Purvi Vyas Mehta

Romance Thriller

4.3  

Purvi Vyas Mehta

Romance Thriller

હરીફાઈ

હરીફાઈ

6 mins
1.2K


ચિત્રાને આ પાર્ટીનો માહોલ અસ્વસ્થ કરી રહ્યો હતો અને એ પોતાને અહીં એકલી અનુભવી રહી હતી. સુહાસના આગ્રહને કારણે એ આ પાર્ટીમાં આવી હતી. સુહાસના કોઈ બાળપણના મિત્રની બહેન, અશ્લેષાએ પાર્ટી રાખી હતી, એના દીકરાની અઠારમી જન્મદિવસની ઉજવણી નિમિત્તે. વર્ષો પછી સુહાસ અને અશ્લેષા મળી રહ્યાં હતાં. સુહાસની ઈચ્છા હતી કે ચિત્રા, અશ્લેષાને મળે. જોકે, આટલાં વર્ષોમાં ક્યારેય સુહાસે એના મિત્ર કે એની બહેનનો ઉલ્લેખ કર્યો ન હતો એટલે મળવાની વાત તો ઘણી દૂરની હતી. કદાચ એટલે ચિત્રાને સુહાસનો આ આગ્રહ થોડો વિચિત્ર લાગ્યો. છતાં એણે આવવામાં કોઈ વાંધો ન હતો. પણ, સુહાસ આમ અચાનક એને એકલી મૂકી ક્યાં ગાયબ થઈ ગયો! ચિત્રા અહીં કોઈને ઓળખતી ન હતી. મોટા ભાગનાં આમંત્રિત મહેમાનો જુવાનિયા હતાં. અહીંની વાતો અને વ્યવહારથી મન અકળામણ અનુભવતું હતું. છતાં, ઔપચારિકતા જાણવવા એ વચ્ચે વચ્ચે વાતોમાં જોડાવાનો પ્રયત્ન કરતી હતી. પણ, ક્યાં સુધી?


છેવટે એ બાલ્કનીમાં એક ખૂણામાં જઈ બેસી ગઈ. પાર્ટીના માહોલ અને લોકોને નિહાળી રહી હતી અને સમય પસાર કરી રહી હતી. અહીંનો દંભ, આડંબર અને દેખાડો જોઈ મનમાં હસવું પણ આવતું અને પોતાનું ભૂતકાળ યાદ આવ્યું. ચિત્રાને કોઈએ સામે આરસી ધરી દીધી હોય એમ લાગ્યું. જોકે, હવે સમય અને સંજોગ બદલાઈ ગયાં હતાં. હવે, ચિત્રા એ પહેલાની ચિત્રા રહી જ ન હતી, એકદમ ઠરેલ, પરિપક્વ અને ધીરે ગંભીર થઈ ગઈ હતી! આ ચકાચૌદથી અંજાતા યુવા પેઢીનાં સ્વમાન, મર્યાદા અને મૂલ્યોનું અધપતન જોઈ, એને આ લોકોની દયા આવતી હતી. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની હોડમાં લાકો પોતાનું સ્વમાન ગુમાવી રહ્યાં હતાં! એણે પોતાના વિચારોને વાળવાનો પ્રયત્ન કર્યો અને સુહાસને ફૉન કર્યો. એ સુહાસની રાહ જોતી હતી. અચાનક ચિત્રાને પાછળથી કોઈ પરિચિત અવાજ સંભળાયો. આ અવાજને સાંભળે વર્ષો વીતી ગયાં હતાં છતાં આજે પણ એ અવાજને એણે તરત ઓળખી લીધો. એણે પાછળ ફરી નજર કરી તો અશ્લેષા ઊભી હતી. સુહાસ અશ્લેષાને લઈ ચિત્રાની ઓળખાણ કરાવવા લાવ્યો. અવાજમાં એ જ રણકો અને ચહેરા પર એ જ હાસ્ય અને કુમાશ! ચિત્રાને જોતા જ અશ્લેષા એને ભેટી પડી. અશ્લેષાએ ચિત્રાને આવકારી અને બન્ને એકમેકને જોતાં રહ્યાં. સમય અને અનુભવોથી પરિપક્વ થયેલ ચહરા પર સ્મિત હજી પણ એટલું નિર્દોષ હતું. બન્ને હાથ પકડી ક્યાંય સુધી ઊભાં રહ્યાં, જાણે જીવનની આ વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય! આ ઉમળકો? આ આત્મીયતા? એ બે સ્ત્રી વચ્ચે જે બાળપણમાં એકમેકને ક્યારેય ખમી શકતી ન હતી! કટ્ટર હરીફ અને પ્રતિસ્પર્ધી! કદાચ ભાગ્ય જ બન્નેએ સીધે મોં વાત કરી હશે.


