરણ હળવું બની ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy