Kamini Mehta

Drama Comedy Inspirational

2.2  

Kamini Mehta

Drama Comedy Inspirational

વર્કિંગ વૂમન

વર્કિંગ વૂમન

5 mins
13.9K


નાની હતી ને માને આખો દિવસ ઘરમાં કામ કરતાં જોતી. સવારે અમે ઊઠીએ એ પહેલાંની મા ઊઠી હોય. આખા ઘરનું ઝાડું કાઢે. ચા નાસ્તો બનાવે પછી રસોઈ. માનું કામનું લીસ્ટ પૂરું જ થતું નહીં. ઘરમાં પાછા કહ્યા વગરના આવેલ રોજના મહેમાન... બધાં જમીને જ જાય. ત્યારે તો કપડાં ધોવાનું. વાસણ સાફ કરવાના એવું પણ મા જાતે જ કરતી. પાછું જોવાનું એ કે એ કામની ઘરમાં કોઇને કદર પણ ન હતી. ત્યારે જ વિચારતી કે હું તો ખૂબ ભણીશ અને ખૂબ પૈસા કમાઇશ અને મેં મારો સંકલ્પ પૂર્ણ કર્યો. અત્યારે એક સન્માનનીય જોબ છે મારી. પણ હવે અત્યારે સમજાય છે કે ‘વર્કિંગ વૂમન’ એ બે નાવ પર સવારી કરવી પડે છે. બહાર પણ કામ કરવાનું અને ઘરનું કામતો ઊભું જ છે. એવી ત્યારે સમજ નહોતી.

સવારે ઘડિયાલને ટકોરે ઊઠી જવાનું. મારું ને જગતનું ટિફિન બનાવવાનું. ટ્રેન માટે ભાગવાનું. સાંજના પાછાં ફરતાં ઘરનો જરૂરી સામાન લેતાં આવવાનો. પાછી રસોઇવાળી બાઈ, નોકરો સાથે લમણાંઝીક. કોઈવાર જો જરાક મોડું થયું હોય તો એ પણ જતા રહે. ઓ..હો..હો..! કેટલીય માથાકૂટ. એમાં હમણાં ઓફિસમાં એક પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું, એટલે રવિવારે પણ અડધો દિવસ ઓફિસે જવું પડતું.

આ રવિવારે ઘણાં વખત પછી ઓફિસમાં રજા હતી. રાતના જ નક્કી કર્યુ કે કાલની રજા પૂરેપૂરી માણવી છે. રાતના જ જગતને કહી દીધું. ‘જો, સવારે મને ઉઠાડતો નહીં. કાલે મને ઓફિસમાં રજા છે.’

‘ઉઠાડવાની ગંદી આદત તને છે ડાર્લીંગ, મને નહીં. તું જ મને રોજ સવારે ઉઠાડે છે.’

‘પણ તારે ઓફિસે જવાનું હોય તો ઉઠાડવો જ પડે ને’ હું તપી ગઇ. ‘પણ જો કાલે હું મોડે સુધી સુવાની છું. નો ચાય... નો બ્રેકફાસ્ટ. લંચ માટે પણ કાલે બહાર જઇશું.’

‘ઓકે ઓકે’ મારો મૂડ જોઇ જગતે શરણાગતી સ્વીકારી.

રાતના સૂતાં પહેલાં ઘરની બેલ બંદ કરી દીધી કે સવારે કોઇ બેલ મારે તો ઊઠી ન જવાય. મોડે સુધી સુવાની બધી તૈયારી કરીની સૂતી, પણ સવારની મીઠી નિંદરમાં ખલેલ પાડી મોબાઇલ રિંગે. અત્યારમાં કોણ છે? જોયું તો માહી... ‘અરે શું કરે છે. અડધો કલાકથી તારા ઘરની બહાર ઊભી દરવાજાને બેલ મારું છું. દરવાજો કેમ નથી ખોલતી ?’

દરવાજો નો ખુલ્યો તો પાછાં જતાં રહેવું જોઇને. મારી સોનેરી ઊંઘ બગાડી. બબડતી હું ઊઠી. સામે ટ્રેકિંગ સુટમાં સજ્જ માહી અને મોહિત.

