nayana Shah

Inspirational Others

4  

nayana Shah

Inspirational Others

ગૃહ પ્રવેશ

ગૃહ પ્રવેશ

3 mins
251


આંશીને લાગ્યું કે કોઈનો પ્રેમાળ હાથ એના માથે ફરી રહ્યો છે. એને આંખો ખોલવાનું મન થતું ન હતું. હજી પણ એ ઊંઘની દવાની અસરથી મુક્ત કયાં થઈ હતી ? છતાં પણ જે રીતે એને આત્મીયતાની અનુભૂતિ થતી હતી એ ગમતું હતું. મનુષ્ય માત્ર પ્રેમની જ ઝંખના કરતો હોય છે.

આંશીએ આંખો ખોલી ત્યારે ત્રિશા બોલી, "આન્ટી હવે બસ થોડા જ સમયમાં તમે ઘેર આવી શકશો. મેં ડોકટરને પૂછી લીધું હતું કે તમે કયારે રજા આપશો ? "

ઘેર જવાની દરેકને ઈચ્છા હોય. એમાંય એને એના પતિને છીંકો ખાતા સાંભળેલા. એથી એને એના કરતાં પતિની ચિંતા વધુ હતી. ત્રિશા સાથે લોહીનો સંબંધ જ કયાં હતો ? પરંતુ કયારેક કયારેક લોહીના સંબંધ કરતાં પ્રેમના સંબંધ ચઢી જાય છે.

ત્રિશા આંશી સામે જોઈને સમજી ગઈ કે આન્ટી અંકલની ચિંતા કરે છે. તેથી જ એ બોલી, "તમે બનાવેલી સૂંઠની ગોળી તથા મસાલો નાંખીને ચા સવારે જ બનાવીને અંકલને આપી દીધી હતી. ચિંતા ના કરતાં તમે જેટલા દિવસ આઈસીયુમાં હતાં એ દરમ્યાન અંકલ એક પાતળી ચાદર પર સૂઈ રહેતાં હતાં. કુટુંબમાં બધા રહેવા તૈયાર હતાં પરંતુ અંકલ બધાને ના પાડતાં રહ્યા. કે હું જ રહીશ.

ત્રિશા વર્ષોથી રસોઈ કરવા આવતી હતી. એટલે એ તો ઘરની સભ્ય જ બની ગઈ હતી.

આંશી વિચારતી હતી કે પિયર પક્ષે તો બધાએ ફોન કરી ખબર પૂછી એમની જવાબદારીની ઈતિ શ્રી કરી હતી.

આ વિચાર સાથે આંશીની આંખોમાં આંસુ આવી ગયા.

ત્રિશા આંશી ને કહેતી રહી, "હું અંકલની સંભાળ રાખું છું. અંકલ જમતાં ન હતાં એટલે મારા બાળકો બળજબરીથી મારા ઘેર જમવા લઈ આવે છે. એમના આગ્રહ ને કારણે અંકલ અમારે ત્યાં પેટભરીને જમી લે છે.

આમ પણ આંશીએ અયન પર એની પસંદગી ઉતારી અને ઘરના વિરોધ કરતાં રહ્યા. જોકે આખરે ઘરના સભ્ય માની તો ગયા. પરંતુ એનું મન તૂટી ગયું. કહેવાય છે કે, " મન, મોતી અને કાચ કયારેય ના સંધાય" લગ્ન બાદ આંશી અને અયન ખૂબ સુખી હતાં. માબાપ હતાં ત્યારે કયારેક કયારેક પિયર જતી હતી. માબાપના મૃત્યુ બાદ આંશી કયારેય પિયર ગઈ ન હતી. કહેવાય છે કે, "નજરથી દૂર એ દિલથી દૂર." એને તો ભાઈબહેનો જોડે આત્મીયતા જ કયાં રહી હતી ?

જો કે સાસરીમાં દિયર તથા નણંદ સગા ભાઈ બહેનોની ગરજ સારતા હતાં. બધા વચ્ચે એટલો સંપ હતો કે લોકો એમના કુટુંબનું ઉદાહરણ આપતાં હતાં. અયનના પપ્પા તથા તેમના ભાઈઓએ ભેગા મળીને એક સોસાયટીમાં જ બધાના ઘર લઈ લીધેલાં. પરંતુ બધા ભાઈઓએ નક્કી કરેલું કે રસોડું જુદુ રાખવું. કારણકે રસોઈ બાબતથી શરૂ થયેલું મન દુઃખ આગળ જતાં ગંભીર બની જાય.

જોકે કોઈનીયે વચ્ચે કયારેય મનદુઃખ થયું જ ન હતું. બધા બહુજ પ્રેમથી રહેતાં હતાં. જેથી સુખદુઃખ વહેંચાઈ જતાં હતાં.

બધા વારાફરતી આવતાં રહેતાં હતાં. આંશી આંખો ખોલે ત્યારે બધા ખુશ થઈ એને કહેતાં "હવે તમને સારું છે જલદી ઘેર આવી શકશો."

એ જે દિવસની રાહ જોતી હતી આખરે એ દિવસ આવી ગયો. પરંતુ અયન સિવાય કોઈ ન હતું. જે રૂમ હંમેશા ભરેલો રહેતો હતો એ સાવ ખાલી હતો.

અયને જયારે દરવાજો ખોલ્યો ત્યારે આંશી સ્તબ્ધ બની ગઈ. બધા જ એના ઘેર બેઠાં હતાં. આવતાંની સાથે બધા એક અવાજે બોલી ઉઠયા, " વેલકમ બેક હોમ." અને એ શબ્દોની સાથે ઘર રોશનીથી ઝળહળી ઉઠયું.

એટલુંજ નહિ બધાના હાથમાં ફૂલો પણ હતાં. બધાનો પ્રેમ જોઈ એની આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસે બધાએ આંશી સાજી સમી ઘરે આવી એના માનમાં સમુહ ભોજનનું આયોજન પણ કર્યું હતું. આંશી બધાનો પ્રેમ જોઈ ભાવવિભોર થઈ ગઈ. એ વિચારતી હતી કે આટલું સુંદર આયોજન તો એના ગૃહ પ્રવેશ વખતે પણ થયું ન હતું.

ડોકટર કહેતાં હતાં કે, "તમારૂં હૃદય પહોળું થાય છે" એ વાત સાચી એટલાં માટે કે નાનકડા હૃદયમાં આટલો બધો પ્રેમ કયાંથી સમાય ? આ વાતનો અનુભવ એને એના ઘરમાં ગૃહ પ્રવેશ વખતે થયેલો એનાથી અનેક ઘણો આનંદ ફરીથી થયેલા ગૃહ પ્રવેશનો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational