ગુંદો.
ગુંદો.
હું મારા હૉમમિનિસ્ટરના કહેવાથી અને થોડીક શારીરિક કસરત પણ થઇ જાય. તે હેતુથી શાકમાર્કેટ પહોચ્યોં.
મેં શાકમાર્કેટમાં વિવિધ પ્રકારના શાકભાજી જોયા, જેમ ગરીબ પોતાના ગાલને પોતે તમાચ મારી લાલ રાખે તેમ, અહિ કાછીયાઓ પણ પાણી છાંટીને શાકભાજી તાજી રાખવાનો પ્રયત્ન કરતા હતાં.
શાકમાર્કેટમાં દરેક જાતની જે તે વસ્તુ વેચાતી હતી. ત્યા મારી નજર એક ખુણામાં બેસેલી ગરીબ બાઇ ઉપર પડી. તે બાઇનુ સહજ પણ કશું વેચાયુ નહતું. તે બાઇ શું લયને બેઠા છે, તે જોવા હું તેમની પાસે ગયો,
પાસે જઇ મેં પુછ્યુ, ‘માજી તમે શું વેચવા બેઠા છો ?'
માજી એટલા બધા થાકી ગયા હતા કે, મને જોય તે સહેજ ખુશ થયા, ને વળી પાછો તેમનો ચહેરો ઉતરી ગયો..
'બેટા આ તારા કામની આ શાકભાજી નથી..'
'કેમ માજી ?'
'જો બેટા તમે રહ્યાં શહેરના એટલે વાસી ખરીદી કરતા સુધી, મારી તાજી અને ગુણકારી વસ્તુની ખરીદી કોણ કરે ?'
માજીએ બધાજ શહેરીજનોનો બળાપો સીધી મારી ઉપર જ ઠાલવ્યો. અને બિચારા માજી કરે પણ શું ! બિચારા ત્રણ કલાલથી બેઠા હતા, છતા તેમને દશ રૂપિયાની બોની પણ થઇ ન હતી.
'પણ માજી કહોતો ખરા, તમ શું લઇ ને બેઠા છો ?'
માજી એ ગુંદા શબ્દ બોલતા ટોપલાં પરથી રૂમાલ હટાવ્યો. ગુંદા જોતા જ મારી આંખોમાં નવો જ તરવરાટ ઉંમટી આવ્યો. ગુંદાને સામાન્ય રીતે સાઇઠ ટકા જેટલા લોકો જ માંડ ઓળખતા હશે. પરંતુ મારા જીવનમાં આ ગુંદાનો અનેરો સબંધ જોડાયેલો હતો. મારા મોટા ભાગનુ જીવન આ ગુંદાના ઝાડ નીચે જ ગયું છે. અને તેમાય ખાસ વેકેશનના સમયમાં અમારા ગામડે, ઘરના ઓટલા અને ડભોઇ- કરજણ મુખ્ય રોડ વચ્ચે આ ગુંદાનુ ઝાડ હતું. તે સમયે તો કાચો જ રસ્તો ભાઇ, આ કાળા ડમરની વાત જ કેવી ?
ગુંદાના પાન સામાન્ય ગોળ અને વડના પાન કરતા મોટા હોવાથી, તેનો છાયો વધારે રેહતો. તેથી તે ગામનો વિસામો ગણો કે બસસ્ટેન્ડ, આ ગુંદો જ. આમારા પરિવાર સાથે આ ગુંદાનુ એવુ જોડાણ થઇ ગયલું કે, આમારા ઘરની ઉપમા જ ગુંદાવાળુ ઘર તરીકે ઓળખાતુ, અમારી બાનુ નામ પણ આ ગુંદા સાથે જ જોડાયેલું. અમારાં ઘરનુ ઠામ ઠેકાણુ આપવાનુ હોય તો, અમે આ ગુંદાનું નામ આપતા.એ વાંચીને ટપાલી પણ સીધો ઘરે જ આવી ટપાલ આપતો, ત્યારે મારી બા પુછતી પણ ખરી, 'ભાઇ ઘર શોધવામાં કાઇ તખલીફ તો નથી પડી ને,' પોસ્ટમાસ્તર કહેતા “ના બા, આ ગામ ભુલાય પણ આ ગુદ્દો નહિ બા”
ત્યારે બા લોટામાં પાણી ભરી, ગુંદાની નજર ઉતારી એ પાણી ચકલે ઢોળી આવતી.અને કહતી 'મુવા રોજ કોકને કોક ગુંદાને ટોકે તો સુકાય ન જાય ?'
ગુંદાના ફળતો એટલા ચીકાશવાળા, પાક્કા ખાવ તો મીઠા અને ગળ્યા લાગે. દેખાવે તે આમળાનાં ફળ જેવા. મને તે ખુબ જ ભાવતા.તેથી મારી રેવા બો કહેતી પણ ખરી, કે 'હવે વેકેશન પડવાના બે-ચાર દિવસ બાકી છે. પછી આ ગુંદા પર પાકા ગુંદા જોવાય નઇ મળે.' બાની વાત પણ ખરી હો, તે ચીકાશવાળા હોવાથી તે ફળ મારા સિવાય કોઇ ખાતું પણ નહિ. જ્યારે ઉનાળો આવતો ત્યારે, તેનો મૉર અને કાચા ગુંદા તોડવાનું કામ પણ મારુ જ.
