ગુરુપૂર્ણિમા
ગુરુપૂર્ણિમા
આજે ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુજનોની યાદ આવ્યા વગર ન રહે પોતાના શિષ્યને પૂનમના ચંદ્રની જેમ સોળે કળાએ ખીલવે એ સાચા ગુરુ.
આજે મને એકલવ્યની યાદ આવે છે. એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને શિક્ષા ગ્રહણ કરે છે. આ વાતની જ્યારે ગુરુ દ્રોણાચાર્યને ખબર પડી, તેઓએ અર્જુનને શ્રેષ્ઠ બાણાવળી બનાવવા માટે એકલવ્ય પાસેથી જમણા હાથનો અંગૂઠો માંગી લીધો હતો આ માટે તેઓએ સમાજની ટીકા પણ સહન કરી લીધી. એકલવ્યે હસતા-હસતા ખૂબ આદરથી પોતાનો જમણા હાથનો અંગૂઠો ગુરુજીના ચરણે ધરી દીધો આ ગુરુ શિષ્યની અનોખી જોડી આપણા ગૌરવવંતા ઇતિહાસ અને પુરાણના પાને અમર થઈ ગઈ છે.
આવો એક બીજો શિષ્ય આરુણિ છે. જે પોતાના ગુરુજીનું ખેતર બચાવવા જીવની પરવા કર્યા વગર આખી રાત શેઢે પડેલ બાકોરાની આડે પડ્યો રહે છે. ગુરુજીના આશીર્વાદ આવા શિષ્યને મળ્યા વગર ક્યાંથી રહે !
આજે મને એ વ્યક્તિ યાદ આવે છે કે જેમને ગુરુની કોઈ જરૂર ન હતી, છતાં તેમણે ગુરુ ધારણ કર્યા શા માટે ? એનો જવાબ છે, જ્ઞાનનો અખૂટ ભંડાર એવા શ્રીકૃષ્ણ ભગવાને મનુષ્ય અવતાર ધારણ કરી, આપણને શીખવવા અને સમજાવવા માટે ગુરુ ધારણ કર્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુ સાંદિપની ઋષિ. શ્રીકૃષ્ણ એક રાજાનો દીકરો હોવા છતાં આશ્રમમાં રહે છે, આશ્રમના નાના-મોટા કામો પણ કરે છે, ગુરુ અને ગુરુમાતાને આદર આપે છે. શ્રીકૃષ્ણ ભગવાન ગુરુને ગુરુદક્ષિણા આપ્યા વગર વિદ્યા સફળ થતી નથી, એ વાત સમજાવવા માટે ગુરુદેવના મૃતપુત્રને સજીવન કરે છે.
ગીતાના ગાનાર શ્રીકૃષ્ણ ભગવાનને જ્ઞાનનો તૂટો હતો ખરી ? ધન્ય છે સાંદિપની ઋષિ કે જેમણે શ્રીકૃષ્ણ ભગવાનને કેળવણી આપી. "કૃષ્ણમ વંદે જગતગુરુ" સમગ્ર જગતના ગુરુ શ્રીકૃષ્ણ ભગવાન એ પોતાના શિષ્ય હતા, એ ગુરુ સાંદિપની ઋષિ માટે કેટલા ગૌરવની વાત કહી શકાય !
યોગ્ય ગુરુ મળવાથી વાણીમાં વિનમ્રતા વર્તનમાં વિવેક અને વ્યવહારમાં શાલિનતા અને સરળતા આવે છે. જો વ્યક્તિના વાણી વર્તન અને વ્યવહાર એક બને તો એ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થયો ગણાય. ગુરુ વિચારોમાં શુદ્ધતા લાવે છે.ગુરુ સારું આચરણ કેમ કરવું, એ શીખવે છે.
શ્રીકૃષ્ણ ભગવાન જગતના ગુરુ છે. આપણે સાચા હ્રદયથી પ્રણામ કરીએ અને પોતપોતાના ગુરુને નમસ્કાર કરીએ.
