Amrut Patel 'svyambhu'

Inspirational Children

4  

Amrut Patel 'svyambhu'

Inspirational Children

હળવી વાત હળવેકથી - 1

હળવી વાત હળવેકથી - 1

2 mins
210


     મને કોરોના થયાના સમાચાર જાણી બધા પ્રિયજનો ફોન પર ખબર કાઢતાં રહેતાં. શરૂઆતમાં મને કોઈ સાથે વાતો કરવી ન ગમે તેમ છતાં સામે કોઈને ખોટું લાગી ન જાય તે માટે તો વળી, ઘણીવાર અસહ્ય દુઃખ મટાડવાને બહાને મહાપરાણે વાતો કરી લેતો. રિપોર્ટ, દુવા,દવા બધું ચાલુ થયું. અને હવે જાણે ફરીથી જીવન ધબકતું જણાયું, ત્યાં રોજ સવારે ચાલવા જવાનું પણ બંધ થયું હતું. એટલે મેં રાત્રે સૂતા પહેલા વિચાર કર્યો કે આવતી કાલથી ફરીથી ચાલવા જવાની શરૂઆત કરવી છે. પણ આ બીમારીએ આજે સવારે પણ પથારી છોડવા માટે અનુકૂળતા ન કરી આપી અને હું ગેલેરીમાંથી પરવશ થઈ ઊગતાં સૂરજને જોઈ રહ્યો.

    ત્યાં બાજુમાં પડેલી ડાયરી પર હાથ ફેરવ્યો. બે ત્રણ પાના ઉઠલાવ્યાં ત્યાં-

વારસો પહેલા ટપકાવેલી વારતા પર મારી નજર પડી… 

    'પ્રેમ અને મૃત્યુ.'                           

                          -ઈવાન તુર્ગનેવ.

      હું અને મારો શ્વાન ફરવા નીકળ્યા હતા. પરત ફરતી વખતે અમે બગીચામાંથી પસાર થતાં કાચા રસ્તે જવાનું પસંદ કર્યું હતું. પવન ફૂંકાઈ રહ્યો હતો. મારો શ્વાન મારા કરતાં આગળ દોડી રહ્યો હતો. આચાનક તે દોડતો અટકી ગયો અને ધીરે ધીરે ચાલવા લાગ્યો. મારી નજર ચકલીના બચ્ચા પર પડી. વંટોળને લીધે ચકલીનું આ બચ્ચું માળામાંથી નીચે પડી ગયું હોય એવું લાગતું હતું. તે પોતાની અર્ધવિકસિત પાંખને ફફડાવતું અસહાય પડ્યું હતું. શ્વાન ધીરે ધીરે એની નજીક પહોંચી ગયો હતો. અચાનક બાજુના ઝાડ પરથી એક વૃધ્ધ ચકલી કૂતરાની આગળ પથ્થરની જેમ આવીને પડી. એ દયામણી અને હૃદયસ્પર્શી ચીં… ચીં… ચીં… ની સાથે કૂતરાના ચમકતા દાંતવાળા ખુલ્લા જડબાની દિશામાં જોવા લાગી.

          વૃધ્ધ ચકલી બચ્ચાને બચાવવા માટે આવી હતી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. એટલું જ નહીં એણે પોતાની પાંખ વડે બચ્ચાને ઢાંકી લીધું હતું, પણ એનો નાનકડો જીવ ડરને લીધે ધ્રુજી રહયો હતો. એનો અવાજ ફાટી ગયો હતો. એણે બચ્ચાનું રક્ષણ કરવા માટે પોતાની જાતને મોતના મુખમાં નાંખી દીધી હતી.

        તેને શ્વાન કેટલા ભયંકર જાનવરના રૂપમાં લાગતો હશે. વૃધ્ધ ચકલી ઝાડ પર સુરક્ષિત બેઠી હતી પણ બચ્ચાને બચાવવા એ પોતાના મનને વાળી શકી નહીં. મારો શ્વાન અટકી ગયો, પાછળ હટી ગયો. જાણે એણે પણ આ તાકાતને મહેસૂસ કરી લીધી ન હોય. મેં શ્વાન ને જલ્દી પરત બોલાવી લીધો અને એણે પણ સન્માનપૂર્વક પીછેહટ કરી લીધી.

       મને એ નાનકડી વીરાંગના ચકલી પ્રત્યે, એના પ્રેમના આવેગ પ્રત્યે શ્રધ્ધા ઉત્પન્ન થઈ. મેં વિચાર્યું પ્રેમ, ખરેખર મૃત્યુ અને મૃત્યુના ડરથી ઘણો વધારે શક્તિશાળી છે. ફક્ત પ્રેમ પર જ જીવન ટકેલું છે અને આગળ વધી રહ્યું છે. 

         વાર્તા વાંચી ડાયરી બંધ કરતા જ હું સવારે ઊઠીને ચાલવા જવાની ઈચ્છાને ઈશ્વરે ઘરમાં જ બેઠાં બેઠાં પુરી કરી તેવા ભાવ સાથે ઊગતા સૂરજ તરફ આભારભરી દ્રષ્ટિએ જોઈ રહ્યો. મારા શરીરમાં એક નવો સંચાર થયો જાણે મારા શરીરમાંથી કોરોનાએ હવે વિદાય ન લીધી હોય !                      


Rate this content
Log in

Similar gujarati story from Inspirational