માને પત્ર
માને પત્ર
સુજાતા થાકીને પલંગ પર બેઠી. "હાશ ! પ્રસંગ રંગે ચંગે પત્યો. ઘરમાં લગ્નનો પ્રસંગ હોય ત્યારે મન કેવું ઉચાટમાં રહે. આજે હવે શરીર ભલે થાકેલું છું પણ મનમાં એક જાતની નિરાંત છે."
"મમ્મી, તમારી માટે દૂધ લાવું ? તમે આજે જમ્યા પણ નથી."
"ના બેટા, અત્યારે કંઈ ઈચ્છા નથી."
"મા, મીતાના જવાથી ઘર કેવું ખાલી ખાલી લાગે છે ને." રુચિની આંખો ભરાઈ આવી.
"હા બેટા." સુજાતાએ એના માથા પર હાથ ફેરવ્યો.
"આખો દિવસ બોલ બોલ કરવા જોઈએ એને. એટલે ઘર તો ખાલી થવાનું જ છે પણ દીકરીનો અવતાર જ પારકે ઘેર જવા માટે થાય છે. એ અફર નિયમને તો કેમ બદલી શકાય ? બસ શાંતિથી પ્રસંગ પૂરો થયો એનો આનંદ છે. ચલ બહુ મોડુ થયું છે... તું આરામ કર... હજુ કાલે પણ વહેલા ઉઠવાનું છે. મહેમાનોને વળાવવાના છે. એમને આપવા માટેનો મોહનથાળ તો આવી ગયો છે ને...?"
"હા,ઓર્ડર અપાઈ ગયો છે... કાલે સવારે જ તાજો આપી જશે."
"સરસ... તું છે તો મારે કોઈ ચિંતા નથી કરવી પડતી, દીકરા." સુજાતાએ વ્હાલથી દીકરીનો હાથ પંપાળ્યો.
"મમ્મી, હવે તમે પણ આરામ કરો." કહીને રુચી ગઈ.
સુજાતા બારીમાં આવી ઊભી રહી. થાક બહુ લાગ્યો હતો પણ ઊંઘ કોસો દૂર હતી..રસ્તા પર હજુ વાહનો દોડતાં હતાં. એનું મન પાછળની ગલીઓમાં જઈ ચડ્યું.
એકલા હાથે વિપરિત સંજોગોમાં બે દીકરી મોટી કરી. સમાજ સામે લડી, ઝઝૂમી તેમણે સારું શિક્ષણ અપાવ્યું. સારા ઘરે પરણાવી. હવે બસ જવાબદારી જાણે પૂરી થઈ. રુચી તો નાની હતી ત્યારથી ડાહી અને સમજુ. આંખના ઈશારે માના મનની વાત સમજી જાય પણ મિતાલી. તેનાથી સાવ વિપરિત. માનું ધ્યાન બહુ રાખે પણ જીદ્દી પણ એટલી. કોઈ માને કંઈ કહી જાય એ પણ તેને ચાલે નહીં. દરેક વાતમાં એની પાસે પ્રશ્નો હોય. "આવું કેમ ?" ઘણી વાર તો સુજાતા તેને સમજાવતાં થાકી જતી. આ લગ્નમાં એ કેવી જીદ લઇને બેસી ગઈ હતી. સુજાતાના આંખના ખૂણેથી પાણી વહી નીકળ્યાં. મીતાની યાદ તેને તીવ્રતાથી ઘેરી વળી.
મનને મક્કમ કરી તે ઊભી થઈ. દાગીનો કાઢ્યો અને તેને મૂકવા કબાટ ખોલ્યું. દાગીનાનો બોક્સ ખોલ્યો કે એના હાથમાં એક કાગળ આવ્યો. "અરે! આ શું છે ?" તેણે ઝડપથી કાગળ ખોલ્યો. અરે આતો મીતાએ લખ્યો છે... મીતાનો પત્ર ? હજુ હંમણાં તો દીકરી ને વળાવી. તો પછી આ પત્ર ? સુજાતા ઉભડક હૈયે પત્ર વાંચવા લાગી.
વ્હાલી મમ્મી,
ખબર ન પડી કે તારો વ્હાલનો સોનેરી તડકો ક્યારે પૂરો થઈ રહ્યો... આ વખતે હું જઇશ તો પાછી નહીં વળું તમારા પાસે ! કાલે મારા લગ્ન છે. નવા જીવનમાં મારો પ્રવેશ છે. પણ મા... તારા હુંફનો ખોળો હવે છૂટી જવાનો... માનવામાં નથી આવતું.
મા, તારા માટે જેટલું કહું એટલું ઓછું. એકલા હાથે ઝઝૂમી તે અમને બન્ને બહેનોને મોટી કરી. રૂચી દી' તો ઠરેલ. પણ મારો તુમાખીવાળો સ્વભાવ તે સહન કર્યો. મેં નાદાનીયતમાં ઘણી વાર તને ન કહેવાના શબ્દો કહ્યા. અનેક અળવીતરા પ્રશ્નો કરી તને થકવી દીધી. પણ તે થાક્યા વગર, કંટાળ્યા વગર અમારો સરસ ઉછેર કર્યો ને અમને કાબેલ ઇંસાન બનાવ્યા.
મા, ગઇકાલે રાતના તે જે વાત કરી... તારું સ્થાન મારી નજરોમાં વધારે ઊંચું થઇ ગયું. સમજણી થયા પછી હું ઘણી વાર તને પૂછતી... ‘પપ્પા આપણી સાથે કેમ નથી રહેતા?’ તું કહેતી... ‘બેટા, શરીરનો જે ભાગ સડી જાય તેને કાપીને ફેંકી દેવામાં જ શ્રેય છે.’ પણ હું સમજાતી નહીં. નાની વાતમાં આકરી થઈ તને પજવ્યા કરતી. સ્કૂલમાં મારી બધી મિત્રોના પિતા આવે અને મારા ના આવે તેનું મને બહુ દુઃખ હતું. અને બધો ગુસ્સો હું તારા પર કાઢતી. પણ મા તું કદી કંઈ બોલતી નહીં. શક્ય હોય એટલું મને સંભાળવાની કોશીશ કરતી. મને ખબર હતી કે મારા પપ્પા છે. આજ શહેરમાં છે પણ અમે એ બાબત કંઈ પૂછીએ તો તું ચૂપ થઈ જતી. એક હરફ ઉચ્ચારતી નહીં.
જેમ જેમ મોટી થઈ તેમ તેમ હું વધારે જીદ્દી થતી ગઈ. મારાં લગ્ન નક્કી થયાં અને મારી જીદ હતી કે પપ્પા અને મમ્મી સાથે મને કન્યાદાન આપે. રૂચી દી' એ મને સમજાવી... ‘માને બહુ તકલીફ પહોંચશે... આ જીદ તું છોડી દે’ પણ હું... હું મારી જીદ પર અડી રહી... તો હું લગ્ન જ નહીં કરું. મને એમ હતું કે આ બહાને તો તું પીગળીશ અને અમને અમારા પપ્પા પાસે લઇ જઈશ પણ અમને ખરી હકીકત ક્યાં ખબર હતી...?
કાલે રાતના તે અમને બન્ને બહેનોને બેસાડી કહ્યું, ‘રૂચી, મીતા... તમારે જાણવું છે ને કે તમારા પપ્પાને મેં કેમ છોડ્યા ? તો આજે હું તમને હકીકત કહું છું. અત્યાર સુધી હું બોલી નહોતી કારણ નહોતી ઈચ્છાતી કે તમારો ઉછેર તમારા પપ્પા પ્રત્યેની ઘૃણાના પાયા પર થાય.
લગ્ન કરીને આવીને મને ખબર પડી કે તેમને પીવાની ખરાબ આદત છે. મેં સમજાવવાની કોશિશ કરી, પણ તેમનાથી આ વ્યસન છૂટ્યું નહીં. રોજ રાતના પીને મોડા ઘરે આવવાનું અને નશામાં ઘરમાં તમાશો કરવાનો. બૂમાબૂમ કરવાની. પણ કયારેક સુધરશે, માની મેં બધું સહન કર્યું. અને જે સ્ત્રીનું માન એનો પતિનો રાખે તેને કશે માન મળતું નથી. ઘરમાંએ મારી કંઈ કિંમત ના હતી.
આમને આમ આશામાં મારા દિવસો પૂરા થતા હતા. ને રુચિનો જનમ થયો. બાપ બન્યા પછી સુધરશે એ માન્યતા પણ ખોટી ઠરી. તેમનું પીવાનું વધતું રહ્યું. પણ હદ તો હવે આવી... મીતા, તારા જન્મ પહેલાં જ્યારે તેમને ખબર પડી કે આ વખતે પણ મારા ગર્ભમાં કન્યાભ્રુણ છે. તેમને મને એબોર્શન માટે ફોર્સ કર્યો. ‘આટ્લી મોંઘવારીમાં વધારે બાળક પોંસાય નહીં. નેક્સ્ટ ટાઇમ દીકરા માટે ટ્રાય કરીશું.’ દીકરા માટે ટ્રાય... મને શોક લાગ્યો ! એક જીવની હત્યા કરવાની એ પણ એટલે કે એ કન્યા છે !
હવે પાણી માથાની ઉપર જતું હતું. મેં સાફ શબ્દોંમાં એબોર્શન નકારી દીધું. એમની વાત ન માની એટલે એમનો અંહ ધવાયો. એક સ્ત્રી થઈ મારી સામે બોલે છે...! શરાબના નશામાં તેમણે મારા પર હાથ ઉગામ્યો. અને બસ એ ઉગામેલો હાથ મેં ત્યારે જ પકડી લીધોં... સ્ત્રી બધું સહન કરી શકે પણ પોતાના આત્મ-સમ્માન પર આઘાત નહીં. અન્યાય કરવાવાળા કરતા અન્યાય સહન કરે તે વધારે દોષી છે.
હવે આ માણસ પર વિશ્વાસ રાખવો ખોટો હતો. એ જ ક્ષણે નાની રૂચીને લઈને મેં ઘર છોડી દીધું. ઘરમાં કોઈ કંઈ બોલ્યું નહીં. કોઈએ મને જતાં રોકી નહીં. કદાચ બધાં એમ જ ઈચ્છતાં હતાં કે આ બાળકને હું કઢાવી નાખું અને મારે તેવું કરવું નહોતું. કદાચ તેમણે એમ હશે કે હું ભરણપોષણ માગીશ. જ્યારે મારો પતિ જ મારો ના થયો ત્યાં હવે પૈસા માંગીને શું ફાયદો ? મારે એવા વાતાવરણમાં મારી દીકરીઓનો ઉછેર કરવો નહોતો. બસ હાથે પગે મેં ઘર છોડી દીધું..’
મા... તું હીબકે ચડી ગઇ અને અમે બન્ને અવાક તને જોઇ રહ્યાં. મા... મારા ખાતર તે આટલા દુ:ખ સહ્યાં ! જે વ્યક્તિને મારા અસ્તિત્વનો ઇંકાર હતો તેની પાસે હું કન્યાદાન કરાવવાની જીદ કરતી હતી..! મા... મા... મને માફ કરી દે. નાદાનીમાં કરેલી એ જીદો બદલ જેનાથી તેને દુઃખ પહોંચ્યું હશે. પણ ક્યારેય તે કશું કહ્યું નહીં.
મા... હિમાલયની હાડ ઓગાળે એવી ઠંડી માંય હુંફ આપે અને રણના વેશાખી વાયરામાં શીતળતાનો અહેસાસ કરવે તેવો અદભુત ઇલમ છે તારા પ્રેમમાં... તારી પરવરિશમાં હું નતમસ્તક છું. તારી સામે કે દુનિયા સામે ઝઝૂમી તે મને જન્મ આપ્યો.
આજે જ્યારે હું મારા નવા જીવનમાં પગલા માંડું છું તો એજ આશિર્વાદ માંગું છું કે મને પણ તારા જેવી મક્કમ આત્મવિશ્વાસથી છલોછલ થવાની શક્તિ આપજે...
હંમેશાં તારો પ્રેમ ઇચ્છતી,
મીતાના પ્રણામ.
પત્રને હૈયાં સરસો ચાંપીને સુજાતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
