Vrajlal Sapovadia

Comedy Drama

4.0  

Vrajlal Sapovadia

Comedy Drama

ગીલ્લી દંડાનો ગિનીઝ બુકમાં વિશ્વ રેકોર્ડ

ગીલ્લી દંડાનો ગિનીઝ બુકમાં વિશ્વ રેકોર્ડ

3 mins
207


ગામમાં આજ ઉત્સવ જેવું વાતાવરણ છે. ચારે કોર ઢોલ નગારાં વાગે છે. ગામે દુનિયાભરમાં નામ ગજાવ્યું છે. ગીલ્લી-દંડાની રમતમાં ગામનાં ખેલાડીઓએ કાઠું કાઢ્યું છે, નથી વિશ્વમાં એની તોલે આવે એવાં ખેલાડી કે નથી એવું મેદાન અને હા, મોઈ દાંડિયા ને ગબીની બાબતમાં તો વિકાસશીલ દેશોને પણ પછાડી દીધાં છે ! એટલે તો ગિનીઝ બુકની ટીમ પધારી છે. 

ગીલ્લી દંડાનાં વિવિધ રેકોર્ડની ખાતરી કરવાં અને નોંધવાં ગિનીઝ બુકની ટીમનાં સભ્યો ગામનાં આમંત્રણે અને ખર્ચે પધાર્યા છે. ખર્ચને પહોંચી વળવા ગામે ઘેર ઘેર ફાળો ઉઘરાવ્યો છે. ગામનાં ગરીબમાં ગરીબ વ્યક્તિએ પોતાની માલ મિલકત વેચી, ઉધાર ઉછીનાં પૈસા લાવી ફાળામાં આપ્યા છે. કેટલાકે તો પોતે ભૂખ્યા રહીને તો કેટલાકે વળી દર દાગીના તો ઠીક પણ લૂગડાં વેચીને ફાળો આપ્યો છે. કેટલાકે પોતાનાં બાળ બચ્ચાને નિશાળેથી ઉઠાડી મેલ્યાં છે. ગામનું નામ વિશ્વ રેકોર્ડથી ગાજી ઊઠે પછી ભણવાની શું જરૂર છે ? બધાંને ગામની સિદ્ધિ ગિનીઝ બુકમાં નોંધાય તેનું ગૌરવ છે. 

વેદિયા ઇતિહાસકારો અને વિવેચકોએ વાંધો ઉઠાવ્યો છે કે દુનિયામાં બીજે ક્યાંય ગીલ્લી-દંડાની રમત રમાતી નથી તો વિશ્વ રેકોર્ડ કેવો ને વાત કેવી ? ગામનાં શાસ્ત્રોક્ત જાણકારોએ સ્થાનિક નેતાની મદદથી સાબિત કરી બતાવ્યું કે ઘણાં દેશ મોઈ દાંડિયાની રમત રમે છે પણ ક્યારેય સ્પર્ધા જીતતાં નથી એટલે ગભરાઈને મેદાન છોડી જતાં રહ્યાં છે. ગિનીઝ બૂકની ટીમની સુકાની મિસિસ કેટીએ ઇતિહાસકારો અને વિવેચકોના વાંધાને ફગાવી દીધો છે. મિસિસ કેટી પોતે પણ કેટલાય ગિનીઝ રેકોર્ડની માલિક છે. સૌથી ટૂંકા વસ્ત્ર પહેરવામાં એણે એનો પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે. એક મીટર કાપડમાંથી એ આઠ ડ્રેસ સીવડાવીને પહેરે છે. દુનિયામાં પાતળામાં પાતળી કમ્મર હોવાનો રેકોર્ડ પણ મિસિસ કેટીનાં નામે છે. 45 કિલો વજન હોવા છતાં ગયા વરસે બેરિયાટ્રિક સર્જરી કરાવી કમ્મર માત્ર ત્રણ ઇંચ કરાવી દીધી, જેથી કોઈ હેરોઇન તો ઠીક પણ ભૂખ્યે પેટ ગરીબડો એનો રેકોર્ડ ઝૂંટવી ના જાય. 

આ ગામની ગીલ્લી-દંડાની ગબી દુનિયામાં સૌથી ઊંડી, લાંબી અને પહોળી છે. ગિનીઝ બુક રેકોર્ડ નોંધતી ટીમે દરેક પાસાનું ઝીણવટ ભરી રીતે સેટેલાઇટની મદદથી માપ લીધું અને ખાતરી કરી ખરેખર આવડી વિશાળ ગબી દુનિયાભરમાં ક્યાંય નથી. ગિલ્લીનું માપ માત્ર 1 મીલીમીટર અને દાંડિયાનું માપ અડધો મીલીમીટર છે એની ચોકસાઈ કરી. દુનિયામાં ક્યાંય આટલી નાની ગીલ્લી કે દાંડિયો જોવા મળ્યો નથી. 

ગિનીઝ બુક રેકોર્ડ નોંધતી ટીમે ખાસ શણગારેલા સામિયાણામાં સ્થાન લીધું. સામે ગામનાં સજ્જનો અને સન્નારીઓ બેઠાં. ટીમ એક પછી એક જાહેરાત કરતી જાય છે. ગામનાં લોકો તાળીઓના ગડગડાટથી વાતને વધાવી લ્યે છે. મિસિસ કેટીનું મોં ઝંખવાણુ પડી જાય છે. એને મનમાં ડર બેસી ગયો કે ઓછામાં ઓછા બે રેકોર્ડ તો આ ગામનાં કેટલાયે ગરીબડા છીનવી જશે. 

અને સાચે જ સભા મંડપમાં સન્નાટો વ્યાપી ગયો. એક છોકરી જે ભૂખ્યા પેટે ઊભા થવા સક્ષમ નહોતી એણે હાથને ઈશારે પોતાની બે ઇંચ કમ્મર બતાવી. ને એટલામાં તો ગામનો એક નવજુવાન બેઠા બેઠા બરાડા નાખી કૈંક કહેતો હતો. ગામનાં મુખીએ ઠપકો આપી ઊભા થવા કહ્યું, પણ પેલો શરમનો માર્યો ઊભો નહોતો થતો. એને બાજુવાળા ભાઈને કહ્યું કે અમારે તો એક મીટર કાપડ લેવાનો બે વરસથી વેંત જ નથી ખાધો એટલે અર્ધા મીટરમાં આઠ જણાએ લેંઘા સીવડાવ્યા છે ને પહેરણ તો ચાર વરસથી સીવડાવ્યું કે પહેર્યું જ નથી. 

ને મિસિસ કેટીના બે રેકોર્ડ છીનવાય ગયા તો ગામના નામે અનાયાસે બીજા બે રેકોર્ડ નોંધાઈ ગયાં. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy