Mariyam Dhupli

Inspirational Others

2.4  

Mariyam Dhupli

Inspirational Others

હું ક્યાં જવાનો ?

હું ક્યાં જવાનો ?

6 mins
13.7K


વિદેશમાં નવા સ્થાયી થવા આવનાર ભારતીયો સૌથી પહેલા શું ખોજે ?

ભારતીય કરિયાણાની દુકાન. એ દિવસે હું પણ પરદેશના નવા અજાણ્યા રસ્તાઓ ઉપર ઉમટી પડી હતી. અભિષેક પોતાની નવી આંતરરાષ્ટ્રીય ઓફિસમાં બન્ધ બેસતો થવા પ્રયાસ કરી રહ્યો હતો અને એની પત્ની એટલે કે હું વિદેશમાં મારા નવા ઘરને માંડવા અને નવા વાતાવરણમાં પોતાને ઢાળવા મહેનત કરી રહી હતી.

'જેવો દેશ એવો વેશ' એ કહેવત પ્રમાણે પરદેશમાં આવી વસતા ભારતીયોને ઘણી બધી મનગમતી વસ્તુઓ ત્યાગવી પડતી હોય છે. પણ મારા રસોડામાં કોઈ ત્યાગ અને બલિદાનનો સહેજે અવકાશ ન હતો. જમવાનું તો સંપૂર્ણ ભારતીયજ જોઈએ. પીઝા કે બર્ગર અઠવાડિયામાં એકાદવાર કે રજામાં માણી લેવાય પણ દરરોજ તો થાળીમાં રોટલી, દાળ, ભાત ને શાકજ ફરજીયાત. અભિષેક મને ઘણી વાર ચીડવતો પણ,"પરદેશમાં આવીને પણ દેશીજ રહીશ ? " અને હું ગર્વથી કહેતી, " દુનિયાના કોઈ પણ ખૂણામાં વસુ પણ હય્યામાં તો મારુ ભારતજ વસે ! "

દેશી હોવાનો મને પૂરો ગર્વ. એજ ગર્વ જોડે હું પરદેશના નવા રસ્તાઓ ઉપર મારા જુના દેશપ્રેમ જોડે ભારતીય અનાજની દુકાન શોધવા નીકળી પડી હતી. આડોશ પાડોશના લોકો જોડે હજુ મિત્રતા બંધાઈ ન હતી. આ ભારત થોડી હતું કે નવા આવનાર પડોશીને આવકારવા સામેથી લોકો ટોળા બની ઉમટી પડે. અહીંતો પાડોશમાં કોણ રહે છે એ જાણવામાંજ ઘણો બધો સમય નીકળી જાય.

અભિષેકની ઓફિસમાં કાર્ય કરતા એક ભારતીય સહકાર્યકરે સરનામું આપ્યું હતું. એજ સરનામાને અનુસરતી હું આખરે મારી ભારતીય કરીયાણાની દુકાન ઉપર પહોંચી ગઈ. વિદેશમાં આવી ભારતની દાળ, આંટો, ચાવલ, લોટ અને મસાલાઓ નિહાળતાંજ હું વિચિત્ર રીતે ભાવુક થઇ ઉઠી. એક ક્ષણમાટે જાણે ભારતમાં આવી ઉભી. દુકાનમાં કાર્ય કરતા વિદેશી યુવકો અને યુવતીઓ ને નિહાળતાંજ ફરીથી વર્તમાનની વિદેશી ધરતીની હકીકત યાદ આવી ગઈ.

જીવનમાં પહેલીવાર મસાલાઓ, કઠોળ અને કરિયાણું વિદેશી ભાષામાં ખરીદવાનો અનુભવ કંઈક ચિત્રવિચિત્ર હતો. આમતો નાની સુપર સ્ટોરમાં બધુજ વ્યવસ્થિત ગોઠવણી પામ્યું હતું અને તેથીજ ખરીદી સરળતાથી થઇ રહી હતી. યાદીમાંની દરેક વસ્તુઓ મારી ખરીદી માટેની ટોપલીમાં ગોઠવાઈ ગઈ હતી. એક ફક્ત 'હિંગ' કશે દેખાઈ નહીં. હિંગ વિના મારુ રસોડું સંપૂર્ણ નહીં. ફરીથી એકવાર સુપરસ્ટોરનો એક ચક્કર કાપી આવી. પણ પ્રયત્ન નિષ્ફ્ળ નીવડ્યો. આમતો અંગ્રેજીનું જ્ઞાન સારું એવું હતું પણ એજ સમયે અંગ્રેજીમાં હિંગને શું કહેવાય, એ સ્મૃતિમાંથી તદ્દન ઓગળી ગયું હતું.

અંગ્રેજી ભાષામાં સ્ટોરમાં કામ કરતા વિદેશી યુવક યુવતીઓને 'હિંગ' શબ્દ સમજાવવા ખુબજ વલખા માર્યા. પણ સંગ્રહાલયમાં નજરે ચઢેલી કોઈ વિચિત્ર વસ્તુને નિહાળતા હોય એવા સ્ટોરના યુવક યુવતીઓના હાવભાવોએ મારા પ્રયાસોને પૂર્ણવિરામ આપ્યું. હિંગ ન મળશે એ વિચારે ઉતરી ગયેલા ચ્હેરા જોડે હું પૈસા ચૂકવવા કાઉન્ટર તરફ આગળ વધી.

"શી નીડ્સ આસાફોટીડા..."

હા, આસાફોટીડા, હિંગને અંગ્રેજીમાં આસાફોટીડા કહેવાય. અર્ધજાગ્રતમન માંથી એ શબ્દ આખરે જાગ્રતમન સુધી પહોંચ્યો. મારા અટકી ગયેલા વિચારોને જાણે કોઈએ ધક્કો મારી ફરી કાર્યરત કર્યા. મને મદદ કરનાર વ્યક્તિનો આભાર માનવા હું પાછળ ફરી અને 'થેક્યું' કહું એ પહેલાજ મારા કાન સામેથી સંભળાયેલા શબ્દોથી સ્તબ્ધ થઇ ગયા.

"ગુજરાતી છો ?"

પરદેશમાં કોઈના મોઢે માતૃભાષા સાંભળવા મળે તો કેવું અનુભવાય એતો એજ વ્યક્તિ જાણી શકે જે પોતાના દેશથી દૂર વિદેશી ભાષા

વચ્ચે ચોવીસ કલાક પસાર કરતી હોય !

" જી હા, હું સ્વાતિ... આપનો આભાર ...."

"હું મનહરભાઈ.... સ્ટોરમાં કામ કરું છું... કોઈ પણ મદદ જોઈતી હોય તો કહેશો ..."

એ મનહરભાઈ જોડેની મારી સૌ પ્રથમ મુલાકાત. લગભગ પાંસઠ વર્ષની આયુ છતાં હ્રુષ્ટ પૃષ્ટ શરીર. ચ્હેરા ઉપર હમેશા ફરતું રહેતું નિર્દોષ હાસ્ય. જીવન અનુભવોના પુરાવા સમા ધોળા વાળ. શર્ટના ખિસ્સામાં ખોસેલી પેન. સાદગીભર્યા વસ્ત્રો અને એટલુંજ સાદગીભર્યું વ્યક્તિત્વ. ભાષા અને સ્વભાવ બન્ને એમના સંસ્કારની છાપ મન પર ઊંડે છોડી જાય એવા વડીલ એટલે મનહરભાઈ. ઔપચારિક પ્રથમ મુલાકાત પછી તો જયારે પણ સ્ટોર પર ખરીદી કરવા પહોંચતી સૌથી પહેલા મનહરભાઈનેજ શોધતી.

"બોલો બેટા શું જોઈએ ?"

જાણે ભારતમાંજ હોવ એવો અનુભવ એ વડીલના સાનિંધ્યમાં મળતો. એમના મોઢે બોલાતો 'બેટા' શબ્દ પરિવારની કમી થોડી ક્ષણો માટે દૂર કરી આપતો. કોઈ પણ મસાલા, કઠોળ કે દાળ જોઈતા હોય મનહરભાઈ બધુજ વ્યવસ્થિત તૈયાર કરાવી આપતા. ધીરે ધીરે ઔપચારિકતાની જગ્યાએ એક અદ્રશ્ય સંબંધે લઇ લીધો. પિતાથી દૂર રહેતી હતી કદાચ એટલેજ એમની જોડે હોવ ત્યારે પિતાજી આજુબાજુ જ હોય એવી અનુભૂતિ મળી રહેતી.

વાતોવાતોમાં એમના વિશે ઘણું બધું જાણવા મળ્યું. વર્ષો સુધી વિદેશના રસ્તાઓ ઉપર ટેક્ષી ચલાવી. બે દીકરાઓને ભણાવી પગ ઉપર ઉભા કર્યા. બન્નેના લગ્ન કરાવી ઠરીઠામ કરાવ્યા. પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થયું. દીકરાઓ સારસંભાળ રાખે છતાં વૃદ્ધ ઉંમરે ભલે ટેક્ષી ન હાંકી શકાય પણ નાની સરખી નોકરી કરીને પણ પોતાનું જીવન સ્વાવલંબી તો બનાવીજ શકાય.

મનહરભાઈના જીવન અને એમની વિચારધારાથી પરિચિત થયા પછી એમના પ્રત્યેનું માન પણ બમણું થઇ ગયું. કેટલાક યુવાનો પોતાની પરિપક્વતાથી અન્યોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે જયારે કેટલાક વડીલો પોતાના યુવાન હૃદયથી. એ વડીલના યુવાન હય્યાએ સાચેજ મને અભિપ્રેરિત કરી મંત્રમુગ્ધ કરી દીધી હતી. દર અઠવાડિયે કરિયાણાની જોડે મનહરભાઈને મળવાની પણ એટલીજ ઉત્સુકતા રહેતી. ઘરે બનાવેલી કોઈ વાનગી પણ હું સાથે લઇ જતી. મનહરભાઈને મારા હાથની રસોઈનો અને મને એમના સાનિંધ્યમાં પરિવારનો સંતોષ મળી રહેતો.

એક આવાજ ઉત્સુક દિવસે ઉતાવળે ઘરેથી નીકળતા હું મારો પર્સ ચકાસવો ભૂલી ગઈ. પૈસાતો હતા પર્સની અંદર પણ મારી લાંબી લચક ખરીદીની યાદી માટે થોડા ખૂટી પડયા. વળી ઘર પરત થવા માટે ટેક્ષીને ચૂકવવા માટે પણ થોડા પૈસાતો બાજુ પર રાખવાજ પડે. અભિષેક ઘણી વાર કહેતો કે બેંકનો કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સાથે રાખવો કે જેથી તત્કાલ પરિસ્થિતિમાં સરળતાથી ઉપયોગ કરી શકાય. પોતાની આળસ અને ઉતાવળ પર મને ખરેખર ચીડ ઉપસી આવી. ખરીદેલા સામાનમાંથી કેટલોક સામાન ફરીથી ટોપલીમાંથી ખલવી નાખ્યો. મારી અકળામણ કળી ગયેલા મનહરભાઈએ મારી સમસ્યા ઉકેલતાં પોતાના તરફથી પૈસા ઉમેરી બિલની ચુકવણી કરાવી આપી .

"આભાર મનહરભાઈ ! હું આવતા અઠવાડિયે આપને પૈસા ચુકવી દઈશ."

મનહરભાઈના ચ્હેરા ઉપર દર વખત જેવુંજ ધૈર્ય અને પ્રેમપૂર્ણ સ્મિત રેલાઈ ગયું.

"ચિંતા ન કર બેટા , હું ક્યાં જવાનો ?"

એક અઠવાડિયા પછી હું મારી નિયમિત ખરીદી માટે સ્ટોર જવા ઉપડી. સાથે મનહરભાઈનો પ્રિય ગાજરનો હલવો ડબ્બામાં ભરી લઇ લીધો. પૈસાની ચકાસણી કરી પર્સમાં બેંકનો કાર્ડ અને ક્રેડિટ કાર્ડપણ યાદ રાખી સમાવી લીધો.

સ્ટોર પહોંચતા જ મનહરભાઈને આંખો શોધી રહી. આખા સ્ટોરનો ચક્કર લઇ લીધો. પણ મનહરભાઈ દેખાયા નહીં. પોતાના કાર્ય સ્થળ પર હંમેશા નિયમિત ફરજબંધ ઉભા રહેતા મનહરભાઈની ગેરહાજરીથી હું વિસ્મયમાં મુકાઈ. એમની અમાનત રૂપી પૈસાની રકમ હાથમાં થામી કાઉન્ટર પર પુછપરછ કરી. કાઉન્ટર ઉપરથી મળેલા જવાબથી મારુ હૃદય થંભી ગયું.

એ કઈ રીતે શક્ય હોય ? બે દિવસ પહેલાજ દુકાનેથી ઘરે પરત થતા બસમાં હૃદય રોગ નો હુમલો આવ્યો. હોસ્પિટલ ખસેડવામાં આવે એ પહેલાંજ રસ્તામાં એમનું....

મારુ શરીર સમાચાર સાંભળી અત્યંત ટાઢું થઇ ગયું. શ્રવણ ઇન્દ્રિયોમાં મનહરભાઈના શબ્દો હજી એટલાજ જીવંત હતા :

"ચિંતા ન કર બેટા, હું ક્યાં જવાનો ?"

હાથમાં થામેલા પૈસા મને શોકથી તાકી રહ્યા ! આ બનાવ પછી મારા જીવનમાં ઊંડો ભાવાત્મક બદલાવ આવ્યો. જીવનમાં હાજર દરેક સંબંધની સાચી કદર કરવી મનહરભાઈ શીખવી ગયા. જે આપણી આસપાસ હોય એ દરેક વ્યક્તિની હયાતી અને હાજરીની નોંધ લેતા રહેવું. ક્યારેક યાંત્રિક ઉપકરણો પાછળ તો ક્યારેક સંબંધો પ્રત્યેની બેદરકારીને લીધે આપણે એજ વ્યક્તિઓની અવગણના કરતા રહ્યીએ છીએ જે આપણા જીવનના પર્યાયી છે. કારણ એટલુંજ કે આપણે એજ ભ્રમણામાં રાચતા હોઈએ છીએ કે :

'આખરે એ ક્યાં જવાના ?'

પરંતુ સંબંધોને જેટલો પ્રેમ આપી શકાય એટલો વર્તમાનમાં જ આપી દેવો , 'કાલ કોણે દીઠી છે ?'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational