Dilip Ghaswala

Comedy Drama

2  

Dilip Ghaswala

Comedy Drama

હાસ્ય કથા- મારા સત્યના પ્રયોગો

હાસ્ય કથા- મારા સત્યના પ્રયોગો

5 mins
947આ ઘટના બની પહેલી ફેબ્રુઆરી એ. એનો હીરો હું એટલે કે સતીશચંદ્ર ઉર્ફે સત્યો. હું ટીવી ચેનલ આધારિત જીવનાર ઈસમ છું.  ચેનલ બદલાય એમ મારો મૂડ બદલાય. બન્યું એવું કે ૩૦મી જાન્યુઆરીએ બધી ચેનલો પર ગાંધીજી છવાયા હતા. સતત ચેનલોની ડાળી ડાળી પરથી કૂદતા કૂદતા મને કુતુહલ થયું, આજે બધે ગાંધીજી કેમ દેખાય છે? પછી બ્રહ્મજ્ઞાન થયું કે આજે ૩૦મી જાન્યુઆરીએ નિર્વાણદિન છે. આખો દિવસ ગાંધીજી વિશે સાંભળી સાંભળીને હું ગાંધીમય બની ગયો. અને ૩૧મી જાન્યુઆરીએ રાતે 12 વાગ્યે મેં એક નિર્ણય લીધો. સત્યના પ્રયોગો કરવાનું. કાલ સવારથી જ હું સત્યના માર્ગે ચાલીશ એવો નિર્ધાર કરીને સુઈ ગયો.


અને સવારે ઉઠીને મેં જોયું તો, જગત જરાપણ મને નવું દેખાયું નહીં. છતાં મન સાથે મેં નક્કી કર્યું કે , "સત્યા ગમે તે થાય સત્યના માર્ગે તારે ચાલવાનું જ છે. કોઈપણ સંજોગોમાં."

 અને મેં ચાલવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો હું ગબડી પડ્યો મારો પગ મારી ચાદરમાં રહી ગયો હતો. હું જેવો બેડરૂમમાંથી બહાર આવ્યો એટલે મને સામે શ્રીમતિ મળ્યા એટલે કે મારા પત્ની દેખાયા. અને મને ખ્યાલ આવ્યો કે 'ઓત્તારી..!!! હું તો પરણેલો છું.!! અને સાહેબ, હું ક્યારે પરણ્યો છું એ યાદ છે, ક્યાં જઈને પરણ્યો છું, એ પણ યાદ છે, કઈ તારીખે અને કયા વર્ષે પરણ્યો છું, એ પણ યાદ છે. બસ શું કામ પરણ્યો એ જ મને યાદ નથી.!! આ પત્નીઓ સાથે કામ લેવાનું ખૂબ અઘરું હોય છે.


તેણે મારી આંખમાં આંખ નાખી ને વેધક પ્રશ્ન કર્યો ,"હું કેવી લાગુ છું..?"

 મેં એને ધારી ધારીને જોઈ. ખરેખર તો મારે એના વખાણ કરવા જોઈએ પણ મેં તો નક્કી કર્યું હતું કે , "હું તો આજથી સત્યના માર્ગે ચાલીશ એટલે મારે હવે તો સાચું જ બોલવું પડશે. કોઈ પણ ભોગે. મારી પત્ની કાળી સાડી માં સજ્જ થઈને મારી સામે ઊભી હતી. જાણે હેડંબા નો અવતાર જ જોઈ લો. છુટ્ટા વાળમાં એ ભયાનક લાગતી હતી. સત્ય વચનો ટૂંકાવીને મેં એક વાક્યમાં કહ્યું ,"પ્રિયે, એ કાળી સાડીમાં તું કાળા ડામરના પીપડા જેવી જાડી પાડી લાગે છે...!!" આટલું બોલીને હું રીતસરનો ભાગ્યો.. બાથરૂમ તરફ જવા નહીં.. પણ નાહવા માટે..નાહી ધોઈને હું ઓફિસે જવા નીકળ્યો. મારા ઠાઠીયા બાઈક ઉપર.

 રસ્તામાં પોલીસ દાદા સામે મળ્યા...'" થાંબા થાંબા.. સ્ટોપ.. સ્ટોપ..ઉભા રહો.. લાયસન્સ ?પીયુસી? હેલ્મેટ? કુઠે આહે???ક્યાં છે? બોલો બોલો. ??


 મેં કહ્યું ," બૈરીના મારથી બચવા માટે ઉતાવળમાં જલ્દી જલ્દી આ બધું લીધા વગર આવી રહ્યો છું". તો દાદા કહે," વાંધો નહીં, મારા ઘરે પણ આવું જ ચાલે છે.. સાઈડ પર આવો.

 પતાવટ કરી લઈએ .200 રૂપિયા આપી દો.." તો મેં કહ્યું કે," હું તો સત્યના માર્ગે ચાલતો ગાંધી ભક્ત છું." તો એમણે કહ્યું કે , "દસ હજાર રૂપિયા દંડ થશે.." મેં કહ્યું કે, એટલા પૈસા તો નથી મારી પાસે.. બાઈક વેચી દઉં તો પણ આટલા પૈસા મને મળશે નહીં.." તો દાદા કહે કે, "તમારે ગાડી જમા કરાવી દેવી પડશે.."

 અને 'ઉધાર' જેવા દાદાને મારી ગાડી 'જમા' કરાવી દીધી ..અને બસ સ્ટોપ પર આવીને ઊભો રહ્યો.


બસની લાંબી લાંબી લાઇનમાં ઊભો હતો. ત્યાં એક ભિખારણ આવી બધા પાસેથી એક એક રૂપિયો ભીખમાં લઇ તે રિક્ષામાં બેસીને ચાલી ગઈ.

 આ શહેરવાસીઓ પણ ખરા હોય છે. ગધેડાની જેમ કામ કરે છે. ઘોડાની જેમ ભાગતા રહે છે. કૂતરાની જેમ મળે તે ખાઈ લે છે.કાગડાની જેમ કા કા કરીને આખી જિંદગી બગાડી નાખે છે...આવું વિચારતાં વિચારતાં

 હું ઓફિસે મોડો પહોંચ્યો. ત્યાં મારો બોસ ગુસ્સામાં લાલચોળ હતો. કેમ મોડું થયું તેના ખુલાસા માંગ્યા. અને પછી એમણે કામ ના હુકમો છોડવા માંડ્યા એક પછી એક," જુઓ' સતિષચંદ્ર, મારું પહેલું કામ એ છે કે તમારે મારી બૈરીના ચણીયાનું નાડું નાખી આપવાનું છે. પછી બીજું કામ એ કરવાનું છે કે તમારે બજારમાં જઈને શાકભાજી લઈ આવવાનું છે. અને હા પાછા ફરતી વખતે મારી બૈરીનું સેન્ડલ મોચી પાસે રીપેર કરાવીને આવજો. અને પછી ઓફિસમાં આવીને ઓફિસનું રૂટીન કામ કરજો." આમ જો સામાન્ય દિવસ હોત તો આ અસામાન્ય અને ગેરકાયદે કામોની હું ના નહીં પાડતે..નીચી મુડી એ તમામ કામ હું કરી નાખતે. પણ આ વખતે મારામાં ગાંધીજીની સત ચડેલું હતું.એટલે મેં ગર્જના કરી," બોસ.... ઓફિસના કામો કરવા હું બંધાયેલો છું.. તમારા ઘરના અસામાન્ય કામ નહીં કરું ..તમારાથી થાય તે કરી લો."

અને પરિણામ સ્વરૂપ મારા બોસે હું મોડો કેમ આવ્યો તેની કારણ દર્શક નોટિસ ફટકારી દીધી. સત્ય બોલવાનો આ પુરસ્કાર મળ્યો મને.