ચિત્રાને જીતવાની ટેવ ક્યારે કુટેવમાં બદલાઈ ગઈ હતી એ પોતે ચિત્રા પણ નહોતી સમજી શકી. એ બાળપણથી જ જીદ્દી અને મનસ્વી રહી હતી. અશ્ર્લેષા એની ટક્કરની હરીફ હતી. ભણવાથી માંડીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં બન્ને એકમેકથી ચડિયાતી! અશ્ર્લેષા અને ચિત્રામાં ફર્ક સ્વભાવમાં હતો. અશ્ર્લેષા રમુજી અને નિખાલસ હતી. જીવનને માણવામાં માનતી. હાર-જીત બન્નેને પચાવી જાણતી.


આ ભૂતકાળ હતો. આજે એ બન્ને ભૂતકાળને ભૂલી વર્તમાનમાં, વર્ષો પછી આ મેળાપને મન મૂકી ઉજવવા અને માણવા માંગે છે. છતાં, આ શક્ય ન હતું. ભૂતકાળ એમની સાથે એવો સંકળાયેલો હતો કે એની હાજરી વર્તમાનમાં વર્તાતી હતી. આ સ્વાભાવિક હતું. એમની વાતોનો સંદર્ભ શાળા અને કૉલેજ જીવન હતું. ભૂતકાળની વાતોમાં બન્ને ખોવાઈ ગયાં. પાર્ટીમાં મોટા ભાગના આમંત્રિત મહેમાનો જુવાનિયા હતાં જે પોતાની મસ્તીમાં મસ્ત હતાં માટે અશ્લેષાને ચિત્રા સાથે વાતો કરવાનો સમય મળ્યો. આમ પણ સમર્થની રાહ જોવાતી હતી. વાતવાતમાં, ચિત્રાને અશ્ર્લેષાના અપરણિત હોવાની ખબર પડી. અશ્ર્લેષા આજે પણ એટલી જ સરળ હતી. એની વાતો સીધી, સચોટ અને દંભ અને આડંબર વગરની હતી. પહેલાં ચિત્રાને જરા નવાઈ લાગી, જ્યારે અશ્ર્લેષાએ પોતાના પુત્ર 'સમર્થ' વિશે વાત કરી, પણ પછી સમજી શકી કે જીવનમાં અણધાર્યાં સંજોગો અને પરિસ્થિતિ ક્યારેક અમૂક નિર્ણયો લેવાંમાં મોટો ભાગ ભજવતાં હોય છે. પોતે પણ જીવનમાં એવાં નિર્ણયો લીધાં હતાં, જે સામાજીક દૃષ્ટિએ અસ્વીકાર્ય હતાં. 'અશ્ર્લેષા, આમાં પણ મારી સાથે હરીફાઈ?' ચિત્રાને વિચાર આવ્યો.


પછી તરત વિચાર વાળી, એણે અશ્ર્લેષાને પૂછ્યું, "બર્થડે બૉય ક્યાં છે? સમર્થ દેખાતો નથી?" અશ્ર્લેષાએ કહ્યું, "બસ, આવતો જ હશે. તૈયાર થઈ રહ્યો છે. તું જાણે છે આજકાલના છોકરાંઓ સમય જાળવવામાં કેવાં છે."


એટલાંમાં સમર્થે દૂરથી હાથ કરી અશ્ર્લેષાનું ધ્યાન દોર્યું.

અશ્ર્લેષાએ ટીપ્પણી કરતાં કહ્યું, "લો, આ બર્થડે બૉય આવી ગયો."


એણે સમર્થને પાસે બોલાવ્યો ને કહ્યું, "બેટા, આ મારી બાળપણની મિત્ર, ચિત્રા." ચિત્રા, સમર્થ ને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. જાણે એનાં પગ નીચેથી જમીન સરકતી ગઈ. શરીર આખું સૂન થઈ ગયું. બોલવા માટે શબ્દો શોધવા મથતી રહી. સમર્થ પણ એકીટશે ચિત્રાને જોતો રહ્યો. એણે અશ્ર્લેષા સામે જોયું. એટલામાં એનાં મિત્રોએ એને ઘેરી લીધો. મિત્રો સાથે ઔપચારિકતા જાળવવા એ હસીને બધાંની શુભેચ્છા સ્વીકારતો હતો પણ મન અને નજર એની ચિત્રા પરથી હટતી ન હતી.


ચિત્રા કાંઈ સમજવા મથતી હતી. ચિત્રા વિચારોના વમળમાં અટવાતી ગઈ. આ ચહેરો અઢાર વર્ષે પાછો એની સામે આવી આરસી બની એનું ભૂતકાળ બતાવી ગયો, જાણે તપન જ સામે ઊભો હતો. આબેહૂબ એની જ પ્રતિકૃતિ! ચિત્રાને આ રહસ્ય સમજાતું ન હતું. એ ભૂતકાળમાં સરી ગઈ. અમેરિકામાં એની તપન સાથેની પહેલી મુલાકાતથી લઈ તપનના કેંસરના કારણે થયેલ નિધન સુધીનું એનું જીવનકાળ 'ફ્લેશ' થવા માંડ્યું. ખૂબ જ આધુનિક વિચારશૈલી ધરાવતી ચિત્રા, તપન સાથે 'લીવ ઈન' રીલેશનમાં હતી. બન્નેનાં પરિવારજન આ વાતથી અજાણ હતાં. ઘણાં ટૂંકા સમયમાં બન્ને એકબીજાની ખૂબ નિકટ આવી ગયાં હતાં. ચિત્રા લગ્ન પૂર્વે મા બનવાની હતી પણ એને આ માતૃત્વની જવાબદારી સ્વીકાર્ય ન હતી. તપનને એ અરસામાં જ કેંસર ડાયોગ્નાઈઝ થયું. ચિત્રા પોતાની બાળક માટેની અનિચ્છા, પરિસ્થિતિ જોતા તપનને કહી ના શકી. એકવાર મક્કમ મન કરી એ ગર્ભપાત કરાવવા ગઈ, પણ સમય લંબાઈ ગયો હોવાથી એ શક્ય ન હતું એવી ડોક્ટરે સલાહ આપી. દિવસે દિવસે તપનની તબીયત લથડતી ગઈ. તપન ચિત્રાને ખૂબ સારી રીતે ઓળખી ગયો હતો. એના મહત્વકાંક્ષી અને મનસ્વી સ્વભાવથી પરિચિત હતો. એ ચિત્રાના ભવિષ્યના નિર્ણયથી પણ અજાણ ન હતો. તપનના નિધનના થોડા સમય પછી ચિત્રાએ પુત્રને જન્મ આપ્યો હતો. પણ બાળકના જન્મતાની સાથે જ ચિત્રાએ એને 'ઑરફનેજ'માં સોંપી દીધું હતું.


ચિત્રાને ઢંઢોળતા સુહાસે કહ્યું, વર્તમાન તારી રાહ જુવે છે. અશ્ર્લેષા અને સમર્થ તારી રાહ જુવે છે, કેક કાપવા માટે. ચિત્રા સુહાસ સામે જોતી રહી. કેક કાપતી વખતે અશ્ર્લેષાએ સમર્થને એની અને ચિત્રાની વચ્ચે ઊભો રાખ્યો. કેકનો ટૂકડો સમર્થના હાથથી ચિત્રાને ખવડાવતા કહ્યું, "ચિત્રા, તારા દીકરાના જન્મદિવસની કેક, એનાં હાથે નહીં ખાય?". ચિત્રા અવાક્ થઈ જોતી રહી. સુહાસે એના ખભે હાથ મૂકી કહ્યું, "હા, આ તારી અને તપનની અમાનત અમે આજ સુધી સાચવી. હું અને તપન જીગરી મિત્રો હતાં અને અશ્ર્લેષા તપનની નાની બહેન છે. મારું તને તપનના ગયાં પછી મળવું એ યોગાનુયોગ ન હતું. સમર્થને અશ્ર્લેષાએ દત્તક લીધો હતો. મેં, તને તારા લીધેલા નિર્ણયનો પશ્ચાતાપ કરતાં આટલાં વર્ષો જોઈ છે. બસ, મારી અને અશ્ર્લેષાની એટલી ઈચ્છા હતી કે સમર્થ એના જીવનનો નિર્ણય જાતે લઈ શકે એટલો થાય ત્યારે તમને બન્નેને મળાવીશું. સમર્થ આ વાસ્તવિકતાથી માહિતગાર છે. હવે, નિર્ણય સમર્થે કરવાનો રહેશે અને એ નિર્ણયને આપણે સૌએ માન્ય રાખવાનો રહેશે."


ચિત્રા અશ્ર્લેષાને ભેટીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. એ બસ એટલું જ બોલી, " અશ્ર્લેષા, તારા કરતાં સારી મા હું સમર્થની ક્યારેય નહીં બની શકું. તું જીતી ગઈ અને હું એક મા અને પત્ની તરીકે હારી ગઈ. સમર્થનો જે પણ નિર્ણય હશે એ મને સહર્ષ સ્વીકાર્ય રહેશે."


અશ્ર્લેષાએ ચિત્રાને સાંત્વના આપતાં એટલું જ કહ્યું, "ચિત્રા, જીવન અને સંબંધોને હાર-જીતની દૃષ્ટિએ જોવાનું આપણે જો છોડી દઈશું, તો જ જીવન અને સંબંધોને સાચા અર્થમાં જીવી અને માણી શકીશું."


Rate this content
Log in

Similar gujarati story from Romance