હોઠની લાલીનું મૂલ્ય
હોઠની લાલીનું મૂલ્ય
શીના અને મીના જીતુભાઈની જોડિયા દીકરી હતી. બંનેના જન્મ સમયમાં ફક્ત પંદર મિનિટનો ફેર હતો પણ શીના ઉજળે વાને હતી અને મીના ભીને વાન હતી. જીતુભાઈને તો બંને દીકરી સરખીજ લાડકી હતી. શીનાને પોતાના ઉજળા વાનનું અભિમાન હતું. જ્યાં ત્યાં પ્રદર્શિત પણ કરતી. જીતુભાઈ ઘણી વખત શીનાને કહેતા તારો વાન ઉજળો છે. પણ મીના નમણી અને સુડોળ છે એટલે સુંદર લાગે છે. શીનાને ન ગમતું મીના મનોમન ખુશ થતી. મનમાં રંજ રહેતો કે બધાં જ શીનાનાં જ વખાણ કરે છે.
શેરીમાં રહેતા મનુભાઈનો દીકરો અમી પણ શીના, મીના જેવડો જ હતો. બાલમંદિરથી કોલેજ સાથે જ અભ્યાસ માટે જતા. ત્રણે વચ્ચે સારી મિત્રતા હતી.
મીનાને માથામાં દેશી ગુલાબ નાખવું ખૂબ ગમતું. તેની મીઠી સુગંધની ચાહક હતી. અને બાળપણથી રોજ ઘરે થતા ગુલાબ માથામાં નાખીને જ સ્કૂલે અને પછી કોલેજ જતી.
એક દિવસ શીના, મીના અને અમી કોલેજથી ઘરે આવતા હતા. ત્યારે મીનાએ માથામાં નાખેલ ગુલાબને પોતાનાં હોઠથી ચૂમી, હોઠની લાલી લગાડી રસ્તા ઉપર ફેંકી દીધું. અમીએ કોઈનું ધ્યાન ન જાય તેમ લઈ લીધું. પણ મીનાએ, એ જોયું પણ કાઈ બોલી નહીં એમ માન્યું કે કદાચ એમજ લઈ લીધું હશે. બીજે દિવસે મીનાએ ફરી ગુલાબ ફેંક્યું. અમીએ, એ પણ લઈ લીધું. હવે, મીનાને સમજાયું કે અમી કોઈ કારણસર ગુલાબ લઈ લે છે, પણ મારે જ્યાં સુધી અમી ન કહે ત્યાં સુધી પૂછવું નથી. આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો. બંને એક બીજાને સમજતા હતા. પણ વડીલો વચ્ચેની વાતની રાહ જોતા હતા.
"અમીનાં, પપ્પા મનુભાઈએ જીતુભાઈને કહ્યું આપણા ત્રણે બાળકો નાનપણથી સાથે છે, સારું બને છે, મારી ઈચ્છા, અમી માટે એક દીકરીની વાત કરવાની છે. નિર્ણય તો અમી કરશે. તમે કહો ત્યારે મુલાકાત ગોઠવીએ. ભલે, મારી પણ એવી જ ઈચ્છા છે".
જીતુભાઈએ ઘરે વાત કરી. શીના, ખુશ થઈ ગઈ કે અમી, મારી જ પસંદગી કરશે મીના કરતા હું સારી લાગુ છું. મીનાને પોતાનાં હોઠની લાલીવાળા ગુલાબ ઉપર વિશ્વાસ હતો એ કઈ બોલી નહીં.
"અમી, નિર્ણય તારે કરવાનો છે અમને તારો નિર્ણય મંજૂર છે." અમી એ શીના, અને મીના સામે જોયું, શીનાનાં ચહેરા ઉપર ચમક હતી. મીના નિષ્પૃહી બેઠી હતી જાણે નિર્ણયની ખબર હોય.
"પપ્પા, મને"....અમી આટલું બોલ્યો ત્યાં બધાના શ્વાસ થંભી ગયા....
"હા, બેટા બોલ"...
"મને મીના ગમે છે. ભલે એ ભીને વાને છે પણ નમણી છે. તેના હોઠની લાલી વાળા બધાજ ગુલાબ મેં સાચવી રાખ્યા છે. જેની ખુશ્બુ મારા મનને પ્રફુલ્લિત કરી દે છે. શીનાનો વાન ઉજળો છે પણ મીના જેટલી માસૂમિયત નથી".
"શીના તું દુઃખનાં લગાડીશ" એક વખત તે પણ મીનાની જેમજ ગુલાબ ફેંક્યું હતું. એ મેં લઈ લીધું હતું. તને ખબર હતી પણ તે એ નોંધમાં નહોતું લીધું. તને તારા ઉજળા વાન ઉપર અભિમાન હતું. જ્યારે મીનાએ નોંધમાં લઈ લાલી વાળા ગુલાબથી મારા પ્રેમને નાણી જોયો. અમે બંને એક બીજાને પસંદ કરીએ છીએ. અમે ગુલાબનાં બદલે હોઠની લાલીને સદાય અમારા જીવનમાં સ્થાન આપવા માંગીએ છીએ.
શીના, સાથે બધાએ મીના, અમીનાં સંબંધને વધાવી લીધો. ઘરમાં દેશી ગુલાબની ખુશ્બુ અને મીનાની લાલી વાળા હોઠનું હાસ્ય પ્રસરી ગયું.

