Purvi Vyas Mehta

Inspirational Thriller

4  

Purvi Vyas Mehta

Inspirational Thriller

લૉકડાઉનને તાંતણે

લૉકડાઉનને તાંતણે

4 mins
220


'રીમા....ઓ રીમા..... પેપર ક્યાં છે? આ રોજ શું મારે શોધવાનું? એક જગ્યાએ મૂકતા શું થાય છે?' પીયૂષે ચીડાઈને કહ્યું. રીમા ગેસની આંચ ધીમી કરી, રસોડામાંથી આવી પીયૂષની ખુરશી નીચે પડેલું પેપર આપતાં બોલી, આ શું છે? આમતેમ જોવાની તસદી લો તો બધું મળી રહે...ઘરની અંદર જ હોય બધું...થોડી એ પણ અકળાઈ ગઈ.

એટલામાં વરંડામાંથી ચ્હાની ફરમાઈશ થઈ..."હવે હાથ નવરો થયો હોય તો ચ્હા પીવડાવશો ? બીજીવારની ચ્હાનો સમય ક્યારનોય થઈ ગયો .." રમાબેન કટાક્ષમાં બોલ્યાં. "જી, મમ્મી...બસ આ સોહમને નાસ્તો આપી બનાવું જ છું...એનો ઓનલાઈન ક્લાસ શરુ જ થશે હવે..."

"સમય મળે ત્યારે આપજો.... અમે તો નવરા જ છીએને!" રમાબેનના વેધક શબ્દો રીમાએ અવગણ્યાં...હવે એ આ કટુવચનથી ટેવાઈ ગઈ હતી.

બાકી રહી નીમા... એ પલંગમાં પડી પડી મમ્મીના નામની બૂમો પાડતી હતી. રીમા એની પાસે ગઈ અને એને એક ચુંબન આપતા કહ્યું, બચ્ચા ...હમણાં તારું બોર્નવીટા દૂધ લાવી.." નીમા રીમાને પકડી એના ખોળામાં બેસી ગઈ... રીમા ફોસલાવીને એને પલંગ પર સુવડાવી રસોડામાં ગઈ. સોહમને નાસ્તો તૈયાર કરી આપ્યો. એક બાજું ગેસ પર તપેલીમાં ચ્હાનું પાણી ચડાવી, નીમાનું દૂધ તૈયાર કર્યું. ચ્હા દૂધમાંથી પરવારી, સફાઈમાં લાગી ગઈ. "આ 'મહામારી' એ તો વાટ લગાવી દીધી હતી. કામવાળીનું રજા પર જવું કેટલું આકરું એ ફકત સ્ત્રી જ સમજી શકે... ! દેવ તુલ્ય લાગવા માંડી હવે આ કામવાળી!"

અને પાછાં બધાં જ ઘરમાં! દરેકની જરૂરિયાત સાચવતાં સાચવતાં દિવસ ક્યાં નીકળી જતો ખબર જ ન પડતી. ચોવીસ કલાક જાણે ઓછાં પડતાં હતાં!

આ તો...દિવસની શરૂઆત હતી.... દરેક સભ્યના પડતાં બોલ ઝીલતી રીમા રાત સુધીમાં લોથપોથ થઈ જતી. ક્યારેક શ્વાસ ચડતો, ક્યારેક ધબકાર ચૂકતી, કોક વાર કમરનો દુ:ખાવો હાજરી પૂરાવી જતો તો કોક દિ' માથાનો દુ:ખાવો! પણ હાથ પગ ચાલતાં જ રહેતાં.... છતાં દિવસના અંતે ક્યાંક એ એની જવાબદારી ચૂકી ગઈ એવી અનુભૂતિ કોઈ ને કોઈ જરૂર કરાવી જતું.

"આ રસોઈમાં છેલ્લાં કેટલાં દિવસોથી કોઈ ભલીવાર જ નથી."

"મમ્મી, આ રોજ એકનો એક નાસ્તો? "

"રીમા, પ્રેસવાળો નથી આવતો તો આ કપડાં ક્યાં સુધી પ્રેસ કર્યા વગર રહેશે..?"

"બેટા, આ દવાઓ લાવવાની રહી ગઈ?"

રીમા, ગમ ખાઈ આ બધું સાંભળી લેતી. કદાચ ટેવાઈ ગઈ હતી આ બધાંથી !

એ પરવારી સંધ્યાકાળે બાલ્કનીમાં આવી બેઠી. સુમસાન રસ્તાઓ એને એની ભીતરની એકલતાની અનુભૂતિ કરાવતાં લાગ્યાં.

અચાનક એક મધુર અવાજ એનાં કાને પડ્યો. હાર્મોનિયમ સાથે એ ગણગણાટ મનને શાંત કરતો લાગ્યો. રીમા એ નજર આમ તેમ ફેરવી જોયું... સામેનાં બહુમાળી બિલ્ડીંગના બીજા માળની બાલ્કનીમાં એક યુવાનને બેઠેલો જોયો.. હૃષ્ટપૃષ્ટ બાંધો ધરાવતો આ યુવાન પોતાની સાધનામાં લીન હતો. રીમાએ એ યુવાનને પહેલીવાર જ જોયો હતો. કદાચ નવો ભાડુઆત હશે...એનાં કંઠેથી નીકળતાં દરેક સૂર રીમાને અંદરથી શાંત કરતાં હતાં. બધી જ હાડમારી અને થાકમાંથી રાહત આપતાં હતાં. બસ, બધું જ ભૂલી એ આ મધુરતાને માણતી આંખો મીંચી બેસી રહી..

