Purvi Vyas Mehta

Drama Thriller

3  

Purvi Vyas Mehta

Drama Thriller

કરવાચૌથ

કરવાચૌથ

6 mins
618


મૌનાલીની આંખ ખુલતા જ એને સામે સુંદર રજનીગંધાનો ગુલદસ્તો નજરે પડ્યો. આખો ઓરડો રજનીગંધાની સુગંધથી મહેંકી ઊઠ્યો હતો. "ડીયર, 'હેપી કરવાચૌથ'. સાંજે જલદી મળીશું....તારો પ્રતિક". મૌનાલીએ હરખભેર ગુલદસ્તો હાથમાં લીધો, એની કોમળ આંગળીઓ રજનીગંધાને સ્પર્શતા, જાણે એ વધું ખીલી ઊઠ્યાં હોય એમ લાગ્યું. એણે પ્રતિક સાથે વાત કરવા મોબાઈલ હાથમાં લીધો જ હતો કે એના મોબાઈલની રીંગ વાગી. પહેલી જ રીંગમાં મૌનાલીનું 'હલો' સાંભળી પ્રતિકને હસવું આવી ગયું...એનું હાસ્ય સાંભળી મૌનાલીએ કહ્યું, "હું તને જ ફોન કરતી હતી. થેન્કસ અ લૉટ, ડીયર, યુ મેડ માય ડે. ક્યારે આવે છે? તારે આજે જ બેંગ્લોર જવાનું હતું.? બને એટલો જલદી આવી જજે. તું તો જાણે છે મારાથી ભૂખ સહન નથી થતી. આજે રાહ ના જોવડાવીશ." ઓકે... અને...અને....મારું આપેલું લીસ્ટ તો છે ને તારી પાસે...તારી પ્રોમીસ યાદ છે ને? સામેથી પ્રતિકની વાતનું સમર્થન કરતા મૌનાલીએ કહ્યું,"હા, હા, હું જાણું છું તું એ નહીં ભૂલે...તારી આજ વાત મને ખુબ વ્હાલી લાગે છે." ફરી પ્રતિકના કોઈ પ્રશ્નનો જવાબ આપતી હોય એમ એણે કહ્યું,"હાસ્તો, મારે દર બે કલાકે ભેંટ જોઈએ. આજે તો ભેંટ લેવાનો મારો હક્ક છે અને મારી બધીજ માંગણીઓ પુરી કરવાની તારી ફરજ! હા...હા... " એક મશ્કરીભર્યા હાસ્ય સાથે મૌનાલીએ ફોન મૂક્યો.


મૌનાલી સ્વભાવે પ્રેમાળ અને લાગણીશીલ ખરી, પણ જીવન ભૌતિક સ્તરે જ જીવી જાણનારી! એ જીવનનું સુખ ભૌતિક વસ્તુઓ અને સુવિધામાં જ શોધતી. પ્રતિક પાસે પૈસો અઢળક પણ સમય નહીં માટે એ મૌનાલીને આ રીતે રાજી રાખવાનો પ્રયત્ન કરતો. પ્રતિકને મૌનાલીના આવા વલણથી ઘણીવાર ખરાબ પણ લાગતું પણ એ ગમ ખાઈ જતો. બન્ને વચ્ચે પ્રેમ ઘણો હતો માટે એ આ બધું નજર અંદાજ કરી લેતો. બીજું એવું પણ ખરું કે એ મૌનાલીને જોઈતો સમય નહતો આપી શકતો એ 'ગીલ્ટ'ને, કારણે પણ એ બને એ રીતે મૌનાલીને ખુશ રાખતો.


મૌનાલીને સજવા- સવરવાનો પણ શોખ ગજબનો હતો. આજે સવારથી એ સાજ શ્રૃંગારમાં રચીપચી હતી. અરીસા સામે બેસી એ કંકુથી પોતાની માંગ ભરતા ભરતા, પ્રતિકને યાદ કરી મલકાતી હતી. એનો ચહેરો નવવધૂની જેમ ખીલી ઊઠ્યો! અચાનક 'ડૉરબેલ' રણકતા એ સ્વસ્થ થઈ. હાથની બંગડીઓ સરખી કરતી દરવાજો ખોલવા ઊભી થઈ. જતા જતા પાછું વળી અરીસા તરફ જરા નમી કપાળ પરનો ચાંલ્લો આંગળીના ટેરવાથી સહેજ દબાવી સીધો કર્યો. સાડીનો છેડો સરખો કરતી ગઈ અને બન્ને હોઠ બીડી 'લિપસ્ટીક' ને સરખી ફેલાવી આછી કરી. પોતાને નખ શીખ નિહાળતી રહી. ડૉરબેલ રણકતો રહ્યો. "હા, ભાઈ, હા...આવું છું. જરાય જંપ નથી." કહેતા કહેતા એણે દરવાજો ખોલ્યો. " તમે પણ શું ભાભી? કેટલી વાર લગાડો છો.... આ..હા...ભાભી વટ પડે છે તમારો!"ઘરની અંદર પ્રવેશ્તા રાધા બોલી. " તું પણ આ લાલ સાડીમાં કેવી સુંદર લાગે છે. રોજ આવી રીતે તૈયાર થતી હોય તો! 'કરવાચૌથ'ની ખુબ ખુબ શુભેચ્છા." "તમને પણ ભાભી" રાધા એ કહ્યું. "રોજ ક્યા સમય હોય આમ બનીઠનીને રહેવાનો. કામમાંથી ઊંચા આવીએ ત્યારે ને. તમે તો જુઓ છો શ્વાસ લેવાનો સમય નથી મળતો." અરે, હા..ભાભી તમારું પાર્સલ આવ્યું છે. ચોક્કસ સાહેબે મોકલ્યું હશે." "હા...લાવ..." કહી મૌનાલી રૂમમાં ગઈ. પાર્સલ ખોલતા જ બોલી ઊઠી, " ધેટ્સ ઈટ, યુ મેડ માય ડે".


મૌનાલી માટે આખો દિવસ ભૂખ્યા રહેવું આકરું હતું. કેટલીવાર એ રાધાને ફરિયાદ કરતી જણાઈ. બીજી બાજું રાધા માટે આ ખુબ સહજ હતું. એ શાંતિથી એનું રોજીંદુ કામ કરતી રહી. એના ચહેરા પર ઉપવાસ કરી આટલો શારીરિક શ્રમ પહોંચ્યાનો લેશમાત્ર થાક કે રંજ વર્તાતો ન હતો. હા, એનું મન અસ્વસ્થ હતું. એ થોડી ઉદાસ જરૂરથી હતી. એના પતિ રમેશની નવી નવી નોકરી ચેન્નાઈ લાગી હતી અને એ આવી શકે એવી શક્યતા ન હતી. મૌનાલી આ જાણતી હતી. એણે રાધાને પોતાની પાસે બોલાવી કહ્યું, "રાધા, છોડ કામ હવે, બાકીનું પછી કરજે. આવ મારી પાસે બેસ... તું જાણે છે હવે મોબાઈલ પર કેટલી સરળતાથી એકમેકને જોઈ શકાય છે. આજે સાંજે આપણે સાથે "ચૌથ" ઉજવીશું. 'વિડીયો કૉલ' કરી રમેશ સાથે તારી રૂબરૂ વાત કરાવીશું. પછી તો જળ અને અન્ન ગ્રહણ કરી શકાયને? હવે આટલી દુઃખી ના થઇશ. રાધાએ ડોકું ધુણાવ્યું અને એક ફીકકુ સ્મિત આપતા ધીરેથી કહ્યું, " ભાભી, એ તો ખરું, પણ મન માનતું નથી. આટલાં વર્ષોમાં પહેલીવાર એવું છે કે એ આજના દિવસે સાથે નથી."

મૌનાલી હસતા હસતા બોલી," હવે આટલી બધી ભાવુક ના થઇશ. જો, તું તો જાણે છે હું તો આ રીતિ રીવાજોમાં બિલકુલ માનતી નથી. આ તો એક દિવસ ભૂખ્યા રહીએ તો 'શરીર ડી ટૉક્સ' થઈ જાય...""હે? શું થાય ભાભી? " " અરે, શરીરની પાચન પ્રક્રિયા થોડી સારી થઈ જાય અને બીજું પ્રતિક પાસેથી મનગમતી ભેંટ મળે. બાકી આ બધાં રીવાજો તો ઠીક મારા ભાઈ."

રાધાનું મન મૌનાલીની વાતોમાં હતું જ નહીં, એ એના જ વિચારોમાં હતી. આમ પણ મૌનાલીની વાતો રાધા માટે એની સમજની બહારની હતી.

"ભાભી, હું જઉં છું." કહી રાધા ઊભી થઈ. "હા, પણ સાંજે ચોકકસ આવી જજે. પ્રતિક તને રમેશની સાથે વાત કરાવી દેશે." "સારું, ભાભી".


મૌનાલીનો દિવસ આખો પ્રતિકની મોકલેલ ભેંટ જોઈ, હરખાવવામાં પસાર થઇ ગયો. વચ્ચે વચ્ચે પ્રતિક સાથે ફોન પર વાતોમાં પણ !

સંધ્યાકાળના સમય એક વધું પાર્સલ આવ્યું. જોઈ મૌનાલી અત્યંત રાજી થઈ ગઈ. "ડાયમંડ સેટ? ઑ...માય ગોડ! પ્રતિક યૂ આર સો સ્વીટ! મૌનાલી જાત સાથે વાતો કરતી રહી. આજે હું આજ સેટ પહેરીશ. હું પ્રતિકને ફોન નથી કરતી. એ આવી મને સેટ પહેરેલો જોઈ કેટલો રાજી થશે" કહી મૌનાલી તૈયાર થવા ગઈ.


ઘરચોળામાં મૌનાલી એક નવવધૂ જેવી લાગતી હતી. રાધા પણ ખૂબ સુંદર તૈયાર થઈ એની દીકરી રીટા સાથે આવી. ફ્લાઈટનો સમય થઈ ગયો હતો છતાં પ્રતિક હજી પહોંચ્યો ન હતો એટલે મૌનાલીએ પ્રતિકને ફોન કર્યો. એક બે વાર ફોન 'ડિસકનેક્ટ' થઈ ગયો. થોડીવારમાં પ્રતિકનો ફોન સામેથી આવ્યો. "ડીયર, સો સોરી, મારાથી બનતા બધાં પ્રયત્ન કર્યાં મિટીંગ્સ જલદી પતાવી નીકળી જઉં, પણ શક્ય જ નથી. સવારથી બેક ટૂ બેક મિટીંગ ચાલું જ છે. લંચ પણ સ્કીપ કરવો પડ્યો. હું ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ આજે પહોંચવું મુશ્કેલ છે. હું પણ આજના દિવસે તારી સાથે રહેવા માંગું છું, પણ શું કરું? આ એક મિટીંગ પતાવી તને 'ફેસટાઈમ' કરું છું. હું જાણું છુ તું મને સમજી શકીશ. તું બીજા જેમ નથી, રીતિ રીવાજો ને વળગી રહેવામાં માનનાર. ઘણી પ્રેક્ટિકલ છે. " મૌનાલીએ કાંઈ પણ બોલ્યા વગર મોબાઈલ સ્વીચ ઑફ કરી દીધો.


એ માનવા તૈયાર જ ન હતી કે પ્રતિક ના આવે. એ કહે અને પ્રતિક ન આવે. "ચોકકસ એ મારી સાથે મજાક કરી રહ્યો છે." એટલામાં 'ડૉરબેલ' વાગ્યો. મૌનાલી તરત બોલી, " પ્રતિક જ હશે. હું જાણતી હતી એ આવે જ." રાધા એ દરવાજો ખોલ્યો. એ ડઘાઈ ગઈ. "તમે? પણ..તમે તો?" રાધાની દિકરી દોડી રમેશને ભેટી પડી. "હું ઘરે ગયો તો ખબર પડી તમે અહીં છો એટલે અહીં આવી ગયો." કહી એણે મૌનાલીને નમસ્કાર કર્યા.


રાધાને હજી માનવામાં નહોતું આવતું કે રમેશ એની સમક્ષ ઊભા છે. રમેશ તરત બોલ્યો હવે આમ બાઘા જેમ ઊભી રહીશ કે ચાંદની પૂજા કરીશ. હું 'એરોપ્લેનમાં' આવ્યો." "હે....!"આશ્ચર્ય અને ગૌરવના ભાવ રાધાના ચહેરા પર દેખાયા. " તારી ખુશી માટે એ ગમે તે કરીને આજના દિવસે તો આવે જ ને. અરે, બાકીની વાતો ઘરે જઈ શાંતિથી કરજો." મૌનાલી રાધા પાસે જઈ બોલી. રાધાના હાથમાં પૂજાની થાળી આપી બોલી, "રાધા, આ ક્ષણને જીવી લે. તું સાચા અર્થમાં તારા પતિના આ પ્રેમની હક્કદાર છે." ચંદ્રની પૂજા કરી, રમેશે પોતાના હાથે પાણી પાઈ અને અન્નપ્રાશ કરાવી રાધાનો ઉપવાસ તોડાવ્યો.


રમેશ અને રાધાએ મૌનાલીની રજા માંગી. જતાં જતાં રાધાએ મૌનાલીને કહ્યું, "ભાભી, કામ પતતા જ સાહેબ આવી જશે. મારું મન કહે છે." મૌનાલીએ હળવું સ્મિત આપ્યું. એ લોકોના ગયા પછી મૌનાલી અગાશી પર ચાંદને નિહાળતી બેસી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama