purvi patel pk

Thriller

4.7  

purvi patel pk

Thriller

ગંગામા

ગંગામા

2 mins
345


એંશી વર્ષના ગંગામા. ગામમાં બધાના વ્હાલાં. બોખા મોઢે હસતા ગંગામા સૌના પ્રિય. પડોશમાં સવિતા અને ગોવિંદ તેમના દીકરા-વહુ સાથે રહે. બંને ગંગામાનું ધ્યાન રાખે. ઘણીવાર સવિતાની વહુ પૂછતી કે, 'હેં, બા, એમનો કોઈ પરિવાર નથી ?' સવિતા હસીને ટાળી દેતી. 

ગંગામા આજે થોડા ચૂપ હતા. સવિતાએ પૂછ્યું, 'મા, કેમ આજે બહુ ચૂપ છો ?' 

ગંગામા ખોખલું હસ્યા, "સવિતા, કાલે દેવઊઠી એકાદશી. દેવ ઊઠવાના ! હવે આ આયખું થાકયું છે. મારે સૂઈ જવું છે." 

"હાં, હાં, મા. સંધ્યા ટાણે આવું કવેણ !" 

"હું નહીં હોઉં ત્યારે, શું કરવાનું છે, તને ખબર છે ને ?".  

"હા, મા. ચિંતા ન કરો. પણ, તમે હજી સો વર્ષના થાશો. ચાલો, જમી લ્યો. કાલ તો પાછો નકોરડો..."

સવિતા ઘરે પાછી ફરી, એક અજંપા સાથે. સંધ્યા ટાણે બોલાયેલા શબ્દો સવિતાને અકળાવતા હતા. તેણે ભગવાનને બે હાથ જોડી તેણે પ્રાર્થના કરી.  

સવારે સવિતા વહેલી પરવારી. એનું મન અશાંત હતું. કંઈ ન સમજાતા, તે ગંગામાને ઘેર પહોંચી, જોયું તો ગંગામાં પથારીમાંથી ઊઠ્યા જ ન હતા. સવિતાને પાસે આવતી જોઈ ગંગામાએ જેમ તેમ હાથ ઊંચો કર્યો. "સ..વિ..તા.."

 ત્રુટક અવાજે બોલી ગંગામાએ એક ચાવી સવિતાના હાથમાં આપી, દેહ છોડી દીધો. બધાના વ્હાલાં ગંગામા ભગવાનને વ્હાલાં થઈ ગયા.  

સત્તરમાં દિવસે સવારમાં ગાડી આવીને ઘર આગળ ઊભી રહી. સવિતાએ ઘરની બહાર બે ખાટલા નંખાવી મોટરમાંથી ઉતરેલા સમીર, સોનલ અને તેના દસ વર્ષના દીકરા હર્ષને બેસાડ્યા.

"કાકી, આમ બહાર જ ? ઘરની ચાવી.. ને તમે બાના ગયાના આટલા દિવસ પછી મને જણાવ્યું ? આવું કેમ કર્યું ?" 

"બેસ. તારી બાની જ ઈચ્છા હતી. આ ચાવી મને આપી ગયા છે. સમીરનું મોઢું પડી ગયું. ગામલોકો અને સરપંચ પણ ત્યાં આવી ગયા. સવિતાએ ઘર ખોલ્યું. સમીર ઊભો થવા ગયો. સવિતાએ ફરી તેને રોક્યો.

"તારે ઘરમાં પગ નથી મૂકવાનો."  

સમીર ભોંઠો પડ્યો. સવિતાએ ઘરમાંથી પટારો બહાર લેવડાવ્યો. સરપંચની હાજરીમાં તાળું ખોલ્યું. અંદરથી સંબોધન વગરનો કાગળ નીકળ્યો.

'મારા પેટે કપાતર પાક્યો. હું છતાં દીકરાએ વાંઝણી રહી. દીકરો શહેરમાં તેના પરિવાર સાથે ખુશ છે, એ સારી વાત. પણ, મારી ભાળ સુદ્ધાં કાઢવાની તેને પરવા નથી. માની એને કશી પડી નથી. મારા અગ્નિદાહ અને ક્રિયાકર્મ બધું કરવાનો હક મને માની જેમ રાખનાર અને સાચવનાર ગોવિંદને મેં જ જીવતેજીવ આપેલો. હું આ ઘર-જમીન ગામની શાળાના ટ્રસ્ટને અને દર-દાગીના સવિતાને સોંપું છું. હું આ ગામની ઋણી છું. આ ગામે, મને એક વિધવાને, આજીવન પાળી છે. તો હું આ રીતે મારુ ઋણ ઉતારતી જાઉં છું.

ગોવિંદ, દીકરા. હવે એક છેલ્લું કામ. તું મારા અસ્થિફૂલને મારા ઘર અને જમીન પર વિખેરી દેજે. મારા આશીર્વાદનું 'પ્રેમરૂપી ઝરણું ' આ ગામમાં કાયમ માટે વહેતું અને લહેરાતું રહેશે. સૌને ગંગામાના, છેલ્લા જય શ્રી કૃષ્ણ.


Rate this content
Log in

Similar gujarati story from Thriller