"રીમા....."

એક જ ઝાટકે બધું જેમનું તેમ! જવાબદારી એ સાદ આપ્યો કે રીમા અંદર જઈ કામે લાગી ગઈ..

પણ એનાં માનસપટ પર અને અંતરમાં એ અવાજની મધુરતા ગૂંજતી રહી. રીમા એક અનેરો આનંદ અનુભવી રહી હતી. મન હળવું અને શાંત થતું લાગ્યું.

બીજા દિવસે પણ સંધ્યાકાળે એવી જ રીતે રીમા બાલ્કનીમાં જઈ બેઠી અને એના કાને એ મધુર સૂર આવી સંભળાયાં .. જોકે આજે આ યોગાનુયોગ ન હતું!

હવે આ એક નિત્યક્રમ બનતો ગયો... એ યુવાનને પણ ખ્યાલ આવી ગયો હતો કે કોઈ એનાં સંગીતને સાંભળતું, માણતું હતું અને એની કળાનું પ્રશંસક હતું.

હવે તો રીમા રોજ સંધ્યાકાળની રાહ જોતી. સવારથી જ અનેકવાર બારીની બહાર ડોકિયું કરી લેતી...એ આશાએ કે કદાચ સવારે પણ એ જ લ્હાવો એને મળી જાય...

આમ થોડાં દિવસો ચાલ્યું. રીમા માટે આ આવનાર દિવસનું ભાથું હતું જે એનાં મનને પ્રફુલ્લિત અને પ્રસન્ન રાખતું. રોજીંદાપણાના એ બીબાના ઢાંચામાંથી મુક્તિ આપતી થોડી ક્ષણો ... એ ચાર દિવાલની ગુંગળામણમાં શ્વાસ ભરતો એ સમય!

પણ...એક સાંજે રીમાને એ સામેની બાલ્કનીમાં કોઈ ન દેખાયું. રીમા કુતુહલવશ આમ તેમ નજર કરતી રહી. મન થોડું ઉદાસ થઈ ગયું. "પણ, હશે કાંઈ નહીં કાલે સાંભળીશ..કદાચ કામમાં હશે." મન મનાવી રીમા રૂમમાં ગઈ.

બીજો દિવસ આખો એ જ વિચારોમાં કે આજે આવશે કે નહીં? પણ બીજે દિવસે પણ એ યુવાન ન દેખાયો.. બે ચાર દિવસ આવું ચાલ્યું એટલે રીમા થોડી વ્યાકુળ થતી જણાઈ. એ સમજી ન શકી આ બેબાકળાપણાનું કારણ શું હતું. એનું સંગીત રીમાને એક પ્રકારની મનની શાંતિ આપતું હતું. બસ આથી વિશેષ કશું જ તો ન હતું...?

પણ...મન બેચેન હતું...અસ્વસ્થ હતું અને રીમાને એની ગેરહાજરી સાલતી હતી....એ પણ એક સત્ય હતું.

સવારે કામ પરવારી એ બેઠી હતી જ કે એનાં એક પાડોશીનો ફોન આવ્યો. હવે આ જનતા કરફ્યુ અને લૉકડાઉનમાં ફોન ન જ એકમાત્ર સંપર્કનું સાધન કહેવાય....

વાત વાતમાં રીમાને એવું કાંઈક જાણવા મળ્યું કે એ વધું બેચેની અનુભવવા માંડી. શું? ખરેખર? એ યુવાનને પણ ....??? ના...ના... ના હોઈ શકે? અરે, હજીતો ટેસ્ટ કરવાં એને દાખલ કર્યો છે... હું પણ શું આમ નકારાત્મક વિચારવા બેસી ગઈ... હજી તો આખી જીંદગી પડી છે એની સામે...એની વાગ્દત્તાની શી હાલત હશે? એની પર શું વીતતી હશે?

બીજે દિવસે પાંચમી એપ્રિલ રવિવારની રાતે નવ વાગ્યાના નક્કી કરેલ સમયે રીમાએ દીપ પ્રગટાવ્યાં.. હૃદય પૂર્વક પ્રાર્થના કરી, દરેકના સ્વસ્થ, નિરોગી અને ખુશહાલ જીવનની કામના કરતી એ દીપ પ્રગટાવતી હતી. એક શ્રધ્ધા સાથે કે ઈશ્વર સૌનું રક્ષણ કરશે...એની આંખો ભીંજાઈ ગઈ.

પણ થોડીવાર પછી...

એની નજર સામેની બાલ્કની તરફ પડી...અચાનક એણે આ શું જોયું ? એ સામેની બાલ્કનીમાં એક દીપ પ્રગટાયેલો હતો...

બસ, રીમાની આંખો ફરી ભરાઈ આવી...પણ આ વખતે હર્ષનાં આંસુથી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational