STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

હજામની પરીક્ષા

હજામની પરીક્ષા

2 mins
662


દિલ્લીથી દસ કોસની છેટે આવેલ ભીમપુર નામના ગામમાં માણેકચંદ કરીને વણિક વેપારી રહેતો હતો તેને અને શાહ વચ્ચે ઘાઢી મીત્રાચારી હતી. માણેકચંદના શેઠના છોકરાના લગ્ન થવાના હતા. તેવા શુભ પ્રસંગ ઉપર તેને ત્યાં દેશાવરોથી ઘણા પરોણાઓ આવવાના હતા. આવા શુભ અવસરમાં હુશીઆર હજામની જરૂર હતી, તે જરૂર પુરી પાડી શકે એવો એક હજામ શેઠના ગામમાં ન હોતો. તેથી તેણે મીત્રભાવથી અકબરને લખી જણાવ્યું કે આપના નગરમાંથી એક ચતુર હજામને અહીં મોકલવાની કૃપા કરશો. હું તેને સારો પગાર આપીશ. પોતાના મિત્રનો આવેલો પત્ર વાંચીને તરત શાહે હજામની નાતને ભેગી કરીને પુછ્યું કે, તમારી નાતમાંથી સૌથી સરસ કોણ છે ? પણ તેઓ સીધો જવાબ ન દેતા આપસ આપસમાં લડવા લાગ્યા. આ જોઇ શાહે બીરબલને બોલાવીને કહ્યું કે 'આ બધાંઓમાંથી હુશીઆર હજામ કોણ છે તે શોધી આપો. બીરબલે આ બધાઓમાંથી એક હજામને પોતાની પાસે બોલાવીને પુછ્યું કે 'તારામાં હુશીઆરી કેવી છે તે કહે ? હજામે કહું કે, 'માણસ સુતો હોય, અને તે જાણી શકે નહીં એમ તેની હજામત કરૂં એવી મારી હુશીઆરી છે.' આ જોઇ બીજાએ કહ્યું કે, હું હજામત કરૂં ત્યારે, હજામત કરાવનાર જાગતો હોય, તોપણ મારી હજામતની ઠંડકથી તેને ઝોકો આવ્યા વગર રહે નહીં' આ જાણી ત્રીજાએ કહ્યું કે 'સાહેબ ! માથાને સજીઓ અડવા દીધા વગર મોવારા ઉતારી લ‌ઉં.' એ રીતે જુદા જુદા પ્રકારે પોતપોતાની બડાઇ હાંકવા લાગ્યા. આથી સંતોષ ન પામતાં બીરબલે બધાઓને કહ્યું કે, 'એક પાંજરામાં પડ્યો પડ્યો વાઘ ઉંઘે છે, તેની મુછના મોવારા જે ઉતારી લાવે તે હજામ ખરો હુંશીયાર કહેવાય.' બીરબલની યુક્તી તેઓને પસંદ નહીં પડવાથી બીરબલે તેઓને જવાની રજા આપી. આ બધાઓમાંથી એક જણ બીરબલની સામે આવી બીરબલને કહ્યું કે એમાં શી મોટી વાત છે, હું એ વાઘની મુછના મોવારા ઉતારી લાવું.' બીરબલે કહ્યું કે, 'ચાલ ઉતાર.' એમ કહી તે બંને જણ વાઘના પાંજરા પાસે ગયા તે વખતે વાઘ ઉંઘતો હતો, તે જોઇ હજામે તરત સજીઓ સજીને વાઘના મોં તરફ હાથ લાંબો કરવા માંડ્યો, તે જોઈ બીરબલ તરત તેનો હાથ પાછો ખેંચી લીધો, અને હજામને કહ્યું કે 'તારી આખી કોમમાં તારા જેવો બીજો કોઇ હુશીઆર નથી. વાઘ જાગે અને તને મારી નાંખે એ ભયથી મેં તારો હાથ પાછો ખેંચી લીધો છે. ' પછી રાજાને બીરબલે કહ્યું કે, 'હજામની આખી કોમમાં આજ હુંસીઆર છે.' રાજાના કહેવાથી બીરબલે તરત તે હજામને ભીમપોર મોકલાવી દીધો.

સાર - હજારોમાંથી એકને શોધી કાઢવાની યુક્તી જાણનાર બીરબલ જેવો બુદ્ધિશાળી બીજો બીરબલ નહોતો.


Rate this content
Log in

Similar gujarati story from Classics