Kamini Mehta

Thriller Crime Romance

4  

Kamini Mehta

Thriller Crime Romance

ઇન્સ્પેક્ટર રાવત

ઇન્સ્પેક્ટર રાવત

5 mins
14.3K


"હેલો.. ઇન્સ્પેક્ટર નિલેશ રાવત...?"

"જી... બોલો..."

"બોમ્બે પૂના હાઈવે પર એક છોકરીનું મર્ડર થયું છે. લાશ હાઈવે પર ફેંકી બદમાશો ભાગી ગયા છે."

"લોકેશન બોલો.. તમે કોણ બોલો છો ?"

"એક જાગરુક નાગરિક..." લોકેશન આપી ફોન મુકાઈ ગયો. રાવત પોતાનું કામ પતાવી ઘરે જવા નીકળતા હતા કે ફોન આવ્યો. હવે છ સાત કલાક બીજા સાચા. લાશની ઓળખ પછી પોસ્ટમાર્ટમ. છોકરીની લાશ છે. તો કદાચ બળાત્કારનો કેસ છે કે નહીં. રાવતે ડયુટી પર તહેનાત હવાલદારને માહિતી આપી. કહ્યું; "રાણે, હું હાઈવે તરફ નીકળું છું... આગળ શું છે તને પછી કહું. મારા માટે કોઈ ફોન આવે તો કહી દેજે સાહેબ ઈમરજન્સી ડયુટી પર છે. મારો મોબાઈલ પણ બંદ હશે. હું હવે નીકળું છું."

રાવતે ગાડી હાઈવે તરફ મારી મૂકી. આજે પાછી પૂજાની વઢ ખાવી પડશે. કહેશે.. મારા પિયરમાં પ્રસંગ હોય ત્યારે જ તમારી ઈમરજન્સી ડયુટી આવી ચડે છે. થાણામાં બધા ભલે ઇન્સ્પેકટર રાવતથી ડરતા હોય પણ મારે તો પૂજાથી ડરવું પડે છે. રાવતને હસવું આવી ગયું. પૂજાને તો મનાવી લેવાશે. પેલા આ લાશનું લફડું શું છે એ તો જોવું જ પડશે... આમેય પૂજા મારા આ રૂપના પ્રેમમાં જ પડી હતી ને...!

તે વખતે શહેરમાં અચાનક તોફાન ફાટી નીકળ્યું હતું. પૂજાની ગાડી તેમાં અટવાઈ ગઈ. હિંસક ટોળું પત્થરબાજી કરતું હતું. આમેય ટોળાંને કોઈ બુદ્ધિ નથી હોતી. આવા વાતાવરણમાં આસામાજિક તત્વોને મોક્ણું મેદાન મળી જાય છે. ખુલ્લી લૂંટ ચલાવે છે. પૂજાની ગાડી પર કોઈએ સળગતો ટાયર ફેક્યો. રાવતે જોયું. વચ્ચેથી જ ટાયરને અટકાવી પેલાને કાંઠલેથી ઝાલ્યો. હિંસક ટોળું ઉશ્કેરાઈ ગયું. રાવતે હવામાં ગોળીબાર ચાલુ કર્યા. પૂજાને બચાવી પોતાની જીપમાં બેસાડી ઘરે મૂકી આવ્યો. તેની ગાડીને તો બહુ નુકસાન થયું હતું.

ચાર દિવસે પરિસ્થિતિ જરા થાળે પડી કે પૂજાના પિતા ખાસ તેનો આભાર માનવા પોલીસ સ્ટેશનમાં આવ્યા, અને રાવતને પોતાના ઘરે આવવાનું ખાસ આમંત્રણ આપ્યું. "અરે સર, મેં કંઈ ખાસ નથી કર્યું. આ તો મારી ડયુટી હતી. અમારું તો કામ જ આ છે." પણ પૂજાના પપ્પા ના માન્યા. તેમના ઘણાં આગ્રહ પછી નિલેશે એમના ઘરે જમવા આવવાનું આમંત્રણ સ્વીકાર્યું.

એક રવિવારે સાંજે તે એમના ઘરે પહોંચ્યો. પૂજા એને જોઈ રહી. ડાર્ક બ્લૂ જીન્સ અને ડેનિમ ટીશર્ટના ફોર્મલ ડ્રેસમાં શોભતો નિલેશ પૂજાની આંખમાં વસી ગયો. તેનો સુદ્રઢ બાંધો. ગૌર વર્ણ, તીણું નાક, આત્મવિશ્વાસથી છલકાતું વ્યક્તિત્વ બધું જ પૂજાને અપીલ કરી ગયું.

પછી તો તેઓ વારંવાર મળતાં. પૂજા એક નાની 'બેક એન પેસ્ટ્રી' શોપ ચલાવતી હતી. કંઈ નવો પ્રયોગ કરે કે નિલેશને ચખાડવા પહોંચી જતી. નિલેશ પણ ખાવાનો શોખીન હતો. ડયુટી પર હોય અને રાઉન્ડ પર નીકળે, તો તેની શોપ પર જઈ ચડતો. ધીરે ધીરે દોસ્તી પ્રેમમાં પરિણમી. નીલેશે એક વાર કહ્યું; "પૂજા, એક પોલીસમેન સાથે લગ્ન કરવા સ્વાસ્થ માટે સારી વાત નથી. વેળા કવેળાની ડયુટી... સતત અસામાજિક તત્વો સાથેનો પનારો... પોલીટીકલ પ્રેશર... તું માને છે એવો સરલ જોબ નથી આ." પૂજા હસી પડી. "સરળ નથી.. પણ સમ્માનિત તો છે ને...? તમે પોતાના જાન પર ખેલી બીજાની જાન બચાવો છો... નિલેશ હું તારા એ જ રૂપના પ્રેમમાં પડી છું." પછી તો નિલેશ પાસે કહેવા જેવું કંઈ હતું જ નહીં.

પાછળથી હોર્નનો અવાજ આવ્યોને નિલેશ વિચારોમાંથી બહાર આવ્યો. જીપ જડપથી પૂના હાઈવેના રસ્તા પર દોડતી હતી. જે પ્રમાણે લોકેશન આપવામાં આવ્યું હતું. અડધો કલાકમાં રાવત તે જગા પર પહોંચી ગયા. પણ આ શું...? ત્યાં તો કોઈ જ દેખાતું નહોતું. તેમણે આસપાસ નજર દોડાવી પણ કંઈ વિવાદાસ્પદ દેખાયું નહીં. ગાડી સાઈડ પર પાર્ક કરી તેઓ નીચે ઉતર્યા. આજુ બાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં. આવો ફોન કોણે કર્યો હશે ? કોઈએ મજાક કરી હશે...? પોલીસની માથે માછલાં ધોવાય, પણ આવી રીતે ઘણી વાર ખોટી માહિતીને લીધે થતી હેરાનગતિ કોઈના ધ્યાનમાં આવતી નથી... ફરજ બરાબર બજાવી હોય ત્યારે પ્રશંસા ના થાય પણ એક નાની સરખી ભૂલ થાય તો ઉપરથી નીચે સુધી બધાને જવાબ આપવા પડે.

બહાર કાળઝાળ ગરમી હતી. સૂરજ જાણે માથા પર આગ ઓકતો હતો. પણ આ ગરમી કરતા વધારે ગરમી આવા ખોટા ફોનથી તેમના માથા પર ચડી ગઈ. એક ગાળ બોલી તે ગાડીમાં બેઠાં. હવે રિટર્ન જવા લાંબો રસ્તો કાપવો પડે એમ હતો. ગાડી જેવી સ્ટાર્ટ કરી કે ગરદન પર કોઈક કડક વસ્તુ અડી. "ગાડી સીધી આગળ ચલાવતા રહો." કોઈકે તેમની ગરદન પર પિસ્તોલ મૂકી હતી.

"સીધી એટલે...?" નિલેશે મિરરમાંથી પાછળ જોવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ દેખાણું નહીં. "સીધી એટલે સીધી... લોનાવાલાની દિશામાં." પાછળથી કરડાકી ભર્યો અવાજ સંભાળાયો.

"અને ના ચલાવું તો." નિલેશે પેલાને તાવ્યો. "જાન તો બધાને પ્યારી હોય છે. તને પણ પ્યારી હશે ને." પેલો ખંધુ હસ્યો.

અચ્છા... તો આ અહીં મને બોલાવવાની ચાલ હતી ! તેમણે ગાડી સિફતથી ઉપાડી. લગભગ દસેક કિલોમીટર પછી આગળ હાઈવે પર સખત ચેકિંગ હતું. એક એક ગાડી ઊભી રાખી પોલીસ તપાસ કરતી હતી.

"આમાંથી કેમ નીકળવું એ મારે તને કહેવું નહીં પડે." પાછળથી અવાજ આવ્યો.

તેમની ગાડી જોઈ પોલીસે સલામ ઠોંકી. "શેનું ચેકિંગ છે...?" સલામ કરતાં તેમણે પૂછ્યું.

"સાહેબ... કાલે મુંબઈ પોલીસે રાતના ડ્રગનું એસાઈન્ટમેન્ટ પકડ્યું હતું. તેનો મુખ્ય આરોપી સલીમ છટકવામાં સફળ થયો. ખબર મળ્યા છે કે તે મુંબઈ પૂના હાઈવે તરફ ગયો છે."

"હંમ..." રાવતે કાંચ પાછો ચડાવ્યો. તેમની ગરદન પર નાળચું વધુ જોરથી ભોકાયું.

"થેન્ક્સ... હવે ગાડી આગળ ચલાવતા રહો." હવે ઇન્સ્પેક્ટરનું મગજ દોડવા લાગ્યું. તો આ ડ્રગ માફિયા સલીમ છે! કેટલી મુશ્કેલીથી પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હશે. ને આ છટકી ગયો. હવે પોલીસથી બચવા માટે મને ખાસ ફોન કરીને બોલાવ્યો. પોલીસની ગાડીમાં સિફતથી છટકી શકાય એવું એને લાગ્યું હશે. હવે આને તો પહોંચી વળાશે પણ આની સાથે બીજું કોણ છે એ પણ જાણવું રહ્યું. રાવતે ગાડીની સ્પીડ વધારી.

આગળ જઈ પેલાએ ખંડાલાના કાચા રસ્તા પર ગાડી લેવડાવી. લાગે છે આની ગેંગ મોટી હશે. તેમણે ગાડીની નીચે આવેલું લીવર પગથી દબાવ્યું. લગભગ અડધો કલાક કાચા રસ્તા પર ચાલ્યા પછી એક અવાવરું જગ્યા પર પેલાએ ગાડી ઊભી રાખવાનો ફરમાન કર્યો. ગાડીનો અવાજ સાંભળી આજુબાજુથી દસેક જણ પિસ્તોલ સાથે બહાર આવ્યા. પોતાના બોસને આવેલો જોઈ બધાએ હુર્રીયો બોલાવ્યો. પોતાના સાથીયોને જોઈ પેલો જરા અસાવધ થયો કે... રાવતે પેંતરો બદલ્યો... પોતાનો લોખંડી હાથ પાછળ નાખી, પેલાની ગરદન ભીંસમાં લીધી. બીજા હાથેથી તેની પીસ્તોલ પકડી તેના જ લમણા પર મૂકી.

"હવે... જાન તો બધાને પ્યારી હોય છે તને પણ હશે... કહી દે તારા સાથીયોને... પિસ્તોલ ફેંકી દે. આ ભલે તારી પિસ્તોલ છે, પણ કંઈ તારી સગી નહીં થાય."

પેલો જરા જોર કરવા ગયો કે રાવતે જોરથી તેના માથામાં પીસ્તોલ ફટકારી. રાવતનો લોખંડી હાથ પડ્યો, ને પેલાથી રાડ પડાઈ ગઈ. તેણે પોતાના સાથીઓને પિસ્તોલ ફેંકી દેવા કહ્યું. રાવતે સિગ્નલ મોકલી દીધું હતું એટલે દસેક મીનીટમાં જ પોલીસનું મોટું દળ ત્યાં આવી પહોંચ્યું ને બધા બદમાશોને તાબામાં લઇ લીધા. ડ્રગનો મોટો જત્થો પકડાયો. ક્યાંથી આવ્યો હતો. ક્યાં પહોંચાડવાનો હતો તે બધી માહિતી મળી. ઇન્સ્પેક્ટર રાવતની સૂઝબુજથી મુંબઈ પોલીસે ડ્રગનાં એક મોટા રેકેટનો આજે સફાયો કર્યો હતો.

વળતાં રાવત વિચારતા હતા કે આ ઓપરેશન તો સરળતાથી પાર પડ્યું. હવે ઘરે જઈ પૂજાને મનાવવાનું જે ઓપરેશન પાર પાડવાનું છે, તે કેમ કરી પાર પાડશે...?


Rate this content
Log in

Similar gujarati story from Thriller