જાદુઈ મુગટ
જાદુઈ મુગટ
એક રાજા હતો. રાજા ખૂબ દયાળુ અને શકિતશાળી હતો. પરંતુ ગમે તેમ કરે રાજ્યની આવક વધે નહિ. અને રાજ્યમાં ધનની હંમેશા ખોટ જ રહે. રાજા ગમે તેટલી કોશિશ કરે પણ કંઈ ફેર ન પડે.
રાજાએ વિચાર્યું કે હું જાતે જ છૂપાવેશે રાજ દરબારમાં ફરું અને નિરીક્ષણ કરુ તો ખબર પડે. રાજા એક દિવસ સામાન્ય પ્રજાજનના કપડાં પહેરીને ફરવા નીકળ્યા. તેણે રાજ્યના લોકો પાસેથી આ વિશે જાણવા કોશિશ કરી.
રાજ દરબારમાં ઘણા સૈનિકોને પૂછ્યું. જાણવા મળ્યું કે આવક તો ઘણી છે પણ રાજ્ય સુધી પહોચતી નથી. રાજા કહે જાણવું પડશે. કોઈ દરબારના માણસને ન કહેવાય. કેમકે જે માણસ આવું કરે એ તો ચેતી જાય.
રાજાનો મુગટ તો બધા કરતાં અલગ જ હોય. મુગટ પહેરીને જાવ તો દરબારમાં બધા ઓળખી જાય. અને મુગટ રાજ્યમાં પડેલ જોઈ તો બધાને એમ થાય રાજા ક્યાંક છૂપા વેશે નીકળ્યા હશે.
રાજાએ એક યુક્તિ કરી. રાજાનો મુગટ તેના જેવો જ શરીરનો આકાર ધરાવતા વ્યક્તિને પહેરાવી એક રૂમમાં બેસાડ્યા. અને કહ્યું રાજા થોડા કામમાં છે કોઈએ રાજા પાસે જવું નહિ.
પોતે રાજાના એક સિપાહીના કપડા પહેરી લીધા. અને મોઢા પર મૂછ લગાવી લીધી. કોઈ ઓળખે નહિ તેવો વેશ ધારણ કરી લીધો. અને કહ્યું,"રાજાએ મારી નવી નિમણુક કરી છે. "
દરબારના સિપાહી આસપાસ રહે,અને તેની વાત સાંભળે. આમ કરતાં એક દિવસ દરબારના બે સિપાહીને વાત કરતાં રાજાએ સાંભળ્યા, કે આપણા પ્રધાનમંત્રી કેટલા ચાલાક, રાજદરબારમાં આવતી અડધી સંપત્તિ પોતાને ત્યાં સીધી પહોંચાડે રાજાને કાનોકાન ખબર પણ નથી પડતી.
પછી એક દિવસ રાજાએ પોતાના રાજવેશમાં આવી પ્રધાનમંત્રીને બોલાવ્યા અને કહ્યું, પ્રધાનજી કયારેય આપણે તમારા ઘરની મુલાકાત નથી લીધી. આજે રાજ્યનું કોઈ કામ નથી તો ચાલો આપણે તમારા ઘરની મુલાકાત જઈએ.
રાજાની આજ્ઞા પાળવી જ પડે. રાજા અને પ્રધાન તેમના ઘરે ગયા. જોયુ તો ખજાનાની સંપત્તિ નજરે પડી. પ્રધાનમંત્રી શરમિંદા થયા. રાજાએ રાજ્યનો તમામ માલસામાન રાજ દરબારમાં પહોંચાડ્યો.