આમ તો ગુંદો વધારે ઉચો નહિ, છતા તે થડમાંથી જાડો અને દસ પંદર ફુટ ઉંચો પણ ખરો. મારા હાથે ગુંદાની ડાળે-ડાળે સ્પર્શ કરેલો, જેમ સીધા રસ્તે સાપ વાંકોચુકો સરકે તેમ, હું પણ ગુંદાની ડાળીઓમાં વાંકોચુકો થઇ ગુંદા પર ચડી જતો.
જ્યારે કોઇ અથાણું બનાવવા માટે કાચા ગુદ્દા લેવા આવતું, ત્યારે મારી બા કહેતી પણ ખરી, 'ભાઇ ગુંદાનું અથાણુંતો ખાવુ જ જોઇએ. તમારા જેવા ગુંદાની કિંમત સમજે તે ખાય.' ત્યારે પેલા કાકા પણ કહેતા “તમારી વાત સાચી હો બો, પણ બો સોનાની સાચી પરખ તો ઝવેરીને જ હોયને !
ભાઇ થોડીવાર બેસો, મિતુ હમણા તોડી આપશે. 'બેટા મિતુ આ કાકાને થોડા ગુદ્દા તોડી આપતો.'
મારી બાનાં તે શબ્દો પૂર્ણ થાય, તે પેહલાં હું ગુંદા પર ચડી જતો. ને ચાર-પાંચ ગુંદાનાં ઝુમખાં તોડી નીચે આવતો. કાકા આ મારી ચપળતાને ફાટી આંખે જોયા જ કરતા. અને જતા-જતા મારી બાને ગુંદાના પૈસા આપતા ત્યારે તો, બા રીતસર કાકાને ધમકાવી જ નાખતી. પૈસા આપવા હોય તો બીજી વાર ગુંદા નહિ મળે, કાકા બીચારા ઢીલા જ પડી જતા, તે કાકા જતા-જતા એકાદ ચોકલેટ પણ આપતા જતા.
આખો દિવસ અમે સૌં મિત્રો ગુંદાના ઝાડ નીચે કે ઉપર રમતા હોય, અને રાત્રે મારા દાદા આ ગુંદાના ઝાડ નીચે. રામાયણ કે મહાભારત વાંચી સંભળાવતા હોય. સમય જતા પહેલા દાદા અને પછી બો (બા) ભગવાનને ત્યાં જતાં રહ્યાં. જેથી મારી સાથે આખા ગામને ખુબજ દુ:ખ થયેલું, પણ સૌથી વધારે બા-બાપુજીનુ દુ:ખ આ ગુંદાને જ થયું હશે, એમ મને લાગે છે..અમારા પરિવારની આંખે અશ્રુઓ ઝરતા રહ્યાં, તો આ ગુંદાની ડાળીઓથી પાન ખરવા લાગ્યા. મને એમ કે હવે ગુદ્દાને નવા પાન આવશે, પણ એમ ન બન્યું, ગુદ્દો ધીમે-ધીમે સુકાવા લાગ્યો.
આજે ગામડે ગુંદો નથી રહ્યો. પરંતુ કોક પુછતુ આવે કે ગુદ્દાવાળુ ઘર ક્યા આવ્યું ? તો એ માણસ છેક ઘર સુધી મુકવા આવે, આજે તે ગામમા ગુંદો નથી પણ તેનુ નામ મારા અને મારા મિત્રો ના હ્રદયમાં ગુંજતું રહ્યું છે.
મને આમ છાનોમાનો ઉભેલો જોઇ તે માજી બોલ્યા, “ઓ ભાઇ, કોય દિવસ ગુદ્દા નથી જોયા કે શું ?'
મેં મારી આંખોની ભીનાશ સાફ કરતા કહ્યું “માજી આ બધાં જ ગુંદા કેટલામાં આપવા?
માજી કહે “રૂપિયા પાંચસોમાં”
હુ માજીને પાંચસો રૂપિયા આપી.ગુદ્દાની બે થેલી ભરી ઘરે પહોંચ્યોં.
મારા હાથમાં બે થેલી જોઇ, ઘરનં હૉમમિનિસ્ટર પહેલા તો ખુશ થયા, પછી તેં ભડક્યા....તમને શાકભાજી લેવા મોકલ્યાં, અને તમે આ શું લઇ આવ્યાં ? તમારુ દિમાગ તો ઠેકાણે છેને ?
મેં બિલકુલ સહજ રીતે કહ્યું, “હા”
અરે ! તમે આ શું લાવ્યાં, તેનુ નામ તો કહો ?
મેં કહ્યું “મારુ બાળપણ....ને , મારી બા...'