હું ઓફિસના કામમાં જોડાયો ત્યાં ઓફિસનો ફોન રણકી ઉઠ્યો અને મેં ફોન ઉપાડ્યો," હા.. હું રાઈટ ટાઈમ સર્વિસમાંથી બોલું છું સતીશચંદ્ર ઉર્ફે સત્યો. અમારી ઘડિયાળો કેવી છે? બહુ જ સરસ છે સાહેબ.. અમારી ઘડિયાળને કંપનીએ ફિલોસોફીકલ ટચ આપ્યો છે. અમારી ઘડિયાળ જીવનનું દર્શન કરાવે છે. જુઓ કલાક કાંટો ખૂબ જાડો છે કારણ કે તે ધીમે-ધીમે ખસે છે.. મિનિટ કાંટો એનાથી પણ પાતળો છે એટલે કે પાંચ મિનિટે ખસે છે જ્યારે સેકન્ડ કાંટો ખૂબ પાતળું હોવાથી દર સેકન્ડે દોડે છે ..કારણ કે તે એકદમ પાતળો છે.


અમારું તો સુત્ર છે સાહેબ જે ચાલીસ પછી નહીં ચાલે એ ક્યાંય નહીં ચાલે.. અમારો માલ કેવો છે?? આમ તો સારો છે. અમારી દરેક ઘડિયાળ એકસરખો જ ટાઈમ બતાવે છે અને બગડી જાય તો પણ ચોવીસ કલાકમાં બે વખત તો સાચો સમય બતાવે જ છે. અમે ચાઇના મેઈડ ઘડિયાળ બનાવીએ છીએ. જાપાનનું તો માત્ર નામ છે.. અરે અમારા શેઠ જુઠ્ઠું બોલે છે. ..હું સત્ય બોલું છું.. સાહેબ માલ મોકલાવી દઉં? હલો હલો હલો..?" અને ફોન કપાઈ ગયો.


સામે બોસ ઉભા હતા.. ગુસ્સામાં લાલચોળ.. બરાડી ને કહ્યું," યુ આર ફાયર્ડ.. તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.."

 જોયું સાહેબો, સત્ય બોલવાનું વધુ એક ઇનામ..નોકરી ચાલી ગઇ.


 અને હું વીલે મોઢે ઘરે આવ્યો તો ઘરે બૈરી ફૂલકા રોટલી જેવું મોં ફુલાવીને બેઠી હતી. ભરેલી બેગ સાથે પિયર જવા માટે એણે નક્કી કર્યું હતું. મેં એને સમજાવતા કહ્યું," પ્રિયે, હું તને ખૂબ પ્રેમ કરું છું.. આ એક સત્ય છે.. મારી છાતી અત્યારે કોઈ ચીરે ને એમાં પણ તું જ દેખાય..." હું આગળ કંઈ સફાઇ આપવું એ પહેલાં એ બરાડી ," તો હવે તમે આજથી જિંદગી ભર બજરંગ જ બની રહો.. હું આ ચાલી મારા પિયરે.." અને વધુ એક પુરસ્કાર મળ્યો બૈરી ચાલ્યા જવાનો.. સત્ય બોલવાનું વધુ એક ઇનામ.


 વાંધો નહીં હવે હું એક ચાની લારી ખોલીશ. બકરીના દૂધની ચા વેચીશ. "ગાંધી ટી સ્ટોલ" નામ રાખીશ. નસીબ ક્યારે ફેરવાય કહેવાય નહીં. ચા વેચવાવાળા પણ વડાપ્રધાન બની શકે છે. હું સત્યના માર્ગેથી ચલીત નહીં થાઉં.. સત્યના માર્ગે ચાલવાનો એક ફાયદો હોય છે એ માર્ગે ક્યારે ભીડ નથી નડતી.

 તો તમે બધા પણ આવો છો ને ગાંધીચિંધ્યા માર્ગે....?!!


Rate this content
Log in

Similar gujarati story from Comedy