‘હમણાં ઘણા વખતથી જીમમાં દેખાતી નથી તો થયું. માંદી પડી કે શું ? આજે રજા હતી તો નક્કી કર્યું કે તારી ખબર લેવી. એમાં પાછો દરવાજો ખોલતી નથી. માણસને ચિંતા થાય કે નહીં.’

‘ના... ના મને શું થવાનું છે. એ તો હમણાં ઓફિસમાં જરા વધારે કામ હતું તો જીમમાં અવાતું નહોતું.' મેં ખુલાસો કર્યો. મારી ઈચ્છા તેમણે બહારથી જ વળાવી દેવાની હતી.

‘ચાલ સરસ. તું મજામાં છે તે જાણી ખુશી થઈ..હવે તારા હાથની ફકકડ ચા પિવડાવ એટલે રવિવારની સવાર સુધરી જાય...’ કહેતા બન્ને અંદર જ આવી ગયા.

‘પણ મારે સવાર બગાડી એનુ શું?’ બબડતી હું અંદર ગઇ. 'જગત ઊઠ. મોહિત અને માહી આવ્યાં છે.’ ’તારાં ફેંડ છે તું સમ્હાલ...’ કહી જગત તો પડખું ફરી સૂઈ ગયો.

પગ પછાડતી હું રસોડામાં ગઇ. ચા અને ખારી લઇ બહાર આવી. માહી અને મોહીત આરામથી સોફા પર પગ લંબાવી છાપું વાચતાં હતાં. મને એવી તો દાજ આવી કે... ‘વાહ.. ખુશબૂ તો સરસ આવે છે.’ બન્ને ટેબલ પર ગોઠવાયાં...’ મોના...રજાના દિવસે પણ તું આવો અનહેલ્ધી નાસ્તો કરે છે. પવા કે ઉપમા ગરમ નથી બનાવતી ?’

‘આ તો પવા ખલાસ થઇ ગયા છે.' મેં મારો બચાવ કર્યો..’ ઘણાં વખતે ખારી ખાધી... નહીં...?’ મોહિત ખારી ચામાં બોળી ખાતો હતો. ‘અમે તો આવા મેંદા ને તળેલા તૈયાર નાસ્તાથી દૂર જ રહીએ છીએ. આ ખારી ક્યાની છે ?’

‘ઓલ્વિનની.’ ‘મને લાગે છે આના કરતા પર્શિયનની વધારે સારી આવે છે. નહીં ?’ અને બન્ને જણા ખારી ક્યાંની સારી આવે છે તેની દલીલમાં ઉતરી ગયાં.

‘જ્યારે તમે ખારી ખાતા જ નથી તો તમને કેમ ખબર પડે કે ક્યાંની સારી આવે છે ?’ ક્યારની તેમની ચર્ચાઓ સાંભળતો જગત બહાર આવ્યો. ‘ચાલ, જાનું... હવે મારી ચા બનાવી જ નાખ.’ ધુઆંપુઆં થતી હું પાછી ચા બનાવા ગઇ. ચા પી... અડધો કલાક દલીલ કરી બન્ને માંડ ગયાં.

હું પાછી પલંગમાં પડી. માથા સુધી ઓઢવાનું હજુ તો ખેંચ્યું કે દરવાજાની બેલ વાગી...

‘આ બેલ કોને ચાલુ કરી.?’ હું જોરથી ચિલ્લાવી...’ મેં.’ જગત ઉભા થતો બોલ્યો. ‘બેલ બંદ હોય તો લોકો ફોન કરીને આવે છે.. નકામી તારી ઉંઘ બગડે.. દરવાજો ખોલવા તો બંદો છે ને.’ જગત મને ચિડવતા બોલ્યો.

‘મોના, આ તારો બકુલ આવ્યો છે.’ ‘તારો’ શબ્દ પર જરા ભાર મુકી જગતે બૂમ પાડી. મારો બકુલ... જાણે મેં એને ખોળે ન લીધો હોય. વાત એમ હતી કે બે દિવસથી મારું લેપટોપ હેંગ થઇ ગયું હતું. બાજુની બિલ્ડિંગમાં રહેતાં બકુલને વાત કરી તો કહે મોનાબહેન મને ટાઇમ મળશે ત્યારે જોઇ જઇશ. આ બકુલના બચ્ચાને આજે જ ટાઇમ મળ્યો..

ખેર... બેગર્સ હેવ નો ચોઇસ..

બકુલ દરવાજામાં ઊભો હતો... "આજે રજા હતી તો થયું, તમારું કામ પતાવી દઉં. યું સી કોઈ ને કમીટ કર્યું હોય તો પછી પાળવું જોઈએ."

"હા આવને." ને મેં તેને દાઢમાં આવકાર્યો... બે કલાકની મગજમારી અને ખૂબ બધી લેક્ચરબાજી પછી પણ લેપટોપ તો રિપેર થયું નહી અને કંટાળી બકુલ ગયો. પણ આજે તો મારે સૂઈ જ રહેવું છે. હું પાછી પલંગમાં પડી.

જરાકવારમાં આંખ પાછી મીંચાઈ ના મીંચાઈ કે પાછી બેલ વાગી. મેં ગુસ્સાથી જગત સામે જોયું. જગત "જસ્ટ કૂલ"ની સાઈન કરતો ઉઠ્યો. કદાચ કચરાવાલી બાઈ હશે. મને ઉઠાડવાનું રિસ્ક લેવા કરતા જગતે જાતે જ કચરો આપી દીધો. મેં પાછી આંખ બંદ કરી. ઊંઘ તો ક્યાંથી આવે પણ મોઢાં પર ઓશિકું નાખી પડી રહી.

‘હું શું કહું છું મોના.’ જગત ઉવાચ ‘તને ઊંઘ તો આવતી નથી તો લંચ માટે એકાદ વસ્તુ બનાવી નાખ. આવી ગર્મીમાં બહાર જમવા જવાનો કંટાળો આવશે.’.

‘નો વે’.. હું જોરથી બોલી ને પડખુ ફેરવી ગઇ.. થોડી વારમાં તો જગતના ખર્રાટા સંભળાવા લાગ્યા.. ખરો માણસ છે..ચા નાસ્તો દબાવીને પાછો સુઇ ગયો..!

હવે.. ઉંઘ તો આવતી નહોતી.. મેં મોબાઇલ હાથમાં લીધો. જોયું તો મમ્મીનો મેસેજ હતો.. સાંજના કોઇની પ્રાર્થનાસભા માટે અહીં બાજુમાં હોલમાં આવવાના હતા. એટલે નક્કી કર્યુ હતું કે મોના ઘણા વખતથી ઘરે આવવાનું કહે છે તો આજે જઈ આવીએ. સવારથી આવશું તો તારી સાથે સરખું બેસાશે. પછી જમી, થોડી વાર આરામ કરી પછી વાડીમાં જઈશું. મોના, આજે તને પણ રજા હોય તો સારું પડે.

વાંચી હું તો સફાળી બેઠી થઇ ગઇ.. ‘જગત ઊઠ... મમ્મી, પપ્પાને મોંટુ હમણાં જમવા આવે છે. તું પ્લીજ, જરા કેરીનો રસ લઇ આવ.’

‘નો વે’.. જગતે મારી કોપી કરી અને પાછો સૂઇ ગયો..

કલાકમાં તો ટેબલ પર વાલની દાળ.. બટેટાનું શાક.. ઢોકળા.. પૂરી.. કઢી ભાત. બધું તૈયાર હતું અને હા મારો જગત કેરીનો રસ પણ લઇ આવ્યો. એના પણ તો સાસુ સસરા આવવાના હતાને.. આટલું બધું બનાવ્યું. રજાની ઉંઘ બગડી... તોય જરાય થાક ન લાગ્યો... તમે જ કહો કેમ...


Rate this content
Log in

Similar gujarati story from Drama