નવું વર્ષ..
નવું વર્ષ..
નવા વર્ષની સવાર અઢળક આનંદ અને એક અનેરી ઉત્સુકતા લઈને આવી હતી. અમે બધાં આ દિવસનો છેલ્લા ઘણા સમયથી વાટ જોઈ રહ્યાં હતાં. પણ, સાથેસાથે એક ઉચાટ પણ હતો કે આટલા બધા દિવસોથી છુપી રાખી હતી જે વાત. બસ, હવે થોડાં કલાકો સચવાઈ જાય તો સારું ! કેટકેટલી મથામણ કરવી પડી હતી અને કેવી કેવી રીતે બહાના બનાવી વાતને છાની રાખી હતી.
મમ્મી-પાપા દરરોજની જેમ સવારે ચાલવા ગયાં. એમના ગૃપે ગાર્ડનમાં નવા વર્ષની ઉજવણીનું આયોજન કર્યું હતું. એટલે એમને ઘરે આવવામાં મોડું થાય એવું હતું. જે અમને બધાને માન્ય ન હતું..પણ હવે એમને ઉજવણી છોડી આવવાનું કેમ કરી કહેવું એ એક વિકટ પ્રશ્ન હતો. છેવટે ઘણા વિચારવિમર્શ પછી અમે એ નિર્ણય પર આવ્યાં કે પછી જોયું જશે. હાલ, આપણે આપણાં મિશન પર ધ્યાન આપીએ અને સત્વરે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી જઈએ. અમે બધાં નિર્ધારિત સમયે એ ચોકકસ સ્થળ પર પહોંચી ગયાં.
ગયાં ત્યારે અમે આઠ જણ હતાં પણ પાછા ફર્યા ત્યારે અમે નવ જણ થઈ ગયાં ! નસીબ જોગે એ નવમું સદસ્ય થોડું મોડું આવ્યું. વળતા અમે પણ રસ્તામાં અમારી જુની જગ્યાએ ચ્હા પીવા રોકાયા અને વર્ષો પહેલાના સંસ્મરણો તાજા કર્યાં. આમ પણ ઘરે અમારે મોડું જ પહોંચવાનું હતું. એટલામાં મમ્મીનો ફૉન આવ્યો. આમ પહેલીવાર આટલી વહેલી સવારે અમે બધાં એક સાથે બહાર ગયાં હતાં. પણ નવું વર્ષ હતું માટે અમે બધાં મિત્રો સાથે ચ્હા-નાસ્તો કરવા બહાર નીકળ્યાં હતાં એવું એક વધું બહાનું બનાવી એમને વિશ્વાસમાં લેવા અમે સફળ રહ્યાં. અમે સમજી ગયા કે મમ્મી-પાપા ઘરે પહોંચી ગયાં હતા. પછી તો અમે અમારી ગાડીઓ રમફાટ ઘર તરફ દોડાવી અને ઘરે પહોંચી ગયાં. ડૉરબેલ વગાડ્યો. મમ્મી એ દરવાજા ખોલ્યો, અને અવાક્ થઈ ગઈ...એકદમ સ્તબ્ધ થઈ ગઈ...અમે બધાં પગથિયાં પાસે દૂર ઊભાં આ દૃશ્ય જોઈ રહ્યાં હતાં. મમ્મી એકદમ 'મોટી બેનને' ભેટી પડી.. અંદર સોફા પર પાપા બેઠા હતા. બેન જેવી ઘરમાં પ્રવેશી કે પાપાના મોઢા પર જે હાવભાવ અમે જોયાં એ અવર્ણનીય હતા. બસ, એ દૃશ્ય હદયમાં કંડેરાઈ ગયું છે. હૃદયસ્પર્શી !
વિદેશથી પાંચ વર્ષે મોટી બેન ભારત આવી હતી. આ એમની સરપ્રાઈઝ વિઝીટ હતી. મમ્મી-પાપા માટે...! અમે સૌ વીસ વર્ષે સાથે દિવાળી ઉજવવાના હતાં. એક અનેરા આનંદ અને ઉમંગથી ઘર દીપી ઊઠ્યું હતું. અમારા સૌનાં હૈયાં પણ એટલા જ આનંદ-ઉમંગથી ઝૂમી ઊઠ્યાં હતાં. મમ્મી-પાપા અને અમ સહું કાજે સાચા અર્થમાં એ નવું વર્ષ ખુશીઓનો ખજાનો લઈ આવ્યું હતું. પ્રેમ, લાગણી અને હસી મજાકથી ઘરનું આંગણું ઝગમગી અને મહેંકી ઊઠ્યું હતું !